રાવણનાં ધર્મપત્ની મંદોદરી | Mandodari vishe mahiti

શીલવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના મહિમાને મંદોદરી પારખી શક્યાં હતાં. રામચંદ્રના પુરુષાર્થ, સચ્ચાઈ, પવિત્રતા વગેરે ઉચ્ચ ગુણોની મંદોદરીને હૃદયથી ખાતરી થઈ ચૂકી હતી અને રામચંદ્રને જોયા વિના જ અંતરથી તેઓ તેમનાં ભક્ત બની ચૂક્યાં હતાં.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
 
Mandodari
 

રાવણનાં ધર્મપત્ની મંદોદરી | Mandodari vishe mahiti

 
 
શીલવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના મહિમાને મંદોદરી પારખી શક્યાં હતાં. રામચંદ્રના પુરુષાર્થ, સચ્ચાઈ, પવિત્રતા વગેરે ઉચ્ચ ગુણોની મંદોદરીને હૃદયથી ખાતરી થઈ ચૂકી હતી અને રામચંદ્રને જોયા વિના જ અંતરથી તેઓ તેમનાં ભક્ત બની ચૂક્યાં હતાં. Mandodari vishe mahiti | Ravan | Ramayana
 
મંદોદરી રાવણની રાણી બન્યાં. પાછળથી રાવણ લંકાનો રાજા બન્યો અને ગંધર્વો તેમજ જ નાગોની અનેક કન્યાઓને પરણ્યો. પરંતુ પોતાના સદ્ગુણ, સચ્ચારિત્ર્ય અને વ્યવહાર-કુશળતાના કારણે મંદોદરીએ જ તેની પટરાણીનું પદ શોભાવ્યું અને તે હંમેશાં રાવણનાં પ્રિય બની રહ્યાં.
 
મંદોદરીને જોતાં જ તેના સતીત્વનું તેજ અછતું રહેતું નહોતું. જ્યારે હનુમાન સીતાની શોધમાં ગયા ત્યારે મંદોદરીને જોતાં ઘડીભર માટે હનુમાનજીને શંકા થઈ ગઈ હતીઃ `આ જ સીતાજી હશે કે શું?'
 
શીલવાન જ શીલવાન માણસોના મહિમાને પારખી શકે છે. સતી મંદોદરી પોતે શીલવતી હતાં, એટલે શીલવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના મહિમાને તે પારખી શક્યાં હતાં. રામચંદ્રના પુરુષાર્થ, સચ્ચાઈ, પવિત્રતા વગેરે ઉચ્ચ ગુણોની મંદોદરીને હૃદયથી ખાતરી થઈ ચૂકી હતી અને રામચંદ્રને જોયા વિના જ અંતરથી તે તેમનાં ભક્ત બની ચૂક્યાં હતાં. વળી બીજી સતી સ્ત્રીના હૃદયને પણ સતી મંદોદરી ઓળખી ચૂક્યાં હતાં.
 
સીતાને રાવણ હરી લાવ્યો, ત્યારે એ સતી સ્ત્રીનું હૃદય કેવું દુભાતું હશે તથા પ્રભુ આગળ, તેનો કેવો ભારે દંડ રાવણે દેવો પડશે, એ વસ્તુ મંદોદરી સારી પેઠે સમજતાં હતાં. એટલે સીતાનું હરણ કરી લાવેલા પોતાના પતિને આ સતી સ્ત્રીએ સાફ શબ્દોમાં કહી દીધું હતુંઃ `નાથ! તમે સતી સ્ત્રીઓને કદાપિ દૂભવો નહીં. કૃપા કરીને સીતાને રામચંદ્ર પાસે પાછી મૂકી આવો. જે પુરુષ પારકી સ્ત્રીને બળાત્કારે ઘરમાં ઘાલે છે તે કદાપિ સુખી થતો નથી. છાતી પર મોટો પથ્થર બાંધીને સાગર તરી શકાય ખરો? એ જ રીતે પારકી સ્ત્રીનું હરણ કર્યાનો મહાપાતકરૂપી પથરો છાતીએ બાંધીને ભવસાગર તરાશે ખરો? હાથે કરીને ઝેર ખાઈએ, પછી કદાપિ અમર થવાય ખરું? સાપના મોંમાં હાથ ઘાલીએ તો સાપ આપણને ડસ્યા વગર રહે ખરો? સીતાના પતિ રામચંદ્રજીને જેવા-તેવા પુરુષ માનો નહીં. એ પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ છે. મારું હૃદય તો એમ સાક્ષી પૂરે છે કે તેઓ મનુષ્ય નથી, પણ તેઓ સર્વેશ્વર, સર્વસમર્થ પરમ પુરુષ છે. વળી રામચંદ્ર દયાના સાગર છે. પોતાના જીવનમાં ઘણા પાપી લોકોને તેમણે માફ કર્યા છે અને તેમનો ઉદ્ધાર કર્યો છે. તમે પણ સીતાને પાછી સોંપી દેશો તો તેઓ તમને જરૂર માફ કરશે. હવે આપણે ઘણાં વર્ષ રાજ્ય કર્યું, હવે રાજ્ય આપણા ઇન્દ્રજિત (મેઘનાદ)ને સોંપી દઈએ અને આપણે બંને વનમાં જઈ પ્રભુનું ભજન કરીએ.'
 
મંદોદરીએ આ રીતે લંકેશ્વરને અનેક વાર સમજાવ્યો, પટાવ્યો અને મર્યાદામાં રહીને કહેવાય એટલું બધું કહ્યું, પરંતુ રાવણ એકનો બે ન થયો.
 
પોતાનો પતિ સીતાનું હરણ કરી લાવ્યો છે, તેની સીતા પર શી અસર થઈ છે, એ જાણવા પણ મંદોદરીએ ઘણીવાર પ્રયત્ન કર્યો હતો. એ સિવાય તેણે સીતાને પોતાનાથી શક્ય તેટલી રીતે આશ્વાસન આપવા પણ પ્રયત્ન કર્યો હતો અને પોતાના પતિના દુષ્કૃત્ય બદલ પોતે માફી માગી હતી.
 
એકાંતનો લાગ શોધીને મંદોદરી ઘણીવાર સીતા પાસે જતાં અને તેમને સાંત્વનનાં વચનો કહેતી. એક-બે પ્રસંગ પછી તો સીતા પણ મંદોદરીનું હૃદય ઓળખી ગયાં હતાં અને સીતાએ અનેક જ્ઞાનની વાતો મંદોદરીને કરી હતી. એથી મંદોદરી સીતા પર ખૂબ જ મુગ્ધ બન્યાં હતાં અને સીતા તેમ જ રામચંદ્ર વિશેનું તેનું માન અનેકગણું વધી ગયું હતું. એ ઉપરથી મંદોદરીને તો ખાતરી થઈ ચૂકી હતી કે સીતા સાક્ષાત્‌‍ કોઈ દેવી જ છે અને તેને દૂભવીને રાવણ કંઈ જ સાર કાઢવાનો નથી.
 
પરંતુ રાવણ મંદોદરીનાં અનેક હિતવચનોને હસી કાઢતો અને હસતાં કહેતોઃ `તમે સ્ત્રીઓ તો ખૂબ જ બીકણ હોવ છો. તમને રાજકાજની વાતોમાં શું ખબર પડે?'
 
છેક લગી રાવણે જ્યારે મંદોદરીનું માન્યું નહીં, ત્યારે નિખલાસ હૃદયની એ નારીને રાવણનું ભવિષ્ય સ્પષ્ટ દેખાઈ ગયું હતું. તે બોલી ઊઠ્યાં હતાંઃ
 
આજે મને ખબર પડી કે, મારા પતિ રાવણની ભક્તિ વ્યભિચારિણી છે. તેમનો વૈરાગ્ય એક દંભી પુરુષનો વૈરાગ્ય છે. કપટી માણસનો પ્રેમ બીજાનો દ્રોહ કરનાર જ્ઞાની જેવો હોય છે. મારા પતિનો આચાર ભ્રષ્ટ છે અને કંજૂસના દાન જેવો છે. તેનું જ્ઞાન અને ડહાપણ એવું જ છે. વિનાશકાળે તેમને વિપરીત બુદ્ધિ સૂઝી છે. એટલે હવે તેમનામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હવે તેઓ માનવાના નથી. જરૂર હવે તેમનું મૃત્યુ પાસે આવ્યું છે.
 
સતી મંદોદરી વિશે એક બીજી પણ વાત ધ્યાનમાં લેવા જેવી છે. તે એ કે જે જે માણસો સીતાના હરણ સંબંધમાં રાવણને હિતવચનો કહેવા જતાં હતાં, સલાહ આપવા જતાં હતાં તેમને બધાને રાવણ સખત રીતે ધુત્કારી કાઢતો હતો. પોતાના વૃદ્ધ મામા માલ્યવંતને પણ રાવણે પોતાને આ બાબતમાં હિતવચનો કહેવા બદલ ભરીસભામાં ધમકાવી નાખ્યા હતા અને સાવ ઉતારી પાડ્યા હતા. એ જ રીતે વિભીષણે સીતાને પાછી સોંપી દેવાનું કહેતાંની સાથે જ રાવણે તેમને એક લાત મારી હતી. આ જ રાવણને મંદોદરી ઘણી વાર આ રીતનાં હિતવચનો કહેતી હતી, છતાં કોઈ દિવસ રાવણે તેને ધિક્કાર્યાં કે તિરસ્કાર્યાં નથી. મંદોદરીના સતીત્વનો તથા પોતાના પતિ રાવણ પ્રત્યેના તેના અનન્ય પ્રેમનો આ એક સચોટ પુરાવો છે. રાવણ બરાબર સમજતો હતો કે, મંદોદરી સાચા હૃદયથી તેનું કલ્યાણ ચાહે છે.
 
પછી તો જે થવાનું હતું તે થઈ ગયું. રાવણનો વધ કરવા માટે જ ભગવાન રામચંદ્ર અવતર્યા હતા, એટલે તેમણે અવતારકૃત્ય તો પૂરું કરવું જ રહ્યું. રાવણ મરાયો, એટલે તેના મૃતદેહ પર મંદોદરી વિધવિધ રીતે વિલાપ કરવા લાગી.
 
હે સ્વામી, મેં તમને ઘણું સમજાવ્યા, પણ મારાં હિતવચનોની તમે ઉપેક્ષા કરી, અંતે સઘળી સંતતિ અને સંપત્તિનો નાશ કરીને, તમારો પોતાનો દેહ પણ ખોયો. આમ છતાં હે નાથ! રામચંદ્રજી સાથેનું વેર તો કોઈ વીર પુરુષને છાજે એ રીતે તમે પૂરું કર્યુંઃ તમે રણભૂમિમાં જે પરાક્રમો કરી બતાવ્યાં તેના માટે તમારી કીર્તિ ત્રણે ખંડમાં વ્યાપી છે. અને તમારું નામ ઘેરઘેર જાણીતું બન્યું છે. હે પ્રાણપતિ, ભગવાન રામચંદ્ર તમારા માટે જ અહીં લંકા સુધી આવ્યા. તમારા લીધે જ પ્રભુ શ્રીરામચંદ્રે અહીં સુધીની પૃથ્વીને તેમનાં પુનિત પગલાંથી અને પરાક્રમોથી પાવન કરી. તમારા નિમિત્તે જ પ્રભુ શ્રીરામચંદ્રથી આટલું કામ થઈ શક્યું, પ્રભુના આટલા કાર્યનો યશ તમને જ ઘટે છે. તમારા માટે જ ભગવાન રામે અવતાર લીધો અને તેમની કીર્તિ ત્રણે લોકમાં વ્યાપી. અરે, દૈવ કેટલું વિચિત્ર છે! મારા જે પતિના ચરણોમાં મોટા મોટા લોકપતિઓ પણ પોતાનાં મસ્તક ઝુકાવતા હતા, તેમનું જ મસ્તક આજે રણભૂમિમાં રગદોળાય છે.
 
મંદોદરીના વિલાપથી સૌને ખૂબ જ દયા ઉપજતી હતી. ભગવાન શ્રીરામે પણ જ્યારે મંદોદરીના વિલાપની વાત સાંભળી ત્યારે તેમનું દિલ પણ દ્રવિત થઈ ગયું. મંદોદરીના સતીત્વ માટે રામચંદ્રજીને સારી પેઠે માન હતું જ. મંદોદરી બહુ સમજુ, શાણી, જ્ઞાની અને સતીસાધ્વી સ્ત્રી હતાં, એ તેમના લક્ષ્યમાં ક્યારનુંયે આવેલું હતું. એટલે ભગવાન રામચંદ્ર પોતે મંદોદરી પાસે ગયા અને આ પ્રમાણે તેને દિલાસો આપવા લાગ્યાઃ
 
મંદોદરી, તમને તો મેં પહેલેથી જ પતિ-પાવની અને સતી-શિરોમણિ તરીકે જાણ્યા છે. તમે તો જ્ઞાન અને વિવેકની ખાણ છો. તમારા જેવાં જ્ઞાની સ્ત્રીને નાશવંત વસ્તુઓનો શોક કરવાનો હોય? ઊંડી દૃષ્ટિથી જોઈએ તો તમામ પ્રાણીઓનો દેહ નાશવંત જ છે. તેથી આપણે તો અવિનાશી, અખંડ અને અનુપમ એવા આત્માનો જ વિચાર કરવાનો હોય. માટે મંદોદરી, મિથ્યા મોહ તજીને, હૃદયમાં ધીરજ ધારણ કરો અને મનમાં કોઈ જાતના સંદેહ વિના ઘરે પાછાં સિધાવો.
 
રામચંદ્રના પ્રેમભર્યા સદુપદેશથી મંદોદરીના હૃદયને સત્યનું જ્ઞાન થયું. તેનો શોક હળવો બન્યો.
 
પછી મંદોદરીએ રાવણની પટરાણી તરીકેનું પોતાનું કર્તવ્ય બરાબર બજાવ્યું. તેણે પોતાના પતિની ઉત્તરક્રિયા તેના આત્માને શાંતિ થાય એ રીતે પૂર્ણ કરાવી.
 
રાક્ષસ-સમાજમાં દિયરવટાના રિવાજ પ્રમાણે મોટા ભાઈની રાજગાદી તો નાના ભાઈને મળતી જ, પરંતુ મોટા ભાઈની રાણીઓ પણ નાના ભાઈની રાણીઓ બનતી. આ રિવાજ અનુસાર મંદોદરી રાવણની ગાદીએ આવેલા નવા લંકાપતિ વિભીષણનાં રાજરાણી બન્યાં.
 
કોઈને એમ થશે કે જો મંદોદરી પોતાના પતિ પાછળ ચિતા ખડકીને બળી ન મરી તો તે સાચા અર્થમાં સતી શેની? પરંતુ પતિ પાછળ બળી મરવું એ જ કંઈ સતીત્વનો માનંદડ નથી અને હોય તો તે એક સાવ ક્ષુલ્લક માનદંડ છે. સમાજે તથા પ્રારબ્ધે જેને પોતાના પતિ તરીકે રહ્યો તેનું કર્તવ્યબુદ્ધિ અને હૃદયની સાચી ભાવનાથી તન, મન, ધનથી કલ્યાણ ઇચ્છવું, તેની સેવા ઉઠાવવી એનું નામ જ સતીત્વ. આમ, મંદોદરીએ વિભીષણ સાથે પુનર્લગ્ન કર્યું હોવા છતાં લોકહૃદયમાં તેઓ એક સતી તરીકે સાચી રીતે સ્થાન પામ્યાં છે.
 
બ્રહ્મપુરાણમાં નીચે મુજબનો એક શ્લોક છે.
 
अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा,
पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍
 
આ શ્લોકમાં જે પાંચ સતીઓ - પાંચ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં મંદોદરીનો પણ સમાવેશ કરવામાં છે.
પાંચ પ્રાતઃ સ્મરણીય નારીઓમાં મંદોદરીના સ્મરણ માત્રથી મનુષ્યના જીવનના તમામ મહાપાપોનો નાશ થાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...