Chandraghanta mata Jivan Katha | દુર્ગામાતાની ત્રીજી શક્તિનું નામ “ચંદ્રઘંટા” છે. નવરાત્રી ઉપાસનાના ત્રીજા દિવસે તેમના સ્વરૂપનું પૂજન-ઉપાસના-આરાધના કરવામાં આવે છે. ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના શરીરનો વર્ણ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેઓ દશ ભુજાઓ ધરાવે છે. તેમના દશેય હાથમાં ખડ્ગ આદિ શસ્ત્રો તેમજ બાણ આદિ ધારણ કરેલ છે. તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. આથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી છે. તેમનું વાહન વાઘ છે.
पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥
દુષ્ટોના દમન અને વિનાશ માટે સદા તૈયાર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે ફળદાયી છે. તેમની મુદ્રા સદા યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે, તેથી ભક્તોનાં કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે. તેમનું વાહન વાઘ છે, માટે તેમનો ઉપાસક વાઘ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. આથી તેમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત-બાધા આદિમાં રક્ષણ કરે છે. તેમનું ધ્યાન ધરતાં તરત તેઓ શરણાગતની રક્ષા માટે હાજર થઈ જાય છે.
તેમનાં મુખ, નેત્ર અને સમસ્તકાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અને અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. આથી ચંદ્રઘંટા દેવીના ભક્તને ઉપાસક જ્યાં જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
નવરાત્રીની ત્રીજા દિવસની પૂજા-ઉપાસના-આરાધનાનું મહત્ત્વ વિશેષ છે. કારણ કે આ દિવસે સાધકનું મન 'મણિપુર ચક્ર'માં પ્રવેશ પામે છે. આથી માની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તેમજ વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની છે.
ચંદ્રઘંટા દેવીની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી મુક્ત થઈ જઈએ છીએ. તેમની કૃપાથી સાધકનાં સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમનું ધ્યાન અત્યંત પરમ કલ્યાણકારી છે.