રા.સ્વ.સંઘના શતાબ્દીવર્ષે વિજયાદશમીએ યોજાયેલા ઉત્સવમાં મહાન બૌદ્ધ ગુરુ પૂજ્ય દલાઈ લામાનો સંદેશ - હું સંઘના કાર્યથી પ્રભાવિત થયો છું

સંઘ હંમેશાંથી ભારતમાં વસેલા તિબેટી શરણાર્થીઓની સુખ-સુવિધા અને તિબેટી પ્રશ્નના સમાધાન માટે વિશેષ યોગદાન આપતો રહ્યો છે, તેના માટે સમસ્ત તિબેટિયન જનતા આભારી છે.

    ૨૪-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

dalai lama


રા.સ્વ.સંઘના શતાબ્દીવર્ષે વિજયાદશમીએ યોજાયેલા ઉત્સવમાં મહાન બૌદ્ધ ગુરુ પૂજ્ય દલાઈ લામાનો સંદેશ - હું સંઘના કાર્યથી પ્રભાવિત થયો છું

 
સંદેશ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ સમારોહ નિમિત્તે ૧૨ ઑક્ટોબર ૨૦૨૫, રવિવારના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વિજયાદશમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તિબેટ સરકારના સુરક્ષા મંત્રી, તિબેટીયન ડોલ્મા ગયારીએ ધર્મગુરુ દલાઈ લામાનો વિશેષ સંદેશ વાંચી સંભળાવ્યો હતો. સંદેશમાં દલાઈ લામાએ રા.સ્વ.સંઘના શતાબ્દી અવસર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતમાં વસેલા તિબેટિયનોની સુખ-સુવિધા માટે તથા અન્ય અનેક રીતે સંઘે યોગદાન આપ્યું છે તે સહિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. અહીં દલાઈ લામાનો તે સંપૂર્ણ સંદેશ પ્રસ્તુત છે.
 
 
 
 
‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્થાપના દિવસની ૧૦૦મી વર્ષગાંઠ પૂર્ણ થવાના શુભ અવસર પર હું સંઘના તમામ સ્વયંસેવકોને શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન આપું છું.
 
આર્યાવર્ત ભારત અતિ પ્રાચીનકાળથી જ અનેક ધર્મો, દર્શન એવં વિદ્યાઓ (જ્ઞાન)ની ઉદ્‌ગમભૂમિ રહ્યું છે, જેના કારણે ભારત વિશ્વગુરુ તરીકે માનવામાં આવતું રહ્યું, પરંતુ દસમી શતાબ્દીનાં અંતિમ વર્ષોથી અનેક બાહ્ય અવરોધોના કારણે પ્રાચીન ભારતીય ધર્મ-દર્શન-વિદ્યાઓની ક્ષતિ અને તેનો હ્રાસ થતો રહ્યો. તેમ છતાં અસંખ્ય નિઃસ્વાર્થ મહાપુરુષોના અથાક પ્રયાસોએ ભારતની પરંપરાઓને વિલુપ્ત થવાથી બચાવી રાખી. ૧૯મી સદીથી ભારતમાં પુનર્જાગરણના વિવિધ આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનનાં કાર્યો થવા લાગ્યાં, જે અંતતોગત્વા સ્વરાજના આંદોલનમાં પરિણત થયાં અને ૨૦મી સદીના મધ્યમાં ભારતની સ્વાધીનતા પુનર્સ્થાપિત થઈ. આની સાથે જ પ્રાચીન ભારતીય પરંપરાઓના યોગ્ય સ્વરૂપમાં સંરક્ષણ અને સંવર્ધનનું પડકારજનક કાર્ય સામે આવ્યું.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આંદોલન ઉપરોક્ત તમામ પુનર્જાગરણના પ્રયાસોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. તેની સ્થાપના નિઃસ્વાર્થ ભાવ અને ફળની આકાંક્ષા છોડીને, કર્તવ્યકેન્દ્રિત નિર્મળ ચેતનાના માધ્યમથી થઈ. જે પણ વ્યક્તિ સંઘમાં પ્રવેશ લે છે તે તમામને ચિત્તશુદ્ધિ અને સાધનશુદ્ધિનું જીવન વ્યતિત કરવાની શિક્ષા પ્રાપ્ત થાય છે. સંઘની યાત્રાનાં સો વર્ષનો ઇતિહાસ સમર્પણ અને સેવાનું એક અનોખું અને અતુલનીય ઉદાહરણ રહ્યું છે. સંઘે હંમેશા સૌને જોડીને ભારતને ભૌતિક અને આધ્યાત્મિક રીતે સશક્ત કરવાનું કાર્ય કર્યું છે. ભારતના સુદૂર અને દુર્ગમ વિસ્તારોમાં જઈને તે શૈક્ષણિક અને સામાજિક વિકાસના દરેક કાર્યમાં યોગદાન આપવાની સાથે-સાથે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સેવા પ્રદાન કરતો રહ્યો છે.
ગત ૫૦ વર્ષોમાં મને સંઘ અને સંઘ દ્વારા સંચાલિત વિવિધ સંસ્થાઓને નજીકથી જોવાનો અવસર મળ્યો. હું તેમનાં તમામ કાર્યોથી પ્રભાવિત થયો છું.
 
વ્યક્તિગત જીવનમાં એક મનુષ્ય હોવાના નાતે માનવમૂલ્યોનું સંવર્ધન કરવું, એક ધાર્મિક વ્યક્તિ હોવાના નાતે સર્વધર્મ સમભાવના વિચારોને સશક્ત કરવા અને ભારતીય પ્રાચીન વિદ્યાના અભ્યાસુ હોવાના નાતે પ્રાચીન ભારતીય વિદ્યાઓનું સંરક્ષણ કરવું, એને હું મારું મૂળ કર્તવ્ય માનું છું. આ ત્રણેય કાર્ય સંઘ સારી રીતે સંપાદિત કરતો આવ્યો છે, આથી સંઘ પ્રત્યે મારી સહજ શુભકામનાઓ (અનુશંસા) છે.
 
સંઘ હંમેશાંથી ભારતમાં વસેલા તિબેટી શરણાર્થીઓની સુખ-સુવિધા અને તિબેટી પ્રશ્નના સમાધાન માટે વિશેષ યોગદાન આપતો રહ્યો છે, તેના માટે સમસ્ત તિબેટિયન જનતા આભારી છે.
 
સંઘના શતાબ્દી વર્ષમાં આયોજિત તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય, જેનાથી સંપૂર્ણ જગતનું કલ્યાણ થાય,
હું ત્રિરત્ન (બુદ્ધ, ધર્મ, સંઘ) પાસે એવી પ્રાર્થના કરું છું અને સંઘ પરિવારના તમામ સદસ્યોના કુશળક્ષેમની કામના કરું છું.’
 
- દલાઈ લામા 
૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...