દક્ષકન્યા સતી | Daksh Kanya Sati

ગંગાકિનારે જે સ્થાને સતીએ પોતાનો દેહ છોડ્યો હતો, તે આજે પણ `સૈનિક તીર્થ"ના તીર્થધામ તરીકે ઓળખાય છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Daksh Kanya Sati 
 
 
દક્ષકન્યા સતી | Daksh Kanya Sati
 
 
પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ હતી, તેમાં સૌથીનાની કન્યા તે આ સતી. આ સતીને પહેલેથી જ શંકર ભગવાન પ્રત્યે આકર્ષણ હતું અને તેઓ તેમની સેવા-પૂજા કરતાં હતાં.
 
પતિવ્રતા સ્ત્રીઓમાં સૌથી અગ્રસ્થાને જો કોઈ વિરાજતું હોય તો તે દક્ષ પ્રજાપતિનાં કન્યા સતી. અરે, પતિવ્રતા સ્ત્રીઓ `સતી' નામે જે ઓળખાય છે તે `સતી' શબ્દ આ દક્ષકન્યા `સતી'ના નામ પરથી જ વપરાતો થયો છે, અને દક્ષકન્યા સતીએ જે પતિવ્રતાધર્મ પાળ્યો તે જ સતીધર્મના નામે પ્રચલિત બન્યો છે.
 
પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ હતી, તેમાં સૌથી નાની કન્યા તે આ સતી. આ સતીને પહેલેથી જ શંકર ભગવાન પ્રત્યે આકર્ષણ હતું અને તેઓ તેમની સેવા-પૂજા કરતાં હતાં.
 
બીજી બાજુ અસુરોના વિનાશ માટે બ્રહ્મા આદિ દેવતાઓ ભગવાન શંકરને લગ્ન કરવા માટે વીનવી રહ્યા હતા. દેવતાઓની વાજબી માગણીને માન આપીને ભગવાન શંકરે તેમાં પોતાની અનુમતી આપી અને પોતાને માટે યોગ્ય કન્યા શોધવાનું તેમને કહ્યું. બ્રહ્માએ તરત જ ભગવાન શંકરને કહ્યું, `પ્રભુ, દક્ષ પ્રજાપતિની કન્યા સતી આપને પતિરૂપે પામવા માટે ઉગ્ર તપ કરી રહ્યાં છે. વળી તેઓ આપને સર્વ રીતે યોગ્ય પણ છે.'
 
ભગવાન શંકર લગ્ન માટે અનુમતિ આપી અને લગ્ન ગોઠવાયા. ભગવાન શંકર પોતાના એ જ રંગીભંગી વેશમાં દક્ષ પ્રજાપતિએ તૈયાર કરેલા ભવ્ય લગ્નમંડપમાં આવી પહોંચ્યા, એથી દક્ષ પ્રજાપતિને ઘણો ક્ષોભ થયો, પરંતુ વખત વિચારી એ તત્કાળ શાંત રહી ગયા અને સતીનાં લગ્ન ભગવાન શંકર સાથે વિધિપૂર્વક થવા દીધું.
 
સતીનાં લગ્ન થયા પછી થોડાં જ વર્ષોમાં દક્ષ પ્રજાપતિ અને ભગવાન શંકર - સસરા -જમાઈ વચ્ચે ખટરાગ થયો. પ્રજાપતિની ગાદી પર આવ્યા પછી દક્ષ પ્રજાપતિને બહુ અભિમાન આવી ગયું હતું. તે પોતાને બહુ મોટા માનવા લાગ્યા હતાં. ભગવાન શંકર જેવા રંગીભંગી જમાઈને જોઈને તેમને એક પ્રકારની સૂગ આવતી હતી.
 
એવામાં એક પ્રસંગ બન્યો. પ્રજાપતિઓએ હજાર વર્ષ ચાલે એવો મોટો યજ્ઞ આરંભ્યો હતો. આ યજ્ઞમાં મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિ આદિ દેવો પણ પોતપોતાના અનુયાયીઓ સાથે પધાર્યા હતા. બ્રહ્મા અને ભગવાન શંકરે પણ એમાં હાજરી આપી હતી. એવામાં દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. દક્ષ પ્રજાપતિનું સ્વાગત કરવા અને એને સારું લગાડવા ત્યાં ઉપસ્થિત થયેલા સૌ એકદમ ઊભા થઈ ગયા, માત્ર બે જ જણે ઊભા થઈને તેમને માન આપ્યું નહીં. એ હતા બ્રહ્મા અને ભગવાન શંકર.
 
તેથી દક્ષ પ્રજાપતિને બહુ ખોટું લાગ્યું. ભગવાન શંકર પ્રત્યે તેમનો રોષ ભભૂકી ઊઠ્યો. તેમને થયુંઃ બ્રહ્મા મારા માનમાં ઊભા ન થયા, એનું મને કંઈ દુઃખ નથી, કેમ કે તેઓ તો મારા પિતા છે, પરંતુ આ શંકર તો મારા જમાઈ થાય, બ્રહ્માના કહેવાથી તેમને મેં કન્યા આપી, ત્યારે ઊલટું, ભરસભામાં મારું જ તેમણે અપમાન કર્યું?
 
એ વખતે સસરા-જમાઈ વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. દક્ષ પ્રજાપતિ પોતે અભિમાની હતા. જ્યારે સરળ સ્વભાવના અને પોતાની શક્તિ પર આધાર રાખનાર શિવને એની કંઈ પડી નહોતી. એ વખતે દક્ષ પ્રજાપતિએ સૌના દેખતાં ભગવાન શંકરની ખૂબ નિંદા કરી અને તેમને અનેક રીતે ઉતારી પાડ્યા. આમ છતાં સૌજન્યમૂર્તિ શિવ કંઈ પણ સામો જવાબ આપ્યા વિના ચૂપચાપ પોતાના આવાસે ચાલ્યા આવ્યા.
 
દક્ષ પ્રજાપતિ ભગવાન શંકર પ્રત્યે ખૂબ જ રોષ રાખવા લાગ્યા હતા. એટલું જ નહીં, પણ ભગવાન શંકર સાથે સહેજ પણ સંબંધ રાખનારનો તે દ્વેષ કરવા લાગ્યા, અરે, પોતાનાં પુત્રી સતી સાથે પણ બોલચાલનો વ્યવહાર તેમણે બંધ કર્યો, પરિણામે સતીને પિયર તજવું પડ્યું.
 
આ જ અરસામાં તે પ્રજાપતિઓના નેતા બન્યા હતા. એટલે ભગવાન શંકર પ્રત્યે વેર વાળવાનું તેમને સારું સાધન મળી ગયું. તેમણે વાજપેય યજ્ઞ કર્યો અને તેમાં તેમણે શંકરને આમંત્રણ સુધ્ધાં ન મોકલ્યું.
 
આ પછી દક્ષ પ્રજાપતિએ `બૃહસ્પતિસવ' નામનો એક બીજો યજ્ઞ ઘણી ધામધૂમથી કરવાનું નક્કી કર્યું. તેનો દિવસ નક્કી કરીને સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. પણ ભગવાન શંકરને નિમંત્રણ ના આપ્યું.
 
દક્ષ પ્રજાપતિ ગમે તેવા તોયે સતીના પિતા હતા. પિતાના આંગણે યજ્ઞ મંડાયાની વાત સાંભળીને પુત્રીને સ્વાભાવિક હર્ષ થયો. તેમણે પિતાના એ યજ્ઞમાં જવા માટે ઉમળકો દર્શાવ્યો.
 
ભગવાન શંકરે સતીને તેમના પિતાના યજ્ઞમાં વિના નિમંત્રણે ન જવા માટે ઘણું ઘણું સમજાવ્યાં, પરંતુ સ્ત્રીસ્વભાવ અનુસાર સતીનો જીવ ઝાલ્યો રહ્યો નહીં, તેમને પોતાના પિયરિયાં ખૂબ જ સાંભળી આવ્યાં હતાં. ભગવાન શંકરે નકારો કર્યો, એટલે તે પોશ પોશ આંસુએ રોવા લાગ્યાં. પછી તો ભગવાન શંકરે મને-કમને સતીને રજા આપી અને પોતાના કેટલાક ખાસ પાર્ષદો સાથે તેમને પિયર મોકલી આપ્યાં. પણ શિવ પોતે તો દક્ષ પ્રજાપતિના એ યજ્ઞમાં ન જ ગયા.
 
સતી પોતાના માણસો સાથે ગંગાકિનારે ખાસ ખડી કરાયેલી દક્ષ પ્રજાપતિની યજ્ઞશાળામાં પહોંચ્યાં. પોતાનું પુત્રી સતીને દક્ષ પ્રજાપતિએ આટલા લાંબા ગાળે જોઈ તો પણ એ અભિમાની પિતાએ તેમને બોલાવ્યા પણ નહીં.
 
આ યજ્ઞમાં સતીના દેખતાં જ ભગવાન શંકરને તેમના હક્કનો ભાગ ન આપીને તેમનું ઘોર અપમાન કરવામાં આવ્યું. પોતાના અપમાન કરતાં પણ પોતાના સમર્થ પતિનું આ રીતે કરાયેલું ઘોર અપમાન સતીને ખૂબ જ વધારે પ્રમાણમાં સાલ્યું. તેમને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ રોષ ચડ્યો, ક્રોધમાં તેમની આંખો એવી લાલચોળ થઈ ગઈ, જાણે તે હમણાં જ સર્વ જગતને ભસ્મીભૂત કરી નાખશે. પોતાના સ્વામીની પત્નીનો આવો રોષ સતીની સાથે આવેલા શિવજીના પાર્ષદો પણ કળી ગયા અને તેઓ પોતે દક્ષ પ્રજાપતિને આનો બરાબર દંડ દેવા માટે તત્પર બની ગયાં, પરંતુ સતીએ તેમને તેમ કરતાં વાર્યા અને ત્યાં હાજર થયેલા સૌના દેખતાં સતીએ પોતાના ગર્વિષ્ઠ પિતાને સંભળાવ્યુંઃ
 
`પિતાજી, શંકર મારા સ્વામી અને આપના જમાઈ છે. ભગવાન શંકર સૌના પ્રિય આત્મા છે. તેમનાથી વધે એવું આ દુનિયામાં બીજું કોઈ નથી. તેમને તો કોઈ વહાલું કે દવલું નથી. તેઓ તો સર્વરૂપ છે. એટલે તેમને કોઈના પ્રત્યે વેર કે વિરોધ છે જ નહીં. આવા અજાતશત્રુ પ્રત્યે તમારા સિવાય બીજું કોણ વિરોધ દાખવે? તમારા જેવા લોકો જ બીજાના સદ્ગુણોને દેખી શકતા નથી. જે બીજાના રાઈ જેવા ગુણ પણ પહાડ જેવા ગણે છે તે જ મહાપુરુષ છે. મારા સમર્થ સ્વામી ભગવાન શંકર આવા જ એક મહાપુરુષ છે. આવા મહાપુરુષમાં પણ તમે દોષ જોવા માંડ્યા છો. જે દુષ્ટ માણસ આ મુડદાલ દેહને જ આત્મા માને છે તે હંમેશા ઈર્ષ્યાવશ બનીને મહાત્માજનોની નિંદા કરે છે, પરંતુ મહાત્માઓની ચરણરજ આવા નિંદાખોર પાપીઓના તેજનો નાશ કરવા સમર્થ હોય છે. જેમનું શિવ એટલું બે અક્ષરનું નામ વાતચીતના પ્રસંગમાં પણ જીભ પર આવી જાય તો એવું નામ લેનારનાં બધાં પાપ તત્કાળ નાશ પામી જાય છે. જેમના શાસનને કોઈ ઉલ્લંઘી શકતું નથી અને જેમની કીર્તિ પરમ પવિત્ર છે, તેવા મંગલકારી શિવનો તમે દ્વેષ રાખો છો તે એક મોટું આશ્ચર્ય છે. આથી સાબિત થાય છે કે તમે પોતે જ અમંગલ સ્વરૂપ છો.'
 
`બ્રહ્મા અને વિષ્ણુ જેવા મહાન દેવો મારા સમર્થ સ્વામીનું પૂરેપૂરું સ્વમાન સાચવે છે અને તેઓ તેમની પૂરેપૂરી કિંમત આંકે છે. પરંતુ એ ખરું છે કે મહાન વ્યક્તિઓ જ મહાન વ્યક્તિઓની કિંમત કરી શકે છે. અરે, મને તો તમારા પર એટલું બધું માઠું લાગ્યું છે કે, મારા સ્વામી ભગવાન શંકરની નિંદા કરનાર તમારામાંથી ઉત્પન્ન થયેલો મારો આ દેહ હવે હું વધુ વાર નહીં ધારણ કરું. જો ભૂલથી કોઈ દૂષિત અન્ન ખાવામાં આવ્યું હોય તો ઊલટી કરીને તેને કાઢી નાંખીએ તો જ દેહશુદ્ધિ થઈ શકે, તેવી જ રીતે મારી આત્મશુદ્ધિ માટે મારે તમારાથી ઉત્પન્ન થયેલો મારો આ દેહ ભસ્મીભૂત કરી નાંખવો પડશે. મારા સ્વામી કોઈ વાર મજાકમાં પણ મને દક્ષકુમારી દાક્ષાયણી એવા નામથી પોકારે છે, ત્યારે મારો જીવ બળીને ખાખ થઈ જાય છે, કેમ કે એ નામનો તમારા નામ સાથે સંબંધ છે. એટલે હવે આપના દેહમાંથી ઉત્પન્ન થયેલા મારા આ દેહનો હું ત્યાગ કરું છું, કેમ કે મારે માટે એ કલંકરૂપ છે.'
 
યજ્ઞમંડપમાં સૌના દેખતાં આ પ્રમાણે કહીને સતી ચૂપ થઈ ગયાં અને ઉત્તર દિશામાં મોં કરીને બેસી ગયાં. આંખો બંધ કરીને તે ધ્યાનમાં સ્થિર થઈ ગયાં. ભગવાન શંકરે સતીના જે દેહને વારંવાર ખૂબ જ માનપૂર્વક પોતાના ખોળામાં સ્થાન આપ્યું હતું તે જ દેહને સતી પોતાના નિંદાખોર પિતા પ્રત્યે ક્રોધે ભરાઈને તજી દેવા માગતાં હતાં, એટલે તેમણે પોતાના સમસ્ત અવયવોમાં અગ્નિ અને વાયુનું આહ્વાન કર્યું. એ પછી તે પોતાના સ્વામી જગદ્ગુરુ ભગવાન શંકરના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યાં. એ સિવાય બીજી વસ્તુનું તેમને ભાન ન રહ્યું. એ જ સમયે સ્વભાવથી જ નિષ્પાપ એવો તેમનો દેહ યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો.
 
ભગવાન શંકરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. સમગ્ર બ્રહ્માંડમાં પ્રલય અને હાહાકાર મચી ગયો. શિવજીના આદેશ પર વીરભદ્રે દક્ષ રાજાનું મસ્તક ધડથી અલગ કર્યું. ભગવાન શિવ પણ તાંડવ કરતા દક્ષરાજાના મહેલમાં આવી પહોંચ્યા અને જે યજ્ઞકુંડમાં મા સતીએ પોતાને આહુતિત કર્યાં હતાં ત્યાં પહોંચી સતીનો અર્ધ બળેલો દેહ જોઈ બેશુદ્ધ બની ગયા. શિવજી સતીનો દેહ લઈ પૃથ્વી પર તાંડવ કરવા લાગ્યા. જેનાથી પૃથ્વી પર પ્રલયની સ્થિતિ ઊભી થઈ. પૃથ્વીને મહાવિનાશથી બચાવા દેવોના આગ્રહથી ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર થકી સતીના શરીરને ખંડ-ખંડ કરી ધરતી પર પાડતા ગયા. આમ જ્યાં જ્યાં માતા સતીનાં અંગના ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠનો ઉદય થયો. આ રીતે કુલ ૫૧ સ્થાનો પર માતા સતીના અંગોનાં ભાગ પડ્યા હતા અને ત્યાં ૫૧ શક્તિપીઠો બની.
 
આ પ્રમાણે એ પતિવ્રતા સતીની ઇહલોકની લીલા પૂરી થઈ. જીવનભર તેમણે પોતાના પતિનું જ તન, મન અને પ્રાણથી ધ્યાન ધર્યું હતું અને પતિનું ધ્યાન ધરતાં ધરતાં જ તેમણે પોતાના જીવનનો ત્યાગ કર્યો.
 
આ રીતે પોતાના અંત સમયે પણ સતીએ ભગવાન શંકર પાસે આવું વરદાન માગ્યું હતું.
 
`જન્મોજન્મ ભગવાન શંકરના ચરણોમાં મારો અનુરાગ હો!'
 
સતી મરત હરિ સન બહુ માગા,
જનમ જનમ શિવપદ અનુરાગા.
 
આથી ફરીથી ગિરિરાજ હિમાલયને ત્યાં સતી પાર્વતીરૂપે જન્મ્યાં અને તેમણે ભગવાન શંકરને ફરીથી પતિરૂપે મેળવ્યા. સતીનો આવો દિવ્ય પતિપ્રેમ ભારતની સ્ત્રીઓ માટે આદર્શ બની ગયો છે. આજે ઘેર ઘેર સતીપૂજાનું જે માહાત્મ્ય મનાય છે તે દક્ષ પ્રજાપતિના આ પવિત્ર કન્યા સતી પતિ પ્રત્યેની આદર્શ શ્રદ્ધા અને અપૂર્વ ભક્તિને લીધે જ છે. ગંગાકિનારે જે સ્થાને સતીએ પોતાનો દેહ છોડ્યો હતો, તે આજે પણ `સૈનિક તીર્થ'ના તીર્થધામ તરીકે ઓળખાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...