વિશ્વના સૌથી મોટા સામાજિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના શતાબ્દી વર્ષ પ્રસંગે સામાજિક પરિવર્તનની દિશામાં એક ઐતિહાસિક પહેલ અંતર્ગત પંચ પરિવર્તનનું આહ્વાન કર્યું છે. રા. સ્વ. સંઘનું આ અભિયાન, સમાજ અને રાષ્ટ્રને સંસ્કારલક્ષી વિકાસ તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા પાંચ બિંદુઓ ‘સ્વદેશી’, ‘કુટુંબ પ્રબોધન’, ‘સામાજિક સમરસતા’, ‘નાગરિક કર્તવ્ય’ અને પર્યાવરણ સંરક્ષણને સમાજ જીવનમાં પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પ છે.
આ પંચપરિવર્તન ન માત્ર સાંસ્કૃતિક રાષ્ટ્રત્વનો આધાર સ્તંભ છે, બલ્કે ભારતીય સંવિધાનના મૂળ મૂળ લક્ષ્યો સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. આ પંચપરિવર્તન એ માત્ર વિચાર નથી, બલ્કે આપણા સંવિધાનની આત્મામાં સમાહિત મૂલ્યો અને કર્તવ્યોનું મૂર્ત રૂપ છે. ભારતીય સંવિધાન એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, ભારતીય સમાજની દિશા અને દશાને પરિભાષિત કરનારી નૈતિક સંહિતા પણ છે. રા. સ્વ. સંઘ દ્વારા આહ્વાહિત કરાયેલાં પંચપરિવર્તનનાં તમામ તત્વો બંધારણનાં મૂળ તત્વો એવાં ‘ન્યાય’ ‘સ્વતંત્રતા’, ‘સમાનતા’ ‘બંધુતા’ અને ‘ઉત્તરદાયિત્વ’ સાથે પૂર્ણરૂપથી સુસંગત છે.
પંચપરિવર્તનનાં પાંચ તત્વો રાષ્ટ્રનિર્માણની પાંચ દિશા છે. જેમાં પ્રથમ છે, ‘સ્વદેશી’. સ્વદેશી પર જ આત્મનિર્ભર ભારતનો આર્થિક આધાર ટકેલો છે. વિકસિત ભારતમાં ‘સ્વ’ની સ્થાપના અને ગુલામીના પ્રતિકોમાંથી મુક્તિ અને આપણી સ્વદેશી વિરાસત પર ગર્વની અનુભૂતિ માટે પણ આ પરિવર્તન ખૂબ જ જરૂરી છે.
પંચપરિવર્તન પૈકીનું બીજું પરિવર્તન, કુટુંબ પ્રબોધન છે, તેમાં ભારતીય સમાજમાં પરિવાર સંસ્થાની પુનઃ પ્રતિષ્ઠા, પરિવારમાં મૂલ્યોની પ્રતિષ્ઠા થકી ભારતીય જીવનમૂલ્યો આધારિત જીવન વ્યાપન કરનારા આદર્શ પરિવારોની સ્થાપનાનો સંદેશ છે.
ત્રીજું પરિવર્તન એટલે ભારતીય સમાજમાં સામાજિક સમરસતા લાવવાનો સંદેશ છે; જેમાં એવા સમાજની આકાંક્ષા છે કે, જ્યાં ઊંચ-નીચ, જાતિ-વર્ગ કે છૂત-અછૂતની ભાવનાને કોઈ જ સ્થાન ન હોય. સમાજમાંથી વિઘટનકારી તત્વોને દૂર કરી સમાજમાં વિશુદ્ધ સનાતની સાંસ્કૃતિક સમરસતાની સ્થાપનાનો સંદેશ આ પરિવર્તનમાં છે.
ચોથા પરિવર્તનમાં નાગરિક કર્તવ્યનો સંદેશ છે. ભારતના પ્રત્યેક નાગરિકમાં દેશ-સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સંસ્થાઓ પ્રત્યે કર્તવ્યપ્રધાન જીવન જીવવા અંગેની જાગૃતિ લાવતો સંદેશ તેમાં છે.
પાંચમું પરિવર્તન પર્યાવરણ સંરક્ષણ માટે છે. પ્રકૃતિ સાથે સહજીવન સાથેના પોષણક્ષમ વિકાસની સંકલ્પનાનો સંદેશ આ પરિવર્તન થકી સમાજ સુધી પહોંચાડવાનો છે.
ઉક્ત પંચ પરિવર્તનોને ધ્યાનથી સમજીએ તો તે માત્ર ભારત માટે જ નહિ, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે. પ્રત્યેક મનુષ્યમાં ‘સ્વ’ પરત્વે ગૌરવની ભાવના, કુટુંબ પ્રબોધન થકી આદર્શ પરિવારોની સ્થાપના, સમાજમાં આદર્શ સ્થિતિ લાવવા માટે સામાજિક સમરસતા, તો નાગરિક કર્તવ્ય એ રાષ્ટ્ર-દેશ માટે છે. જ્યારે પર્યાવરણ સંરક્ષણમાં સમાજ, રાષ્ટ્ર અને વિશ્વકલ્યાણની ભાવના રહેલી છે. આ પાંચેય પરિવર્તન ‘આપણે ભારતના લોકો’એ લાવવાનાં છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચીંધેલા આ પંચપરિવર્તનો ભારતીય સમાજને ભવિષ્યના વિશ્વગુરુ તરીકે ભારતનું નિર્માણ કરવા માટે
જાગૃત કરવાનો મહાયજ્ઞ છે અને ભારતીય બંધારણનો પણ મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે.
બંધારણની પ્રસ્તાવના અને પંચ પરિવર્તન
ભારતીય સંવધાનની પ્રસ્તાવનામાં ‘આપણે ભારતના લોકો’ (We the people of India) માટે ઉલ્લેખિત સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને બંધુત્વની અવધારણા પણ પંચ પરિવર્તનના ઉદ્દેશ્યો સાથે પૂર્ણરૂપે સુ-સંગત છે. આપણે ધ્યાનથી જોઈશું તો ‘સ્વતંત્રતા’માં સ્વદેશીના આધારે આપણા સ્વયંના તંત્રની સ્થાપનાનો અને આત્મનિર્ભર ભારતનો ભાવ છે; સામાજિક સમરસતામાં સમતામૂલક સમાજના ન્યાયનો ભાવ છે, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંબંધિત જોગવાઈઓ પણ આપણા બંધારણમાં છે.
સામાજિક સમરસતા : સંવૈધાનિક ઉદ્દેશ્ય
મહોપનિષદમાં ઉલ્લેખ છે :
अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम ।।
વાસ્તવમાં જ્યારે સમગ્ર સૃષ્ટિને જ કુટુંબ માની લેવામાં આવે ત્યારે સામાજિક સમરસતાનો ભાવ સ્વતઃ જ પ્રગટ થઈ જાય છે.
સંવિધાન સભાની ચર્ચામાં શ્રદ્ધેય ડૉ. આંબેડકરે સામાજિક સમાનતાને રાજનૈતિક લોકતંત્રની પૂર્વશરત ગણાવી હતી. સંવિધાનની પ્રસ્તાવનામાં ઉલ્લેખિત ‘સમાનતા’ અને ‘બંધુતા’ સામાજિક સમરસતાનો જ પાયો છે.
સંવિધાનના અનુચ્છેદ ૧૪-૧૮, સમાનતાના અધિકારની, છૂત-અછૂતના ઉન્મૂલનની અને અવસરની સમાનતાની વાત સામાજિક સમરસતા માટે કરે છે. એવી જ રીતે અનુચ્છેદ ૪૬ પણ અનુસૂચિત જનજાતિઓ અને દુર્બળ વર્ગોનાં શૈક્ષિક અને આર્થિક હિતોના રક્ષણનું દાયિત્વ સંપૂર્ણ સમાજનું ગણાવે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૫, ૧૭, અને ૪૬ સામાજિક ભેદભાવના ઉન્મૂલન અને પછાત વર્ગોના ઉત્થાન માટે સંવિધાન પ્રદત્ત દિશાઓ છે.
સંઘદૃષ્ટિએ સમરસતા માત્ર સમાનતા નથી, પરસ્પર સમ્માન છે. સંઘદૃષ્ટિએ જાતિ નહિ, ગુણ અને સેવા મહત્ત્વપૂર્ણ છે.
નાગરિક કર્તવ્ય
તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે.
कर्तव्यमेव कर्तव्यं प्राणैः कंठगतैरपि ।
अकर्तव्यं न कर्तव्यं प्राणैः कंठगतैरपि ॥
એટલે કે ‘કર્તવ્ય જ સર્વોપરી છે, અને તેને કોઈપણ પ્રકારની આળસ વગર નિભાવવું જોઈએ.’
સંવિધાન ભાગ 4-એ (અનુચ્છેદ ૫૧A) નાગરિક કર્તવ્યોની વ્યાખ્યા કરે છે, જેમાં નિમ્નલિખિત પ્રમુખ કર્તવ્યો છે..
* રાષ્ટ્રની સંપ્રભુતાની રક્ષા
* સાર્વજનિક સંપત્તિની રક્ષા
* મહિલાઓનું સમ્માન
* પ્રાકૃતિક પર્યાવરણની સુરક્ષા
* વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ
* બંધારણનું પાલન
* રાષ્ટ્રરક્ષા
* સમરસતાને પ્રોત્સાહન
AIIMS Students Union વિ. AIIMS (૨૦૦૧)ના કેસમાં ન્યાયાલયે કર્તવ્યોને અધિકારોની સાથે સાથે સંતુલિત રૂપમાં સ્વીકાર કરવાની વાત કરી છે.
સંઘદૃષ્ટિએ જોઈએ તો કર્તવ્ય આધારિત જીવનદૃષ્ટિ – ‘સુવ્યવસ્થિત સમાજ’નો આધાર છે. સંઘની શાખા નાગરિક અનુશાસન અને કર્તવ્યબોધની પ્રયોગશાળા છે. સંઘ દ્વારા વિવિધ પ્રાંતોમાં નાગરિક કર્તવ્ય અભિયાન થકી લોકોને મતદાન, વેરો, જલસંરક્ષણ, જેવાં કાર્યો માટે પ્રેરિત કરવામાં આવે છે. ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત કેટલીય શાખાઓ અને સ્વયંસેવકો દ્વારા જાહેર સ્થળોએ સાફ-સફાઈ સહિત પ્રકૃતિ સંરક્ષણનાં અનેક કાર્યો કરવામાં આવે છે.
પર્યાવરણ સંરક્ષણ
અથર્વવેદમાં કહે છે,‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’. ભૂમિ આપણી માતા છે.
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૪૮A અને ૫૧A (g) પર્યાવરણની રક્ષાને નીતિ અને કર્તવ્યરૂપમાં પ્રસ્તુત કરે છે.
અનુચ્છેદ ૪૮A (નીતિનિર્દેશક સિદ્ધાંત) : રાજ્યનું કર્તવ્ય છે કે, પર્યાવરણની રક્ષા કરે. અનુચ્છેદ ૫૧A (g) : પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે કે, તે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા કરે.
MC Mehta વિ. Union of India (૧૯૮૭, ૧૯૯૨) પર્યાવરણ સંરક્ષણને જીવનના અધિકાર (અનુચ્છેદ ૨૧)નું અંગ માનવામાં આવ્યો.
MC Mehta Series Cases : યમુના અને ગંગા પ્રદૂષણ, વાયુપ્રદૂષણ ઔદ્યોગિક અવશિષ્ટ વગેરે પર સર્વોચ્ચ ન્યાયાલયે પર્યાવરણીય સંતુલન જાળવી રાખવાના આદેશ આપ્યા હતા.
‘આમ પંચપરિવર્તન’ ભારતીય બંધારણની આત્માનું સમાજશાસ્ત્રીય રૂપાંતરણ છે. બંધારણની પ્રસ્તાવનામાં વર્ણિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્ય રા.સ્વ. સંઘના પંચપરિવર્તનના અભિયાનમાં ‘સ્વદેશી’, ‘કુટુંબ પ્રબોધન’, ‘સામાજિક સમરસતા’, ‘નાગરિક કર્તવ્ય’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’રૂપે મૂર્ત થાય છે અને સંવિધાન અધિકારોની સાથે કર્તવ્યોની પણ વાત કરે છે ત્યારે ‘પંચ પરિવર્તન’ ભવિષ્યની પેઢીઓને એક ઉત્તરદાયી, સંવેદનશીલ, અને ન્યાયપૂર્ણ ભારતના નિર્માણ માટે પ્રેરણા આપે છે. વર્તમાન સમયમાં જરૂર છે કે, સંવિધાન માત્ર ગ્રંથ ન રહે, તે પ્રત્યેક ભારતીયના
મન-મંદિરમાં પંચ પરિવર્તનના દીપથી આલોકિત થાય.
- ડૉ. વિશ્વાસ ચૌહાણ