પાડુંનાં ધર્મપત્ની કુંતી | Kunti Vishe Mahiti

अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा, पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
kunti
 

પાડુંનાં ધર્મપત્ની કુંતી | Kunti Vishe Mahiti

 
 
કુંતીને દેવો દ્વારા તેઓ ઇચ્છે તેટલા પુત્રો મેળવવાનું વરદાન હતું. તેઓએ વરદાનનો દુરુપયોગ ન કરતાં માત્ર ત્રણ જ પુત્રો મેળવ્યા.
 
યદુવંશના રાજા સુરસેન તેમના પિતા હતા અને તેમનું નામ પૃથા પાડવામાં આવ્યું હતું. આમ તે શ્રીકૃષ્ણના પિતા વસુદેવનાં બહેન હતાં. રાજા સુરસેને તેમના મિત્ર રાજા કુંતીભોજ કે જે નિઃસંતાન હતા તેમને દત્તક આપ્યા હતાં. માટે તે પાછળથી કુંતી તરીકે ઓળખાયા. તેમના આગમન પછી કુંતીભોજને બાળકો જન્મ્યાં. તે કુંતીને તેમના સદ્ભાગ્યનું કારણ માનતા અને લગ્નપર્યંત તેમની સંભાળ રાખેલી.
 
જ્યારે કુંતી નાના હતા ત્યારે દુર્વાસા ઋષિ રાજા કુંતીભોજને ત્યાં આવી ચડ્યા. કુંતીએ તેમની ખરા મનથી સેવાચાકરી કરી. તેમની સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા મુનિએ તેમને પ્રભાવશાળી મંત્ર આપ્યો. આ મંત્ર થકી તે કોઈ પણ દેવનું આહ્વાન કરી તેમના થકી સંતાન પ્રાપ્ત કરી શકે. એ વખતે કુંતી તેમને પૂછે છે, આવું વરદાન તમે મને શા માટે આપો છો?
 
ત્યારે દુર્વાસા તેને કહે છે, ભવિષ્યમાં તે તેમના માટે ઉપયોગી થશે. કુંતીને આ મંત્ર પર વિશ્વાસ ન બેઠો અને તેમણે તેની ખાતરી કરી. પરિણામે સૂર્યદેવ પ્રગટ થયા. તેણે સૂર્યદેવને ચાલ્યા જવા કહ્યું પણ તેમણે મંત્રના ઉદ્દેશની પૂર્તિ કર્યા વગર પાછા જવામાં અસમર્થતા બતાવી. આમ અવિવાહિત સ્થિતિમાં સૂર્યદેવ દ્વારા બાળકના જન્મ પછી કુંતીએ તે બાળકને ટોપલીમાં મૂકીને નદીમાં પધરાવી દીધો. આ બાળક પાછળથી એક સારથિ અને તેની પત્ની રાધાને મળ્યો જેમણે તેને દત્તક લીધો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. આગળ જતાં તે મહાભારતમાં એક મહત્ત્વનું પાત્ર બન્યો. કર્ણના મનમાં તેનાં જન્મદાત્રી માતા વિષેની લાગણીઓ મહાભારતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
 
કુંતીનાં લગ્ન હસ્તિનાપુરના રાજકુમાર પાંડુ સાથે થયાં. પાંડુએ બીજાં લગ્ન માદ્રી સાથે કર્યાં, પણ સંતાનપ્રાપ્તિ ન થઈ. એક વખત શિકાર પર જતાં ભૂલથી તેમણે હરણ-હરણીનાં વેશે સંવનન કરી રહેલા એક સાધુ અને તેની પત્નીને વીંધી નાખ્યાં. મૃતપ્રાય સાધુએ તેમને શાપ આપ્યો. ઉદ્વિગ્ન પાંડુ પોતાના પ્રાયશ્ચિત્ત માટે દેશવટો ભોગવવા કુટુંબ સહિત જંગલમાં આવી રહેવા લાગ્યા. અહીં કુંતીએ તેમના ગુપ્તમંત્રનો પ્રયોગ કર્યો પ્રથમ વખત તેમણે યમદેવ દ્વારા પુત્ર યુધિષ્ઠિર, બીજી વખત વાયુદેવ દ્વારા ભીમ અને ત્રીજી વખત ઇંદ્રદેવ દ્વારા અર્જુન નામનો પુત્ર મેળવ્યો. કુંતીએ અંતિમ મંત્ર માદ્રીને પણ આપ્યો. તેમણે નકુલ અને સહદેવ નામે અશ્વિનીકુમાર થકી જોડિયા પુત્રો મેળવ્યા. આ પાંચેય પાંડવો કહેવાયા.
 
મહાભારતમાં કુંતીના પાત્રનું એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત છે. એક ધર્મિષ્ઠ અને સ્વયં પર અત્યંત કાબૂ ધરાવનાર વ્યક્તિ તરીકેની તેમની ગણના હતી. કુંતીને દેવો દ્વારા તે ઇચ્છે તેટલા પુત્રો મેળવવાનું વરદાન હતું. તેણે વરદાનનો દુરુપયોગ ન કરતાં માત્ર ત્રણ જ પુત્રો મેળવ્યા. પાંડુની વધુ પુત્રો મેળવવાની ઘણી વિનંતીઓ છતાં કુંતી શાસ્ત્રોની એ વાતને વળગી રહ્યાં જેમાં લખ્યું છે કે જો સામાન્ય રીતે પ્રસૂતિ ન થાય તો ત્રણ પુત્રોથી વધુ ન કરવા. (અહીં કુંતીને બાળકો વરદાન રૂપે મળ્યા હતા, તેમણે તેમને જન્મ આપ્યો ન હતો) અને જ્યારે પાંડુએ વિનંતી કરી ત્યારે તેમણે તે અંતિમ મંત્ર પાંડુની બીજી પત્ની માદ્રીને આપ્યો.
 
મહાભારતનું યુદ્ધમાં કુંતી માટે માતા તરીકે મોટી મૂંઝવણ હતું. આ પ્રસંગનું વર્ણન કંઈક આવું છે.
 
શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા હસ્તિનાપુર ગયા, ત્યારે કુંતીએ તેમની આગળ હૃદય ખાલી કરીને પાંડવોને શૌર્ય-ઉત્સાહભેર સંદેશો પાઠવ્યો. શ્રીકૃષ્ણનું દૂતકાર્ય નિષ્ફળ જતાં કુંતી કર્ણ પાસે ગયાં. તેને જન્મવૃત્તાંત કહી દુર્યોધનનો પક્ષ છોડવા સમજાવ્યો. કર્ણે ના પાડી, પરંતુ અર્જુન સિવાયના ચાર પાંડવોને નહીં હણવાનું વચન આપ્યું.
 
તે કર્ણની શૂરવીરતાને જાણતાં હોવાથી પાંડુપુત્ર અર્જુનની રક્ષા કરવાના ચોક્કસ હેતુ સાથે કર્ણને મળવા ગંગા નદીના કિનારે જાય છે. એક માતા અને વર્ષો પહેલાં ત્યજી દીધેલા પુત્ર કર્ણનું આ પ્રથમ મિલન છે. નિત્યક્રમ અનુસાર મધ્યાહ્ન સમયે કર્ણ સૂર્યને અર્ઘ્ય આપે છે. ધોમધખતા તાપમાં ક્યારેય જેમણે પગ માંડ્યો નથી એવાં કુંતી ચૂપચાપ કર્ણની પાછળ જઈને ઊભાં રહે છે.
મહાભારતના ઉદ્યોગપર્વમાં આ પ્રસંગને વર્ણવતાં મહર્ષિ વ્યાસ કુંતી માટે પદ્મમાળા એવો શબ્દ પ્રયોજે છે. સૂર્યના આકરો તાપ એ કુંતીના મનમાં પોતાના પહેલા સંતાનને જન્મ બાદ તરત જ ત્યજી દેવાના કર્મના પશ્ચાત્તાપનો પણ હોય એવું ઇંગિત છે.
 
`કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે..' જાણીતા લોકગીતમાં મહાભારતનો મહત્ત્વનો પ્રસંગ સરસ રીતે વ્યક્ત થયો છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના વીર પુત્ર અભિમન્યુની રક્ષા માટે દાદી-માતા કુંતા તેના કાંડે રાખડી બાંધે છે. માતા કુંતી પૌત્રને પોરસ ચડાવતાં કેટલીક કાળજીભરી શિખામણ આપે છે. આના પરથી માતા કુંતાના વ્યક્તિત્વનો સુપેરે પરિચય મળે છે.
પાંડવોનું કાસળ કાઢવા દુર્યોધને કુંતી સહિત પાંડવોને વારણાવ્રત મોકલ્યાં, ત્યાં લાક્ષાગૃહમાંથી સૌ બચી ગયાં અને દ્રૌપદી સ્વયંવરમાં ગયાં. ત્યાં અર્જુને દ્રૌપદીને પ્રાપ્ત કરી, પણ માતાનું વચન માની પાંચે ભાઈ દ્રૌપદીને વર્યા.
 
મહાભારત યુદ્ધ પછી કુંતીએ યુધિષ્ઠિરને કર્ણજન્મનો વૃત્તાંત કહ્યો. યુધિષ્ઠિરે કર્ણની ઉત્તરક્રિયા કરી.
 
મહાયુદ્ધ પછી પંદર વર્ષે ધૃતરાષ્ટ-ગાંધારીએ વનગમન કર્યું. તેમની સેવા કરવા કુંતીએ પણ સહપ્રયાણ કર્યું. ધર્મરાજ અને પાંડવોએ વનમાં ન જવા બહુ સમજાવ્યાં, કરગર્યા, પરંતુ કુંતીએ પોતે વડીલોની સેવા અને તપસ્યા કરવી છે ઇત્યાદિ કહીને પ્રેમથી પરિપૂર્ણ આશીર્વાદ આપ્યાઃ તમારી બુદ્ધિ ધર્મમાં સ્થિર રહેજો અને મન મહાન થજો. અને પછી વનમાં ગયાં. અરણ્યમાં દાવાનળ લાગ્યો. કુંતી અને ધૃતરાષ્ટ-ગાંધારી તેમાં પંચતત્વને પામ્યાં.
 
માતા કુંતી ઉદાર, પરોપકારી, સ્વભાવનાં, ઓરમાન પુત્રો ઉપર વિશેષ વહાલ રાખનારાં, ભક્તહૃદયી વીર ક્ષત્રિયાણી હતાં.
બ્રહ્મપુરાણમાં નીચે મુજબનો એક શ્લોક છે.
 
अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा,
पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍
 
આ શ્લોકમાં જે પાંચ સતીઓ- પાંચ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ચતુર્થ ઉલ્લેખ કુંતીનો છે. પાંચ પ્રાતઃ સ્મરણીય નારીઓના સ્મરણ માત્રથી મનુષ્યના જીવનના તમામ મહાપાપોનો નાશ થાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...