ભારતની પ્રાચીન સભ્યતા, સાંસ્કૃતિક વારસો, અ‌દ્‌ભુત સ્થળો, જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ, ભારતીય સમાજ વિશે એક જ લેખમાં જાણવું હોય તો આ લેખ તમારા માટે છે...

ભારત એક પ્રાચીન સભ્યતા અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ભારતના વારસા પર દ્રષ્ટિપાત કરવામાં આ તો તે વિવિધ વિષય પર સમૃદ્ધ વારસો ધરાવે છે. | Incredible Heritage India

    ૧૪-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Incredible Heritage India in gujarati 
 

વારસો – આ શબ્દ સમજવા જેવો છે..!! Incredible Heritage India

 
વારસો શબ્દ આવતા જ આપણને સવાલ થાય કે વારસો એટલે શું ? વારસો એટલે સરળ ભાષામાં એક પેઢી કે જેણે ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ મેળવી તે પોતાની આવનારી પેઢીને આપે તે વારસો. વારસાની વાત કરીએ તો તે કંઈ એક દિવસમાં નથી બનતો પરંતુ સદીઓ અને વર્ષોના કાળખંડના આંકલન બાદ વારસાનું નિર્માણ થાય છે. જે સદીઓની સદીઓ અને પેઢી દરપેઢી આગળ વધતી રહે છે.
 
ભારતની વાત કરીએ તો તેણે પોતાના વારસામાંથી વિશ્વને ઘણું આપ્યું છે. ટૂંકમાં ભારતના વારસાથી વિશ્વને ઉપયોગી અનેક બાબતો છે. જેની યાદી ઘણી લાંબી છે. આ યાદીમાં ભારતના સ્થળ, સ્થાપત્ય, સંસ્કૃતિ, શિક્ષા અને સમાજને આવરી લેવામાં આવ્યા છે. આજે આપણે ભારતના આવા જ વારસા અંગે થોડી વાત કરીશું... Incredible Heritage India
 

અદ્‌ભુત સ્થળ । દ્વાપરકાળની નગરી, આદિમાનવે બનાવેલ ભીમબેટકા અને માજુલી વિશે જાણો...Incredible Heritage India

 
સ્થળોની વાત કરીએ તો સૌ પ્રથમ દ્વાપર કાળની નગરી અને વિશ્વને ગીતાનો ઉપદેશ આપનાર શ્રીકૃષ્ણ (Krishnanagari) ની રાજધાની દ્વારકા ( Dwarka ) નું નામ સામે આવે છે. ગોમતી નદી ( Gomati River ) ની નજીક 2007માં જ્યારે ઉત્ખન્ન કરવામાં આવ્યું તો સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયુ. ઉત્ખન્નમાં હજારો વર્ષોથી સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરી ( Dwarka Nagari ) નું સત્ય સામે આવ્યું. તેવી જ રીતે મધ્યપ્રદેશના રાયસેનમાં આવેલ પૂર્વપાષાણીય પુરાતન સ્થળ ભીમબેટકા ( Bhimbetka ) છે. જે આદિમાનવ દ્વારા બનાવામાં આવેલ શૈલચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. અહીં 750થી વધુ શૈલચિત્રો મળી આવ્યા છે. આ શૈલચિત્રોને પૂર્વપાષાણ યુગ કે મધ્ય પાષાણ યુગના માનવામાં આવી રહ્યા છે. આ ચિત્રો ભારતમાં માનવજીવનના અસ્તિત્વના પ્રાચીન ચિહ્નો છે. તેવી જ રીતે પોતાની ભૌગોલિક રચનાના કારણે ભારતના વારસા તરીકે ઓળખાતુ અન્ય એક સ્થળ છે માજુલી ( Majuli ) તે અસમના જોરાહટ પાસે બ્રહ્મપુત્ર નદી ( Brahmaputra River ) માં વિશ્વની વિશાળકાય નદી દ્વીપ છે. તેનો વર્ગ 450 કિમી છે. નદી દ્વીપ હોવાના કારણે પ્રદૂષણ શૂન્ય છે. તે ઉપરાંત તે બધા જ પ્રકારના પક્ષીઓ અને પતંગિયાઓનું રહેઠાણ છે.
 

Incredible Heritage India in gujarati 
 
અનોખી સ્થાપત્ય કલા । ઔરંગઝેબના ૧૦૦૦ માણસોએ ત્રણ વર્ષ મહેનત કરી પણ મંદિર ન તોડી શક્યા!
 
ભારતીય સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ ઈલોરાની ગુફા ( Elora ni gufa ) જોતા મળે છે. કહેવાય છે કે તેનું નિર્માણ રાષ્ટ્રકુટ વંશના રાજા કૃષ્ણએ આઠમી સદીમાં કરાવ્યુ હતુ. જોકે મંદિરના નિર્માણના સમયને લઈને વૈજ્ઞાનિકોમાં મતમંતાર છે. દ્રવિડીયન શૈલીમાં બનેલું આ મંદિર 276 ફૂટ લાંબુ અને 154 ફૂટ પહોળું છે. જેને એક જ શિલામાંથી બનાવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર અદ્‌ભુત નક્શીકામ કરવામાં આવ્યું છે. પુરાતત્વવિદોનું અનુમાન છે કે તેના પર 3 કરોડ સંસ્કૃત શ્લોક અંકિત કરવામાં આવ્યા છે. જેનો અત્યાર સુધી અનુવાદ થઈ શક્યો નથી. મંદિર નિર્માણમાં ઉપયોગ કરેલ ટેકનોલોજી એટલી અદ્‌ભુત છે કે ઔરંગઝેબે 1682માં તેના 1000 માણસોને તેને તોડવા માટે મોકલ્યા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી તેને ધ્વંસ્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમા તે નિષ્ફળ રહ્યા.
 
 
Elora ni gufa
 
ગોપુરમ એટલે કે... | Gopuram
 
ચોલયુગમાં દ. ભારતમાં દ્રવિડીયન શૈલીનો વિકાસ થયો. આ યુગમાં પાંચથી સાત માળના મંદિરોની સાથે ગોપુરમ ( gopuram ) એટલે કે વિશાળકાય પ્રવેશદ્વારનું નિર્માણ થયુ. ગર્ભગૃહની ઉપર બનેલ દરેક માળ એક વિશેષ શૈલીથી બનેલા છે. જેને વિમાન કહેવામાં આવે છે. તંજોરનું બૃહ્દેશ્વર મંદિર, ગંગૈકોણ્ડ ચોલીશ્વરમ્‌ ( Gangaikonda Cholapuram ) નું બૃહ્દેશ્વર મંદિર અને દારસુરમનું એરાવતેશ્વર મંદિર ચોલકાળના છે. આ મંદિરોમાં ગર્ભગૃહની સામે છતવાળો એક વિશાળ હોલ છે, જેને મંડપ કહેવામાં આવે છે.તેના સ્તંભો પર કોતરણી કામ કરવામાં આવ્યું છે.
 

incredible india 
 
સમૃદ્ધ વિજયનગર સામ્રાજ્ય...| Vijayanagar Empire
 
વિજયનગર સામ્રાજ્ય ( Vijayanagar Empire ) સમૃદ્ધ અને વૈભશાળી હતુ. તેની રાજધાની હમ્પી ( Hampi ) માં 1600થી વધુ મંદિરો અને મહેલો હતા. ઈ.સ. 1565માં દક્કન સલ્તનતના મુસ્લિમ શાસકે તેના પર આકમણ કરી મહિનાઓ સુધી લૂંટફાટ કરી હમ્પીને તબાહ કરી દીધુ. અહીંના હજારા રામ મંદિરની બાહ્ય દિવાલો પર રામાયણના દ્રશ્યો, દેવતાઓ અને અસંખ્ય પાંખવાળા ગરુડ કોતરેલા જોઈ શકાય છે. અહીંના સૌથી ઉંચા વિઠ્ઠલસ્વામી મંદિરમાં વિઠ્ઠલ ભગવાનનો રથ ગ્રેનાઈટની શિલાને કોતરીને બનાવામાં આવ્યો છે. જેના પૈડા ક્યારેક ફરતા હતા. જે દેશના ત્રણ પ્રસિદ્ધ રથમંદિરમાંથી એક છે. અન્ય બે રથમંદિર કોણાર્ક અને મહાબલીપુરમમાં છે.
 

vijaynagar  
 
ભવ્ય સૂર્યમંદિર – કોર્ણાક | Sun Temple konark
 
ઓરિસ્સાનું કોર્ણાકમાં આવેલું રથવાળું ભવ્ય સૂર્યમંદિર ( Sun Temple konark ) મધ્યકાલીન વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ રથમાં 24 નકશીદાર પૈડાં અને 7 ઘોડાં છે. આ 24 પૈડાં 24 કલાક અને 7 ઘોડાં અઠવાડિયાના સાત વારના પ્રતીક છે. 12 જોડી પૈડા 12 મહિના અને તેના આઠ આરા આઠ પ્રહર દર્શાવે છે. પૈડાં પર પડતો પડછાયો ચોક્કસ સમય બતાવે છે. લાલ બલુઆ પથ્થર અને ગ્રેનાઈટથી બનેલું કોર્ણાક મંદિર ભારતની સાત અજાયબીઓમાંથી એક છે.
 

vijaynagar  
 
કલ્લનઈ બંધ - આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ | Kallanai Dam
 
તમિલનાડુના તંજાવુર જિલ્લાના ચોલ સ્રમાટ કરિકાલે 2,000 વર્ષ પહેલા શ્રીલંકા વિજ્ય પછી 12,00 યુદ્ધબંધકો પાસે કાવેરી નદી પર કલ્લનઈ બંધ ( kallanai dam ) બંધાવ્યો હતો. જે આજે પણ સારી સ્થિતિમાં છે. આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ છે. તેનો હેતુ નદીનો પ્રવાહ જિલ્લાઓ તરફ વાળી સિંચાઈ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો. મહત્વની વાત એ છે કે તેને કાવેરી નદી ( Kaveri River ) ના કાંઠા પર જોવા મળતા નાના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે. આ બંધ 329 મીટર લાંબો, 20 મીટર એટલે કે 66 ફૂટ પહોળોઅને 5.4 મીટર એટલે કે 18 ફૂટ ઊંચો છે.
 

kallanai dam 
 
શુદ્ધ પાણીનો કુંડી ભંડાર | Kundi Bhandara
 
મધ્યપ્રદેશના બુરહાનપુરનો કુંડી ભંડાર ( Kundi Bhandara ) શુદ્ધ પાણીનો ક્યારેય સમાપ્ત ન થાય તેવો ભંડાર છે. સાતપુડાના પર્વતોમાંથી સુરંગોમાં એકત્રિત થતું પાણી ભૂગર્ભ ટાંકીઓના માધ્યમથી શહેર સુધી પહોંચે છે. અહીં નળની જગ્યાએ કુંડીઓ બનેલી છે. જળ પૂરવઠાની આ અદભૂત વ્યવસ્થા અબ્દુલ રહીમ ખાનખાનાએ 1615માં તૈયાર કરી હતી. આ કુંડીઓમાંથી આવતું પાણી મિનરલ વોટર કરતા પણ શુદ્ધ છે. તેના દ્વારા દરરોજ સવા લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. બુરહાનપૂર સિવાય આવી ભૂમિગત પ્રણાલી ફક્ત ઈરાનમાં હતી જે હવે બંધ થઈ ચૂકી છે.
 
 
 
સંસ્કૃતિ અને તેની મહાનતા – જેની પાછળ એક ચોક્કસ દૃષ્ટિકોણ છે
 
ભારતીય સંસ્કૃતિ પોતાનામાં જ એક વારસો છે. તે ફક્ત દેખાડો નથી, પરંતુ તેની પાછળ ચોક્કસ દૃષ્ટિકોણ છે. જ્યારે ભારતની વાત થાય છે તો બધાને સાથે લઈને ચાલવાની વાત થાય છે. ભારતીય સંસ્કૃતિ સમૂહજીવન અને સાતત્યમાં વિશ્વાસ ધરાવે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના વિવિધ તત્વોનો આભાર માનવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. ભારતમાં ધરતી, પર્વત, વૃક્ષ, વાયુ, જળ અને અબોલ જીવો બધાની પૂજાનો ઉલ્લેખ છે. આ ઉપરથી કહી શકાય કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ભારતીય સંસ્કૃતિને ધર્મ સાથે સાંકળી લેવામાં આવી છે.
 
ભારતીય સંસ્કૃતિ અને યાત્રા...
 
ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ યાત્રા છે. યાત્રાથી વ્યક્તિ પરિપૂર્ણ થાય છે. તેથી ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓમાં યાત્રા એક મુખ્ય બાબત છે. પ્રાચીન કાળમાં અભ્યાસ પૂર્ણ થયા પછી શિષ્યો દેશાટન (ભારત ભ્રમણ ) પર જતા. તેનો હેતુ વ્યક્તિને સમાજોન્મુખ બનાવવો, જ્ઞાન, વૃદ્ધિ અને અભ્યાસની વ્યવહારિક બાબતોથી માહિતગાર કરાવવાનો હતો. તે ઉપરાંત ભારતમાં સામૂહિક યાત્રાઓની પણ પરંપરા છે. અમરનાથ યાત્રા (Amaranath Yatra ) , માનસરોવર યાત્રા (Mansarovar Yatra ) , કાવડ યાત્રા ( Kavad Yatra ) , જગન્નાથપુરીની રથયાત્રા (Rathyatra ) , ચારધામ યાત્રા ( Chardham Yatra ) અને આ પ્રકારની અન્ય ઘણી યાત્રાઓ છે. તે ઉપરાંત નદીઓમાં સામૂહિક સ્નાનની પરંપરા છે. જેમાં ખાસ કરીને ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ વિશેષ નદીમાં સ્નાન કરવામાં આવે છે. ગુરુ ગ્રહની ચાલ-સ્થિતિના આધારે કુંભ એક અનોખું મહાપર્વ છે. જેમાં લાખો લોકો કેટલાક વિશેષ દિવસોમાં એક સાથે એક સ્થળે રહે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
 
ભારતીય સમાજ – વિશ્વને સંયુક્ત પરિવારની વ્યખ્યા સમજાવી
 
ભારતે સામાજિક રીતે વિશ્વને સંયુકત પરિવારની યોજના આપી. આજે વિશ્વ સંયુક્ત પરિવારનું મહત્વ સમજી રહ્યું છે. વિવિધ સામાજિક સમસ્યાઓથી બચવામાં સંયુક્ત પરિવારની ભૂમિકા મહત્વની હોય છે. આજે તેને બચાવવાની જરૂર છે. આ ઉપરાંત ભારતે વિશ્વને ગ્રામ પંચાયત અને ગ્રામજનતંત્ર જેવી સંસ્થાઓ આપી જેનાથી લોકશાહીનો પાયો નંખાયો.
જ્ઞન પરંપરા – ભારતે વિશ્વને સમૃદ્ધ જ્ઞાન આપ્યું છે...
 
ભારતની જ્ઞાન પરંપરા ખૂબ જ સમૃદ્ધ છે. ભારતે વિશ્વને ગણિત, ખગોળવિજ્ઞાન, ભૂગોળ, ધાતુવિજ્ઞાન, ચિકિત્સા- વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉન્નત જ્ઞાન આપ્યું છે. ભારતમાં શૂન્ય તેમજ દશાંશ જેવી મૂળભૂત ગાણિતીક શોધેગણિતને એવો આધાર આપ્યો, જેનાથી સભ્યતાઓના વિકાસનો ક્રમ સતત આગળ વધ્યો. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી આપણી પાસે બ્રાહ્મી અંકોના લેખિત પ્રમાણ છે. ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે પોતાના આ પ્રાથમિક વિષયમાં દ્વિઘાત સમીકરણોના ઉકેલ અને વર્ગમૂળોની ગણતરી માટે નિયમ રજૂ કર્યો છે. બ્રહ્મગુપ્તે ઋણાત્મક સંખ્યાઓની સાથે ઉપયોગ થનાર નિયમોને પણ રજૂ કર્યા છે. વેદોના પૂરક અને સંસ્કૃતના સૂત્રગ્રંથ શૂલ્બસૂત્ર ઇ.સ. પૂર્વે 800 થી 200ના હોવાનું કહેવાય છે. પ્રસિદ્ધ પ્રમેય પાયથાગોરસનો ઉલ્લેખ શુલ્વસૂત્રમાં છે. શુલ્વસૂત્રમાં અપરિમેય સંખ્યાઓની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. આ સમયનું ગણિત ખાસ કરીને ધાર્મિક વેદીઓના નિર્માણમાં વ્યાવહારિક ભૌમિતિક સમસ્યાઓના ઉકેલ માટે વિકસિત કરવામાં આવ્યું હતુ. તે જ રીતે જૈન ગણિત કાળ અંતર્ગત જૈન બ્રહ્માંડ વિજ્ઞાનના અનંતના વિચારોનો જન્મ થયો.
 
ખગોળશાસ્ત્રમાં ભારતનું યોગદાન
 
ખગોળશાસ્ત્રમાં ભારતનું યોગદાન પ્રાચીન કાળથી છે. ખગોળવિજ્ઞાનનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં છે. માપનમાં પણ ભારતીય વિજ્ઞાનીઓ ચોક્કસ આંકડાઓની ખૂબ જ નજીક રહ્યા છે. બ્રહ્મગુપ્તે ગણતરી કરી હતી કે પૃથ્વીનો પરિઘ 5000 યોજન છે. એક યોજન 7.2 કિ.મી. જેટલું થાય છે. ભારતીય ખગોળશાસ્ત્રનું પ્રથમ પુસ્તક વેદાંગ જ્યોતિષ છે. આ પુસ્તકમાં ચંદ્ર અને સૂર્યની ગતિ માપવાના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વરાહમિહિરે એ તથ્યોનો ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે ચંદ્ર પૃથ્વીની ચારે તરફ પરિભ્રમણ કરે છે અને પૃથ્વી સૂર્યની ચારે તરફ પરિભ્રમણ કરે છે?
 
રાસાયણિક વિજ્ઞાનમાં રોજિંદા જીવન સાથે સંબંધિત વિવિધ વ્યાવહારિક પ્રયોગોની શોધ કરવામાં આવી. ભારતે સ્થાયી રંગો તેમજ વાદળી રંગની શોધ કરી. અણુ કે પરમાણુની વ્યાખ્યાને વિશેષ દર્શન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી હતી.
 
ચિકિત્સાવિજ્ઞાન અને ભારત
 
ચિકિત્સાવિજ્ઞાનમાં આર્યુવેદનો ઉદ્‌ભવ પ્રાચીન ભારતમાં થયો. પતંજલિએ યોગ સૂત્રમાં શારીરિક અને માનસિક સ્તરે ઔષધિ વગર ઉપચાર કરનાર યોગવિજ્ઞાનને સારી રીતે રજૂ કર્યુ છે. સુશ્રુત સંહિતામાં મોતીયો, પથરી તેમજ પ્લાસ્ટિક સર્જરી સંબંધી પ્રક્રિયાઓનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. સુશ્રુતે માનવશરીરની રચનાનો ઊંડો અભ્યાસ કર્યો અને 121 શલ્ય ચિકિત્સા ઉપકરણોનો ઉપયોગ કરી શસ્ત્રક્રિયા સંબંધિત પ્રક્રિયાનું તબક્કાવાર વિવરણ કર્યુ છે. ચરક સંહિતામાં વિભિન્ન રોગો જેવા કે તાવ, કુષ્ઠ રોગ, ટી.બી, હિસ્ટેરિયા વગેરેનું વર્ણન છે. આ પુસ્તક રોગોના ઉપચાર હેતુ વિવિધ ઔષધીઓને ક્રમબદ્ધ કરે છે. જેનો વર્તમાનમાં દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
 
ભારતીય ઉપખંડ અને ટેક્નોલોજી...
 
ભારતીય ઉપખંડમાં ટેક્નોલોજીનો પ્રયોગ લાખો વર્ષ પહેલાં શરૂ થઇ ગયો હતો. અહીં પાષાણ યુગના પથ્થરના બે ઓજાર મળ્યા છે, જે 20 લાખ વર્ષથી પણ વધારે જૂના છે. ભારતીય ધાતુકર્મીઓએ સૌપ્રથમ સ્ટીલ ધાતુનું નિર્માણ કર્યું. મહરૌલીનો લોહસ્તંભ તેમજ મોટાભાગના સિક્કા ભારતીયોના ઉન્નત જ્ઞાનના પુરાવા છે. ભારતમાં ધાતુકર્મ કૌશલ્ય 7,000 વર્ષથી પણ વધુ પ્રાચીન પરંપરા રહી છે. અહીં પહેલાં સોનુ, તાંબું, ચાંદી, સીસુ, ટિન, લોખંડ અને પારાની શોધ થઇ. તાંબા કે કાંસાને ઇચ્છીત આકાર આપવા માટે તેઓ કોલ્ડ વર્ક, રિવેટિંગ, લેપિંગ અને જોઇનિંગ જેવી ટેક્નિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. હડપ્પા સંસ્કૃતિ સુધી કારીગરોએ મૂર્તિઓ બનાવવાની પદ્ધતિ વિકસિત કરી લીધી હતી. તે ઉપરાંત હડપ્પા સંસ્કૃતિના લોકો સોના-ચાંદી મિશ્રિત ધાતુનો ઉપયોગ કરી આભૂષણ, લોકેટ, બંગડીઓ, વીંટી, હાર, મોતીના આભૂષણો બનાવતા શીખી ગયા હતા. આ ઉપરાંત ભારતીય નૃત્ય-સંગીત એક અનોખી વિદ્યા છે, જે માણસને એકસાથે મનોરંજન, સ્વાસ્થ્ય, સાધના અને અધ્યાત્મ સાથે જોડે છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...