દિશા અને સ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત

પાંચજન્ય ( panchjanya ) - ઓર્ગેનાઇઝર ( Organiser ) ની સંવાદ શ્રેણીમાં પ.પૂ.સરસંઘચાલક ડૉક્ટર મોહનજી ભાગવતે (Mohan Bhagwat ) પાંચજન્યના તંત્રીશ્રી હિતેશ શંકર ( Hitesh Shankar )અને ઓર્ગેનાઈઝરના તંત્રી શ્રી પ્રફુલ્લ કેતકર ( Prafulla Ketkar ) સાથે નાગપુરમાં વિવિધ વિષયો પર સ્પષ્ટ વાત કરી હતી. આ વિશેષ વાતચીતના મહત્ત્વપૂર્ણ અંશો અહીં પ્રસ્તુત છે.

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Mohan Bhagwat
 
 

અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુ નિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષ પૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષ તરફ આગળ વધવાની સંઘની આ યાત્રામાં રાજકીય પ્રભાવથી લઈ મહિલાઓની ભાગીદારી સહિતના અનેક મુદ્દે સંઘ વિરુદ્ધ પ્રચાર થતો જોવા મળી રહ્યો છે. યુવાઓની ભાગીદારી, ટેકનોલોજીની ભૂમિકા, આર્થિક વિષય તથા પર્યાવરણ જેવાં અનેક વિષયો પર લોકોની અપેક્ષા રહે છે કે સંઘ પોતાની વાત રજૂ કરે અને એક દિશા આપવાનો પ્રયાસ કરે. પાંચજન્ય ( Panchjanya ) - ઓર્ગેનાઇઝર ( Organiser ) ની સંવાદ શ્રેણીમાં પ.પૂ.સરસંઘચાલક ડૉક્ટર મોહનજી ભાગવતે (Mohan Bhagwat ) પાંચજન્યના તંત્રીશ્રી હિતેશ શંકર ( Hitesh Shankar )અને ઓર્ગેનાઈઝરના તંત્રી શ્રી પ્રફુલ્લ કેતકર ( Prafulla Ketkar ) સાથે નાગપુરમાં વિવિધ વિષયો પર સ્પષ્ટ વાત કરી હતી. આ વિશેષ વાતચીતના મહત્ત્વપૂર્ણ અંશો અહીં પ્રસ્તુત છે.
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) સો વર્ષની યાત્રા તરફ વધુ નજીક આવ્યો છે. શતાબ્દી વર્ષ તરફ આગળ વધવાની આ યાત્રામાં સંઘ માટે સૌથી મોટો પડકાર કયો રહ્યો? ક્યારે આવ્યો? તે વિશે જણાવશો ?
 
પડકાર શબ્દ ગંભીર છે, ઉતાર-ચઢાવવાળા રસ્તામાં અનેક વળાંક આવ્યા, વિઘ્નો નડ્યાં, સમસ્યાઓ પણ નડી, પરંતુ કામ પૂરું કરવું એ નિર્ધાર હતો. તમામ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં નિર્ધારિત દિશા તરફ સતત આગળ વધવું અને સ્વત્વને કાયમ રાખવું એ સૌથી મોટો પડકાર હોય છે. અમારો વિરોધ થયો પણ તેનો સામનો કરી અમે તે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા. વિરોધનો સામનો કરી વિરોધી બનવું એ યોગ્ય નથી. ઘણીવાર પરિસ્થિતિનો તાગ મેળવીને તે દિશામાં જવા માટે બીજો માર્ગ શોધવો પડે છે, જ્યારે ઘણીવાર અન્ય વળાંક તરફ વળવું પડે છે, જે-તે વળાંક વખતે કઈ દિશામાં આગળ જવું છે તે અંગે ખાસ તકેદારી રાખવી. તો જ, જે-તે વળાંક પસંદ કરવાનો લાભ મેળવી શકશો. નહીંતર વળાંકની સાથે દિશા પણ બદલાઈ જશે. સંઘની આ સંપૂર્ણ યાત્રામાં આ એક જ વાત પડકારરૂપ હતી. બાકી, અન્ય વાતો અપેક્ષા અનુસાર જ રહી.
 
આજની સ્થિતિમાં ઉપેક્ષા અને વિરોધનો સમય જતો રહ્યો છે. હવે તો સમાજ તરફથી ખૂબ સ્નેહ મળે છે. વિચાર માટે પણ અનુકૂળતા છે અને વૈશ્ર્વિક પરિસ્થિતિ પણ માનવતાને આ વિચાર તરફ ધકેલી રહી છે. લોકો ઇચ્છે કે ના ઇચ્છે પણ જાણે-અજાણે વિચારના આ માર્ગમાં આગળ વધવા લાગે છે અને આ પ્રક્રિયા આગળ વધતી રહે છે. જો કે, આ કારણે અમારો માર્ગ વધુ સુગમ બન્યો છે. જોકે, આ પણ એક પડકાર છે. કારણ કે, કાંટાળા રસ્તા પર પથરાતા કાંટાના પ્રકાર બદલાતા ગયા. પહેલાં વિરોધ અને ઉપેક્ષાનો કાંટાળો માર્ગ અવરોધરૂપ બનતો, પરંતુ તે માર્ગ પાર કરી શકતા. જો કે, અત્યારે અનુકૂળતાને કારણે સુવિધા અને સંપન્નતા વધવાથી સમાજમાં અમારું સ્થાન મહત્ત્વપૂર્ણ બન્યું છે. આ પરિસ્થિતિમાં મળતી સુવિધાઓ અને લોકપ્રિયતા અમારા માટે રસ્તા પરના કાંટા સમાન છે. પણ તે પરથી પસાર તો થવું જ પડે છે. આ વાતને ઉદાહરણ સાથે સમજાવું તો પહેલાં અમે પ્રસારણ માધ્યમો સમક્ષ આવવા ઇચ્છતા નહોતા. પરંતુ હવેના જમાનામાં આ માધ્યમોની અસરકારકતા અને વ્યાપને નકારી શકાય નહીં. અમે જાણીએ છીએ કે, જો અમે આ માધ્યમોનો ઉપયોગ નહીં કરીએ તો તેમાં નુકસાન અમારું જ છે. કારણ લોકો તરફથી પ્રશ્ર્નો આવે છે કે અમે મીડિયાથી કેમ સંતાઈને રહીએ છીએ. અમે સ્વીકાર્યું કે અમારે મીડિયા સમક્ષ જવું જ પડશે. અમે સામે આવીશું તો જ અમારી તસવીરો છપાશે, લોકો વધુ જાણી શકશે. પરંતુ માધ્યમોમાં ચમકવાનો લોભ ના હોવો જોઈએ. સુવિધા મળે તો તેનો ઉપયોગ પણ કાર્ય માટે જ કરવો જોઈએ. આપણે તેના માલિક બનવા જોઈએ, સુવિધાઓ અને લોકપ્રિયતા આપણાં માલિક બનીને રહી જાય નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખીએ. કષ્ટ વેઠવાની ટેવ રહેવી જોઈએ. અનુકૂળતાથી અહંકાર આવવો જોઈએ નહીં. તમે ક્યાંક પહોંચો અને સ્ટેશન પર તમને લેવા આવનાર લોકોની ભીડ જામે તો, તે આપણને ગમવા લાગે છે. આવી લાગણી-ભાવથી બચવા માટે જરૂરી છે કે તમે તે ભાવ અનુભવો અને તેને નિયંત્રિત કરીને આગળ વધો. બસ, આ નિયંત્રણ એ ખરો પડકાર છે. સંઘનું કામ વધી રહ્યું છે, તેના મૂળમાં સત્ય અને વાસ્તવિકતાનો વિચાર રહેલો છે. આવનારા સમયમાં લોકોએ આ વિચારનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડશે. આ જ વિચારના આધારસ્તંભ પર દેશના ભાવિનું ઘડતર થશે. આ બાબતે અમે નિશ્ર્ચિંત છીએ. પરંતુ આ યાત્રાને પૂર્ણ કરતી વખતે નિશ્ર્ચિત દિશા તરફ આગળ વધીએ અને સ્વત્વને સાથે રાખીને ચાલીએ. બસ, આ વિચારધારા સાથે આગળ વધવું અમારા માટે સૌથી વધુ પડકારજનક છે. અમારે તે પડકારને ભેદીને તેમાંથી બહાર આવવું પડશે. આ જ અમારો પડકાર છે.
 

Mohan Bhagwat  
 
એક સમય એવો હતો કે સંઘ વિચાર, સંઘની કાર્યપદ્ધતિ, જેમાં ‘ઓર્ગેનાઈઝેશન ફોર ધી ઓર્ગેનાઇઝેશન સેક’ સંગઠન માટે સંગઠનમાં જવું અને ત્યાંથી પરિવર્તન માટે, માનવતા માટે અહીં સુધી પહોંચવું... શું આમાં સંઘની કાર્યપધ્ધતિમાં, વિચારમાં, સંઘની યાત્રામાં આપ કોઈ પરિવર્તન જુવો છો ?
 
આ પરિવર્તન નથી, આને હું વિકાસ - વિકસવાની પ્રક્રિયા તરીકે જોઉં છું. કળી ખીલે ત્યારે તેની સાથે પાંખડીઓ ખીલે એવું નથી. પાંખડીઓ તો હોય જ છે, બસ, સંગઠનની પણ આ જ કાર્યપદ્ધતિ છે. અમે સંગઠન માટે જ સંગઠન કરી રહ્યા છીએ. અન્યથા એવું બની શકે કે, આજે અમારી પાસે એટલું સંગઠનબળ છે કે અમે શાખાઓ ના ચલાવીએ તો પણ પર્યાપ્ત માત્રામાં લોકો અમારી સાથે જોડાયેલા જ છે. સમાજમાં જે પ્રતિભાઓ છે, અમે તે પ્રતિભાને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. બાકી હજુ પણ વધુ ને વધુ લોકો સંગઠનમાં જોડાતા જાય છે. છતાં અમે શાખાઓ ચલાવી રહ્યા છીએ, આનાથી અમારા પરનો બોજ વધી રહ્યો છે. તો પણ અમે સમાજને સંગઠિત શેના માટે કરી રહ્યા છીએ ? આ પ્રશ્ર્ન છે. તમારે સ્વસ્થ શા માટે રહેવું છે ? સ્વસ્થ રીતે કામો પતે એટલે ઘડપણમાં સેવાનિવૃત્ત થાઓ, ત્યારે તમારે કાર્યસ્થળ પર સેવા આપવા જવાનું નથી છતાં સ્વસ્થ તો રહેવું પડશે, એ જ રીતે બાળપણમાં પરિવારની જવાબદારી ઉપાડવાની નથી હોતી. છતાં પણ સ્વસ્થ તો રહેવું પડે છે. મૂળ તો સ્વસ્થ રહેવું જરૂરી છે. તે જ રીતે, સંગઠન માટે સંગઠન એ જ કેન્દ્રબિંદુ છે. પરંતુ સેવા, પરિવર્તન, વ્યવસ્થા પરિવર્તન, સમાજ પરિવર્તન તેમજ વિવિધ-વિવિધ પ્રકારનાં કામો માટે સ્વયંસેવકો જોઈએ. સંઘ સંગઠન કરશે બાકી કંઈ કરશે નહીં. સ્વયંસેવક કંઈ છોડશે નહીં. બસ, આજે તે વિચાર વિકસિત અવસ્થામાં છે. એ સમયે બોલાતું કે સંગઠન માટે સંગઠન ઊભું કરવું. અમે ત્યારે સાંભળ્યા કરતા, અને હવે સંગઠન માટે સંગઠન ચાલી રહ્યું છે, આમાં કંઈ છુપાવવા જેવું નથી.
 
રાજનીતિનાં ચશ્મા પહેરીને સંઘને જોવાની વૃત્તિ રહી છે અને રાજકીય ઘટનાઓ પર સંઘનો અભિપ્રાય જાણવાની મીડિયામાં તાલાવેલી હોય છે. સંઘનો રાજનીતિ સાથેનો સંબંધ કેવો છે ?
 
સમાજમાં જુદા-જુદા કારણોસર આ રાજનીતિનાં ચશ્માં પહેલેથી ચઢેલાં છે. આથી સંઘને જ નહીં, દરેક વાતને રાજનીતિનાં ચશ્માંથી જોવાની વૃત્તિ જોવા મળે છે. સમાજમાં કોઈ સારપ કે ગડબડ જોવા મળે, તો તેના પર કોઈ ધ્યાન નહીં આપે, પણ હા, રાજનીતિ પર ચોક્કસ ધ્યાન આપશે. પરંતુ ચાલુ રાજનીતિથી સંઘે પોતાને પોતાના સ્થાપનાનાં વર્ષોથી જ જાણી જોઈએ અલિપ્ત રાખી છે. મતની રાજનીતિ, ચૂંટણીની રાજનીતિ, એકબીજાને નીચા દેખાડવાની રાજનીતિ જેવી બાબતોથી સંઘને કોઈ સંબંધ નથી. રાષ્ટ્રનીતિને પ્રભાવિત કરતી રાજનીતિની વાતો એટલે કે રાષ્ટ્રહિતનાં સંબંધમાં જે વિષય છે, જેમ કે, હિંદુહિત, દેશહિત, રાષ્ટ્રહિત, વસ્તુત: આ સમાંતર અને સમાનાર્થી છે. તેના માટે રાજનૈતિક વળાંક મળે છે કે નહીં તે ચિંતા સંઘને ડૉક્ટર સાહેબના સમયથી જ છે. રાષ્ટ્રનીતિ અંગે અમે શરૂઆતથી જ સ્પષ્ટ છીએ અને તેનો ઉપયોગ કરી શ્રેષ્ઠતમ પ્રયાસ કરવામાં આવે છે. તેને અમે કદી છુપાવી નથી. આ વાત આજે પણ લાગુ પડે છે. ચાલું રાજનીતિ સાથે અમારે કોઈ સંબંધ નથી.
 
રાષ્ટ્રનીતિ સાથે અમારે ચોક્કસ સંબંધ છે. તેના અંગે અમારો અભિપ્રાય પણ હોય છે. અમે અમારી તમામ શક્તિનો ઉપયોગ રાષ્ટ્રહિત માટે કરતાં રહેશું. હા, એ વાત ચોક્કસ છે કે અગાઉ સંઘના સ્વંયસેવક સત્તામાં નહોતા રહેતા. હવે આ વાત વણાઈ ચૂકી છે. જોકે સંઘ માત્ર સંગઠનની કામગીરી કરે છે. પરંતુ સ્વયંસેવક જે કરે છે, તે સંઘ પર થોપવામાં આવે છે. તે થોપવામાં ના આવે તો પણ મહદ્અંશે સંઘ જવાબદાર છે. કેમકે , સંઘના સ્વયંસેવકો સંઘમાં જ તૈયાર થયેલા છે. આ જ કારણ છે કે, આપણા સંબંધ કેવા છે, આપણે કેટલો વિવેક જાળવીએ છીએ, કઈ વાતનો કેટલો આગ્રહ કરીએ છીએ, તે બધું જ વિચારવું પડે છે.
 
હમણાં જ સંઘના વિષયોને વેપારીઓ સામે મૂકવા એક સંમેલન યોજાયું હતું. જેમાં અંતે પ્રશ્ર્નોત્તરી હતી. આ પ્રશ્ર્નોત્તરીમાં કેવળ સંઘ વિશે નહીં, પણ જીએસટી, ઇન્કમટેક્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ પૂછવાનું થયું. સરકાર અંગેની તમામ વાત તેમણે પૂછી હતી. આ પછી તે લોકો વેપાર સબંધિત તમામ શંકાઓ અંગે સવાલ પૂછવા લાગ્યા હતા. દરેક સવાલમાં મારે એમ જ કહેવું પડ્યું કે આ અમારું કામ નથી. દરેક વખતે હું તેમ કહેતો ગયો કે આ નીતિનો જ નહીં માનસિકતાનો પણ સવાલ છે. પરંતુ તે લોકો તો આ સવાલ જ પૂછશે. તેઓ પૂછે છે ત્યારે આપણે એમ જ કહેવું પડે છે કે અમે તમારી વાત પહોંચાડી દઈશું. જે રાજનૈતિક ગતિવિધિ ચાલે છે તેમાં જનતાની કોઈ ઇચ્છા છે, મુશ્કેલીઓ છે, જે અમારી પાસે આવે છે, તે સ્વયંસેવકોને કારણે ત્યાં સુધી પહોંચી જાય છે. સ્વયંસેવકો સત્તા પર ન હતા ત્યારે પણ જે અન્ય પક્ષોનાં લોકો અમારું સાંભળતાં હતા તે આજે પણ છે અને કાલે પણ રહેશે. તેમની સમક્ષ અમે અમારી વાત પહોંચાડીએ છીએ અને તેઓ સાંભળે પણ છે. પ્રણવ દા, કોંગ્રેસ સરકારમાં નાણામંત્રી હતા, ત્યારે સંઘની દૃષ્ટિએ અમે મહત્ત્વપૂર્ણ વિષયો તેમના સુધી પહોંચાડતા, તે સાંભળતા. અમે આ કરીએ છીએ. આટલી જ વાત છે. બાકી ચાલું રાજનીતિ સાથે અમારો કોઈ સંબંધ નથી.
 
હિંદુ સમાજ છેલ્લાં ઘણાં વર્ષોથી હિંદુ આસ્થા, હદુ વિશ્ર્વાસ, હિંદુ મૂલ્યો તેમજ તેનાં પ્રતીકોને લઈને ઘણો વાચાળ થયો છે. ઘણી વાર તો તે આક્રમકતા તરફ પણ વધવા લાગ્યો છે. તો ઘણી વાર સોશિયલ મીડિયા પર સક્રિય લોકોને લાગે છે કે સંઘે પોતાની પહેલાવાળી આક્રમકતા છોડી દીધી છે. શું સંઘ હવે નરમ પડ્યો છે? શું સમાજમાં આવેલા પરિવર્તનને કારણે સંઘે કોઈ નીતિગત ભૂમિકા અપનાવી છે ?
 
હિંદુ સમાજ લગભગ હજાર વર્ષથી વિદેશી લોકો, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્ર સામે યુદ્ધ લડી રહ્યો છે. આ જ લડાઈ હજુ પણ ચાલી રહી છે. સંઘે કાર્ય કર્યું છે અને અન્ય લોકોએ પણ કાર્ય કર્યું છે. ઘણા લોકો આ સંદર્ભે કહી ચૂક્યા છે. લડવા માટે દૃઢ થવું જરૂરી છે. પરંતુ કહેવામાં આવ્યું છે ને કે निराशीः निर्ममोः भूत्वा, युद्धस्व विगतज्वर - અર્થાત્ આશા-આકાંક્ષા, મમત્વનો ભાવ છોડીને યુદ્ધ કરો. પરંતુ બધા માટે આ શક્ય નથી. પરંતુ લોકોએ આ અંગે અમારા દ્વારા સમાજને જાગૃત કર્યો છે. આક્રમણખોર સિકંદર ભારતમાં આવ્યો ત્યારથી જાગૃતિની આ પરંપરા જારી છે. ચાણક્યથી લઈને અનેક લોકોએ હિન્દુ સમાજને વધુ એક યુદ્ધ લડવા માટે હાકલ કરી છે. આમ છતાં હજુ તે જાગૃત થયો નથી. આ યુદ્ધ માત્ર બાહ્ય નહીં આંતરિક પણ છે. હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજના સલામતીના પ્રશ્ર્ન અંગેનું આ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે વિદેશીઓ નથી, પરંતુ વિદેશી પ્રભાવ છે, વિદેશથી થતાં ષડયંત્રનો સતત સામનો કરવો પડી રહ્યો છે. આ યુદ્ધમાં કટ્ટરતા આવશે. આક્રમક નિવેદનો પણ આવશે, જે આવવા જોઈએ નહીં. પરંતુ એ જ સમયે અમારી કેટલીક અંદરની વાતો છે. શ્રીરામ આપણા સ્વાભિમાનનું પ્રતીક છે, તેમનું મંદિર બનવું જોઈએ, જેનું આંદોલન થાય છે. લોકો જય શ્રીરામ કહે છે. જય શ્રી રામ કહેવાથી જુસ્સો વધે છે. શ્રીરામે પ્રત્યેક જાતિ-સમુદાયના લોકોને જોડ્યા છે. પરંતુ આપણે ત્યાં આજે પણ કોઈ ઘોડા પર બેસવા જાય તો તેને ચાબુક ખાવી પડે છે. આપણે તેને બદલવા માગીએ છીએ કે નહીં? પરંતુ શું હિન્દુ સમાજે તે ગ્રહણ કર્યું છે ? હિંદુ સમાજમાં હજુ પણ પૂરેપૂરી જાગૃતિ આવી નથી, તે આવવી જોઈએ. લડત હોય ત્યાં શત્રુ વિશે પણ સજાગ થવું પડે છે, તેના વિશે સમજવું પડે છે. શત્રુને ધ્યાનમાં રાખીને લડવું પડે છે. આપણે કોણ છીએ? આપણે શું કરવું જોઈએ? તમે ઇતિહાસ વાંચ્યો હશે કે મોગલો સામેના આક્રમણમાં અંતિમ પ્રયોગ રૂપે શિવાજી મહારાજને સામે લાવવામાં આવ્યા. તેના પછી વિવિધ પ્રયોગો ચાલતા રહ્યા. શિવાજી મહારાજની નીતિ વિશે વાત કરીએ તો તેઓ જાણતા હતા કે શત્રુ કોણ છે અને કેવા છે? અને પોતે ક્યારે લડવું અને ક્યારે ના લડવું તે વિશે પણ સારી રીતે જાણતા હતા. શિવાજીએ સીમાધિશ્વર બન્યા બાદ પડોશી મુસલમાનોની સત્તા સાથે મિત્રતા કરી હતી. તેમણે ગોલકુંડા જઈને કુતુબ શાહને મિત્ર બનાવ્યા. તેમણે કુતબશાહને સમજાવ્યું કે તેમના મંત્રીમંડળમાં બે હિંદુ હોવા જોઈએ તેમજ હિંદુ પ્રજાનું ઉત્પીડન બંધ થવું જોઈએ. કુતુબ શાહે પણ વાત માન્ય રાખી. જોકે, શિવાજી મહારાજના નિર્વાણ બાદ કટ્ટરપંથીઓએ તે બે મંત્રીઓની હત્યા કરી નાખી અને તે પછી સમગ્ર ઘટનાક્રમે બીજો વળાંક લીધો છે, એ વાત અલગ છે. પરંતુ શિવાજી મહારાજ સારી પેઠે જાણતા કે જ્યારે તમે સત્તાસ્થાને હોવ તો સાચા મુદ્દાઓનો સ્વીકાર કરાવી શકો છો. અહીં બીજી એક વાત પણ ટાંકવા માંગીશ કે, જો હિંદુ સમાજ પોતાને જાણવા લાગશે તો સમાધાન શું છે, તે અંગે પણ જાણી શકશે.
 
કટ્ટર ખ્રિસ્તી લોકો કહે છે કે આખી દુનિયામાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરીશું અને બધાને ખ્રિસ્તી બનાવીશું અને જે નહીં બને તેમણે અમારી દયા પર નભવું પડશે અથવા તો મરવું પડશે. કટ્ટર મુસ્લિમ વિચારસરણી ધરાવતા મુસ્લિમો, ઈશ્વરમાં આસ્થા રાખનાર કે નહીં રાખનાર લોકો, કમ્યુનિસ્ટ, કેપિટાલિસ્ટ સહિતની વિચારધારા ધરાવતા લોકોના મૂળમાં એક જ વિચાર રહેલો છે કાં તો અમારી દયા પર રહો, જો નહીં રહો તો અમે તમને જડમૂળમાંથી ઉખાડી નાખીશું. આ જ બાબતે હિંદુનો વિશ્વ દૃષ્ટિકોણ શું છે? તમે કદી હિંદુને કહેતા સાંભળ્યો છે કે બધાને હિંદુત્વ માનવું પડશે? બિલકુલ નહીં, એ વિચારધારા જ આપણી નથી. આપણો વિચાર એ છે કે લોકો સાથે એવી રીતે સંવાદ સાધવો જોઈએ. સાથે એવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે જે લોકો ખરેખર આપણું અનુકરણ કરે. જો તેમ ના કરવા માગે તો તેના માટે અમે કંઈ કરી શકીએ એમ નથી. પરંતુ તેઓ અમને નુકસાન પહોંચાડે નહીં તેની તકેદારી રાખવી પડશે. આ બધી જ લડાઈઓમાં અમારું બળ વધી ગયું છે અને હવે તેઓ અમને કંઈ જ હાનિ નહીં પહોંચાડી શકે. તેમણે પ્રયાસ ખૂબ કર્યા પણ સફળતા મળી નહીં. અમારી રાજનૈતિક સ્વતંત્રતા છંછેડવાની તાકાત હવે કોઈનામાં નથી. આ દેશમાં હિન્દુ રહેશે, હિન્દુ જશે નહીં, તે વાત નિશ્ર્ચિત થઈ ગઈ છે. હિન્દુ હવે જાગૃત થઈ ગયો છે. આ બાબતનો ઉપયોગ કરીને આપણે અંદરની લડાઈમાં વિજય મેળવવાનો છે અને આપણી પાસે જે સમાધાન છે તેને રજૂ કરવાનું છે. આજે આપણે સારી સ્થિતિમાં છીએ તો આ વાત કરવી પડશે. કેમકે, અત્યારે નહીં તો ૫૦ વર્ષ બાદ આપણે તે કરવી પડશે. આ માટે અત્યારથી જ કંઈ કરવું પડશે.
 

Mohan Bhagwat  
 
આજે ચીન જે રીતે પોતાની તાકાત વધારી રહ્યું છે, તેની યોજના વર્ષ ૧૯૪૮માં બનાવી હતી. આ યોજના અનુસાર ચીન આગળ વધી રહ્યું છે. તો આ સંદર્ભે આપણે પણ કેટલા બળવાન છીએ તે તરફ ધ્યાન આપવું જોઈએ અને પોતાની તાકાત વધારવા તરફ પહેલ કરવી જોઈએ. આ કોઈ કાર્યવાહી નથી, હંમેશા લડાઇના મિજાજમાં રહેવું એનાથી કોઈ ખાસ ફાયદો નથી. રાષ્ટ્રીય જીવનમાં બધા પ્રસન્ન રહે છે. જે લોકો લડી શકે છે તે લોકો બધું મેળવી શકે છે, તેવું પણ નથી. ગૈરીબાલ્ડીએ યુદ્ધ ખેલ્યું. યુદ્ધ કર્યા બાદ તેણે કહ્યું કે, હવે આગળનું કામ હું નહીં કરી શકું, બીજાને સોંપો. અંતે રાજા બનવાની વાત આવી ત્યારે પણ તેણે પોતાને નહીં અન્ય કોઈને રાજા બનાવવાનું સૂચન કર્યું. આપણે પણ આપણા સમાજની આવી અવસ્થાઓ પ્રમાણે, પોતાની બોલચાલ અને ભાષાને ઢાળવી પડશે. દિશા આપણી પાસે છે- હિંદુસ્તાન એ હિંદુ રાષ્ટ્ર છે. પરમ વૈભવ અને સામર્થ્યથી સમૃદ્ધ એવો હિંદુ સમાજ અને પરમ વૈભવ સંપન્ન હિંદુ રાષ્ટ્ર વિશ્વને માર્ગદર્શન આપવા માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. આ બધું કેવી રીતે થશે? લડાઈ લડવી છે તો લડવાની, આ આપણી મરજી છે. કોઈ અન્ય પડકાર આપે તે માટે લડાઈ લડવી એ પરિસ્થિતિ આદર્શ નથી. લડાઈ આપણે આપણી યોજનાથી કરવાની છે હિંદુ સમાજે આ અંગે વિચારવું પડશે.
 
સાંસ્કૃતિક સંગઠન તરીકે સંઘની છબી છે તેમાં ટેકનોલોજી, પર્યાવરણ, લૈંગિક ચર્ચા જેવા આધુનિક વિચારના મુદ્દાઓ પણ વણાયેલા છે. આ બધા સંઘને તમે ક્યાં જુવો છો ?
 
પશ્ર્ચિમ દેશોનું વિશ્વમાં વર્ચસ્વ હતું, માટે તેઓ જ આગળ હતાં, તેઓ જ નેતૃત્વ કરતા. અને તેઓ જ વિમર્શ નક્કી કરતા હતા.તેમની પાછળ આપણાં સહિત અન્ય લોકો હતા. હવે તેમનું નેતૃત્વ નિષ્ફળ થયું છે. બધી પ્રણાલીઓને અપનાવીને તેમાં નિષ્ફળ થયા બાદ હવે તે પર્યાવરણ અને ભારતીય વિચાર તરફ વળી રહ્યાં છે, હિંદુ વિચાર સાથે જોડાઈ રહ્યાં છે. આ જ રીતે, જેન્ડર વિશે, મહિલાઓના પ્રશ્ર્ન, સ્ત્રીમુક્તિ, નારીશક્તિના નારા ચાલી રહ્યા છે. પારસ્પરિક પૂરકતા, પારિવારિક જીવનની જરૂરિયાતને સમજીને પશ્ર્ચિમી સામ્રાજ્ય હવે નારીનેતૃત્વ અને નારી જગત તરફ પાછું વળી રહ્યું છે. એટલે કે આપણા વિચારતરફ વધી રહ્યાં છે. ટેકનોલોજી વિશે પણ આવો જ એક મોટો વિવાદ ચાલી રહ્યો છે જેમ કે મુક્ત ટેકનોલોજી કે પછી આચારસંહિતા યુક્ત ટેકનોલોજી, અપ્રતિબંધિત ટેકનોલોજી કે માનવીય અભિગમ સાથે ચાલતી ટેકનોલોજી. ટેકનોલોજી અંગેની આ કલ્પનાઓથી કોણ શું કરશે? ટેકનોલોજી તો આવતી અને જતી રહેશે, દુનિયા પણ આગળ વધતી રહેશે. વિશ્વમાં સનાતન કંઈ છે તો તે છે જેન્ડર અને પર્યાવરણ. જે પૂર્ણ જીવનના આ સત્યને સમજી શકે છે તે જ તેનો જવાબ પણ આપી શકશે. ભારત જીવનની પૂર્ણતાને સમજે છે, પરંતુ વ્યક્તિ પોતે સ્વતંત્ર છે અને પરિવાર અલગ છે તેવો પશ્ર્ચિમનો પ્રભાવ આપણી પર પ્રવર્તી રહ્યો છે. પણ ભારત કેવી રીતે જોડવું તે જાણે છે. માટે આજે ઉપદેશ બદલાઈ રહ્યો છે. અમે ભારતીય સંવાદ (ડિસકોર્સ)ને સમર્થન આપ્યું છે. ટાગોર, ગાંધીજી, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી આ બધાને લઈને અમે આગળ વધ્યા. આધુનિક જમાનામાં લોકો ભારતના વિચાર તરફ વળી રહ્યા છે. આપણે સૌએ આ તમામ વિષયો પર વિચાર કરવો પડશે, ઊંડું અધ્યયન કરવું પડશે. સંઘ આ વિશે કોઈ અલગ અભિપ્રાય ધરાવતો નથી.
 
નવી- નવી ટેકનોલોજી તો આવતી રહે છે. પરંતુ ટેકનોલોજી મનુષ્યો માટે છે. લોકોના મનમાં ડર છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને સીમિત રહી જશે તો આવતીકાલે મશીનોના રાજમાં જીવવું પડશે. લોકોએ આ પાસા પર વિચાર કરવો પડશે. આ બાબતે સંઘ કોઈ ભિન્ન દૃષ્ટિકોણ ધરાવતો નથી. હિંદુ પરંપરાએ આ વાતો પર વિચાર કર્યો છે.
 
મીડિયા દ્વારા મોટું રૂપ અપાયેલા પ્રશ્ર્નો તરફ વળીએ, ..... ત્રીજા પક્ષના લોકો એ સમસ્યા નથી. તેમનો અલગ પંથ છે, પોતાના અલગ દેવી-દેવતાઓ છે. હવે તેમના મહામંડલેશ્વર પણ છે. કુંભમાં પણ તેમને સ્થાન આપવામાં આવે છે. તેઓ માનવજીવનનો ભાગ છે. ઘરમાં બાળક જન્મે તો તેઓ હરખ કરવા આવે છે, પરંપરાઓમાં પણ તેમને સમાવવામાં આવ્યા છે. તેમનું જીવન ભલે અલગ હોય પણ તેઓ પણ સમાજનો ભાગ બની, તેની સાથે જોડાઈને કામ કરે છે. આ બાબતે અમે ક્યારેય કોઈ સંદર્ભ આપ્યો નથી, અને આ વિષયને આંતરરાષ્ટ્રીય સંવાદનો મુદ્દો બનાવ્યો નથી.
 
આ જ રીતે એલજીબીટીનો પ્રશ્ર્ન છે. જરાસંધના બે સેનાપતિ હતા હંસ અને ડિંભક. બંને મિત્રો હતા. આ બંને વિશે કૃષ્ણએ અફવા ફેલાવી કે ડિંભકનું મોત થયું, આ સાંભળીને હંસે પણ આત્મહત્યા કરી લીધી. બંને સેનાપતિઓને આ રીતે માર્યાં. આ શું હતું ? એ જ વસ્તુ છે. બંને આ જ સંબંધ ધરાવતા. મનુષ્યોમાં પહેલેથી જ આ પ્રકાર જોવા મળે છે. હું પોતે વેટરનરી ડૉક્ટર છું, એટલે હું જાણું છું કે પ્રાણીઓમાં પણ આ પ્રકાર જોવા મળે છે. આ બાયોલોજિકલ પ્રક્રિયા છે. તેના વિશે નાહકનો ઊહાપોહ થઈ રહ્યો છે. તેમનો પ્રકાર ભલે અલગ હોય, તેમને પણ જીવવું છે. તેઓ અંગત જીવન જીવે અને તે સમાજ સાથે જોડાયેલા હોવાની પણ લાગણી અનુભવે આટલી સામાન્ય વાત છે. આપણી પરંપરામાં આ વ્યવસ્થા હયાત છે, તે મુદ્દે આપણે કોઈ પણ જાતનો ઊહાપોહ કર્યો નથી. આપણે આ વિચાર કરતા આવ્યા છીએ અને આગળ પણ તે વિશે વિચારીશું. ખાલી વાતો કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન આવતું નથી. આથી જ સંઘ પોતાની પરંપરાના અનુભવને વિશ્વસનીય માનીને વિચાર કરે છે.
 
આજના યુવાઓ વિવિધ વિષયો પર અનેકવાર ભ્રમિત થાય છે. ભારત, હિંદુત્વની દૃષ્ટિએ કેવો દૃષ્ટિકોણ ધરાવે છે, તે વિશે જાણવાની તેમનામાં ઉત્સુકતા હોય છે. બીજી તરફ કેટલાંક વિષયોને કારણે તેમનાં મનમાં ભ્રમ પણ ઉભા થાય છે. યુવાઓને સંઘની કાર્યપદ્ધતિ સાથે જોડવા માટે સંઘ તેમના મનમાં ઊઠેલા પ્રશ્ર્નો, તેમની ચિંતાઓના સમાધાન માટે વિચારોમાં કાંઈ નાવીન્ય લાવી રહ્યું છે કે કેમ ?
 
સંપર્ક કરવો, હિંદુ પરંપરા વિશે સમજ આપવી અને તેની સાથે જોડવું, આ માટે વિવિધ પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે. અમે કોઈ કેન્દ્રીય વિચારને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરતા નથી, અહીં સ્થાનિક વિચાર અનુસાર કાર્યપદ્ધતિ અપનાવવી પડે છે. સ્વાભાવિક રીતે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ જેવા મેટ્રો શહેરમાં વિચારોમાં નાવીન્ય વિશે વિચારવું પડશે. જે લોકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે તેમના માટે વિચારવું પડશે. પરંતુ જે લોકો જિલ્લા કે તાલુકા સ્તરે છે ત્યાં અમારે કાર્યશૈલીમાં ખાસ કોઈ ફેરફાર અપનાવવાની જરૂર પડતી નથી. જેમ કે, ચંદ્રપુર કૉલેજમાં ભિન્ન પ્રકારના વિચારની જરૂર નહીં પડે, તે જ રીતે જિલ્લા પરિષદની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં જુદી કોઈ થિયરી અપનાવવાના અંગે અમારે ઓછો વિચાર કરવો પડે છે. આથી જ અમે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે પ્રયોગ કરવાની સ્વતંત્રતા આપીએ છીએ અને તે મુજબની પદ્ધતિઓ અપનાવીએ છીએ. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, તેમની સમક્ષ પહેલાં નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી તેમજ જાત-જાતના યુવા કાર્યક્રમોની પણ રજૂઆત કરવામાં આવી. અંતે આઝાદીના પંચોતેર વર્ષ વિષય પર તેમની વચ્ચે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. હવે સંઘ સાથે જોડાયેલા જૂના લોકો પૂછશે કે, સંઘના કાર્યક્રમોમાં સૌ પ્રથમ રજૂ કરાયેલા કાર્યક્રમો સ્થાન ધરાવે છે કે નહીં? અમારે જે સમજ આપવી છે, તે સીધેસીધી ગળે ઉતારી આપતાં અમે લોકોને તેમની સમજાવવાની પદ્ધતિ પ્રમાણે સમજાવી રહ્યા છીએ. એટલે જ તો વધુમાં વધુ યુવાઓ સંઘ સાથે જોડાઈ રહ્યાં છે. જોઈન આરએસએસ - તે અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આજે શિક્ષિત અને અંગ્રેજી જાણનારો યુવા આ તમામ વાતોને સમજી શકે છે. પ્રતિવર્ષ લગભગ બે લાખ યુવાઓ સંઘની વિચારધારાને નજીકથી જુએ છે, સમજે છે અને પછી તેના તરફ આકર્ષિત થાય છે.
 
એક મોટો પ્રશ્ન છે ! મહિલાઓ અને સંઘ. આ પ્રશ્ર્ન વારંવાર ઊઠે છે. વિજયાદશમીના સંબોધનમાં સંતોષ યાદવજીની ઉપસ્થિતિ હતી. સંઘમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ સંગઠન પણ કાર્યરત છે. ત્યારે સંઘના કાર્યક્રમોમાં તમે મહિલાઓની ભૂમિકાને કેવી રીતે જુઓ છો અને આ ભૂમિકા કઈ દિશામાં આગળ વધી રહી હોવાનું જોઈ રહ્યા છો ?
 
મહિલાઓની ભૂમિકા વધી રહી છે. પહેલાં અમે પરિવાર સંમેલનો કરતા નહોતા. સંમેલનનો સમાવેશ કરવો નહોતો એવું નહોતું પણ એ પરિસ્થિતિ નહોતી. આજે અમે કુટુંબ પ્રબોધન પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છીએ. સંઘની વિવિધ કાર્યકારિણી સાથે જોડાયેલા લોકોને અમે વર્ષમાં એકવાર પરિવાર સાથે વનસંચાર કાર્યક્રમ કરવા માટે કરીએ છીએ. કાર્યકર્તા અને તેમનો પરિવાર તેમજ પરિવારમાં વિશેષ કરીને મહિલાવર્ગ આ કાર્યક્રમમાં આવે છે. સંઘમાં પહેલેથી જ ગટ પદ્ધતિ છે, આ ઘરના રસોડા સુધી સંબંધ રાખનારી પદ્ધતિ છે. સંઘને ઘરના એ લોકો સુધી પહોંચાડવાનું આ માધ્યમ છે, જેઓ શાખામાં નથી આવી શકતા. અને ઘણા બૌદ્ધિક વર્ગોમાં પણ આજકાલ આ સૂચના અપાય છે કે - સંઘના સ્વયંસેવક અને કુટુંબ, તેમના પણ બૌદ્ધિક થાય. આવું થઈ રહ્યું છે. સેવિકા સમિતિઓ નિર્ધારિત મૂલ્યો પ્રમાણે વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય કરી રહી છે.
 
આ સમિતિઓ મહિલાઓના બૌદ્ધિક ઘડતરને લઈને સચેત રહે છે. તો અમે પુરુષોના ઘડતર પર ધ્યાન આપી રહ્યાં છીએ. આ સેવિકા સમિતિ જ્યારે આ પદ્ધતિમાં કોઈ પરિવર્તન કરવા માટે કહેશે, તો એ પણ કરીશું. કોરોના મહામારી દરમિયાન બે વર્ષ સુધી ઘર-ઘરે શાખાનું આયોજન થતું ત્યારે મહિલાઓ પણ તેમાં સક્રિય રહી. ઘણી મહિલાઓએ તે સમયે શાખામાંથી જે શીખ્યું તેને સંલગ્ન કાર્યક્રમો પણ કરી રહી છે. હવે મહિલાઓની રજૂઆતો અને માંગણીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહિલાઓ સંઘના કાર્યક્રમોમાં જોડાઇને નવા લોકોને પણ તેમાં સામેલ કરી રહી છે. તાજેતરની જ એક વાત જણાવું તો આજે મને એક ઘરમાં ભોજન માટે આંમત્રણ આપવામાં આવ્યું હતું. કોરોના કાળમાં તેમની પત્ની ઘરની શાખામાં સ્વયંસેવિકા રહી નહોતી પરંતુ બાદમાં તેમણે તે યોગાભ્યાસી મંડળથી અભ્યાસ પૂર્ણ કર્યો અને વિવિધ પ્રકારના અભ્યાસો પણ કર્યા, હવે તે અધિકૃત ઓનલાઇન આસિસ્ટ ચલાવે છે અને વિશ્વના અનેક લોકો તેમાં ભાગ લે છે.
 

Mohan Bhagwat  
 
મહિલાઓ પણ સ્વયંસેવકની જેમ જ યોગદાન આપી રહી છે. સંઘ વિશે જાણવાની, સમજવાની તેમનામાં ઉત્સુકતા છે, તેઓ પણ અમારા સ્વયંસેવકની જેમ કામ કરવા ઇચ્છે છે અને તે માટે આગળ પણ આવી રહી છે. અમે અમારા કાર્યકર્તાઓને સૂચના આપી કે, સંઘ સાથે જોડાવવાના હેતુથી કોઈ મહિલા આવે તો તે મહિલાને સમિતિ પાસે જાઓ એ સૂચવવાની જગ્યાએ તેમને સંઘની સાથે જોડીને રાખો. હજી સમિતિ એટલી સક્ષમ નથી કે, બધાને સમાવી શકે. આથી જ તેમને સ્થાનિક સ્તરે વ્યવસ્થા કરીને સંઘ સાથે જોડાયેલા રાખવાનું સૂચવવામાં આવ્યું છે. ઘણી મહિલાઓ અમને જણાવે છે કે, તેઓ તેમના બાળકમાં સંઘના સંસ્કાર સીંચવા માંગે છે અને તે માટે સંઘ સાથે જોડાવા માંગે છે. અત્યારે આ પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે ત્યારે પરિસ્થિતિ માટે પણ અમે વિચાર કરી રહ્યાં છીએ. ડૉક્ટર સાહેબના સમયમાં વિચાર કરવાની સ્થિતિ નહોતી. પરંતુ આજની સ્થિતિ અલગ છે. અમારી પાસે આ અંગે વિચારવા માટે સમિતિના કાર્યકર્તા છે. આ અંગે અમે બધા મળીને નક્કી કરીશું.
 
આપે હમણાં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે, શું પરિવાર પ્રબોધન જેવા વિવિધ આયામોને સંઘની પરંપરામાં સમાવવાથી આ પરિવર્તન આવ્યું છે કે કેમ? આ વિશે શું કહેશો ?
 
ના. પરિવાર પ્રબોધન પ્રવૃત્તિમાં સંઘ એ મુખ્ય વિષય વસ્તુ નથી. તેમાં ઘરની પરંપરા, કુળની રીત, દેશની પરંપરા, પૂર્વજો, હું મારા માટે કરું છું, પરિવાર માટે કરું છું તેમજ સમાજ માટે કરું છું તેમજ મારું ઘર મંગળ ભવન હોવું જોઈએ તે પ્રકારના વિષયો રહેલા છે. સંઘના સ્વયંસેવકો ભલે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પણ તેની પાછળ સંઘના કાર્યોનું વિસ્તૃતીકરણ થાય એ આ પ્રવૃત્તિનો હેતુ નથી. આ પ્રવૃત્તિ સ્વતંત્ર રીતે આગળ વધી રહી છે અને સારી રીતે આગળ વધી રહી છે. સમાજમાં સંઘની વધતી પ્રતિષ્ઠા અને કોરોના કાળમાં મહિલાઓની વધેલી ભાગીદારી એ આનું પરિણામ છે. અનેક કાર્યક્રમોમાં, વ્યાપારિક કાર્યક્રમોમાં મહિલા વેપારીઓને પણ ભાગ લેવા બોલાવ્યા છે, તે આવે છે અને જોડાય પણ છે. સ્વયંસેવકો દ્વારા થતી પ્રવૃત્તિમાં તેઓ સહભાગી પણ બને છે. તો ઘણી જગ્યાએ સંઘ સ્થાન પર શાળાએ જતી બાળકીઓ, કોલેજ જતી યુવતીઓ પણ આવે છે. અમે આ કાર્યક્રમો તમારા માટે નથી એવું નથી કહેતા. પ્રાર્થના સમયે તે થોડા અંતરે રહે, અથવા તેઓ અલગ ગુટ બનાવી સમિતિની પ્રાર્થના કરે અમે આ વિચાર તરફ આગળ વધી રહ્યા છે અને તેને એક નિયત રૂપ કેવી રીતે આપવું તે અંગે વિચાર કરી રહ્યાં છીએ અને આગળ પણ કરતા રહીશું.
 
બાયોટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે સમાજ પર, સમાજની વ્યવસ્થા પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. પશ્ર્ચિમી સમાજમાં પરિવર્તનની સાથે અનેક પડકારો પણ સામે આવી રહ્યા છે, જેમ કે, આવનારા સમયમાં ડેટા વપરાશને લઈને કેવી સ્થિતિ સર્જાશે? આ ડેટા વપરાશની સમાજ પર કેવી અસર પડશે? જેને ભવિષ્યના પડકારો કહી શકાય, તેને લઈને સંઘમાં કોઈ મંથન, કોઈ વિચાર ચાલી રહ્યા છે ખરા ? ઘણા લોકો ટેકનોલોજી સાથે તાલમેળ નિભાવી શકતા નથી - આ સ્થિતિને આપ કેવી રીતે જુઓ છો ?
 
ટેકનોલોજી એ જીવન જીવવા માટેનું એક સહાયક સાધન હોવું જોઈએ. પણ ટેકનોલોજીને વળગીને રહીએ તે યોગ્ય નથી. અલબત્ત, ટેકનોલોજીના ન્યાયસંગત ઉપયોગથી અનેક લાભ મેળવી શકાય છે. પરંતુ આજે જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, લોકો ટેકનોલોજી પર નિર્ભર બની જીવી રહ્યા છે, તેને કારણે તેઓ સમાજથી, વ્યક્તિઓથી વિમુખ થઈ રહ્યાં છે. તેનું પરિણામ શું આવશે ? આપણા દેશમાં ફેઇલ-સેફ છે. એટલે કે, જો વ્યક્તિ ભાંગી પડે, વિખેરાઈ જાય, દૂર જાય તો પણ તે વહેલાં-મોડાં પરિવાર પાસે આવી શકે છે, તેને સ્વસ્થ થવા પોરો ખાવા પરિવાર, સમાજ નામનું વિરામસ્થળ છે. પણ આજે નવી ફેશન - નવા પ્રભાવમાં વ્યક્તિ પોતાનાં આ મૂળિયાં વિશે જાગૃત નથી. આપણે બહુ લાંબુ અને ઊંડાણપૂર્વક વિચાર કરવાનું છોડી દીધું છે. વૈચારિક ગહનતા એ આપણી પરંપરા રહી છે પરંતુ આપણી તે શક્તિ ઘણીવાર ક્ષીણ થઈ જાય છે. પશ્ર્ચિમી સમાજની જેમ આપણા ત્યાં પણ લોકો ટેકનોલોજીના આ દુષ્ચક્રમાં ફસાઈ શકે છે. પરંતુ તેના અતિક્રમણ બાદ તેને છોડી દઈશું, તે વાત પણ પાક્કી છે. આપણે તેનો વિકલ્પ શોધીશું તો વિકલ્પ પણ મળી રહેશે. અને આ વિકલ્પ આપણે સમગ્ર વિશ્વને આપવાનો છે. એક જ વાત સમજવા જેવી છે, ટેકનોલોજી એ આપણું સાધન છે. તે આપણાં માલિક બનીને રહી જાય તેવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે સજાગ રહીએ. વાસ્તવમાં તો સુખ માટેની આપણી વ્યાખ્યા બદલવાની જરૂર છે. તમે હમણાં કીધું એ મુજબ જે વ્યક્તિ કમ્પ્યુટર જાણતો નથી તેના માટે કમ્પ્યુટર ઇલિટરેટ એવો શબ્દ છે. મતલબ કે જે લોકો કમ્પ્યુટર વિશે જ્ઞાન ધરાવતા નથી તેના માટે આ શબ્દમાં તુચ્છતાના ભાવ છુપાયેલા છે.
 
સંઘના એક અધિકારી બેઠક કરી પરત ફરી રહ્યા હતા. તેમની એક બાજુમાં એક ઓડિશાનો વ્યક્તિ બેઠો હતો જ્યારે બીજી તરફ એક કિશોર બેઠો હતો. આ બંનેની ટિકિટમાં ભોજનની વ્યવસ્થા સામેલ હતી. બંને વ્યક્તિઓને ફ્લાઇટ તરફથી સેન્ડવિચ અને સોફ્ટડ્રીંક આપવામાં આવ્યું. પણ અમારા સંઘ અધિકારીની ટિકિટમાં આ વ્યવસ્થા સામેલ નહોતી. તેઓ સીંગ કે કંઈક બીજો નાસ્તો ખરીદવાનો વિચારતા હતા ત્યાં તેમની પાસે બેઠેલા એ વ્યક્તિએ તેમને પોતાનું સોફ્ટ ડ્રીંક આગ્રહ કરીને આપ્યું. પછી તે બંને વચ્ચે વાતચીતનો દૌર જામ્યો. તે વ્યક્તિએ જણાવ્યું કે, પોતે કંઈ ખાસ ભણેલા નથી. દુબઈમાં રહે છે. ત્રણ મહિના દરિયામાં જઈ કામ કરે છે. એક મહિનાની રજા ભોગવે છે અને પોતાની તંદુરસ્તી તરફ ધ્યાન આપે છે. એક મહિના બાદ ફરી તે નોકરી પર હાજર થાય છે. તેના કામ માટે તેને પ્રતિમાસ એંસી હજાર રૂપિયા મળે છે. તેમાંથી દસ હજાર રૂપિયા તે પોતાના નિભાવ ખર્ચે પેટે રાખે છે, જ્યારે વર્ષમાં કુલ છ લાખ ત્રીસ હજાર રૂપિયા પોતાના ઘરે ઘરખર્ચ માટે મોકલે છે.. આ વાત-ચીતમાં સંઘ અધિકારીએ નોંધ્યું કે તે વારંવાર પોતે કંઈ ખાસ ભણેલા નથી, અને પોતે કંઈ નથી તે વાતનો ઉલ્લેખ કરતો. આખરે સંઘના અધિકારીએ તેમને સમજાવ્યું કે, તમે ભગવાનને કેમ ગાળો આપી રહ્યાં છો, ભગવાને તમને કેટલું બધું આપ્યું છે. તમારી પાસે પરિવાર છે. તમે જેટલું અહીં કમાઈ રહ્યાં છો, તો ઘણાં લોકો કઠોર પરિશ્રમ બાદ પણ તેટલું મેળવી શકતા નથી. અને સૌથી ખાસ વાત એ છે કે તમારામાં માણસાઈ જીવિત છે. આ તમારી સૌથી મોટી વિશેષતા છે. એ વ્યક્તિને અહેસાસ થયો અને તેણે કબૂલ્યું કે હવે આગળથી તે પોતે આવા વિચાર નહીં લાવે, પોતાની વિશેષતાને જાણશે. આપણે અત્યારે આ માનસિકતા લાવવાની જરૂર છે. ટેકનોલોજી ઉપલબ્ધ હોવી, સાક્ષર હોવું, વિદ્વાન બનવું આ બધી કહેવાની વાતો છે. હકીકતમાં આપણે કોણ છીએ?તે જાણવાની જરૂર છે. ઝાડ ઊંચું થયું, તો કેવી રીતે થયું, તેની છાયાનો અને ફળનો લાભ લોકોને મળે છે કે નહીં બસ, આ જ રીતે આપણે આપણા વ્યક્તિત્વને લઈને સજાગ રહેવાની જરૂર છે. આપણે જીવનની સાર્થકતા અને જીવનની યશસ્વિતા વચ્ચે અંતર કરવાનું ભૂલી ગયા છીએ. હકીકતમાં આપણી પરંપરા આ છે. જે દિવસે આપણે આપણી આ પરંપરાને જાણીશું, તેના વિશે સમજીશું-શીખીશું તે દિવસે આપણે આ તમામ પ્રશ્ર્નોના જવાબ આપીશું અને સમગ્ર વિશ્વ પાસેથી પણ જવાબ અપાવી શકીશું. આપણે આ માર્ગ પર ચાલવાનું છે, અને ચાલવું જ પડશે, કારણ કે આખરી માર્ગ રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં અંધારિયો કૂવો છે, બીજું કંઈ નહીં.
 
કોરોનાકાળે સમગ્ર વિશ્વ વ્યવસ્થાના પરિદૃશ્યને પ્રભાવિત કર્યું છે. ‘ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ જેવી વાતો ઊડી. આગામી સમયમાં આ ઊથલપાથલ અને પરિવર્તન વચ્ચે ભારતને તમે ક્યાં જુઓ છો ? એ ભારતની વિશ્વમાં કેવી ભૂમિકા રહેશે અને તે ભારતમાં સંઘની કેવી ભૂમિકા હશે ?
 
આ ઊથલપાથલમાં ભારત ઝળહળીને બહાર આવ્યું છે. કોરોના ના હોત તો કદાચ આપણો ઉજાસ બહાર આવવામાં થોડો વધુ સમય લાગી જાત. આપણે જે છીએ, તે તરફ આગળ વધી જ રહ્યા છે પણ વિશ્વ આપણને જોઈ શકતું નહોતું. આ પ્રશ્ર્ન આપણી હાજરીનો નહીં પણ દુનિયાની આંખ પર જે પર્દો હતો તેનો પ્રશ્ર્ન છે. આ મહામારીને કારણે વિશ્વની આંખો પરથી આ પાટો હટ્યો. લોકોએ જોયું કે ભારત પાસે માર્ગ છે, અને તેના પછી એક પછી એક પરિવર્તનો જોવા મળ્યાં. મહામારી વખતે ભારતે પોતાની વેક્સિન બનાવી, વેક્સિન માત્ર પોતાના પૂરતી મર્યાદિત ના રાખતાં વિશ્વમાં પણ તેની વહેંચણી કરી. આ પહેલાં આપણે અનેક પ્રસંગોએ નફા-નુકસાનનો વિચાર કર્યા વગર અન્ય દેશોની મદદ માટે આગળ આવ્યા છીએ. ભારતે શ્રીલંકા, યુક્રેનની મદદ કરી. સમગ્ર વિશ્વએ ભારતની તાકાત અને તેના બળને જાણ્યું. આજે રશિયા, અમેરિકા સહિત વિશ્વના દેશો ભારત વિશે સારા અભિપ્રાયો આપી રહ્યા છે. નોંધવા જેવી વાત અહીં એ છે કે આ અભિપ્રાયો એવા લોકો તરફથી આવી રહ્યા છે જેને સમગ્ર વિશ્વ આર્થિક અને સૈન્યબળને મામલે સમૃદ્ધ માની રહ્યું છે, તે દેશોએ આપણી સ્તુતિ કરવાની જરૂર નથી, છતાં પણ તેઓ આપણાં ગુણ-ગાન ગાઈ રહ્યાં છે, કારણ કે તે પણ જાણે છે ભારત પોતાની આ વિશેષતાના આધારે આગળ આવશે. ભારતની આ ક્વોલિટી, વિશેષતા એટલે આપણી પરંપરા, આપણા મૂળ સાથેનું જોડાણ. મહામારી બાદ જે પરિવર્તન આવ્યું એમાં માત્ર આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર કે આપણા વેપારીઓની વાત નથી. આપણા વેપારીઓ તો વેપારમાં પહેલાથી જ નિપુણ હતા. સંઘ પાસે પ્રામાણિકતા છે, અને યુવા પેઢી પણ દેશસેવા માટે પ્રામાણિક ભાવે કરાયેલી અરજ તરફ આકર્ષાય છે. ભારતના કાર્યમાં લોકોને એક પ્રામાણિકતા જોવા મળે છે. ભારતે સ્વાર્થ સાથે માનવસેવા નહોતી કરી. ભારતની પાસે બુદ્ધિ છે, શક્તિ છે, બધું જ છે. ભારતીયો કોઈ વાતે ઊણા ઊતરે તેમ નથી. બસ, તેમણે પોતાની વિશેષતાને આત્મસાત્ કરીને આગળ વધવાની જરૂર છે. તેમનામાં વિજય મેળવવાની તાલાવેલી છે અને તેઓ હજુ પણ આ તરફ આગળ વધતા જ રહેશે. તેનો લાભ વિશ્વને પણ મળશે. આજે વિશ્વ એક નવો માર્ગ શોધી રહ્યું છે, તે માર્ગ ભારત બનાવશે, અને આ માર્ગ ભારત જ બનાવી શકશે. ભારત આ માર્ગ તરફ આગળ વધે તે માટે પ્રત્યેક ભારતીયોએ સ્વત્વ વિશે અનુભવવું જોઈએ અને દેશ માટે જીવવા મરવાનો તરવરાટ હોવો જોઈએ. બસ, દેશ માટે આ વાતાવરણ ઊભું કરવા, આ વાતાવરણને બનાવવા દેશવ્યાપી કાર્યકર્તાઓના સમૂહને એકત્રિત કરવો, સંઘની આ ભૂમિકા છે. આ વિશ્ર્વાસ સાથે દેશમાં પરિવર્તન આવશે, જે પરિવર્તન આવશે, એ સ્થાયી હશે અને આ પરિવર્તન અન્ય વિષયો માટે પણ માર્ગદર્શન પૂરું પાડી શકશે. ભારતની ભૂમિકાને મજબૂત બનાવવા સંઘ પોતના તરફથી ભૂમિકા ભજવી રહ્યું છે, જેથી મજબૂત ભારત મજબૂત વિશ્વનું નિર્માણ કરી શકે.
 
આ જ કાળખંડમાં થોડા સમય પહેલાં આપે પણ એક વખત કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સંકલ્પનાનો વિકાસ થયો છે. આ સંદર્ભમાં હજી ઘણા વિષયો જેમ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરથી લઈ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સુધી, સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇનમાં જે પડકારો રહેલા છે તે વિશે જણાવશો ?
 
આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાર્થક થઈ શકે છે. કોઈપણ વ્યક્તિનો વિકાસ તેના સ્વત્વ પર તેના આત્મા પર આધાર રાખે છે. તમે તેમાં હાઇબ્રિડ રંગનો ઉમેરો કરી શકો નહીં. તમે હાથીને ફુટબોલ રમતા તો શીખવાડી શકશો, પરંતુ તે તેનો વિકાસ નથી. લોકો ટિકિટ ખરીદીને જોવા તો જશે, પરંતુ તે હાથીનો વિકાસ નથી. સહનો વિકાસ બકરી સાથે ભોજન કરવામાં નથી. એ તો સહનો તમાશો છે. સહ તો જંગલમાં વિકસિત થઈ શકે છે. આથી આપણે જ્યારે આત્મનિર્ભરતાની વાતો કરીએ તો તેમાં વધુ ઊંડા ઊતરવું પડશે. આત્મનિર્ભરતાનો અર્થ એ નથી કે ભારત બધું જ કરી શકે છે કે, ભારતમાં તમામ વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે. ભારત એક નવી જ વાત આગળ ધરી રહ્યું છે, અત્યાર સુધી કોર્પોરેટ રીતે ચાલતા અર્થતંત્ર પર ભાર આપવામાં આવતો. આમ વ્યવસાયીકરણ કેન્દ્રમાં હતું. પરંતુ ભારતની પરંપરા કહે છે કે, વિકેન્દ્રિત ઉત્પાદન કરશો તો ઉત્પાદન વધી જશે. આ ઉત્પાદનનો વપરાશ કરવા ઉપભોક્તાવાદને વધારો નહીં, સંયમથી કામ લેશો, તો સંયમિત વપરાશ રહેશે અને મૂલ્ય આપોઆપ નીચે આવશે. પશ્ર્ચિમના લોકો વેપાર પર નિર્ભર છે એટલે તેઓ મૂલ્યવર્ધન કરવાના પક્ષમાં છે, આથી જ તેઓ ઉપભોગ કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આના માટે ઉપભોક્તાવાદ મહત્વનું છે, વ્યક્તિવાદ નહીં.
 

Mohan Bhagwat  
 
બસ, આની પાછળ પાછળ વસ્તુઓ અને વૃત્તિઓ ખેંચાતી આવે છે અને તેની પાછળ પાછળ તમામ મુશ્કેલીઓ આવતી જાય છે, જેને કારણે આજે વિનાશનો ભય પેદા થયો છે. આત્મનિર્ભરતાનો અર્થ કોઈ સ્પર્ધામાં જીતવું એ નથી. આત્મનિર્ભરતા શબ્દના મૂળમાં તાત્પર્ય એ છે કે વિશ્વને, દેશને એક એવો માર્ગ ચીંધવો કે જે ભૌતિક સુખ પ્રદાન કરે, સુરક્ષા, જીવન જીવવાની ગેરંટી પણ આપે અને સંતોષ પણ પામી શકે સાથે શાંતિનો પણ અહેસાસ કરાવી શકે. આ માટે જરૂરી છે કે આપણે આપણા આત્માને સમજીને તેના આધારે એક નવી રચના કરવી પડશે. આપણે આપણા વિચારોને જક્કી માનસિકતામાંથી મુક્ત કરીને, સ્વયં આગળ આવવું પડશે. પ્રાચીન જ્ઞાન વિશે આપણે પૂરેપૂરા જાણકાર નહોતા અને આ અજ્ઞાનતાને કારણે આપણે ક્યાંક ચૂક કરી બેઠા. બસ, આ જ ભૂલોને ત્યજવી છે. વિશ્વ પાસે જે સારું છે, તે સાથે લઈને રસ્તો બનાવવાનો છે. આપણો મૂળ દૃષ્ટિકોણ છે, सर्वे भवंतु सुखिनः દરેક વ્યક્તિ ખુશ રહે, સુખનો સમભાગી બને. આપણી પરંપરા આપણા શીખવાડે છે કે સૃષ્ટિ પર જીવતા તમામ જીવનો વિચાર કરીએ તો જ સૃષ્ટિચક્ર નિર્વિઘ્ન ચાલી શકશે. બે હજાર વર્ષના પ્રયોગો બાદ વિશ્વ આપણને પૂછી રહ્યું છે કે સમગ્ર વિશ્વને એક તંતુમાં બાંધનારો, એક સાથે જોડનારો રસ્તો કયો છે. આ રસ્તો આપણને આપણા આત્મામાંથી મળશે. આપણે આત્મનિર્ભરતાની ભલે વાતો કરતા. તેનો મૂળ ભાવ પકડીએ કે, આત્મનિર્ભરતા એટલે સ્વયંને જાણી, તે સાથે ઊભા રહેવું. કોઈ સ્પર્ધામાં જીતીને આગળ આવવું એ આત્મનિર્ભરતા ના હોઈ શકે.
 
આજે જનસંખ્યા નીતિ અને જનસંખ્યા અસંતુલન જેવો જટિલ વિષય સમાજ સમક્ષ પ્રશ્ર્ન રૂપે ઊભો છે, સંઘે આ વાતને રેખાંકિત કરીને તેનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દા પર સામાન્ય સમજૂતી કેવી રીતે બનશે? તેમાં પણ કેટલાક લોકો હિંદુ-મુસ્લિમને જોડવાના પ્રયાસો કરી રહ્યા છે, આ મુદ્દે વધુ પ્રકાશ પાડશો.
 
હિંદુ બહુમતમાં છે, હિંદુ આ દેશનો છે, હિંદુઓનું ઉત્થાન થશે તો દેશના બધા લોકો સુખી થશે. આથી હિંદુ પહેલાં આ વાતને સમજે. વાત રહી જનસંખ્યા અને તેના અસંતુલનની. જનસંખ્યાને તમે બોજારૂપ પણ ગણી શકો અને તે જનસંખ્યાને તમે ઉપયોગમાં લઈ સામર્થ્યમાં વધારો પણ કરી શકો. આગળ કહ્યું તેમ હિંદુ પરંપરાને આગળ ધપાવવા અને પડકારોને ભેદીને નીકળવા માટે આપણે દૂરંદેશીપણું અને ઊંડા વિચારની નીતિ અપનાવવી જોઈએ.આ નીતિ બળજબરીથી નહી પણ સમાન રીતે લાગુ કરવી જોઈએ. પરંતુ તે માટે આપણે શિક્ષિત થવું એ પ્રાથમિક શરત છે. જનસંખ્યા અસંતુલન એ અવ્યવહારિક વાત છે. જ્યાં પણ અસંતુલન હશે, ત્યાં દેશ તૂટશે.
 
આ વાતને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ, જે દેશોના લોકોએ, સમાજે આક્રમક વલણ અપનાવ્યું તે લોકોએ તેનાં દુષ્પરિણામો પણ ભોગવવા પડ્યાં છે. આપણી સામે તિમોર, સૂડાનના દાખલાઓ છે. જ્યારે માત્ર હિંદુ સમાજ આક્રમક નથી. આપણે પણ આ અનાક્રમકતા, અહિંસા, લોકતંત્ર, સેક્યુલરિઝ્મ, આપણાં આ મૂલ્યોને જાળવી રાખવાની છે. ઇતિહાસ દર્શાવે છે કે જે લોકોએ અનાક્રમકતાનું વલણ અપનાવ્યું છે, તે લોકો ટકી શક્યા છે. ભારતથી વિખૂટું પડે પાકિસ્તાન બન્યું. કેમ બન્યું? શું તેને કારણે રાજનીતિ છોડી દેવી જોઈએ? જો આપણે આ આ બાબતે તટસ્થ નિરપેક્ષ થઈને વિચારીશું તો આપણે જોઈ શકીશું, ભારત અખંડ દેશ હતો. ઇસ્લામના ભયંકર આક્રમણ સામે ૧૦૦ વર્ષ સુધી ઝઝૂમ્યો પણ અંગ્રેજોના ગયા પછી આ દેશ કેવી રીતે તૂટ્યો, તે પણ ૩૦૦ વર્ષ બાદ ?
 
તેમાં મૂળ કારણ અને મૂળ ભાવ છે - હિંદુભાવ. હિંદુભાવમાં કોઈના વિરોધની વાત નથી. આ પહેલાં પણ વિદેશ હકૂમતે ભારત પર આક્રમણ કર્યું હતું. કલિંગ યુદ્ધની વાત કરીએ તો દેશના એક ભાગમાં તે થયું અને સમાપ્ત થઈ ગયું. આ જ વાત આપણે સમજવા જેવી છે કે જ્યારે આપણે આપણા મૂળ હિંદુભાવથી દૂર જઈએ છીએ ત્યારે તેના પરિણામો ભોગવવા પડે છે. અહીં હિંદુભાવ એ શબ્દના પ્રયોજનમાં ઇસ્લામપૂજાએ કોઈ બાધ્ય પરિબળ નથી.
 
હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને આપણી પ્રવૃત્તિ છે. આપણા મૂળમાં જે લાગણી જોડાયેલી છે તે લાગણી છે સૌને સાથે લઈને ચાલવાની અને સૌને પોતીકાં માનવાની. હું કહું એ સાચુ અને તમે કહો એ ખોટું, તમે તમારી જગ્યાએ સાચા અને હું મારી જગ્યાએ. આ ભાવ હિંદુપરંપરામાં છે જ નહીં. શું કામ ઝઘડો કરવો? બધાએ સાથે મળીને ચાલવું એ હિંદુત્વ છે. આ વિચારધારાને માનનારા લોકોની સંખ્યા જો જળવાઈ રહેશો તો ભારત અખંડ રહેશે અને ભારત વિશ્વને એકતા તરફ દોરી જશે. આમાં માત્ર દેશનું કલ્યાણ નહીં પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણની વાત સમાયેલી છે. તમે માત્ર કલ્પના કરો કે જો હિંદુ સમાજ અદૃશ્ય થઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાશે?
 
વિશ્વ પર કોણ પ્રભુત્વ ધરાવશે તે વાતને લઈને ઝઘડા થશે. હવે ગેરંટી કોનાથી છે? ગેરંટી હિંદુથી છે. આથી જ હિન્દુસ્થાન હિન્દુસ્થાન બન્યું રહે આ સીધી વાત છે. ભારતમાં આજે જે મુસલમાન છે, તેમને કોઈ નુકસાન નથી. જો તેઓ રહેવા માંગે છે, તો રહે. તે પૂર્વજો પાસે પાછા ફરવા માંગે છે, તો ભલે જાય. આ બધું તેમના મન પર છે. હિંદુઓ તરફથી કોઈપણ પ્રકારનો કોઈ આગ્રહ નથી. ઇસ્લામને કોઈ ખતરો નથી. પણ હા અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, ફરી એકવાર રાજા બનીશું. અમે અલગ છીએ અને અલગ રહેવું જોઈએ. અમે સૌની સાથે ભળીને નહીં રહી શકીએ આ તમામ પૂર્વગ્રહો અને વિચારોમાંથી બહાર આવવું પડશે. આ વિચારસરણી ધરાવનાર દરેક વ્યક્તિએ આ વિચારમાંથી મુક્ત થવું પડશે, પછી ભલે ને આ વ્યક્તિ હિંદુ હોય, કમ્યુનિસ્ટ હોય કે કોઈપણ.
 
જનસંખ્યાનું અસંતુલન એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્ન છે. આ અંગે વિચાર કરવો જોઈએ. મારા આ કથન પર ઘણા લોકો ઘણી વાતો રજૂ કરશે. દેશમાં સત્તાનું સુકાન સંભાળ્યા પછી લોકો જ્યારે ગાદી પર બેસશે તો તેઓ પણ આ જ સૂર આલાપશે. સ્વતંત્ર ભારતના સરકારી કાર્યકાળ તરફ નજર નાખો તો જોઈ શકશો કે, સત્તામાં બિરાજમાન પૂજા કેવી રીતે કરે છે, તેનાથી ફરક પડતો નથી. પરંતુ સત્તામાં છે અને ભારતનું હિત ઝંખે છે, આથી જે તે હિતને લક્ષમાં રાખીને કામ કરે છે. આથી જ અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે અમે કોઈનો વિરોધ કરી રહ્યા નથી.
 
અહીં જન્મદરને લઈને કોઈ વાત જ નથી, મતાંતરણ અને ઘૂસણખોરીને કારણે જનસંખ્યાનીતિને કારણે અસંતુલન પેદા થાય છે. જો તેને અટકાવવામાં આવે તો તે અસંતુલન નષ્ટ પામે છે, એ વાત અમે પણ નોંધી છે. આથી જ જનસંખ્યા નીતિમાં આ સંતુલન રહેશે અને જ્યાં આ સંતુલન નથી. ત્યાં જન્મદરને કારણે મહદ્ અંશે રહેશે. આ સિવાયની વાતો વિશે પણ સમાધાન લાવવું પડશે. આ મહત્ત્વપૂર્ણ વાતો છે.
 
હિંદુ સમાજના પ્રશ્ર્નો હવે માત્ર ભારત પૂરતા જ રહ્યાં નથી. વિશ્વમાંથી પણ સામે આવી રહ્યાં છે. અહીં વૈશ્ર્વિક સંદર્ભને ટાંકીએ તો, તેમાં હિંદુ માનવાધિકારનો પ્રશ્ર્ન નીકળી સામે આવી રહ્યો છે. હવે ભારત બહાર વસતા હિંદુઓ અને હિંદુ સમાજ પોતાના અધિકારોને પ્રત્યે જાગૃત થયો છે. અમેરિકામાં અમુક સ્થળો પર હિંદુ મંદિરો, ટ્રસ્ટ, આ વિષયો પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. હિંદુત્વ વિષય પર એક કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં સંઘના વિચારોને કારણે આખા સમાજમાં આક્રમકતા વધી ગઈ છે. બીજી તરફ આપણે યુરોપમાં જોયુ કે બર્મિંગહામ, લિએસ્ટર જેવી સ્થિતિમાં, સંઘના નામે હિંદુઓ પર આક્રમણ થઈ રહ્યાં છે. શું આ ધારણા બાબતે સંઘ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવાના પ્રયાસો થઈ રહ્યા છે? વૈશ્ર્વિક સ્તરે હિંદુના માનવ અધિકારો, હિંદુ ફોબિયાને લઈ આપના વિચારો કહેશો ?
 
હિંદુઓ માટે કામ કરનારા અનેક લોકો છે. તેના માટે કોઈ અલગ જૂથ બનાવવાનો કોઈ વિચાર નથી. અમે તેમને પણ મજબૂત કરીશું. હિંદુ સમાજ હવે જાગૃત થયો છે, એટલે આ તબક્કામાંથી પસાર થવાનું હતું. હિંદુ સમાજના લોકો જાગૃત થવાથી ઘણા લોકોના સ્વાર્થની દુકાનો બંધ થશે તેવી પરિસ્થતિમાં આ લોકો, શોર કરશે, ઊહાપોહ કરશે અને આક્રમણ કરશે. પરંતુ હિંદુ હવે જાગૃત અવસ્થામાં છે એટલે સ્થિતિ સંભાળી લેશે. આ બધા વચ્ચે એક વાત નિશ્ર્ચિત છે કે હિંદુ જે રસ્તે નીકળશે, તે બધાને સાથે લઈને ચાલશે. જે લોકો આ આક્રમણનો પ્રતિકાર કરી રહ્યા છે, સમગ્ર વિશ્વનો હિંદુ સમાજ તેમની પડખે છે. હિંદુ સમાજ મજબૂત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સાથે જીવે તે માટે પ્રયત્નશીલ રહેશે. હા, અહીં દૃષ્ટિકોણનો પ્રશ્ર્ન આવે છે, પરંતુ આ સમસ્યા આખા વિશ્વ પૂરતી નથી, ભારતમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે મીડિયા સાથે ઈન્ટર-એક્શન કર્યું, કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. હવે તેને આગળ વિસ્તારીશું. ક્યારે કરીશું તે જોઈશું, પણ કરીશું એ નિશ્ર્ચિત છે.
 
વર્ષ ૨૦૨૫માં સંઘ પોતાની યાત્રાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, સમગ્ર વિશ્વ આ તરફ મીટ માંડીને બેઠું છે ત્યારે સંઘ તરફથી આ અંગે કોઈ વિશેષ આયોજન કરાયું છે કે કેમ? શું સંઘે પોતાના કામના વિષયમાં કોઈ સંકલ્પ કે આયામની દૃષ્ટિએ કંઈ વિચાર કર્યો છે ખરો?
 
સંઘનું કાર્ય તબક્કાવાર આગળ ચાલતું રહેશે. ૧૦૦ વર્ષ પૂરા થવાને વિશ્વસિદ્ધિ તરીકે જોશે પણ તેને કારણે કાર્યશૈલી નિર્ધારિત તબક્કાવાર રીતે આગળ વધતી રહેશે. ૧૯૪૦ સુધી,જ્યાં સુધી ડૉક્ટર સાહેબ હતા ત્યાં સુધી, સમગ્ર હિંદુ સમાજને સંગઠિત કરવાનો પ્રયોગ ફળસ્વરૂપ પામ્યો. ડૉક્ટર સાહેબ પછી તે કાર્યપદ્ધતિના આધારે કાર્યનો વ્યાપ બમણી ગતિએ વધારીને તેને જિલ્લા સ્તરે લાગુ કરવામાં આવ્યો. ગુરુજીના સમયમાં સ્વયંસેવકો તૈયાર થયા, તેમણે વિવિધ-વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. સંઘ કંઈ નહીં કરે, સ્વયંસેવક કંઈ છોડશે નહીં તે સૂત્ર અપનાવીને કામ આગળ વધાર્યું. બાળાસાહેબના સમયમાં આ પરિબળ પર આગળ કામ થયું. સમાજઉન્મુખ સંઘ, સામાજિક જવાબદારીના ભારને સાથે લઈને ચાલનારા સંઘની સ્થિતિ ઉત્પન્ન થઈ. રજ્જુ ભૈયા અને સુદર્શનજીના કાર્યકાળ દરમિયાન આ રાજકીય સ્થિતિનું ફળ આપણે સૌએ જોયું. હવે સંઘ અને સમાજ વચ્ચે સામંજસ્ય અને માધુર્યપૂર્ણ સંબંધ છે. આગામી તબક્કામાં સંઘનું કાર્ય સર્વવ્યાપી હોય તેના પર અમે ધ્યાન આપીશું. હિંદુ સમાજને સંગઠિત અવસ્થામાં વધુ આગળ કામ કરવામાં સમાજ માટે આવશ્યક પરિવર્તનો અને જે પ્રકારના તાલમેલની જરૂર છે તેના પર કામ કરવામાં આવશે. આ કામ માત્ર સંઘના સ્વયંસેવકો આ કાર્ય કરે પણ તેમાં સમાજના સજ્જનો પણ જોડાય તેવું ઇચ્છીએ છીએ. દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આપણે સૌએ સાથે મળીને આગળ આવવું પડશે અને નિર્ધારિત દિશામાં એકસાથે જવું પડશે. ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાખાઓ, સ્વયંસેવકો તેમજ સંઘ માટેના આવશ્યક માળખાને વિકસાવવાના કાર્યને અમે પૂરાં કરી લઈશું. સમાજને સ્વયંસેવકો આપવાની ક્ષમતા વિકસાવી અને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ આ જ માળખાગત ભવનને ઊભું કરવાના કામમાં સ્વયંસેવકો લાગી જશે. સંઘ દ્વારા વ્યક્તિ નિર્માણનું કાર્ય ચાલતું રહેશે. શતાબ્દી સુધી અમારે જે કાર્યો પૂર્ણ કરવાનાં છે તેના પર ધ્યાન આપીશું, તેના પછી આગળના કાર્યક્રમોની રૂપરેખા ઘડીશું. જો કે, અત્યારે શતાબ્દી સુધી કાર્યને સર્વવ્યાપક બનાવીને સર્વત્ર સંપર્ક જાળવવાનો ઉદ્દેશ છે. સમાજ સજ્જનોનું અનુકરણ કરે તે દિશામાં અમારા પ્રયાસો ચાલી રહ્યા છે. લોકો બોલિવૂડ, મીડિયા, રાજનીતિ તરફ વધુ ખેંચાય નહીં તેમજ પોતાનાં કર્તવ્યોને સમજીને સજ્જનશક્તિ હિંદુ પરંપરાને સાથે લઈને ચાલે તે માટે કાર્ય કરી રહ્યા છે. બસ, સમાજની સજ્જન શક્તિઓ દેશના હિતમાં પોતાનું કાર્ય કરતી રહે એ જ ભાવના છે. સંઘની આ પ્રવૃત્તિઓને તબક્કાવાર વિસ્તારવા, જે વ્યાપ, શક્તિ અને બળ જોઈએ ૨૦૨૫ સુધી તેને તૈયાર કરવા પર અમે હાલ કામ કરી રહ્યા છીએ.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...