બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે.
હું આલોચકને પડકાર ફેંકું છું કે, તે એ સાબિત કરે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ બંધારણસભાએ, બંધારણના સંશોધન માટે આટલી સરળ પ્રક્રિયા પ્રદાન કરી હોય - ડૉ. બાબાસાહેબ આંબેડકર
૧. ટીકા કરનાર એક માત્ર નઝીરુદ્દીનની ટીકા અને બાબાસાહેબનો ઉત્તર
ટીકા : ‘મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્યની ગુણવત્તા વિશે વાત કરતાં શ્રી નઝીરુદ્દીન અહમદે તેને વખોડ્યું હતું. તેમના મતે, મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલું કાર્ય પ્રશંસાને પાત્ર તો નથી જ પરંતુ નિશ્ચિતરૂપે નિમ્ન સ્તરનું છે.
ઉત્તર : મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્ય વિશે દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો અધિકાર છે અને પોતાનો અભિપ્રાય રજૂ કરવા બદલ તેમનું સ્વાગત છે. શ્રી નઝીરુદ્દીન અહમદ વિચારે છે કે, તે મુસદ્દા સમિતિના કોઈપણ સભ્ય કરતાં વધુ પ્રતિભાશાળી વ્યક્તિ છે. બીજી બાજુ, મુસદ્દા સમિતિ તેમના આ દાવાને પડકારવા માંગતી નથી. જો સભાએ તેમને તેમાં નિયુક્ત થવા યોગ્ય સમજ્યા હોત તો મુસદ્દા સમિતિએ તેમનું પોતાની વચ્ચે સ્વાગત કર્યું હોત. જો બંધારણના નિર્માણમાં તેમનું કોઈ સ્થાન ન હતું તો તે નિશ્ચિતરૂપે મુસદ્દા સમિતિનો કોઈ દોષ નથી.’
વધુમાં બાબાસાહેબ કહે છે કે,
‘શ્રી નઝીરુદ્દીન અહમદે મુસદ્દા સમિતિ માટે એક નવું નામ ઘડ્યું છે, દેખીતી રીતે તેના પ્રત્યે પોતાનો તિરસ્કાર બતાવવા માટે. તે તેને ‘ડ્રિફ્ટિંગ કમિટી’ (Drifting committee - ભટકતી સમિતિ) કહે છે. શ્રી નઝીરુદ્દીનને નિઃશંકપણે આ બાબતે ખુશી થતી હશે, પરંતુ તે સ્પષ્ટપણે નથી જાણતા કે નિપુણતા વિના ભટકવું અને નિપુણતા સાથે ભટકવામાં તફાવત હોય છે. કંઈક સારું શોધવાની તલાશમાં હોવું, ભટકવા બરાબર નથી. યદ્યપિ શ્રી નઝીરુદ્દીન અહમદનો મતલબ મુસદ્દા સમિતિની પ્રશંસાનો નહોતો જ, છતાં પણ હું આને મુસદ્દા સમિતિ માટે એક પ્રશંસા તરીકે લઉં છું. મુસદ્દા સમિતિ કર્તવ્યની ઘોર ઉપેક્ષા અને ખોટી ગરિમાની ભાવનાની દોષી હોત જો તેણે તે સુધારાઓને પાછા ખેંચવાની ઈમાનદારી અને સાહસ ન બતાવ્યું હોત, જેને તે ખોટા સમજતી હતી અને જે તે વધુ સારું સમજતી હતી તેને પ્રતિસ્થાપિત ન કર્યું હોત. જો આ એક ભૂલ છે, તો મને ખુશી છે કે મુસદ્દા સમિતિ આવી ભૂલોને સ્વીકારવા અને તેમને સુધારવા માટે આગળ આવવાથી ખચકાઈ નહીં.’
૨. એક અપવાદ સિવાય બધાએ બંધારણની પ્રશંસા કરી
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘મને એ જાણીને ખુશી છે કે એકમાત્ર સભ્યના અપવાદ સિવાય, બંધારણ સભાના સભ્યો તરફથી મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્યની પ્રશંસાની એક સામાન્ય સહમતિ છે. મને ખાતરી છે કે મુસદ્દા સમિતિ પોતાના શ્રમની આ સહજ માન્યતા આટલા ઉદાર શબ્દોમાં મેળવીને ખુશ અનુભવી રહી છે. જ્યાં સુધી વિધાનસભાના સભ્યો તેમજ મુસદ્દા સમિતિના મારા સહયોગીઓ દ્વારા મારા પર વરસાવવામાં આવેલી પ્રશંસાનો સવાલ છે, હું એટલો અભિભૂત અનુભવી રહ્યો છું કે, હું તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતાને સંપૂર્ણપણે વ્યક્ત કરવા માટે પૂરતા શબ્દો શોધી શકતો નથી.’
આ અપવાદ એટલે નઝીરુદ્દીન અહમદ. મહત્વની વાત એ છે કે તેમની બુદ્ધિપ્રતિભા-નિષ્ઠા સામે જ્યારે કોઈનેય શંકા નહોતી ત્યારે આ નઝીરુદ્દીને શંકા અને તે પણ સાવ અપમાનજનક શબ્દોમાં રજૂ કરેલી, છતાં બાબાસાહેબે એક નિર્માણકાર્ય કરનારને છાજે તેવો ઉત્તર આપ્યો હતો.
૩. સમાજની વૃત્તિ અને બંધારણ
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘બંધારણની તરફેણમાં જેટલો બચાવ રજૂ કરી શકાતો હતો, તે મારા મિત્રો સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર અને શ્રી ટી.ટી. કૃષ્ણમાચારી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તેથી હું બંધારણના ગુણ-દોષોમાં નહીં પડું. કારણ કે મને લાગે છે કે, કોઈ બંધારણ ગમે તેટલું સારું કેમ ન હોય, તે નિશ્ચિત રૂપે ખરાબ સાબિત થશે, કારણ કે જો તેને ચલાવવા માટે મોકલવામાં આવેલા લોકો ખરાબ હશે. કોઈ બંધારણ ગમે તેટલું ખરાબ કેમ ન હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેને ચલાવવા માટે મોકલવામાં આવેલા લોકો સારા હશે. કોઈ પણ બંધારણનું કાર્ય સંપૂર્ણપણે બંધારણની પ્રકૃતિ પર નિર્ભર નથી કરતું.’
આમ, તેઓએ તે વખતે જ એ સત્ય તરફ સૌનું ધ્યાન દોર્યું હતું કે, સંવિધાનની આડમાં ખોટું કરનારાઓથી સંવિધાન બદનામ થશે. વાસ્તવમાં તે ખોટા કાર્ય માટે સંવિધાન નહીં, તેને સાધન બનાવનારાઓ કારણભૂત છે. આનું વરવું ચિત્ર એટલે ૧૯૭૫ની કટોકટી.
૪. ડૉ. બાબાસાહેબે કોનો કોનો આભાર માન્યો હતો?
‘હું બંધારણ સભામાં અનુસૂચિત જાતિઓના હિતોની રક્ષા કરવા કરતાં મોટી કોઈ આકાંક્ષા સાથે નહોતો આવ્યો. મને દૂર-દૂર સુધી એવો વિચાર નહોતો કે મને વધુ જવાબદાર કાર્યભાર સંભાળવા માટે બોલાવવામાં આવશે. તેથી, જ્યારે વિધાનસભાએ મને મુસદ્દા સમિતિ માટે પસંદ કર્યો ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. જ્યારે મુસદ્દા સમિતિએ મને પોતાનો અધ્યક્ષ પસંદ કર્યો ત્યારે મને ઓર આશ્ચર્ય થયું. મુસદ્દા સમિતિમાં મારાથી મોટા, બહેતર અને વધુ સક્ષમ વ્યક્તિઓ હતા.’ આવી લાગણી વ્યક્ત કરી બાબાસાહેબે આ મહાનુભાવોનો આભાર માન્યો…
(૧) મારા મિત્ર સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. હું બંધારણ સભા અને મુસદ્દા સમિતિનો આભારી છું કે તેમણે મારામાં આટલો વિશ્વાસ અને ભરોસો રાખ્યો અને મને તેમનું સાધન પસંદ કર્યું અને દેશની સેવા કરવાનો આ અવસર આપ્યો.
(૨) જે શ્રેય મને આપવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં મારું નથી. તેના એક હિસ્સાનો શ્રેય બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બી.એન. રાવને જાય છે તથા શ્રેયનો એક હિસ્સો મુસદ્દા સમિતિના સભ્યોને પણ જાય છે.
(૩) શ્રેયનો ઘણો મોટો હિસ્સો શ્રી એસ.એન. મુખર્જી, બંધારણના મુખ્ય મુસદ્દાકારને જવો જોઈએ. સૌથી જટિલ પ્રસ્તાવોને સરળતમ અને સ્પષ્ટતમ કાનૂની રૂપમાં મૂકવાની તેમની ક્ષમતા, અને તેમની સખત મહેનત કરવાની ક્ષમતાની ભાગ્યે જ બરાબરી કરી શકાય છે.
(૪) મારે શ્રી મુખર્જી હેઠળ કામ કરનારા કર્મચારીઓના સભ્યોનો ઉલ્લેખ કરવાનું ભૂલવું ન જોઈએ. કારણ કે, હું જાણું છું કે તેમણે કેટલી સખત મહેનત કરી છે અને કેટલી મોડી રાત સુધી તેઓ લાગેલા રહ્યા છે.
(૫) આ બંધારણ સભાની કાર્યવાહી ઘણી નીરસ બની ગઈ હોત જો બધા સભ્યો પાર્ટી શિસ્તના નિયમ સામે ઝૂકી ગયા હોત. પાર્ટી શિસ્ત, તેની સંપૂર્ણ કઠોરતામાં, આ વિધાનસભાને (પોતાની પાર્ટી જે સૂચના આપે તે રીતે) ‘હા’ કહેનારા લોકોની એક સભામાં ફેરવી દેત. સદભાગ્યે, તેઓ બળવાખોરો (!) હતા, તેઓ હતા શ્રી કામથ, ડૉ. પી.એસ. દેશમુખ, શ્રી સિધવા, પ્રો. સક્સેના અને પંડિત ઠાકુર દાસ ભાર્ગવ. તેમની સાથે મારે પ્રો. કે.ટી. શાહ અને પંડિત હૃદયનાથ કુંઝરુનો ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા, તે મોટાભાગે વૈચારિક હતા. તેમના સૂચનોને સ્વીકારવા માટે તૈયાર નહોતો તેથી તેમનાં સૂચનોનું મૂલ્ય ઓછું નથી થતું કે ન તો વિધાનસભાની કાર્યવાહીને જીવંત બનાવવામાં તેમણે જે સેવા પ્રદાન કરી છે, તે ઓછી થાય છે. હું તેમનો આભારી છું.
(૬) અંતમાં, હું તમને, શ્રીમાન અધ્યક્ષ, આ સભાની કાર્યવાહીનું સંચાલન કરવાની રીત માટે ધન્યવાદ આપવા માંગુ છું. એવા અવસરો આવ્યા જ્યારે મુસદ્દા સમિતિના સુધારાઓને વિશુદ્ધ રૂપે તકનીકી પ્રકૃતિના આધારો
પર અવરોધિત કરવાની માંગ કરવામાં આવી હતી, તે મારા માટે ખૂબ ચિંતાજનક ક્ષણો હતી. તેથી, હું ખાસ કરીને તેમનો (અધ્યક્ષનો) આભારી છું કે તેમણે બંધારણ નિર્માણના કાર્યને નિષ્ફળ બનાવવા માટે કાનૂની ઔપચારિકતા (legalism)ની અનુમતિ ન આપી.
૫. માત્ર બે જ પાર્ટી કમ્યૂનિસ્ટ પાર્ટી અને સોશિયાલિસ્ટ પાર્ટી બંધારણની નિંદા કેમ કરે છે?
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘બંધારણની નિંદા મુખ્યત્વે બે વર્ગોમાંથી આવે છે, કમ્યુનિસ્ટ પાર્ટી અને સોશિયાલિસ્ટ પાર્ટી. તેઓ બંધારણની નિંદા કેમ કરે છે? શું એટલા માટે કે તે વાસ્તવમાં આ ખરાબ બંધારણ છે? હું સાહસપૂર્વક ‘ના’ કહું છું. કમ્યુનિસ્ટ પાર્ટી સર્વહારા વર્ગના અધિનાયકવાદ (Dictatorship of the proletariat)ના સિદ્ધાંત પર આધારિત એક બંધારણ ઇચ્છે છે. તેઓ બંધારણની નિંદા કરે છે, કારણ કે તે સંસદીય લોકશાહી પર આધારિત છે.’
આવા કમ્યુનિસ્ટ અને સોશિયાલિસ્ટ વિચારો ધરાવનારાઓએ જ્યારે સંવિધાનના આમુખમાં ‘સેક્યુલર’ અને ‘સોશિયાલીસ્ટ’ શબ્દોનો સમાવેશ કરવા માટે ભારે આગ્રહ કરેલો, ત્યારે પણ શ્રદ્ધેય બાબાસાહેબે તે સૌને સ્ષ્ટ શબ્દોમાં ઉત્તર આપેલો અને આ બંને શબ્દોની કોઈ જ આવશ્યકતા નથી તેમ તર્કબદ્ધ દલીલોના આધારે તેમની માંગણીને નકારેલી અને તેથી એ બંને શબ્દો આમુખમાં સ્થાન પામી શકેલા નહીં, પરંતુ કમભાગ્યે સંવિધાનને કમજોર બનાવનારી કટોકટી દેશ આખા પર લાદવામાં આવી અને દેશ આખો બિનલોકતાંત્રિક અવસ્થામાં આવી પડેલો ત્યારે શ્રદ્ધેય બાબાસાહેબનું અપમાન કરીને, તેઓની ઇચ્છા વિરુદ્ધ ઉપરોક્ત બંને શબ્દો સંવિધાનના આમુખમાં જોડી દીધેલા.
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘જેફરસન, મહાન અમેરિકન રાજનેતા, જેમણે અમેરિકન બંધારણના નિર્માણમાં ખૂબ મોટો હિસ્સો લીધો હતો. તેમણે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેની બંધારણ નિર્માતાઓ ક્યારેય અવગણના ન કરી શકે. એક જગ્યાએ તેમણે કહ્યું છે કે, ‘આપણે પ્રત્યેક પેઢીને એક વિશિષ્ટ રાષ્ટ્ર માની શકીએ છીએ, જેને બહુમતીની ઇચ્છાથી, પોતાની જાતને બાંધવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ પછીની પેઢીને બાંધવાનો અધિકાર નથી, કોઈ બીજા દેશના નિવાસીઓ કરતાં વધુ નહીં.
હું સ્વીકાર કરું છું કે જેફરસને જે કહ્યું છે તે ન માત્ર સાચું છે, પણ બિલકુલ સાચું છે. તેમાં કોઈ શંકા ન હોઈ શકે. જો બંધારણ સભા જેફરસન દ્વારા નિર્ધારિત આ સિદ્ધાંતથી વિચલિત થાત, તો તે નિશ્ચિતરૂપે દોષ, અહીં સુધી કે નિંદા માટે પણ ઉત્તરદાયી હોત. પરંતુ અમે બંધારણમાં સંશોધન માટે એક સૌથી સરળ પ્રક્રિયા પ્રદાન કરી છે. હું બંધારણના કોઈપણ આલોચકને પડકાર ફેંકું છું કે, તે એ સાબિત કરે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ બંધારણ સભાએ, તે સંજોગોમાં જેમાં આ દેશ પોતાને જુએ છે, બંધારણના સંશોધન માટે આટલી સરળ પ્રક્રિયા પ્રદાન કરી હોય.
બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે.