ભોળાનાથને રીઝવવા શિવભક્તો કરે છે કાવડયાત્રા | Kavad Yatra Vishe Mahiti
- કાવડ યાત્રા તપ, કષ્ટ અને સમર્પણ ભાવનો વિશેષ મહિમા
- મોક્ષની પ્રાપ્તિ માટે કાવડ યાત્રા કરાતી હોવાની માન્યતા
- ભગવાન રામ, પરશુરામ, રાવણે પણ નિભાવી હતી આ પરંપરા
હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનામાં કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ 22 જુલાઇથી થયો છે તેમજ 19 ઓગસ્ટ સુધી ચાલશે. ભગવાન શિવના ભક્તો માટે કાવડ યાત્રા અનેરું મહત્ત્વ ધરાવે છે. શિવભક્તો ભગવાન શિવને રીઝવવા પગપાળા ચાલીને ગંગા નદીમાંથી જળ લાવીને કાવડ યાત્રામાં ભાગ લે છે.
જાણો શું છે કાવડ યાત્રાનું મહત્ત્વ
કાવડયાત્રા પાછળનો હાર્દ છે કે ભગવાન એટલે કે પરમ તત્વ પ્રત્યે અપાર આસ્થા, શુદ્ધ અંત:કરણ સાથે સમર્પણ ભાવ રાખવો. વિકટ પરિસ્થિતિઓમાં પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અતૂટ રાખવી. ખાણી-પીણીમાં નિયંત્રણ સહિત મનના વિચારોને સંયમિત કરી શિવભક્તિમાં મનને લીન કરવું.
આ યાત્રા દરમિયાન શિવભક્તો વાંસથી બનેલા કાવડમાં ગંગાજળ ભરીને તેને પોતાના ખભા પર રાખીને નિર્ધારિત શિવાલય સુધી પગપાળા ચાલે છે, શિવાલયમાં પહોંચીને કાવડ પાત્રમાં રાખેલ ગંગાજળથી ભગવાન શિવને જળાભિષેક કરે છે.
શું છે કાવડયાત્રાના નિયમો
પવિત્ર શ્રાવણમાસમાં શરુ થતી કાવડયાત્રામાં તન અને મનથી સ્વચ્છ અને પવિત્ર રહેવાના નિયમનો પાલન કરવાનું હોય છે. જે અંતર્ગત,
- પહેલો નિયમ છે કે યાત્રા દરમિયાન માંસ- મદિરા અને નશાથી દૂર રહેવું.
- કાવડયાત્રા દરમિયાન શુદ્ધ, સાત્વિક ભોજન તેમજ પાણી ગ્રહણ કરવું જરુરી છે. તામસી ભોજનથી દૂર રહેવાનો ખાસ આગ્રહ રખાય છે. ભૂલથી પણ કાવડયાત્રા દરમિયાન આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો યાત્રા અધુરી ગણાય છે તેમજ ભગવાન શિવ તે જળનો અભિષેક ગ્રહણ નહીં કરતા હોવાની માન્યતા છે.
- કાવડયાત્રાનો બીજો નિયમ છે કે, ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે માત્ર ગંગા કે અન્ય કોઇ પવિત્ર નદીનું જળ જ કાવડપાત્રમાં ભરી શકાય.
- કાવડ યાત્રા પગપાળા કરવાની હોય છે. યાત્રા દરમિયાન વાહનનો પ્રયોગ નિષેધ છે. (જો કે, વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ આ પરંપરામાં છૂટ લે છે)
- યાત્રા દરમિયાન કાવડને જમીન પર સ્પર્શ કરાવી શકાય નહીં. કાવડને લટકતું એટલે કે ઝાડ પર કે અન્ય જગ્યાએ ઊંચાઇ પર રાખવું જરુરી છે. આથી, તંત્ર દ્વારા યાત્રિકો માટે વિશ્રામની વ્યવસ્થા સાથે કાવડ રાખવા માટે ઊંચા સ્થાન ઊભા કરવામાં આવે છે.
ઉપરાંત કાવડ યાત્રિકોના ચામડીને સ્પર્શ ન થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.
- યાત્રા દરમિયાન અપશબ્દો બોલી શકાય નહીં.
- યાત્રિકો ખુલ્લા પગે પગપાળા કાવડ યાત્રા કરે છે. સ્નાન બાદ જ કાવડને સ્પર્શ કરી શકાય.
- યાત્રા દરમિયાન કાંસકો, તેલ, સાબુ વગેરેનો ઉપયોગ કરી શકાય નહીં.
- શિવજીને જળાભિષેક થાય નહીં ત્યાં સુધી ખાટલો, ખુરશી કે પલંગ પર બેસી શકાય નહીં. જમીન પર જ વિશ્રામ લેવાની પરંપરા છે.
- યાત્રા દરમિયાન ભગવાન શિવનું સતત નામ-સ્મરણ કરવું.
વિવિધ ચાર પ્રકારની છે કાવડયાત્રા | Kavad Yatra Na Prakar
1... સામાન્ય કાવડયાત્રા
સામાન્ય કાવડયાત્રામાં અન્ય કાવડયાત્રાની સરખામણીએ પ્રમાણમાં સરળ હોય છે. તેમાં યાત્રિક યાત્રા દરમિયાન આરામ કરી, યાત્રાને ફરી શરુ કરી શકે છે. મૂળ પરંપરા મુજબ કાવડયાત્રા પગપાળા થાય છે. પરંતુ હવે ભક્તો વાહન પર પણ કાવડયાત્રા કરે છે. બિહાર અને ઝારખંડમાં આ પ્રકારની કાવડયાત્રા પ્રચલિત છે. જેને બોલ બમ કહેવામાં આવે છે.
2.. ખડી કાંવડ યાત્રા
ખડી કાવડયાત્રા એટલે આરામ કર્યા વગર સતત પગપાળા યાત્રા ચાલુ રાખવી. સામાન્ય કાવડયાત્રાની તુલનાએ આ યાત્રા વધુ કપરી હોય છે. આ યાત્રામાં એક કાવડની સાથે બે થી ત્રણ યાત્રિકો હોય છે. એક યાત્રિક આરામ લે ત્યારે અન્ય યાત્રિક કાવડ લઇ યાત્રાને ચાલુ રાખે છે.
3.. ડાક કાવડ યાત્રા
ડાક યાત્રા પ્રમાણમાં વધુ કપરી હોય છે. આ યાત્રામાં સખત નિયમો પાળવા જરુરી છે. આ યાત્રામાં કાવડને પીઠ પર લાદીને સતત ચાલવું પડે છે. ડાક કાવડ બિહારના સુલ્તાનગંજથી લઇ દેવઘર સુધી કરવામાં આવે છે. યાત્રિકોને 24 કલાકની અંદર બાબા બૈધનાથ ધામના શિવલિંગ પર અભિષેક કરવાનો હોય છે. જો તે શક્ય ન બને તો યાત્રા અધુરી માનવામાં આવે છે. આથી જ તે સમયે, તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવે છે તેમજ મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જેથી કરીને શ્રદ્ધાળુ કોઇપણ જાતના અવરોધ વગર નિર્વિધ્ને યાત્રા પૂરી કરી શકે.
4..દાંડી કાવડ યાત્રા
આ યાત્રાને દંડ પ્રણામ કાવડ યાત્રા પણ કહેવામાં આવે છે. આ અત્યંત મુશ્કેલ યાત્રા છે. યાત્રામાં ભક્તોને અઠવાડિયાથી લઇ મહિના સુધીનો સમય લાગતો હોય છે. ગંગાઘાટથી પાણી ભરી જમીન પર દંડવત કરતા - કરતા શિવધામ સુધી આખી યાત્રા કરે છે. આ યાત્રામાં વિસામો લેવાની છૂટ છે. સહાય માટે અન્ય વ્યક્તિની પણ મદદ લઇ શકાય છે.
કાવડયાત્રાનું માહાત્મય | Kavad Yatra Mahatva
પૌરાણિક કથા અનુસાર જો તમે શિવભક્ત હોવ તો જીવનમાં એકવાર કાવડયાત્રા અવશ્ય કરવી જોઇએ. સમર્પિત ભાવથી કાવડયાત્રા કરનાર શિવભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે તેમજ મનોવાંછિત ફળ મળે તેવી વાયકા છે.
કાવડ યાત્રા સાથે જોડાયેલી અન્ય એક માન્યતા મુજબ, તમારાથી કોઇ ભૂલ થઇ હોય કે પાપના ભાગીદાર બન્યા હોવ તો ભગવાન શિવને જળાભિષેક કરતા સમયે માફી માગી તમારા પાપનું પાયશ્ચિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
કેવી રીતે શરુ થઇ કાવડયાત્રા? કાવડયાત્રાના પ્રારંભ વિશે વિવિધ મત-મતાંતરો પ્રવર્તે છે. અહીં જાણીએ વિવિધ માન્યતાઓ વિશે
પ્રથમ માન્યતા
ત્રેતા યુગમાં સૌથી પહેલા શ્રવણકુમારે યાત્રા શરુ કરી હોવાની માન્યતા છે. હિમાચલપ્રદેશના ઉનામાં શ્રવણ પોતાના પ્રજ્ઞાચક્ષુ માતા-પિતાને તીર્થયાત્રા કરાવવા નીકળ્યો ત્યારે તેમના માતા પિતાએ હરિદ્વારમાં પવિત્ર ગંગાનદીમાં સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી. પોતાની સાથે તેણે ભગવાન શિવને ચઢાવવા ગંગાજળ પણ લીધું. ત્યારથી કાવડયાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા છે.
બીજી માન્યતા
ભગવાન પરશુરામે સૌથી પહેલા કાવડયાત્રા શરુ કરી હોવાની માન્યતા છે. પરશુરામે ગઢમુક્તેશ્વર ધામથી ગંગાજળ કાવડપાત્રમાં લીધું તેમજ ઉત્તરપ્રદેશના બાગપાસ સ્થિત પુરા મહાદેવ પર ગંગાજળનો અભિષેક કર્યો. તે સમયે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો. આથી ત્યારથી જ પ્રારંભ થયેલી કાવડયાત્રા આજે પરંપરા રુપે જીવંત હોવાનું મનાય છે. આજે પણ શિવભક્તો ગઢમુક્તેશ્વર ધામથી ગંગાજળ લઇને પુરા મહાદેવ પર ભગવાન શિવને અર્પણ કરે છે.
ત્રીજી માન્યતા
આનંદ રામાયણમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે, ભગવાન રામ પહેલા કાવડયાત્રાના યાત્રિક હતા. ભગવાન રામે સુલ્તાનગંજથી ગંગાજળ ભરીને દેવઘર સ્થિત બૈધનાથ જ્યોર્તિલિંગ પર અભિષેક કર્યો.
ચોથી માન્યતા
રાવણે પણ કાવડયાત્રાનો પ્રારંભ કરાયો હોવાની માન્યતા છે. સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવે વિષપાન કર્યુ, વિષપાનને કારણે નકારાત્મક શક્તિઓએ ભગવાન શિવને ઘેરી લીધા. પોતાના પ્રિય ભગવાનને મુક્ત કરવા રાવણે ધ્યાન ધર્યુ. રાવણે કાવડયાત્રા કરી ભગવાન શિવ પર ગંગાજળનો અભિષેક કર્યો. રાવણે ભગવાનને નકારાત્મક શક્તિઓના પ્રભાવમાંથી મુક્ત કર્યા ત્યારથી કાવડયાત્રા શરુ થઇ હોવાની માન્યતા છે.
તો અન્ય માન્યતા પ્રમાણે, વિષપાન દરમિયાન ભગવાન શિવને વિષના પ્રભાવોથી દૂર કરવા તમામ દેવતાઓએ પવિત્ર નદીઓનો અભિષેક કર્યો.
આ સ્થળો પર કાવડયાત્રાનું મહત્ત્વ
શ્રાવણમાસમાં કોઇપણ શિવાલય પર જળાભિષેક કરવાથી પુણ્યફળ મળતું હોવાની માન્યતા છે. મોટાભાગના કાવડિયા મેરઠના ઔઘડનાથ, પુરા મહાદેવ, વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર, ઝારખંડના બૈધનાથ મંદિર અને બંગાળના તારકનાથ મંદિરને પોતાની યાત્રાના માર્ગ તરીકે પસંદ કરે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર જેવા સ્થળોથી લોકો બૈધનાથ ધામથી 108 કિલોમીટર દૂર સુલ્તાન ગંજથી જળ લઇને પગપાળા શિવના દ્વાર ચાલે છે. તો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લોકો યાત્રિકો હરિદ્વારથી જળ લાવીને પુરા મહાદેવ કે આસપાસના શિવાલયોમાં જળ ચઢાવે છે.