બંગાળમાં 'રીવર્સ માઈગ્રેશન': શું નવો કાયદો ઘૂસણખોરોનો કાળ બન્યો?

બંગાળની સરહદો પર જે આ "ઉલટી દોડ" (રીવર્સ માઈગ્રેશન) લાગી છે તે એ વાતની સાબિતી છે કે જ્યારે રાષ્ટ્રની નીતિ અને દાનત સાફ હોય, ત્યારે કડક કાયદાઓ પોતાનું કામ કરે જ છે.

    ૧૯-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

bengals-reverse-migration-is-the-new-law-a-death-knell-for-infiltrators
 
 
પશ્ચિમ બંગાળમાં હાલ કંઇક નવું થઈ રહ્યું છે. વિશ્વાસ ન આવે એવી ઘટના અહીં ઘટી રહી છે. ઘૂષણખોરી અહીંની સમસ્યા છે અને અહીંની મમતા સરકારને તે ગમી ગઈ છે. વોટબેંક વધારવા, મજબૂત કરવા અહીં સરકાર દ્વારા ઘૂષણખોરીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તેવા વિપક્ષી દળોના આરોપો છે.
 
જોકે આમાં હબે બદલાવ આપી શકે છે. અહીં દાયકાઓથી જે સીમાઓ પરથી ભારતમાં ઘૂસણખોરીનો એકતરફી પ્રવાહ અવિરત ચાલુ હતો, ત્યાં આજે અચાનક ‘રીવર્સ માઈગ્રેશન’ થવા લાગ્યું છે. ઘૂષણખોરી કરીને જેઓ વર્ષોથી ભારતને પોતાની જાગીર અને ધર્મશાળા સમજીને અડિંગો જમાવીને બેઠા હતા, તેમના પગ નીચેથી હવે જમીન સરકી રહી છે. બંગાળના જે સરહદી જિલ્લાઓમાં ગઈકાલ સુધી ઘૂસણખોરોની દાદાગીરી ચાલતી હતી, ત્યાં આજે એક અજાણ્યો ભય અને ફફડાટ ફેલાયેલો છે. સવાલ એ થાય કે અચાનક એવું તે શું થયું? જે ઘૂષણખોરોને મમતા સરકારમાં સુરક્ષા મળી રહી હતી તેમના મનમાં અચાનક ભય ક્યાંથી આવ્યો? કેમ તેઓ ભારત છોડીને પાછા પોતાના દેશ જઈ રહ્યા છે? કેમ ઘૂષણખોરો પાછાવળી રહ્યા છે?
 
ઘણા લોકો માને છે કે આ ડર ‘SIR’ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો છે. પણ સાહેબ, વાત આટલી સીધી નથી. મતદાર યાદીમાંથી નામ કમી થવાનો ડર તો હોઈ શકે, પણ દેશ છોડીને ભાગવાનો ડર ત્યારે જ પેદા થાય જ્યારે ગરદન પર કાયદાની તલવાર લટકતી હોય. અસલી ભૂકંપ તો ‘Immigration and Foreigners Act 2025’ નામના નવા કાયદાએ સર્જ્યો છે. આ કોઈ કાગળનો વાઘ નથી, પણ લોખંડી પંજો છે જેણે તુષ્ટિકરણના રાજકારણની નસો કાપી નાખી છે.
 
માર્ચ ૨૦૨૫માં સંસદમાં પસાર થયેલો અને ૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી અમલી બનેલો આ કાયદો જાણે ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ છે: "આ દેશ છે, ઘૂષણાખોરોનું આશ્રય સ્થાન નથી."
 
અત્યાર શું થયું હતું? ૧૯૪૬ના જુના કાયદાઓમાં છટકબારીઓ હતી અને રાજકીય આકાઓનું રક્ષણ હતું. ઘૂષણખોરો પકડાયા તો શું થાય? થોડા દિવસ જેલમાં રહેવાનું, પછી છૂટી જવાનું અને ફરી પાછા એ જ ગલીઓમાં ચાલ્યા જવાનું…. પણ હવે સ્થિતિ બદલાઈ ગઇ છે. નવા કાયદાની કલમો વાંચીને – જાણીને ઘૂસણખોરોને પરસેવો છૂટી રહ્યો છે.
 
જરા વિચાર કરો, ઘૂસણખોરી પકડાય તો ૫ વર્ષની જેલ અને ઉપરથી ૫ લાખ રૂપિયાનો દંડ! અને જો બનાવટી દસ્તાવેજો (જે બંગાળમાં સરળતાથી મળતા હતા) સાથે પકડાયા, તો સીધો ૧૦ લાખનો દંડ અને જેલના સળિયા તો ખરા જ!. જે ઘૂસણખોર આજીવિકા માટે ગેરકાયદેસર ઘૂસ્યો હોય, તેના માટે ૧૦ લાખનો આંકડો સાંભળીને જ હાર્ટએટેક આવી જાય તેવી સ્થિતિ છે. આ આર્થિક ફટકો અને તાત્કાલિક ડિપોર્ટેશનની જોગવાઈ એ બ્રહ્માસ્ત્ર સાબિત થઈ રહી છે.
 
અત્યાર સુધી બંગાળમાં એક અઘોષિત નિયમ હતો - "તમે અમને વોટ આપો, અમે તમને પ્રોટેક્શન આપીશું." દાયકાઓથી આ 'વોટ બેંક'ના જોરે સત્તા ટાકાવવામાં આવી છે. સ્થાનિક નેતાઓ, રાશન કાર્ડ બનાવતા એજન્ટો અને સરહદ પરના દલાલોનું એક મજબૂત નેટવર્ક અહીં હતું. કોઈ અધિકારી આંખ ઊંચી કરે તો તેને બદલી નાખવામાં આવતો. મમતા દીદીની સરકાર પર હંમેશા એવા આક્ષેપો થતા રહ્યા છે કે તેઓ ઘૂસણખોરોને પોતાના જનસંખ્યાકીય હથિયાર તરીકે વાપરે છે. પરંતુ આ નવા કેન્દ્રીય કાયદાએ રાજ્ય સરકારના હાથ પણ બાંધી દીધા છે. હવે કોઈ 'દીદી' ફોન કરીને પોલીસ સ્ટેશનથી માણસ છોડાવી શકે તેમ નથી, કારણ કે મામલો સીધો કેન્દ્ર સરકારના ઇમિગ્રેશન કાયદા હેઠળ નોંધાય છે. રાજકીય છત્રછાયાનું જે કવચ હતું, તે હવે કાણાવાળું થઈ ગયું છે.
 
‘SIR’ અભિયાન તો જાણે ઘા પર મીઠું ભભરાવવા આવ્યું છે. ચૂંટણી પંચ અધિકારીઓ – બૂથ લેવલ ઓફિસર જ્યારે ઘરે-ઘરે જઈને પૂછે છે કે "કાગળ બતાવો", ત્યારે જેમના કાગળ બોગસ છે તેમના હોશ ઉડી જાય છે. તેમને સમજાય છે કે જો વોટર લિસ્ટમાંથી નામ ગયું તો રાજકીય નેતાઓ માટે તેઓ નકામા થઈ જશે, અને જો પોલીસના હાથે ચડ્યા તો નવા કાયદા મુજબ જેલ અને દંડ ભોગવવો પડશે. એટલે કે "આગળ કુવો અને પાછળ ખાઈ" જેવી સ્થિતિ છે. આ જ કારણ છે કે સરહદ પાર કરાવતા દલાલો, જેઓ અત્યાર સુધી છાતી કાઢીને ફરતા હતા, તેઓ આજે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
 
આ દ્રશ્ય માત્ર એક વહીવટી સફળતા નથી, પણ એક મોટા માનસિક બદલાવનું પ્રતીક છે. અત્યાર સુધી ભારતની નરમ નીતિને કારણે આપણી સરહદો મજાક બની ગઈ હતી. પણ હવે સંદેશ સ્પષ્ટ છે કે ભારત પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે હવે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. જેઓ ભારતને લૂંટવા કે અહીંના સંસાધનો પર બોજ બનવા આવ્યા હતા, તેમને હવે સમજાઈ ગયું છે કે અહીં રહેવાની કિંમત બહુ મોંઘી પડી શકે છે.
 
અંતમાં, બંગાળની સરહદો પર જે આ "ઉલટી દોડ" (રીવર્સ માઈગ્રેશન) લાગી છે તે એ વાતની સાબિતી છે કે જ્યારે રાષ્ટ્રની નીતિ અને દાનત સાફ હોય, ત્યારે કડક કાયદાઓ પોતાનું કામ કરે જ છે. વોટબેંકના રાજકારણનો સૂરજ હવે આથમવા લાગ્યો છે અને રાષ્ટ્રહિતનો નવો સૂર્યોદય થઈ રહ્યો છે. ઘૂસણખોરોની આ ભાગદોડ એ માત્ર ડર નથી, પણ 'નવા ભારત'ના બદલાયેલા મિજાજની સ્વીકૃતિ છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...