શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણી | Shree Krishna and Rukmani

રુક્મિણી આજે પણ નારી સામર્થ્યનું ઉત્તમ ઉદાહરણ બનીને ભારતવર્ષની સૌ સન્નારીઓને માર્ગ ચીંધી રહ્યા છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
rukamani
 
 
શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણી | Shree Krishna and Rukmani
 
 
રુક્મિણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. તેમનામાં વિચારશીલતા અને દૃઢ નિર્ણયશક્તિ હતાં. તેમણે સ્વસ્થ ચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવનસાથીની પસંદગી કરી. તેમનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતી.
 
જેઠ સુદ અગિયારસની તિથિ એટલે રુક્મિણી વિવાહ... વિદર્ભના રાજકુમારી દેવી રુક્મિણીના વિવાહ સાથે જોડાયેલી કથા ખરેખર રોચક છે. કૃષ્ણ ભલે રાધાને પ્રેમ કરતા હોય, પરંતુ પતિ તો તે રુક્મિણીના જ કહેવાયા. રુક્મિણીહરણનું તાત્પર્ય એ ફલિત કરવાનું છે કે, મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં. શુકદેવજી રુક્મિણી લગ્નની જે કથા કહે છે, તેનો ટૂંકસાર આ પ્રમાણે છેઃ
 
વિદર્ભ દેશના રાજા ભીષ્મકને પાંચ પુત્રો અને એક કન્યા હતા. રાજાના મોટા પુત્રનું નામ `રુક્મિ' અને કન્યાનું નામ `રુક્મિણી' હતું. રુક્મિણીનાં માતાનું નામ શુદ્ધમતિ હતું. રુક્મિણી સાક્ષાત્‌‍ મહાલક્ષ્મીનો અવતાર હતાં. રુક્મિણી પાસે જે લોકો આવતાં જતાં હતાં તેઓ કૃષ્ણની પ્રશંસા કરતાં હતાં. એટલે રુક્મિણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યાં. રુક્મિણી ઉંમરલાયક થયાં.
 
તેમની ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી પણ તેમનો મોટો ભાઈ રુક્મિ પોતાની બહેનને શિશુપાળ જેવા દુરાચારી રાજા સાથે પરણાવવા માગતો હતો. રુક્મિણીને જ્યારે ખબર પડે છે કે, જરાસંધ પણ શિશુપાલ સાથે તેમનું લગ્ન કરાવવા તે માટે પિતા ભીષ્મક પર દબાણ કરી રહ્યો છે અને તેના પિતાએ પણ એ વાત કબૂલ કરી ત્યારે તેમનું મન વ્યથિત થઈ જાય છે. એ વિચાર કરે છે કે `સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર આ લોકો મારું બલિદાન આપી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં પણ હું મારું અસ્તિત્વ એળે જવા નહીં દઉં.' આમ રુક્મિણીએ વિરોધ કર્યો અને હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જ, તેવા દૃઢ નિશ્ચય સાથે ખૂબ વિચાર કર્યો અને ત્યારબાદ શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલ્યો. સાથે પેલો પત્ર પણ આપ્યો. જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો..!
 
રુક્મિણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. તેમનામાં વિચારશીલતા અને દૃઢ નિર્ણયશક્તિ હતાં. તેમણે સ્વસ્થ ચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવનસાથીની પસંદગી કરી. તેમનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતા. શ્રીકૃષ્ણને લખેલા પત્રમાં તેમનું ગુણિયલ ચરિત્ર ઊપસીને સામે આવે છે. શ્રીકૃષ્ણ અને રુક્મિણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદ્ભૂત છે! તેમનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્વાસ, પ્રભુશ્રદ્ધા અને એકનિષ્ઠતાનું તેજ છે. કામાંધ બનેલા રાજવીઓ રુક્મિણીના ચારિત્રના તેજથી બેભાન બની ગયા હતા.
 
નારીસામર્થ્યને બળ આપવા માટે આજે જ્યારે દુનિયામાં અવાજ ઊઠ્યો છે ત્યારે રુક્મિણીનું ચરિત્ર ઉદાહરણ-રૂપ બને છે. રુક્મિણીવિવાહ એ જીવ સાથે શિવનું મિલન છે. રુક્મિણીએ શ્રીકૃષ્ણને લખેલ પત્રમાં `ભુવનસુંદર' એવું સંબોધન કર્યું છે. જેનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ સઘળું છે એવા ભગવાનનું શરણું સ્વીકારવામાં પણ મર્મ છે. રુક્મિણીએ નિશ્ચય કર્યો કે, ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરીશ તો શ્રીકૃષ્ણને. શિવ પાસે જવા માટે જીવનો આવો દૃઢ સંકલ્પ હોવો જોઈએ.
 
રુક્મિણીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, `હું આપની સાથે જ વિવાહ કરવા માગું છું. લગ્નના દિવસે આપ આવી જશો. હું પાર્વતીજીનાં દર્શન કરવા મંદિરે જઈશ ત્યારે મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો.'
 
બ્રાહ્મણ સુદેવે દ્વારિકા પહોંચી શ્રીકૃષ્ણને હાથોહાથ ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચીને શ્રીકૃષ્ણ તૈયાર થઈ ગયા. સારથિ દારુકે રથ તૈયાર કર્યો. બ્રાહ્મણ સુદેવને સાથે લઈ લગ્નના દિવસે શ્રીકૃષ્ણ રુક્મિણીના નગરમાં પહોંચ્યા. બ્રાહ્મણે રુક્મિણી પાસે જઈ કહ્યું, `બેટા, દ્વારિકાનાથને લઈને આવ્યો છું.'
 
શિશુપાળ અને અન્ય રાજાઓ સભામાં આવી ગયા હતા. દેવી રુક્મિણી સહેલીઓની સાથે પાર્વતીજીની પૂજા કરવા મંદિરમાં ગયાં. પૂજા કર્યા પછી એ મંદિર બહાર નીકળ્યાં. શ્રીકૃષ્ણનો રથ તૈયાર જ ઊભો હતો. રુક્મિણીને લઈ રથ દ્વારિકા તરફ જવા લાગ્યો. શિશુપાળ અને બીજા રાજાઓએ શ્રીકૃષ્ણને રોકી તેમની સાથે યુદ્ધ કર્યું. પણ તે હારી થાકીને વીલા મોંએ પાછા ફર્યા. રુક્મિણીનો ભાઈ રુક્મિ પણ શ્રીકૃષ્ણની સામે પડયો પણ શ્રીકૃષ્ણે તેને પણ હરાવ્યો અને બંદી બનાવ્યો. આ સમયે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે રુક્મિને છોડાવ્યો. શ્રીકૃષ્ણ, રુક્મિણી અને બળદેવજી દ્વારિકા પહોંચ્યાં. ત્યારબાદ માધવપુર ઘેડમાં ધામધૂમથી શ્રીકૃષ્ણ અને રુક્મિણીનાં લગ્ન થયાં.
 
શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુક્મિણીજી મોખરે હતાં.
 
***
 
આ રુક્મિણી આજે પણ નારી સામર્થ્યનું ઉત્તમ ઉદાહરણ બનીને ભારતવર્ષની સૌ સન્નારીઓને માર્ગ ચીંધી રહ્યા છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...