યાજ્ઞવલ્કય જેવા મહાજ્ઞાનીની પરીક્ષા કરનારાં વિદુષી ગાર્ગી | Vidushi Gargi vishe mahiti

ગાર્ગી જેવી ભારતવર્ષની વિદુષી કુમારિકા માટે કોઈપણ દેશ ગર્વ લઈ શકે.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Vidushi Gargi
 
 
 
યાજ્ઞવલ્કય જેવા મહાજ્ઞાનીની પરીક્ષા કરનારાં વિદુષી ગાર્ગી | Vidushi Gargi vishe mahiti
 
 
ગાર્ગીએ પરબ્રહ્મ સંબંધી બે મહત્ત્વના પ્રશ્નો યાજ્ઞવલ્ક્યને કર્યા. આ બંને પ્રશ્નોના યાજ્ઞવલ્ક્યે ઉચિત ઉત્તરો આપ્યા.
 
વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ સુખ્યાત છે. ગાર્ગી જેવાં વિદુષી હતાં તેવી જ તેજસ્વીની અને ભરસભામાં માર્ગ મુકાવે તેવી પ્રતિભાશાળી સ્ત્રી હતાં.
 
ગાર્ગીનું પિતાનું નામ વાચકનુ હતું, એટલે તે વાચકનવી તરીકે પણ ઓળખાય છે. ગર્ગ ગોત્રમાં તે જન્મ્યા હતાં, એટલે તે ગાર્ગી તરીકે પણ ઓળખાય છે. વાચકનવી કરતાં ગાર્ગી નામથી તે વધુ જાણીતાં થયાં હતાં.
 
રાજા જનક-જનક વિદેહી બહુ વિદ્યાવ્યાસંગી અને સત્સંગી હતા. તેમના દરબારમાં કોઈ ને કોઈ વિષય ઉપર શાસ્ત્રાર્થ થયા જ કરતો હતો.
 
રાજા જનક વિધવિધ પ્રકારના યજ્ઞો પણ કરાવતા હતા. આવા યજ્ઞોમાં દેશભરના વિદ્વાનો એકત્ર થતા અને જ્ઞાનચર્ચા ચાલતી. એક વાર જનકે બહુ મોટો જ્ઞાનયજ્ઞ આરંભ્યો. તેમાં ભાગ લેવા પોતાના દેશના તેમજ આજુબાજુના બીજા પ્રદેશોના અનેક વિદ્વાન બ્રાહ્મણો એકત્રિત થયા હતા.
 
આટલી મોટી સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણોને એકત્રિત થયેલા જોઈ સ્વાભાવિક રીતે જ રાજા જનકને થયું કે, બ્રહ્મ (બ્રહ્મતત્ત્વ) જાણે તે બ્રાહ્મણ. લાવોને જોઈએ તો ખરા આટલા બધા વિદ્વાન બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા કોણ છે? જે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા ઠરે તેને હું સોનાથી મઢેલાં શીંગડાંવાળી ઉત્તમ જાતની એક હજાર ગાયો ભેટ આપીશ.
 
રાજાની આ જાહેરાત પ્રમાણે કોઈ બ્રાહ્મણ પોતાને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પુરવાર કરીને એ હજાર ગાયો હાંકી જવાની હિંમત કરતો નહોતો. સૌને પોતાની એવી યોગ્યતા વિશે શંકા હતી.
 
પરંતુ આ બધા બ્રાહ્મણોમાં યાજ્ઞવલ્કય નામના એક બ્રાહ્મણ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તેમણે પોતાના પટ્ટ બ્રહ્મચારીને ગાયોને દોરી જવા માટે આજ્ઞા કરી. ગુરુનો આદેશ માથે ચડાવીને બ્રહ્મચારી ઊઠ્યો અને ગાયોને દોરી જવા લાગ્યો.
આથી ત્યાં ઉપસ્થિત થયેલા સૌ બ્રાહ્મણો ખળભળી ઊઠ્યા. તેમાં રાજા જનક વિદેહીના અશ્વલ નામના મુખ્ય હોતાએ (હોમ કરનાર બ્રાહ્મણે) અધીર બનીને યાજ્ઞવલ્ક્યને સીધો જ પ્રશ્ન કર્યોઃ
 
યાજ્ઞવલ્ક્યજી, શું અહીં એકત્ર થયેલા સૌ બ્રાહ્મણોમાં તમે જ શ્રેષ્ઠ છો? તમારા કરતાં વધુ બ્રહ્મવેત્તા કોઈ છે જ નહીં? ઊભા રહો, ગાયો દોરી જતાં પહેલાં તમારે તમારી આ વાત સાબિત કરી બતાવવી પડશે.
 
યાજ્ઞવલ્ક્યે જવાબમાં અત્યંત નમ્રતા સાથે કહ્યું, `ભાઈઓ, અહીં ઉપસ્થિત થયેલા સૌ બ્રાહ્મણોમાં હું સર્વશ્રેષ્ઠ છું એવો મારો દાવો નથી. પરંતુ મારા આશ્રમમાં ગાયોની ખૂબ જરૂર છે. મારા બ્રહ્મચારીઓ બિચારા પૂરું દૂધ પણ પામતા નથી. એટલે આ ગાયોને દોરી જવાની મેં હિંમત કરી છે. આમ છતાં હું શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા હોવાના સંબંધમાં તમારે સૌને શાસ્ત્રાર્થ કરવો હોય તો તેની પણ મને ના નથી. હું યથાશક્તિ-યથામતિ તમારા પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીશ.'
 
યાજ્ઞવલ્ક્યનો આવો ઉત્તર સાંભળી, જે જે બ્રાહ્મણોને યાજ્ઞવલ્ક્યની શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યાની ખાતરી કરવી હતી તેઓ વારાફરતી ઊઠ્યા અને યાજ્ઞવલ્ક્યને એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા. સૌ પ્રથમ રાજા જનક વિદેહીના હોતા - અશ્વલે જ યાજ્ઞવલ્ક્યને ચૂંટી ચૂંટીને કેટલાયે પ્રશ્નો પૂછ્યા. પરંતુ એ બધાયે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપીને યાજ્ઞવલ્ક્યે તેને બેસાડી દીધા. અશ્વલ પછી જરત્કારુ ગોત્રમાં જન્મેલા આર્તભાગે પ્રશ્નો પૂછવા માંડ્યા. તેમને પણ યથાર્થ જવાબ મળ્યા. એ પછી સામે આવ્યા મહાપંડિતા ગાર્ગી. આ વખતે સૌને થયું કે, `મહાપંડિતા ગાર્ગીના પ્રશ્નોના જો સંતોષકારક જવાબો મળે તો સમજવું કે યાજ્ઞવલ્ક્ય સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેતા ખરા.'
 
ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને અધ્યાત્મને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાંના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો આ પ્રમાણે છેઃ
 
ગાર્ગીએ પૂછ્યુંઃ `ભગવન, દુનિયામાં આ બધા જે પાર્થિવ પદાર્થો છે, તે સૌ શામાં ઓતપ્રોત છે?'
 
યાજ્ઞવલ્ક્યે કહ્યુંઃ `જળમાં.'
 
`તો પછી જળ શામાં ઓતપ્રોત છે?'
 
`જળ વાયુમાં ઓતપ્રોત છે'
 
આ પ્રકારે, એક પછી એક વાયુ, આકાશ, અંતરિક્ષ, ગંધર્વલોક, આદિત્યલોક, ચંદ્રલોક, નક્ષત્રલોક, દેવલોક, ઇન્દ્રલોક અને પ્રજાપતિલોક વિશે પ્રશ્નોત્તરી થયા પછી ગાર્ગીએ પૂછ્યું, `ત્યારે બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે?'
 
ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું, `ગાર્ગી! તમારો આ પ્રશ્ન મર્યાદા બહારનો છે, કારણ કે તમામ પદાર્થો બ્રહ્મમાં સમાયેલા છે. બ્રહ્મથી અધિક કોઈ વસ્તુ નથી. તમારું જ્ઞાન અને તમારો આત્મા પણ એ બ્રહ્મમાં સમાયેલાં છે. તેથી હવે તમે જો આગળ પ્રશ્ન પૂછશો તો તમારું મસ્તક તૂટી પડશે. (અર્થાત્‌‍ એક પછી એક દરેક વસ્તુ શામાં રહેલી છે એમ પૂછવા જતાં એ પ્રશ્નનો કોઈ છેડો જ નહીં રહે અને તમારું જ્ઞાન-જ્ઞાનરૂપ મસ્તક નિરાધાર બની જશે.) તેથી બ્રહ્મ જ સર્વનો આશ્રય હોઈ બ્રહ્મ શામાં રહેલું છે એવો બ્રહ્મથી આગળનો પ્રશ્ન તમારાથી થઈ શકે નહીં.'
 
ગાર્ગી પોતે વિદુષી હતાં. તેમને પોતાને પણ યાજ્ઞવલ્ક્યની વિદ્વત્તા માટે માન ઊપજ્યું હતું અને તે પછી તેણે પ્રશ્નો પૂછવાનું વિનયપૂર્વક મોકૂફ રાખ્યું.
 
ગાર્ગીના બેસી ગયા પછી બીજા કેટલાય વિદ્વાનોએ પ્રશ્નો કર્યા. તેમને સૌને યાજ્ઞવલ્કયે યથાર્થ ઉત્તરો આપીને સંતોષ્યા.
સૌના પ્રશ્નો થઈ રહ્યા પછી, સૌએ ગાર્ગી તરફ મીટ માંડી, સૌ એકમતે બોલી ઊઠ્યા, `ગાર્ગી હવે તમારે છેવટના જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લો. અને યાજ્ઞવલ્ક્યના શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા સંબંધી તમે જ તમારો અભિપ્રાય ઉચ્ચારો. તમારો અભિપ્રાય અમને સૌને માન્ય રહેશે.'
 
સૌની વિનંતીને માન આપીને ગાર્ગી ફરી ઊભા થયા અને બોલ્યા કે, `માન્યવરો, આપણે આ જે પ્રદેશમાં એકત્ર થયાં છીએ તેમાં ક્ષત્રિયો માટે એક નિયમ હોય છે. તે એ કે અહીંનો ક્ષત્રિય માત્ર બે તીર જ પોતાના ભાથામાં રાખે છે. એ બે તીરોથી જો તે તેના હરીફને વીંધી શકે તો ઠીક, નહીં તો પછી તે પોતાનો પરાજય સ્વીકારે છે. એ જ રીતે હું પણ મહાવિદ્વાન એવા યાજ્ઞવલ્ક્યને છેવટના બે પ્રશ્નો જ પૂછીશ. એ બે પ્રશ્નોના જો તે સંતોષકારક જવાબો આપી શકશે, તો આપણે સૌ તેમને અહીં એકત્ર થયેલા બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા જાહેર કરીશું અને જનક રાજાએ દાન દેવા કાઢેલી હજાર ગાયોના સાચા હક્કદાર ગણીશું.'
 
આમ કહીને ગાર્ગીએ પરબ્રહ્મ સંબંધી બે મહત્ત્વના પ્રશ્નો યાજ્ઞવલ્ક્યને કર્યા. આ બંને પ્રશ્નોના યાજ્ઞવલ્ક્યે ઉચિત ઉત્તરો આપ્યા. એટલે ગાર્ગીએ યાજ્ઞવલ્ક્ય શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે. એવો પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. ગાર્ગી એ અભિપ્રાય સૌએ એકી અવાજે વધાવી લીધો.
 
ગાર્ગી જેવી ભારતવર્ષની વિદુષી કુમારિકા માટે કોઈપણ દેશ ગર્વ લઈ શકે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...