૨૫-૧૧-૧૯૪૯ના દિને બંધારણ સમિતિમાં કરેલ ઉદ્‌બોધનમાં વ્યક્ત થયેલ | ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંતરમનની વાત..

આ મારા વિચારો છે; તે કાર્યો વિશે, જે આપણી સામે છે. તે કદાચ કેટલાક લોકોને બહુ સુખદ ન લાગે. પરંતુ એ અંગે કોઈ અસંમત હોઈ શકે કે, આ દેશમાં રાજકીય શક્તિ ઘણા લાંબા સમયથી કેટલાક લોકોનો એકાધિકાર રહી છે.

    ૨૪-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

babasaheb
 
 
આપણે આપણા રાજકીય લોકતંત્રને
એક સામાજિક લોકતંત્ર પણ બનાવવું જોઈએ
 
 
ડૉ. બાબાસાહેબના મનની વાત
બંધારણનું સર્જન કરવા બંધારણ સભાએ ડૉ. આંબેડકરની અધ્યક્ષતામાં સાત સભ્યોની મુસદ્દા સમિતિની રચના કરી હતી. ભારતનું બંધારણ તૈયાર થયા બાદ ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજડૉ. બાબાસાહેેબ આંબેડકરે સંસદમાં દીર્ઘ પ્રવચન કર્યું હતું. એ પ્રવચન સૌએ વાંચવા જેવું અને આત્મસાત્‌ કરવા જેવું છે. બાબાસાહેબ વિશે લખાયેલા અનેક પુસ્તકોમાં એ સંપૂર્ણ પ્રવચન રજૂ થયેલું છે તથા ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. આપ સૌ એ સંપૂર્ણ પ્રવચન વાંચો તેવી અપેક્ષા છે, પરંતુ અહીં સ્થળસંકોચને કારણે તે પ્રવચનના અંતે બાબાસાહેબે જે પોતાના અંતરમનની વાત રજૂ કરી હતી તે વાત અહીં પ્રસ્તુત કરીએ છીએ તથા બીજા લેખમાં તેમના પ્રવચનમાંથી કેટલાંક માર્મિક ઉદ્ધરણો તારવીને રજૂ કરવામાં આવ્યાં છે. તો પહેલા વાંચીએ ડૉ. બાબાસાહેબના મનની વાત...
 
 
બંધારણ સમિતિમાં ઉદ્‌બોધન દરમિયાન ‘બંધારણનિર્માણ’ અંગેનાં તમામ પાસાંઓની વિસ્તૃત ચર્ચા કર્યા પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા. તેમાં તેમણે પોતાના અંતરમનની વાત રજૂ કરતાં શરૂમાં જણાવ્યું હતું કે, ‘..અહીં હું સમાપ્ત કરી શક્યો હોત. પરંતુ મારું મન આપણા દેશના ભવિષ્યથી એટલું ભરેલું છે કે, મને લાગે છે કે, મારે આ અવસર પર તેના પર મારા કેટલાક વિચારો વ્યક્ત કરવા જોઈએ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ, ભારત એક સ્વતંત્ર દેશ હશે (તાળીઓ). આ સ્વતંત્રતાનું શું થશે? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે શું તે તેને ફરીથી ગુમાવી દેશે? આ પહેલો વિચાર છે જે મારા મનમાં આવે છે. એવું નથી કે ભારત ક્યારેય એક સ્વતંત્ર દેશ ન હતો. વાત એ છે કે તેણે એક વાર પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી હતી જે તેની પાસે હતી. શું તે તેને બીજી વાર ગુમાવી દેશે? આ જ તે વિચાર છે જે મને ભવિષ્ય માટે સૌથી વધુ ચિંતિત કરે છે.
 
ભારતે ફક્ત એકવાર પોતાની સ્વતંત્રતા નથી ગુમાવી, પરંતુ ... 
 
મને જે વાત ખૂબ પરેશાન કરે છે  કે, ભારતે ફક્ત એકવાર પોતાની સ્વતંત્રતા નથી ગુમાવી, પરંતુ પહેલાં પોતાના જ કેટલાંક લોકોની બેવફાઈ અને વિશ્વાસઘાતને કારણે પણ તેણે આ સ્વતંત્રતા ગુમાવી દીધી છે. મુહમ્મદ-બિન-કાસિમ દ્વારા સિંધ પર આક્રમણમાં, રાજા દાહિરના સૈન્ય કમાન્ડરોએ મુહમ્મદ-બિન-કાસિમના એજન્ટો પાસેથી લાંચ સ્વીકારી અને પોતાના રાજાની તરફેણમાં લડવાનો ઇનકાર કરી દીધો... એ જયચંદ હતો જેણે મુહમ્મદ ઘોરીને ભારત પર આક્રમણ કરવા અને પૃથ્વીરાજની વિરુદ્ધ લડવા માટે આમંત્રિત કર્યો અને તેને પોતાની અને સોલંકી રાજાઓની મદદનું વચન આપ્યું... જ્યારે શિવાજી હિંદુઓની મુક્તિ માટે લડી રહ્યા હતા, ત્યારે અન્ય મરાઠા રઈસો અને રાજપૂત રાજાઓ મુઘલ સમ્રાટોની તરફેણમાં લડાઈ લડી રહ્યા હતા... જ્યારે અંગ્રેજો શીખ શાસકોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના મુખ્ય કમાન્ડર ગુલાબસિંહ ચૂપચાપ બેસી રહ્યા અને શીખ સામ્રાજ્યને બચાવવામાં મદદ ન કરી... ૧૮૫૭માં, જ્યારે ભારતના એક મોટા હિસ્સાએ અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઈ જાહેર કરી દીધી હતી, ત્યારે શીખ ઊભા રહીને એક મૂકદર્શક તરીકે ઘટનાને જોઈ રહ્યા હતા...
 
 
જે મને ચિંતાથી ભરી દે છે...
 
 
શું ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરશે? આ જ તે વિચાર છે, જે મને ચિંતાથી ભરી દે છે. આ ચિંતા આ તથ્યની અનુભૂતિથી વધુ ઊંડી બને છે કે, જાતિઓ અને પંથોના રૂપમાં આપણા જૂના દુશ્મનો ઉપરાંત, આપણી પાસે વિવિધ અને વિરોધી રાજકીય પંથોવાળા ઘણા રાજકીય પક્ષો થવાના છે. શું ભારતીયો દેશને પોતાના પંથથી ઉપર રાખશે કે શું તેઓ પંથને દેશથી ઉપર રાખશે? મને ખબર નથી, પરંતુ એટલું નિશ્ચિત છે કે, જો પાર્ટીઓ પંથને દેશથી ઉપર રાખશે, તો આપણી સ્વતંત્રતા બીજી વાર જોખમમાં મુકાઈ જશે અને કદાચ હંમેશા માટે ખોવાઈ જશે. આ સંભવિત ઘટનાથી આપણે બધાંએ દૃઢતાથી બચવું જોઈએ. આપણે આપણી સ્વતંત્રતાની રક્ષા માટે આપણા લોહીના છેલ્લા ટીપા સુધી દૃઢ સંકલ્પિત થવું જોઈએ. (તાળીઓ)
 
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારત એક લોકતાંત્રિક દેશ હશે, આ અર્થમાં કે ભારત તે દિવસથી લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર હશે. એ જ વિચાર મારા મનમાં આવે છે. તેના લોકતાંત્રિક બંધારણનું શું થશે? શું તે તેને જાળવી રાખવામાં સક્ષમ હશે કે શું તે તેને ફરીથી ગુમાવી દેશે? આ બીજો વિચાર છે જે મારા મનમાં આવે છે અને મને પહેલા વિચાર જેટલો જ ચિંતિત કરે છે.
 
તે ક્યારેય પૂરેપૂરી નિરપેક્ષ નહોતી... 
 
એવું નથી કે ભારત લોકતંત્ર શું છે, તે જાણતું ન હતું. એક સમય હતો જ્યારે ભારત ગણરાજ્યોથી ભરેલું હતું, અને અહીં સુધી કે જ્યાં રાજાશાહી હતી, તે કાં તો ચૂંટાયેલી હતી અથવા મર્યાદિત પ્રકારની હતી. તે ક્યારેય પૂરેપૂરી નિરપેક્ષ નહોતી. એવું નથી કે ભારત સંસદ કે સંસદીય પ્રક્રિયાને જાણતું ન હતું. બૌદ્ધ ભિક્ષુ સંઘોનો એક અભ્યાસ એ બતાવે છે કે, ન માત્ર સંસદો હતી - કારણ કે સંઘ સંસદ સિવાય બીજું કંઈ ન હતા - પણ સંઘ આધુનિક સમયમાં જાણીતા સંસદીય પ્રક્રિયાના બધા નિયમોને જાણતા અને તેનું પાલન કરતા હતા. તેમની પાસે બેઠક વ્યવસ્થા, પ્રસ્તાવો, સંકલ્પો, કોરમ, વ્હિપ, મતોની ગણતરી, ગુપ્ત મતદાન, નિંદા પ્રસ્તાવ, નિયમન, રેસ જ્યુડિકાટા (Res Judicata), વગેરેને સંબંધિત નિયમો હતા. જોકે સંસદીય પ્રક્રિયાના આ નિયમોને બુદ્ધ દ્વારા સંઘોની બેઠકો પર લાગુ કરવામાં આવ્યા હતા, તેમણે તેમને પોતાના સમયમાં દેશમાં કાર્યરત રાજકીય સભાઓના નિયમોમાંથી યથારૂપે લીધા હશે.
 
ભારત જેવા દેશમાં- જ્યાં ..... 
 
ભારતે આ લોકતાંત્રિક વ્યવસ્થા ગુમાવી દીધી. શું તે તેને બીજી વાર ગુમાવી દેશે? મને ખબર નથી. પરંતુ ભારત જેવા દેશમાં- જ્યાં લોકશાહીનો ઉપયોગ ન થવાને કારણે તેને કંઈક નવું માનવું પડે છે. ત્યાં લોકશાહીનું સ્થાન તાનાશાહી લઈ લે તેવું પણ જોખમ છે. ઘણી એવી સંભાવના છે કે, લોકતંત્ર તાનાશાહીને સ્થાન આપી દે. તે પણ સંભવ છે કે, આ નવજાત લોકતંત્ર પોતાનું રૂપ જાળવી રાખે, છતાં વાસ્તવમાં તાનાશાહીને સ્થાન આપી દે. જો ભૂસ્ખલન થાય છે, તો બીજી સંભાવના વાસ્તવિકતા બને તેવો ખતરો ઘણો વધારે છે.
 
આનો મતલબ છે કે... 
 
જો આપણે લોકતંત્રને ન માત્ર રૂપમાં, પણ તથ્યમાં પણ જાળવી રાખવા માંગીએ છીએ, તો આપણે શું કરવું જોઈએ? મારા વિચારમાં પહેલી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના બંધારણીય ઉપાયોને દૃઢતાથી પકડી રાખવા. આનો મતલબ છે કે, આપણે ક્રાંતિના લોહિયાળ ઉપાયોને છોડી દેવા જોઈએ. આનો મતલબ છે કે આપણે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહની પદ્ધતિને છોડી દેવી જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય ઉપાયોનો કોઈ રસ્તો બચ્યો ન હતો, ત્યારે ગેરબંધારણીય ઉપાયોને માટે ઘણું ઔચિત્ય હતું. પરંતુ જ્યાં હવે બંધારણીય ઉપાયો ખુલ્લા છે, ત્યાં આ ગેરબંધારણીય ઉપાયો માટે કોઈ ઔચિત્ય ન હોઈ શકે. આ ઉપાયોઓ અરાજકતાના વ્યાકરણ સિવાય બીજું કંઈ નથી અને જેટલા જલદી તેમને છોડી દેવામાં આવે છે, તેટલું આપણા માટે સારું છે.
 
રાજનીતિમાં, ભક્તિ અથવા નાયક-પૂજા... 
 
બીજી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે તે ચેતવણીનું પાલન કરવું જે જ્હોન સ્ટુઅર્ટ મિલે લોકતંત્રની જાળવણીમાં રસ ધરાવનારા બધા લોકોને આપી છે, અર્થાત્, “પોતાની સ્વતંત્રતાને એક મહાન વ્યક્તિના ચરણોમાં પણ ન મૂકો, અથવા તેની એવી શક્તિ પર ભરોસો ન કરો, જે તેને પોતાની સંસ્થાઓને નષ્ટ કરવામાં સક્ષમ બનાવે.” મહાન પુરુષો પ્રત્યે આભારી હોવું ખોટું નથી જેમણે દેશ માટે આજીવન સેવાઓ આપી છે, પરંતુ કૃતજ્ઞતાની સીમાઓ હોય છે. જેવું કે આઇરિશ દેશભક્ત ડેનિયલ ઓ’કોનેલે સારી રીતે કહ્યું છે, કોઈ પણ પુરુષ પોતાના સન્માનની કિંમત પર આભારી ન હોઈ શકે, કોઈ પણ મહિલા પોતાની પવિત્રતાની કિંમત પર આભારી ન હોઈ શકે અને કોઈ પણ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતાની કિંમત પર આભારી ન હોઈ શકે. આ ચેતવણી ભારતના મામલામાં કોઈપણ અન્ય દેશના મામલા કરતાં ક્યાંય વધુ આવશ્યક છે, કારણ કે ભારતમાં, ભક્તિ અથવા જેને નાયક-પૂજા કહી શકાય છે, તે પોતાની રાજનીતિમાં એક એવો હિસ્સો ભજવે છે જે દુનિયાના કોઈપણ અન્ય દેશની રાજનીતિમાં ભજવેલા હિસ્સાની તુલનામાં સરખામણીને પાત્ર નથી. ધર્મમાં ભક્તિ, આત્માના મોક્ષનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજનીતિમાં, ભક્તિ અથવા નાયક-પૂજા, પતન અને અંતતઃ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે.
 
રાજકીય લોકતંત્રથી સંતુષ્ટ ન રહેવું. .... 
 
ત્રીજી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે ફક્ત રાજકીય લોકતંત્રથી સંતુષ્ટ ન રહેવું. આપણે આપણા રાજકીય લોકતંત્રને એક સામાજિક લોકતંત્ર પણ બનાવવું જોઈએ. રાજકીય લોકતંત્ર ત્યાં સુધી ન ચાલી શકે જ્યાં સુધી તેના આધાર પર સામાજિક લોકતંત્ર ન હોય. સામાજિક લોકતંત્રનો શું મતલબ છે? તેનો મતલબ છે જીવનની એક એવી રીતથી જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (fraternity) ને જીવનના સિદ્ધાંતો તરીકે ઓળખે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આ સિદ્ધાંતોને ત્રિમૂર્તિનાં અલગ-અલગ પદો તરીકે ન માનવા જોઈએ. આ ત્રિમૂર્તિ ત્રણેયના એકત્વથી બનેલી છે, આ અર્થમાં કે, એકને બીજાથી અલગ કરવું એ લોકતંત્રના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવવા સમાન છે. સ્વતંત્રતાને સમાનતાથી અલગ ન કરી શકાય, સમાનતાને સ્વતંત્રતાથી અલગ ન કરી શકાય. અને ન તો સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ કરી શકાય છે. સમાનતા વિના, સ્વતંત્રતા કેટલાક લોકોની ઘણા લોકો પર સર્વોચ્ચતા પેદા કરશે. (સ્વતંત્રતા વિના સમાનતા વ્યક્તિગત પહેલને મારી નાખશે.) બંધુત્વ વિના, સ્વતંત્રતા અને સમાનતા વસ્તુઓનો એક સ્વાભાવિક ક્રમ ન બની શકે. તેમને લાગુ કરવા માટે એક કોન્સ્ટેબલની આવશ્યકતા રહેશે.
 
રાજનીતિમાં આપણે એક માણસ એક વોટ અને એક વોટ એક મૂલ્યના સિદ્ધાંતને ઓળખીશું. ... 
 
આપણે આ તથ્યને સ્વીકારીને શરૂ કરવું જોઈએ કે ભારતીય સમાજમાં બે વસ્તુઓની પૂર્ણ અનુપસ્થિતિ છે. આમાંથી એક છે સમાનતા. સામાજિક સ્તર પર, આપણી પાસે ભારતમાં ક્રમિક અસમાનતા (graded inequality) ના સિદ્ધાંત પર આધારિત એક સમાજ છે, આર્થિક સ્તર પર, આપણી પાસે એક એવો સમાજ છે જેમાં કેટલાક એવા છે, જેમની પાસે અત્યધિક ધન છે, જ્યારે ઘણા એવા છે જેઓ ઘોર ગરીબીમાં જીવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ, આપણે વિરોધાભાસોના જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. રાજનીતિમાં આપણી પાસે સમાનતા હશે અને સામાજિક અને આર્થિક જીવનમાં આપણી પાસે અસમાનતા હશે. રાજનીતિમાં આપણે એક માણસ એક વોટ અને એક વોટ એક મૂલ્યના સિદ્ધાંતને ઓળખીશું. આપણા સામાજિક અને આર્થિક જીવનમાં, આપણે, આપણી સામાજિક અને આર્થિક સંરચનાને કારણે, એક માણસ એક મૂલ્યના સિદ્ધાંતને નકારવાનું ચાલુ રાખીશું. આપણે ક્યાં સુધી વિરોધાભાસોના આ જીવનને જીવવાનું ચાલુ રાખીશું? આપણે ક્યાં સુધી આપણા સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતાને નકારવાનું ચાલુ રાખીશું? જો આપણે તેને લાંબા સમય સુધી નકારવાનું ચાલુ રાખીએ છીએ, તો આપણે એવું ફક્ત આપણા રાજકીય લોકતંત્રને જોખમમાં નાંખીને કરીશું. આપણે આ વિરોધાભાસને વહેલી તકે દૂર કરવો પડશે, અન્યથા જે લોકો અસમાનતાથી પીડિત છે, તેઓ રાજકીય લોકતંત્રની સંરચનાને ધ્વસ્ત કરી દેશે, જેને આ સભાએ શ્રમપૂર્વક બનાવી છે.
 
આ તે સિદ્ધાંત છે જે... 
 
 
બીજી ચીજ જેની આપણામાં ઊણપ છે, તે છે બંધુત્વના સિદ્ધાંતની માન્યતા. બંધુત્વનો શું મતલબ છે? બંધુત્વનો મતલબ છે, બધા ભારતીયો વચ્ચે એક સામાન્ય ભાઈચારાની ભાવના કે, ભારતીય લોકો એક છે. આ તે સિદ્ધાંત છે જે સામાજિક જીવનને એકતા અને એકજૂટતા આપે છે. તે હાંસલ કરવું એક કઠિન ચીજ છે. તે કેટલું કઠિન છે, તેને જેમ્સ બ્રાઇસ દ્વારા તેમના અમેરિકન કોમનવેલ્થ (American Commonwealth) નામના ગ્રંથમાં સંયુક્ત રાજ્ય અમેરિકા વિશે કહેવામાં આવેલી વાર્તા પરથી અનુભવી શકાય છે. વાત આ છે, હું તેને બ્રાઇસના જ શબ્દોમાં સંભળાવવાનો પ્રસ્તાવ કરું છું કે:
 
“કેટલાંક વર્ષો પહેલાં અમેરિકન પ્રોટેસ્ટન્ટ એપિસ્કોપલ ચર્ચ પોતાની ત્રિવાર્ષિક કન્વેન્શનમાં પોતાની પ્રાર્થનાપદ્ધતિ (liturgy)ને સંશોધિત કરવામાં વ્યસ્ત હતું. તે વખતે તે ઇચ્છનીય માનવામાં આવ્યું કે, નાની વાક્યપ્રાર્થનાઓના સ્થાને સૌ લોકો માટે એક પ્રાર્થના શરૂ કરવામાં આવે, અને એક પ્રખ્યાત ન્યૂ ઇંગ્લેન્ડ ધર્મશાસ્ત્રીએ ‘હે પ્રભુ, અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો’ શબ્દો પ્રસ્તાવિત કર્યા. એક બપોરે, તર્ક પર સ્વીકાર્યા પછી, બીજા દિવસે વાક્યને પુનર્વિચાર માટે લાવવામાં આવ્યું, જ્યારે રાષ્ટ્રીય એકતાની ખૂબ નિશ્ચિત માન્યતાને આયાત કરવાના રૂપમાં ‘રાષ્ટ્ર’ શબ્દને લઈને આમ લોકો દ્વારા એટલા બધા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા કે તેને હટાવી દેવામાં આવ્યો, અને તેના બદલે ‘હે પ્રભુ, આ સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો’ શબ્દો અપનાવવામાં આવ્યા”.
 
 
ભારતીયો માટે એ વિચારવું કેટલું કઠિન છે કે,...
 
 
તે સમયે સંયુક્ત રાજ્ય અમેરિકામાં એટલી ઓછી એકજૂટતા હતી જ્યારે આ ઘટના બની કે અમેરિકાના લોકોએ એમ ન વિચાર્યું કે, તેઓ એક રાષ્ટ્ર હતા. જો સંયુક્ત રાજ્ય અમેરિકાના લોકો આ મહેસૂસ ન કરી શક્યા કે તેઓ એક રાષ્ટ્ર હતા, તો ભારતીયો માટે એ વિચારવું કેટલું કઠિન છે કે, તેઓ એક રાષ્ટ્ર છે. મને તે દિવસો યાદ છે જ્યારે રાજકીય રીતે જાગૃત ભારતીયો “ભારતના લોકો” અભિવ્યક્તિનો વિરોધ કરતા હતા. તેઓ “ભારતીય રાષ્ટ્ર” અભિવ્યક્તિને પસંદ કરતા હતા. મારું માનવું છે કે એ વિશ્વાસ કરીને કે આપણે એક રાષ્ટ્ર છીએ, આપણે એક મોટો ભ્રમ પાળી રહ્યા છીએ. હજારો જાતિઓમાં વિભાજિત લોકો એક રાષ્ટ્ર કેવી રીતે હોઈ શકે? જેટલી વહેલી તકે આપણે એ મહેસૂસ કરીએ કે, આપણે હજી સુધી દુનિયાના સામાજિક અને મનોવૈજ્ઞાનિક અર્થોમાં એક રાષ્ટ્ર નથી, તેટલું આપણા માટે સારું છે. કારણ કે ત્યારે જ આપણે એક રાષ્ટ્ર બનવાની આવશ્યકતાને મહેસૂસ કરીશું અને લક્ષ્યને સાકાર કરવાના ઉપાયો અને સાધનો વિશે ગંભીરતાથી વિચારીશું. આ લક્ષ્યને સાકાર કરવું ઘણું કઠિન થવા જઈ રહ્યું છે - સંયુક્ત રાજ્ય અમેરિકામાં તે સરકાર થાય તેની તુલનામાં ક્યાંય વધુ કઠિન. સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોઈ જાતિસમસ્યા નથી. ભારતમાં જાતિઓ છે. જાતિઓ રાષ્ટ્ર-વિરોધી છે, પ્રથમ ક્રમે, કારણ કે તે સામાજિક જીવનમાં અલગતા લાવે છે. તે રાષ્ટ્રવિરોધી એટલા માટે પણ છે, કારણ કે તે જાતિ અને જાતિ વચ્ચે ઈર્ષ્યા અને
antipathy (વિરોધની ભાવના) ઉત્પન્ન કરે છે. પરંતુ જો આપણે વાસ્તવમાં એક રાષ્ટ્ર બનવા માંગીએ છીએ તો આપણે આ બધી મુશ્કેલીઓને દૂર કરવી પડશે, કારણ કે બંધુત્વ ત્યારે જ એક તથ્ય હોઈ શકે છે જ્યારે એક રાષ્ટ્ર હોય. બંધુત્વ વિના સમાનતા અને સ્વતંત્રતા પેઇન્ટના સ્તરો કરતાં વધુ ઊંડા નહીં હોય.
 
દલિત વર્ગોમાં આત્મ-સાક્ષાત્કારની આ તીવ્ર ઇચ્છાને... 
 
આ મારા વિચારો છે; તે કાર્યો વિશે, જે આપણી સામે છે. તે કદાચ કેટલાક લોકોને બહુ સુખદ ન લાગે. પરંતુ એ અંગે કોઈ અસંમત હોઈ શકે કે, આ દેશમાં રાજકીય શક્તિ ઘણા લાંબા સમયથી કેટલાક લોકોનો એકાધિકાર રહી છે. સૌ લોકો ફક્ત બોજ વહન કરનારા જાનવર નથી, પણ શિકારના જાનવર પણ છે. આ એકાધિકારે તેમની પાસેથી ફક્ત સુધારાની તક જ નથી છીનવી; તેણે તેમની પાસેથી તે છીનવી લીધું છે, જેને જીવનનું મહત્વ કહી શકાય. આ દલિત વર્ગો શાસિત થવાથી થાકી ગયા છે. તેઓ ખુદ પર શાસન કરવા માટે અધીર છે. દલિત વર્ગોમાં આત્મ-સાક્ષાત્કારની આ તીવ્ર ઇચ્છાને વર્ગસંઘર્ષ કે વર્ગયુદ્ધમાં વિકસિત થવાની અનુમતિ ન દેવી જોઈએ. તેનાથી ગૃહનું વિભાજન થશે. તે વાસ્તવમાં આપત્તિનો દિવસ હશે, કારણ કે, જેવું કે અબ્રાહમ લિંકને સારી રીતે કહ્યું છે, એક ઘર જે ખુદની વિરુદ્ધ (સ્વયં પોતે) વિભાજિત છે, તે ઘણા લાંબા સમય સુધી ઊભું ન રહી શકે. તેથી, તેમની આકાંક્ષાની પૂર્તિ માટે જેટલી જલદી જગ્યા બનાવવામાં આવે છે, તેટલું લોકો માટે સારું છે, દેશ માટે સારું છે, દેશની સ્વતંત્રતાની જાળવણી માટે સારું છે અને તેની લોકતાંત્રિક સંરચનાની નિરંતરતા માટે સારું છે. આ ફક્ત જીવનનાં તમામ ક્ષેત્રોમાં સમાનતા અને બંધુત્વની સ્થાપનાથી જ કરી શકાય છે. એટલા માટે મેં તેના પર આટલો ભાર મૂક્યો છે.
 
સમય ઝડપથી બદલાઈ રહ્યો છે.... 
 
હું સદનને વધુ થકવવા નથી માંગતો. સ્વતંત્રતા નિઃશંકપણે ખુશીની વાત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સ્વતંત્રતાએ આપણા પર મોટી જવાબદારીઓ નાખી છે. સ્વતંત્રતાથી, આપણે કંઈપણ ખોટું થવા પર અંગ્રેજોને દોષ દેવાનું બહાનું ગુમાવી દીધું છે. જો આ જાણ્યા પછી પણ પરિસ્થિતિ બગડે છે, તો આપણી પાસે ખુદ સિવાય કોઈ અન્યને દોષ દઈ શકીએ તેવું કશું બચતું નથી. પરિસ્થિતિ બગડી શકે તે મોટો ખતરો છે. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. લોકો, આપણા પોતાના સહિત, નવી વિચારધારાઓથી પ્રેરિત થઈ રહ્યા છે. તેઓ ‘લોકો’ના શાસનથી કંટાળી ગયા છે. તેઓ ‘લોકો માટે’ સરકાર રાખવા ઇચ્છુક છે અને એ વાતથી ઉદાસીન છે કે ભલે તે સરકાર ‘લોકોની’ અને ‘લોકો દ્વારા’ હોય કે ન હોય! જો આપણે આ બંધારણને સંરક્ષિત કરવા માંગીએ છીએ, જેમાં આપણે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા સરકારના સિદ્ધાંતને સ્થાપિત કરવાનો હેતુ રાખ્યો છે, તો ચાલો આપણે તે ખરાબીઓને ઓળખવામાં આળસુ ન થવાનો સંકલ્પ લઈએ,  જે ખરાબીઓ આપણા માર્ગમાં છે, જે લોકોને લોકો દ્વારા સરકારને બદલે પોતાના માટે સરકારને પસંદ કરવા માટે પ્રેરિત કરે છે. તેમને દૂર કરવાની આપણી પહેલમાં નબળા પડીએ. દેશની સેવા કરવાનો આ જ એકમાત્ર રસ્તો છે. હું આનાથી સારું કાંઈ જાણતો નથી.’
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...