ધર્મનિરપેક્ષતાનો દંભ તૂટ્યો: શું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની પત્નીએ પણ 'ખ્રિસ્તી' બનવું પડશે? વેન્સના નિવેદનથી અમેરિકન રાજકારણમાં ભૂકંપ.

આ વીડિયોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સત્તાવાર પદ પર બેઠેલા નેતાની પત્નીનો ધર્મ પણ સુરક્ષિત નથી, ત્યાં ભારતીય મૂળની મહિલાના એક જ સવાલે "સેક્યુલર અમેરિકા"ની વાસ્તવિકતાને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.

    ૦૧-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

vp-jd-vances-hope-for-wife-ushas-conversion-exposes-us-hypocrisy
 
શું ધર્મનિરપેક્ષતા માત્ર ભારતના હિન્દુઓ માટે છે? ઉપરાષ્ટ્રપતિના નિવેદનથી ‘સેક્યુલર અમેરિકા’નો અસલી ચહેરો થયો બેનકાબ
 
અમેરિકા, જે પોતાને વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મનિરપેક્ષતાનો સૌથી મોટો ઠેકેદાર માને છે અને અવારનવાર અન્ય દેશો, ખાસ કરીને ભારત પર ધાર્મિક સહિષ્ણુતા અંગે પ્રશ્નો ઉઠાવે છે, તેનો અસલી ચહેરો હાલમાં એક જ ઘટનાથી વિશ્વ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. ભારતીય મૂળની એક મહિલાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને પૂછેલા સવાલો અને તેના જવાબમાં વેન્સે આપેલા વિવાદાસ્પદ નિવેદનોએ અમેરિકાના બેવડા ધોરણોને દુનિયા સમક્ષ લાવી દીધા છે.
 
મારે શા માટે ખ્રિસ્તી બનવું પડે?
 
તાજેતરમાં એક કાર્યક્રમમાં, ભારતીય મૂળની એક મહિલાએ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને તેમની ઇમિગ્રેશન નીતિઓ અને ખ્રિસ્તી ધર્મના આધારે જે ભેદભાવ થાય છે તેના વિશે સવાલ પૂછ્યો હતો.
 
આ મહિલાએ વેન્સને સવાલ કર્યો કે, "હું અમેરિકાને એટલો જ પ્રેમ કરું છું જેટલો તમે કરો છો. તો પછી, મારે શા માટે ખ્રિસ્તી બનવું પડે? તે સાબિત કરવા માટે કે હું તમારા લોકોમાંથી જ એક છું?" આ સવાલમાં અમેરિકામાં વસતા તમામ બિન-ખ્રિસ્તી પ્રવાસીઓના મનની વેદના છે, જેઓ પોતાના દેશપ્રેમને ધાર્મિક ઓળખથી અલગ રાખવા માંગે છે.
 
મહિલાએ આગળ પ્રશ્ન કર્યો અને વેન્સની અંગત જિંદગી તરફ ધ્યાન દોર્યું: તેણે કહ્યું કે "તમે પોતે એક એવી મહિલા (ઊષા વેન્સ) સાથે લગ્ન કર્યા છે જે હિન્દુ છે. આ બાબતને તમે કેવી રીતે જુઓ છો?"
 
આ પ્રશ્નના જવાબમાં જે.ડી. વેન્સે જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું હતું અને તેણે અમેરિકાની ધર્મનિરપેક્ષતાની પોલ ખોલી નાખી.
 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે જાહેરમાં સ્વીકાર્યું કે "હા, મારી પત્ની હિન્દુ છે. હું આશા રાખું છું કે એક દિવસ તે પણ ખ્રિસ્તી ધર્મ અપનાવશે. મને આશા છે કે મારી હિન્દુ પત્ની એક દિવસ ચર્ચમાં આવશે."
 
આ નિવેદન એ વાતની સાબિતી આપે છે કે, જે દેશ ધાર્મિક સ્વતંત્રતાનું ઠેકેદાર બનીને દુનિયાને સલાહ આપે છે ત્યાં ખુદ ઉપરાષ્ટ્રપતિની પત્ની હોવા છતાં તેના પર ધર્મ પરિવર્તનનું દબાણ રહેલું છે. ઊષા વેન્સ અમેરિકામાં જન્મેલા અને અમેરિકન નાગરિક હોવા છતાં, તેમને માત્ર હિન્દુ હોવાને કારણે 'સ્વીકાર' ન કરવાનો સંકેત આ નિવેદનમાં છુપાયેલો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકાના અમુક રિપોર્ટ્સ ભારતના હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓનો મજાક ઉડાવે છે અને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના અભાવની વાતો કરે છે.
 
ધાર્મિક પ્રશ્ન ઉપરાંત, તે મહિલાએ કાયદેસર પ્રવાસીઓ પર લાદવામાં આવેલી નીતિઓ અંગે પણ વેન્સ પર નિશાન સાધ્યું. તેમણે વેન્સને સવાલ કર્યો કે, "તમે અમને અહીં આવવાના સપના વેચ્યા, અમારા જીવનની કમાણી અહીં ખર્ચ કરાવી દીધી, અને હવે અચાનક કહી રહ્યા છો કે અમને પ્રવાસીઓ જોઈતા નથી? તમે જ અમને કાયદેસર રીતે અહીં બોલાવ્યા હતા."
આ સંદર્ભે વેન્સે જવાબ આપ્યો કે તેમનું કામ "માત્ર અમેરિકાના હિતોનું ધ્યાન રાખવાનું છે," અને હવે તેમને પહેલા જેટલા પ્રવાસીઓની જરૂર નથી. અમેરિકાની મંશા જુવો કેટલી સ્વાર્થી છે. જરૂર હતી ત્યારે પ્રવાસિઓએ યોજનાઓ બનાવીને બોલાવ્યા હવે જ્યારે રાજકીય પવન બદલાયો છે, ત્યારે તેમને હાંકી કાઢવાની વાત કરવામાં આવી રહી છે. આ કાયદેસર રીતે અમેરિકામાં વસતા હજારો લોકો માટે અન્યાય સમાન છે.
 
અને છેલ્લે...
 
ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ દ્વારા તેમની જ હિન્દુ પત્નીના ધર્મ પરિવર્તનની ઈચ્છા વ્યક્ત કરવી અને કાયદેસર પ્રવાસીઓને અચાનક 'અનવોન્ટેડ' ગણાવવા— આ બંને ઘટનાઓથી દુનિયા સમક્ષ અમેરિકાનું એવું ચિત્ર રજૂ થયું છે કે, અમેરિકાની ધર્મનિરપેક્ષતા અને ઉદારતાની વાતો માત્ર કહેવા માટેની જ છે. હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ…
આ વીડિયોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સત્તાવાર પદ પર બેઠેલા નેતાની પત્નીનો ધર્મ પણ સુરક્ષિત નથી, ત્યાં ભારતીય મૂળની મહિલાના એક જ સવાલે 'સેક્યુલર અમેરિકા'ની વાસ્તવિકતાને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
 
 
જુવો વીડિઓ....
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...