ભારત મંડપમ્‌‍ : ચિર પુરાતન અને નિત્ય નૂતન સનાતન સંસ્કૃતિનું પ્રતીક

કરોડો ભારતીયો તથા ભારતને પસંદ કરતા વિશ્વ માટે ભારત મંડપમ્‌‍ એક તીર્થક્ષેત્ર સમાન બની રહેશે...!!

    ૦૯-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

bharat mandapam vishe mahiti 
 
 
# ભારત મંડપમ્‌ - ભારતને જોવું જાણવું સમજવું હોય તો અહીં જવું જ પડશે!
# ભારત મંડપમ્‌‍ એટલે ભારતના વધતા વિકાસ અને વૈશ્વિક વ્યાપને પ્રદર્શિત કરતો વિશ્વને ઉપહાર
 
છેલ્લાં બે વર્ષમાં ભારતના શ્રીરામ મંદિર અને નવા સંસદ ભવન એ બે સ્થાપત્યો પછી દેશ અને વિદેશોમાં જે સ્થાપત્યે સૌથી વધુ ધ્યાન આકર્ષ્યું છે તે સ્થાપત્ય છે નવી દિલ્હી સ્થિત `ભારત મંડપમ્' G-20 સમૂહના અધ્યક્ષ એવા ભારતના યજમાનપદે આ સમૂહના સભ્ય દેશો, નિમંત્રિત દેશો તથા સહભાગી દેશોનું શિખર સંમેલન ૯-૧૦ સપ્ટેમ્બરનાં દિવસોમાં `ભારત મંડપમ્'માં યોજાયું હોવાથી છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં `ભારત મંડપમ્' છવાયેલું છે. તો ચાલો, જાણીએ `ભારત મંડપમ્'ની ભવ્યતાની રસપ્રદ વાતો...
 
વિશ્વની સૌથી ઊંચી ૨૭ ફીટ ઊંચી ભગવાન નટરાજની પ્રતિમા
 
નૃત્યના અધિષ્ઠાતા દેવ ભગવાન શંકરના નટરાજ સ્વરૂપની વાત આવે એટલે આપણને થોજાવુર મંદિરનું સ્મરણ થાય, પરંતુ વિશ્વની સૌથી મોટી નટરાજની પ્રતિમાનાં દર્શન કરવા હવે તમારે નવી દિલ્હી સ્થિત `ભારત મંડપમ્'માં જવું પડશે. હા, ભારત મંડપમ્માં પ્રવેશદ્વાર ઉપર અષ્ટધાતુથી નિર્મિત ૨૭ ફીટ ઊંચી ભગવાન નટરાજની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરનારા ભગવાન શિવનાં નટરાજ સ્વરૂપનાં દર્શન કરીને G-20 સમૂહના સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભારત મંડપમ્માં પ્રવેશ્યા ત્યારે તેમનાં તન-મન અને અંતઃકરણ શિવમય થઈ ગયા અને ભારત મંડપમ્ની રચનાથી અભિભૂત થઈ ગયા હતા.
 

bharat mandapam vishe mahiti 
 
આદિ કવિ વાલ્મીકીથી લઈને ચંદ્રયાન સુધીની ભારતની વિકાસગાથા
 
ઈસુની ૧૨મી સદીના મહાન સંત બસવેશ્વર જ્યાં જ્ઞાનસત્રો યોજતા, હજારો શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરતા તે ચૈતન્યમય સ્થાનનું નામ હતું `અનુભવ મંડપમ્'. આ `અનુભવ મંડપમ્'નું આધુનિક સ્વરૂપ એટલે જ `ભારત મંડપમ્'. ગત ૨૬મી જુલાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૨૩ એકરમાં વિકસાવવામાં આવેલા આ વિશાળ અને અદ્ભુત પરિસરનું ઉદઘાટન કર્યું હતું. આદિ કવિ વાલ્મીકીથી લઈને ચંદ્રયાન સુધીની ભારતની વિકાસગાથાને આ વિશાળ પરિસરમાં શિલ્પો, કલાકૃતિઓ તથા ચિત્રોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે.
 
૨૬ અત્યાધુનિક સભાખંડો, ૯૦૦ અને ૬૦૦ બેઠકોની ક્ષમતા
 
૫૦થી લઈને ૭૦૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતા કુલ ૨૬ અત્યાધુનિક સભાખંડો, ૯૦૦ અને ૬૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતા બે ઓડિટોરિયમ્, વ્યાપારિક પ્રદર્શનો માટે ૧૨ વિશાળ એક્ઝિબિશન હોલ્સ ત્રણ વિશાળ ઓપન એર થિયેટર્સ ઉપરાંત અનેક અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ભારત મંડપમ્માં ચિર પુરાતન પ્રાચીન છતાં નિત્ય નૂતન એવી આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનાં પ્રતીકો સર્વત્ર જોવા મળે છે. ભારતની આધ્યાત્મિક એકતાના પ્રતીક એવા ૧૨ જ્યોતિર્લિંગોના પ્રતીક સ્વરૂપે ૧૨ શિવલિંગ `ભારત મંડપમ્'ની આગવી વિશેષતા છે.
 
વિશ્વના ૧૦ સૌથી વિશાળ સભાગૃહોમાં સ્થાન
 
શંખના થિમ ઉપર આધારિત મુખ્ય સ્થાપત્ય ચાર માળનું છે. લેવલ વન, લેવલ ટુ અને લેવલ થ્રી એમ ત્રણ વિભાગોથી બનેલા આ મુખ્ય ભવનના લેવલ વનમાં ૪૦૦૦ અને ૩૦૦૦ની બેઠક-ક્ષમતા ધરાવતા, અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે વિશાળ સભાગૃહો આવેલાં છે. આ બંને સભાગૃહોની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી બંને સભાગૃહોને ૭૦૦૦ બેઠકોની ક્ષમતાવાળા એક સભાગારમાં પરિવર્તિત કરી શકાય. આમ, ભારતનું આ સૌથી વિશાળ સભાગાર ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસથી પણ મોટું છે અને વિશ્વના ૧૦ સૌથી વિશાળ સભાગૃહોમાં સ્થાન ધરાવે છે.
 

bharat mandapam vishe mahiti 
 
વર્ષ ૨૦૧૯માં ભારત મંડપમ્ના બાંધકામનો આરંભ કરવામાં આવ્યો કે જેથી સ્વાતંત્ર્યના અમૃતકાળમાં જુલાઈ ૨૬, ૨૦૨૩ના દિવસે તેનું ઉદઘાટન થયું. ભારત મંડપમ્‌‍ સર્વાચીન અત્યાધુનિક તંત્ર જ્ઞાન અને ચિરપ્રાચીન ભારતીય સનાતન સંસ્કૃતિના સમન્વયનું અપ્રતિમ સ્થાપત્ય છે.
 
ભારત મંડપમ્ના ઉદઘાટન પ્રસંગે પ્રધાન મંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારત મંડપમ્‌‍ એ ભારતના સર્વાંગીણ વિકાસ અને વધતા વૈશ્વિક વ્યાપનો ભારતના લોકતંત્રને ઉપહાર છે. તેમના Think Big, Dream Big Act Big નાં દર્શનનું મૂર્તિમંત સ્વરૂપ એટલે `ભારત મંડપમ્'.
 
ભવનમાં `વેસ્ટમાંથી બેસ્ટ'ની સંકલ્પનાને સાકાર કરતાં વિવિધ શિલ્પો...
 
નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કુલ ૧૨૩ એકરમાં નિર્મિત `ભારત મંડપમ્'ના શંખના થીમ ઉપર આધારિત મુખ્ય ભવનના પ્રવેશદ્વાર ઉપર જ વિશ્વની સૌથી મોટી, અષ્ટધાતુથી નિર્મિત ૨૭ ફીટ ઊંચી ભગવાન નટરાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સમ્રાટ રાજેન્દ્ર ચોલના સમયથી એટલે કે છેલ્લી ૩૫ પેઢીઓથી ધાતુઓની મૂર્તિની કલાનો વારસો જાળવી રહેલા તમિલ પરિવારોએ આ ભવ્ય મૂર્તિનું સર્જન કર્યું છે. આ ભવનમાં `વેસ્ટમાંથી બેસ્ટ'ની સંકલ્પનાને સાકાર કરતાં વિવિધ શિલ્પો મૂકવામાં આવ્યાં છે, જેમાં સનાતન સંસ્કૃતિમાં પૂજ્ય એવા મોરનું વિશાળ શિલ્પ ચિત્તાકર્ષક છે. કોંગ્રેસ દ્વારા નિર્મિત જર્જરીત થયેલા ૪ જેટલા પ્રદર્શનખંડોના સ્થાને આજે વિશાળ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૨ પ્રદર્શનખંડો બનાવવામાં આવ્યા છે. હવે ભારતના મધ્યમ અને લઘુ સ્તરનાં સાહસો, કૃષકો અને કારીગરો દ્વારા નિર્મિત ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે અનેકગણી વધુ સુવિધાઓ અહીં ઉપલબ્ધ થશે. આમ, ભારતના વ્યાપાર-ઉદ્યોગો-કૃષિનો ઉત્તેજન તો મળશે જ, પરંતુ સાથોસાથ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, પરિષદો તથા અન્ય આયોજનો માટે પણ ભારત મંડપમ્‌‍ એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ભારત મંડપમ્‌‍ વિશ્વનું મોટું MICE ડેસ્ટિનેશન બન્યું છે. (MICE Meeting, Incentives, Conferences and Exhibitions.)
વસુધૈવ કુટુમ્બકમ્
 
ભારતના પ્રાચીન ગ્રંથ હિતોપદેશના એક શ્લોકની પંક્તિ `વસુધૈવ કુટુમ્બકમ્' અને G-20ના વર્તમાન ધ્યેય વાક્યને સાકાર કરતી અનેક કૃતિઓ `ભારત મંડપમ્'માં મૂકવામાં આવી છે. ૧૯ રાષ્ટો તથા યુરોપિય યુનિયનએ સંગઠન, IMF અને વિશ્વ બેન્ક જેવી સંસ્થાઓ તથા સહભાગી (Partener) દેશોના પ્રતિનિધિઓને આવકારવા જે તે દેશોના રાષ્ટ્રીય પ્રતીકો ભારત મંડપમ્માં મૂકવામાં આવ્યા છે. આ સર્વ પ્રતીકો નકામી વસ્તુઓમાંથી નિર્મિત છે ! ભારતના રાજ્યોની વિશેષતાઓને `ભારત મંડપમ્'માં સ્થાન મળ્યું છે. આમ, અહીં ઉત્તર પ્રદેશ અને તમિલનાડુની ધાતુકલા, મહારાષ્ટ્રનું કાષ્ટ, રાજસ્થાનના આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સનાતન સંસ્કૃતિનાં પંચ તત્ત્વો-પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુનો સમન્વય આ વાસ્તુમાં જોવા મળે છે. સૂર્યશક્તિનો મહત્તમ ઉપયોગ તથા ન્યૂનતમ બગાડની સંકલ્પના ભારત મંડપમ્માં ચરિતાર્થ થઈ છે. સોલર પાવર, જળસંચય, ગ્રીન એનર્જી દ્વારા પરિસરને સજ્જ કરવામાં આવ્યું છે. અહીં Zero Waste માટે કચરાને પણ રિસાઇકલ કરવામાં આવે છે. સર્વત્ર જોવા મળતા સંગીતમય રંગીન ફુંવારાઓમાં પણ Zero wasteની નીતિ અપનાવાઈ છે.
 

bharat mandapam vishe mahiti 
 
G-20 સંમેલનમાં AIના ઉપયોગ
 
દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ માટે અહીં ત્રણ વિશાળ ઓપન એર થિયેટર્સ તથા બે ઓડિટોરિયમ ઉપલબ્ધ છે. એક ભાષાનાં વક્તવ્યો તથા પ્રસૂતિ એકસાથે અનેક ભાષાઓમાં તરત જ ઉપલબ્ધ થાય તે માટે ઇન્ટરપ્રીટર સેન્ટર પણ નિર્માણ કરવામાં આવ્યું છે. G-20 શિખર સંમેલનમાં આ સુવિધાનો મહત્તમ ઉપયોગ થયો હતો. AI ના ઉપયોગથી સંચાલન સંબોધનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે G-20 સંમેલનમાં AIના ઉપયોગથી એન્કરીંગ કરવામાં આવ્યું હતું.
 
ભારતનો સૂવર્ણ ઇતિહાસ ભારત મંડપમ્માં પ્રદર્શિત
 
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવતા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન - ITPOના આ રાષ્ટ્રીય પ્રકલ્પને નેશનલ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પો. (NBCC) દ્વારા લગભગ બે વર્ષના ટૂંકા ગાળામાં રૂા. ૨૭૦૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. અહીં એકસાથે ૨૬ સભાખંડોમાં ૨૬ ભિન્ન ભિન્ન કાર્યક્રમો, પાંચ મંચન પ્રસ્તુતિ થઈ શકશે. એકસાથે થઈ શકનારા આ આયોજનોમાં કુલ ૧ લાખ જેટલા લોકો સરળતાથી સહભાગી થઈ શકશે. ભારત મંડપમ્‌‍ પરિસરમાં પગલે પગલે સનાતન ભારતીયના કલા, સાહિત્ય, સંસ્કૃતિ પ્રદર્શિત થતી જોવા મળે છે. મહર્ષિ વાલ્મીકિ, વેદવ્યાસ, મહાકવિ કાલિદાસ, ભરત મુનિ, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહ મિહિર જેવા મનીષીઓથી લઈને ચંદ્રયાન-૩ અને આદિત્ય L1 સુધીનો ભારતનો પ્રવાસ ભારત મંડપમ્માં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આજે વિશ્વ આતંકવાદથી ત્રસ્ત છે તેથી `સાક્ષર રાક્ષસો'ના આતંકને ખાળવા ભારત મંડપમ્માં અત્યાધુનિક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતભરના ખાદ્ય વૈવિધ્યને માણવા માટે અહીં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવ્યાં છે.
 
કરોડો ભારતીયો તથા ભારતને પસંદ કરતા વિશ્વ માટે ભારત મંડપમ્‌‍ એક તીર્થક્ષેત્ર સમાન બની રહેશે...!!
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...