ઇન્દ્રનાં ધર્મપત્ની શચિ | Indra na patni shachi vishe mahiti

શચિના સ્નેહભર્યા આ રેશમી દોરાઓ પૂરતા શક્તિશાળી હતા, કેમ કે તેમની સાથે પ્રેમપૂર્ણ પવિત્રતા અને તીવ્ર ઇચ્છાશક્તિ જોડાયેલી હતી.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Indra na patni shachi vishe mahiti
 
 
ઋગ્વેદમાં ઘણાં સૂક્તો (ઋચાઓ) એવો છે કે, જે શચિ દ્વારા ઉજાગર કરાયાં છે. શચિએ તેના બાળપણ (શૈશવ)માં ભગવાન શંકરની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ને તેનું લક્ષ ઇન્દ્રને પતિરૂપે પ્રાપ્ત કરવાનું હતું, જે તેને ફળ્યું હતું.
 
શચિ એ દેવોના રાજા ઇન્દ્રનાં પત્ની હતાં. તેઓ આદિશક્તિની એક કલા-ધરિત્રી અને ભગવતી દેવી તરીકે પૂજાય છે. તેઓ સ્વયંવરની અધિષ્ઠાત્રી દેવી પણ છે, તેથી જ જ્યારે જ્યારે કોઈ વયસ્ક કન્યાનો સ્વયંવર તેમનાં માતાપિતા દ્વારા યોજાય છે, ત્યારે ત્યારે દેવી શચિનું સૌ પ્રથમ વિધિપૂર્વક આહ્વાન અને પૂજન કરાય છે. તે પતિવ્રતાઓમાં શ્રેષ્ઠતમ્‌‍ મનાય છે. ઋગ્વેદમાં ઘણાં સૂક્તો (ઋચાઓ) એવાં છે કે, જે શચિ દ્વારા ઉજાગર કરાયાં છે. શચિએ તેમના બાળપણ (શૈશવ)માં ભગવાન શંકરની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ને તેમનું લક્ષ ઇન્દ્રને પતિરૂપે પ્રાપ્ત કરવાનું હતું, જે તેમને ફળ્યું હતું.
 
ઇન્દ્ર ભગવાન જ્યારે મુશ્કેલીમાં મુકાયા, ત્યારે દેવગુરુ બૃહસ્પતિના ઉપદેશ અનુસાર ભુવનેશ્વરી દેવીના મંત્રની સાધના પણ શચિએ કરી હતી. આમ, તેમની તપશ્ચર્યાના બળથી તેમજ પોતાના `સતીત્વ'ની ક્ષમતાથી ઇન્દ્ર મહારાજનું તેમણે રક્ષણ કર્યું હતું. આ સંદર્ભમાં નહુષની વાર્તા પ્રચલિત છે.
 
એકવખત નહુષ રાજાએ ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું અને ઇન્દ્રનું સઘળું રાજ્ય પણ નહુષનું થઈ ગયું, એ તો ઠીક પણ નહુષની માગણી તો એવી હતી કે, નિયમાનુસાર ઇન્દ્રની પત્ની શચિ પણ તેમની પત્ની બનવી જોઈએ, એવી અભિલાષા તેમના મનમાં તીવ્ર બની. આથી નહુષે ઇન્દ્રપત્ની શચિને સંદેશો મોકલ્યો કે, `તારે હવે મારે આધીન જ બનવું જોઈએ, કેમ કે તારો પતિ ઇન્દ્ર સઘળું ગુમાવી હારી ગયો છે.'
 
નહુષનો આવો વિચિત્ર સંદેશો વાંચીને શચિ ખૂબ જ ચિંતાતુર બની ગયાં! `શું મારે એક ભવમાં બે પતિ કરવા પડશે?'
આમ વિચારીને તેમણે દેવોની સભા સમક્ષ પોતાના શીલ-ચારિત્ર્યના રક્ષણની રજૂઆત કરી, પરંતુ હારેલા દેવોએ તેમના ચારિત્ર્યનું રક્ષણ કરવા બાબતે પોતાની લાચારી અને નિર્બળતા વ્યક્ત કરી. આથી છેવટે તેમણે નહુષ રાજાને પ્રત્યુત્તર પાઠવ્યો કે, `હું તમારે આધીન થવા તૈયાર છું, પરંતુ એ પહેલાં તમે મારી પાસે, એક અસાધારણ વાહનમાં બેસીને આવો અને એ વાહન ઋષિમુનિઓ દ્વારા દોરવામાં (ખેંચવામાં) આવ્યું હોય!'
 
પ્રત્યુત્તર વાંચીને નહુષ રાજા તો ખૂબ ખુશ થઈ ગયો. તેમણે શચિને લાવવા માટે, એક શણગારેલી પાલખી તૈયાર કરી, જેને ખેંચનારા/ઉપાડનારા ઋષિમુનિઓ (૧) અગસ્ત્ય અને (૨) દુર્વાસા હતા. નહુષ રાજાને તો શચિની પાસે પહોંચવું હતું, તેણે તેમને ઝડપથી દોડાવવા માટે વાહક ઋષિમુનિઓને ચાબૂકથી ફટકારવા માંડ્યા! વળી, થાક્યા વગર ઝડપથી પાલખી ખેંચીને / ઉપાડીને દોડવાનો તેમની પાસે આગ્રહ રાખ્યો. બીજી તરફ વાહકો બનનાર ઋષિમુનિઓ ખૂબ દુઃખી થયા તેમજ ક્રોધે ભરાયા! અગસ્ત્ય મુનિએ તો સંયમ ત્યાગીને નહુષ રાજાને એવો શાપ આપ્યો કે, `હે નહુષ! તપસ્વી ઋષિમુનિઓને મારનાર અને તેમને અપમાનિત કરનાર તું થોડાક જ સમયમાં ઇન્દ્રપદને ગુમાવીશ.' આવી અભિશાપભરી વાણીનો પ્રભાવ એવો પડ્યો કે, નહુષ ઇન્દ્રપદ પરથી ઊતરી પડ્યો! ઇન્દ્રાણી શચિએ આ રીતે સમાજના લોકો અને શાસકોને જાગૃત કરી, પોતાની સુરક્ષા કરી લીધી.
 
ઇન્દ્ર મહારાજા જ્યારે જ્યારે દાનવોની સામે યુદ્ધ લડવા જતા હતા, ત્યારે ત્યારે શચિ તેમના જમણા કાંડા ઉપર રેશમી દોરો રક્ષણને માટે બાંધતાં હતાં. શચિના સ્નેહભર્યા આ રેશમી દોરાઓ પૂરતા શક્તિશાળી હતા, કેમ કે તેમની સાથે પ્રેમપૂર્ણ પવિત્રતા અને તીવ્ર ઇચ્છાશક્તિ જોડાયેલી હતી.
 
આમ કુશળતાપૂર્વક પોતાનાં સીલ અને સન્માનનું રક્ષણ કરનારા શચિને સ્વયંવરનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે યાદ કરાય છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...