ગૌતમ બુદ્ધનાં પાલકમાતા ગૌતમી | Gautam Buddha Mata Gautami vise mahiti

ગૌતમી, એ રાજા શુદ્ધોધનની બીજાં મહારાણી બન્યાં હતાં અને રાજકુમાર સિદ્ધાર્થના લાલન-પાલનની જવાબદારી વહન કરીને, માસીમાંથી માતૃપદ નિભાવેલું.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Gautam Buddha Mata Gautami vise mahiti
 
ભગવાન બુદ્ધનું મૂળનામ સિદ્ધાર્થ રાજકુમાર હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાવતી હતું. આ માયાવતીની નાની બહેનનું નામ ગૌતમી હતું. સિદ્ધાર્થનો જન્મ નેપાળની તળેટીમાં આવેલા લુમ્બિની નામના વનમાં રસ્તામાં જ થયો હતો અને સિદ્ધાર્થના જન્મ થયાના સાતમા દિવસે જ તેમની માતા મહારાણી માયાવતીનું દુઃખદ અવસાન થતાં સિદ્ધાર્થના ઉછેરની, સંસ્કાર-ઘડતરની અને તેની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી માયાવતીની નાની બહેન ગૌતમી પર આવી પડી. આથી એ જવાબદારી વહન કરવા માટે ગૌતમીને રાજા શુદ્ધોધન સાથે લગ્ન કરવું પડેલું! આમ, ગૌતમી, એ રાજા શુદ્ધોધનની બીજાં મહારાણી બન્યાં હતાં અને રાજકુમાર સિદ્ધાર્થના લાલન-પાલનની જવાબદારી વહન કરીને, માસીમાંથી માતૃપદ નિભાવેલું.
 
વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ સિદ્ધાર્થ ગૌતમ `બુદ્ધ' બન્યા. બોધિપદ પ્રાપ્ત કર્યા પછી, થોડાક સમય બાદ, જ્યારે ગૌતમ બુદ્ધ કપિલવસ્તુ નગરીમાં પાછા આવ્યા ત્યારે રાજા શુદ્ધોધને તેમના ઉપદેશ-વચનો સાંભળીને તેમની પાસે સંસાર-વૈભવ ત્યાગીને દીક્ષા લઈ લીધી અને તેમણે પોતાના નિર્વાણપથ પર વિચરવાનું આરંભી દીધું. નંદ અને રાહુલ (ભગવાન બુદ્ધના સંસારી પુત્ર) પણ દીક્ષા લઈને, બૌદ્ધ ભિખ્ખુ બની ગયા.
 
રાજા શુદ્ધોધનના મૃત્યુ બાદ શાક્યો અને કોલિયો એ બન્ને પ્રજા વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધોમાં સેંકડો લોકો મરાયા. એ પુરુષોની ૫૦૦ વિધવા બનેલી સ્ત્રીઓ ગૌતમ બુદ્ધ પાસે પહોંચી, જેનું નેતૃત્વ ગૌતમીએ લીધું હતું. તે પણ ભગવાં વસ્ત્રો ધારણ કરી, મસ્તકે વાળ કઢાવી નાખીને મુંડન કરાવી, ભગવાન બુદ્ધ પાસે આવી પહોંચી. તેમને સાધ્વી તરીકે ભિખ્ખુણીના રૂપમાં બૌદ્ધ `સંઘ'માં સ્વીકાર કરવો પડ્યો. નિર્વાણપદ પ્રાપ્ત કરનારાં ભિખ્ખુણી ગૌતમી સર્વપ્રથમ હતાં. ગૌતમ બુદ્ધે તેમને ગૌરવ બક્ષ્યું. `થેરી ગાથા' ગ્રંથોમાં તેમણે `બુદ્ધસ્તુતિ'માં ઘણાં કાવ્યો રચેલાં જોવા મળે છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...