શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર હિન્દુઓનો પક્ષ મજબૂત છે - ડો. મીનાક્ષી જૈન

ગુરુજી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે ડો. મીનાક્ષી જૈન દ્વારા ભારતમાં કૃષ્ણભક્તિ અને મથુરામાં શ્રીકૃષ્ણને લઈ અનેક પ્રાચીન અને ઐતિહાસિક પુરાવા અંગે જાણકારી આપી હતી.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Shri Guruji Vyakhyanmala
 
 
ગુરુજી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે ડો. મીનાક્ષી જૈન દ્વારા ભારતમાં કૃષ્ણભક્તિ અને મથુરામાં શ્રીકૃષ્ણને લઈ અનેક પ્રાચીન અને ઐતિહાસિક પુરાવા અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, ઈ.સ. પૂર્વે ૨૦૦માં તક્ષશિલાથી હિલોડોરસ નામનો ગ્રીક પ્રવાસી તક્ષશિલાથી વિદિશા પહોંચ્યો હતો. વાસુદેવ શ્રીકૃષ્ણથી પ્રભાવિત આ કૃષ્ણભક્તે અહીં એક સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું જે હિલોડોરસ સ્તંભ તરીકે ઓળખાય છે. આ અંગેના શિલાલેખમાં તે લખે છે કે, દેવોના દેવ વાસુદેવ માટે તે આ સ્તંભનું નિર્માણ કરાવી રહ્યા છે. મજાની વાત એ છે કે, આ શિલાલેખમાં જે પંક્તિઓનો ઉલ્લેખ છે તે મહાભારતમાંથી લેવામાં આવી હતી એટલે કે, આ ગ્રીક પ્રવાસી મહાભારત વિશે પણ જાણતો હતો અને આપણે સૌ જાણીએ છીએ કે, મહાભારતમાં ઉલ્લેખ થયેલો છે કે મહાભારત પ્રથમ તક્ષશિલામાં ભણાવવામાં આવે, જેથી ત્યાં ભણતા શિક્ષાર્થીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં તેનો પ્રચાર થાય.
 
છદોગ્ય ઉપનિષદમાં ઉલ્લેખ
 
પૌરાણિક ગ્રંથોની વાત કરીએ તો શ્રીકૃષ્ણનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં પણ થયેલો જોવા મળે છે, જેમાં ઉલ્લેખ છે કે, દેવકીપુત્ર કૃષ્ણે પોતાના ગુરુ થકી જીવનના ગૂઢ રહસ્યોનો ઉપદેશ તેમના ગુરુ પાસેથી મેળવ્યો હતો. મજાની વાત એ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ગીતારૂપે જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તે તેમના ગુરુ દ્વારા આપેલ ઉપદેશ સાથે ઘણે અંશે મળતો આવે છે.
 
શ્રીકૃષ્ણજન્મભૂમિના આપણી પાસે પૂરતા પુરાવા
 
 
શ્રીકૃષ્ણજન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદને લઈ ચાલતા વર્તમાન વિવાદ અંગે તેઓએ કહ્યું હતું કે, એક નહીં અનેક પુરાવાઓ છે, જે સાબિત કરી શકે છે કે, મથુરા જ શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે. જે પુરાવાઓ શ્રીકૃષ્ણને લઈ મથુરામાંથી મળી આવ્યા છે તે આશ્ચર્યચકિત કરી દેનારા છે. જે આજે પણ મથુરા મ્યુઝિયમ સહિત દેશભરનાં મ્યુઝિયમો (સંગ્રહાલયો)માં જળવાયેલાં છે. ઈ.સ. પૂર્વે ૨૦૦ વર્ષ પહેલાં નિર્મિત `વાસુડોર જમ્બ' નામનો શિલાલેખ મળી આવ્યો છે. આ નામ આ શિલાલેખના નિર્માતા વાસુના નામ પરથી આપવામાં આવ્યું છે. લગભગ આઠ ફૂટ ઊંચા દરવાજાની પાછળના ભાગે શિલાલેખમાં ઉલ્લેખ થયેલો છે કે હું વાસુ છું અને વાસુદેવ શ્રીકૃષ્ણ માટે આ તોરણ બનાવી રહ્યો છું. બ્રિટિશ કાળ દરમિયાન બ્રિટિશ પુરાતત્ત્વવિદો દ્વારા શોધાયેલ આ શિલાલેખ અને તેમાં લખાયેલ લખાણનો અનુવાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં આ ડોર (તોરણ) બનાવનાર વાસુ લખે છે કે, હું આ વાસુદેવ કૃષ્ણ માટે તેમના મહાસ્થાન પર આ બનાવી રહ્યો છું. મતલબ કે આ સ્થાન શ્રીકૃષ્ણના જીવન સંબંધિત કોઈ મહત્ત્વના પ્રસંગને લગતું હોઈ શકે. પછી તે જન્મસ્થાન પણ હોઈ શકે, કે કસનો વધ જ્યાં થયો હતો તે સ્થાન પણ હોઈ શકે અને આ સ્થાન હાલ કટરા કેશવ દેવ તરીકે ઓળખાય છે, જેને મુસ્લિમ પક્ષે ઇદગાહ ગણાવી તેના પર પોતાનો અધિકાર હોવાનું કહી રહ્યા છે.
 

Shri Guruji Vyakhyanmala 
 
મથુરા અને શ્રીકૃષ્ણનાં સંબંધને ઉજાગર કરતો આવો જ એક શિલાલેખ કટરા કેશવ દેવની નજીકમાં મોરા નામના ગામના કૂવામાંથી મળી આવ્યો છે. જે `મોરાવેલ' શિલાલેખ તરીકે મથુરાના સંગ્રહાલયમાં સંગ્રહાયેલો છે. જેમાં ઉલ્લેખ છે કે અમે પાંચ વૃષ્ણિવીરો માટે પથ્થરની આ ઇમારત બનાવી રહ્યા છીએ. કૃષ્ણ પણ વૃષ્ણિ વંશના હતા અને પાંચ વૃષ્ણિની વીરો એટલે ભગવાન શ્રીકૃષ્ણ, તેમના ભાઈ, શામકર્શન, પદ્મુમ્ન, શબા અને અનિરુદ્ધ. પુરાતત્ત્વવિદો દ્વારા આ અંગે વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે એ કૂવાની આજુબાજુ પણ ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં મસ્તક વગરની ત્રણ પ્રતિમાઓ મળી આવી હતી. જેમાં બે પુરુષ અને એક મહિલા પ્રતિમા હતી. પ્રતિમાઓ પર ભારત અને વિદેશોના પુરાતત્ત્વવિદોએ સંશોધન કર્યું હતું, જેમાં સૌએ એક મતે સ્વીકાર્યું હતું કે આ પ્રતિમાઓ શ્રીકૃષ્ણ, તેમના ભાઈ શામકર્શન અને બહેન સુભદ્રાની છે.
 
મથુરામાં કૃષ્ણલીલા મંચનના પ્રારંભને લઈને પણ એક શિલાલેખ મળી આવ્યો છે. કૃષ્ણલીલાનું મંચન કરનાર પરિવાર દ્વારા બનાવાયેલા આ શિલાલેખમાં એ પરિવાર કૃષ્ણ લીલાનું મંચન કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. આમ હજારો વર્ષોથી સામાન્ય વિદેશી પર્યટકોથી માંડી સામાન્ય ભારતીય માટે મથુરાએ કૃષ્ણજન્મભૂમિ રહી છે.
 
ઇસ્લામિક આક્રાંતાઓએ અનેક વખત શ્રીકૃષ્ણ મંદિર તોડ્યું
 
ડો. મીનાક્ષી જૈને અનેક ઐતિહાસિક પુરાવાઓ ટાંકીને કહ્યું હતું કે ઇસ્લામિક આકાંતાઓ દ્વારા અનેક વખત શ્રીકૃષ્ણ મંદિર તોડવામાં આવ્યું હતું. ઇતિહાસમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મહંમદ ગઝનવીએ જ્યારે મથુરા પર આક્રમણ કર્યું ત્યારે તે તેની સાથે તેનો રાજ્યાશ્રયી ઇતિહાસકાર કુત્બી પણ હતો. તે લખે છે કે, મથુરાના મંદિરોની ભવ્યતા આશ્ચર્ય પમાડનારી હતી, કોઈ માનવી આટલી ભવ્ય ઇમારતો કેવી રીતે બનાવી શકે ! તે કલ્પના કરવી અશક્ય હતી. મહમુદ ગઝનવી ૧૯ દિવસ મથુરામાં રહ્યો અને સમગ્ર મથુરાને તહસ-નહસ કરી નાખ્યું !
 
આ આક્રમણ બાદ પણ સિકદર લોધીથી માંડી ફિરોજ તુઘલક જેવા મુગલ શાસકો દ્વારા મથુરાને અનેક વખત તહસ-નહસ કરવાનો ઇતિહાસ છે. ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા મથુરા સાથે કેવી બર્બરતા આચરવામાં આવી હતી. અનેક વિદેશી પ્રવાસીઓએ પોતાના લેખનમાં તેનો ઉલ્લેખ કર્યો છે. મોસર્ડ નામના એક પોર્ટુગિઝ પ્રવાસી પોતાના મથુરા પ્રવાસ બાદ લખે છે કે, મથુરામાં હવે હિન્દુઓનું કઈ જ બચ્યું નથી. બધુ જ તહસ-નહસ થઈ ચુક્યું છે. હિન્દુઓ તેમના મંદિરો અને દેવોની પ્રતિમાઓના ભગ્નાવેશોની પૂજા કરી રહ્યાં છે.
 
વીરસિંહ બુદેલાએ શ્રીકૃષ્ણ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું
 
ડો. મીનાક્ષી જૈને કહ્યું હતું કે, મથુરા તહસ-નહસ થતું રહ્યું, પરંતુ આપણી મૌલિક એકતાને કારણે ફરી વસતું રહ્યું. ફરી મંદિરો બંધાતાં રહ્યાં. દિલ્હી સલ્તનતની રાજકીય ખટપટ ચાલતી હતી ત્યારે અકબરના પુત્ર જહાંગીર (સલીમ) ને દિલ્હીના બાદશાહ બનવામાં મદદરૂપ થવાના ઇનામ રૂપે રાજપૂત વીર વીરસિંહ બૂદેલાને ઓરછાનું રાજપાટ આપવામાં આવ્યું ત્યારે તેઓએ છેક ઓરછાથી મથુરા આવી અનેક જોજનોથી દેખાઈ શકે તેવું ભવ્ય શ્રીકૃષ્ણ મંદિર બનાવડાવ્યું જેની અદેખાઈ કરી કટ્ટરવાદી ઔરંગઝેબે તેના પર મલો કરી તેને ધ્વંસ કર્યું.
 
મંદિરના ધ્વંસની વિગતો દર્શાવતાં ઔરંગઝેબના રાજકીય ઇતિહાસકાર સાકિદ મુસેદ ખાન, `માસિર-એ-આલમગિર'માં લખે છે કે, જ્યારે કૃષ્ણમંદિર તૂટી રહ્યું હતું ત્યારે વીર રાજપૂત રાજાઓ વીલા મોંઢે તેને જોઈ રહ્યા હતા. મંદિરના ધ્વંસને નજરે જોનારામાં ઇટાલિયન પ્રવાસી મનુચિ પણ હતો. તે લખે છે કે મથુરાનું ભવ્ય મંદિર તોડ્યા બાદ તેની પ્રતિમાઓને મસ્જિદની સીડીઓ નીચે રાખી દેવામાં આવી હતી. જેથી મસ્જિદમાં જતા પ્રત્યેક વ્યક્તિના પગ નીચે તે પ્રતિમાઓ આવીને અપમાનિત થતી રહે.
 

Shri Guruji Vyakhyanmala 
 
મંદિર અંગે બ્રિટિશ ઇન્ડિયામાં થયેલ ૧૦૦ ટકા ચુકાદા હિન્દુ તરફી રહ્યા છે
 
મથુરા માટે થોડો ઘણો સારો સમય ત્યારે આવ્યો, જ્યારે મરાઠાઓએ બેટલ ઓફ ગોવર્ધન જીતી લીધું. મરાઠાઓની જીત બાદ આ સમગ્ર વિસ્તાર તેમના અધિકારમાં આવ્યો. પરંતુ ૧૮૦૩માં મરાઠાઓની સત્તાનો અંત અને ઈસ્ટ ઇન્ડિયા કપનીનું અહીં રાજ સ્થપાયું.
 
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે બ્રિટિશ ભારતમાં ઇદગાહ પાર્ટી અને મંદિર પક્ષ વચ્ચે જમીનને લઈ જેટલા પણ કેસો ચાલ્યા તે તમામ એટલે કે ૧૦૦ ટકા ચુકાદા હિન્દુઓની તરફેણમાં આવ્યા હતા અને અંગ્રેજ ન્યાયાધીશોએ પણ કૃષ્ણજન્મભૂમિ પર હિન્દુઓના દાવાને સ્વીકાર્યો છે. તો પછી સવાલ એ થાય છે કે હિન્દુ પક્ષ પાસે તમામ પુરાવા છે, તેમ છતાં મુસ્લિમો આ સ્થળને મુક્ત કેમ કરતાં નથી. તેના માટે જવાબદાર પણ આપણા જ લોકો છે. કારણ કે કોઈ કારણસર ૧૯૬૮માં `શ્રીકૃષ્ણ સેવા સંઘ ટ્રસ્ટ' દ્વારા કટરા કેશવ દેવની ૧૩.૩ એકર જમીનથી ૩ એકર જમીન ઇદગાહ પાર્ટીને આપી દેવામાં આવી હતી. હવે ઇદગાહ પાર્ટી ૧૯૯૧ના પ્લેસિસ ઓફ વર્સિસ એક્ટને આગળ કરી જમીન અને જમીન પરની મસ્જિદ સામે કેસ ન ચાલી શકે તેવો બચાવ કરી રહ્યા છે, પરંતુ હિન્દુ પક્ષની દલીલ છે કે, પ્લેસિસ ઓફ વર્સિસ એક્ટ ૧૯૪૭ પહેલાં બનેલા ધર્મસ્થાનો પર જ લાગુ પડે છે. જ્યારે ઇદગાહ મસ્જિદ ૧૯૬૮ શ્રીકૃષ્ણ જન્મસ્થાન એવા સંસ્થાન દ્વારા અપાયેલી જમીન પર બની છે જે પહેલેથી જ હિન્દુઓ પાસે હતી જેથી તે આ કાયદા અંતર્ગત આવે નહીં.
 
હવે જોવું રહ્યું કે આ મુદ્દે ન્યાયાલયનું વલણ કેવું રહે છે. આમ, આગામી સમયમાં કૃષ્ણજન્મભૂમિનો મુદ્દો મોટો મુદ્દો બનવાનો છે, ત્યારે હિન્દુ પક્ષ પાસે જે મજબૂત પુરાવાઓ છે તેનો હિન્દુ સમાજમાં વધુ ને વધુ પ્રચાર થાય તે જરૂરી છે. જેથી પ્રત્યેક હિન્દુ આ અંગે થનારી કોઈપણ ચર્ચા વખતે પોતાનો પક્ષ મજબુતાઈપૂર્વક રજૂ કરી શકે.
 
 
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…