
એલન મસ્ક અને ભારતીય પ્રતિભા: નિખિલ કામથના પોડકાસ્ટમાં ભારતની મહત્તા
હમણાં જ ભારતીય ઉદ્યોગસાહસિક અને ઝેરોધા (Zerodha) ના સહ-સ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટ 'WTF Is' માં મસ્કે ખોલીને વાત કરી. મસ્કે ટેક્નોલોજી, AI, ઉદ્યોગસાહસિકતા અને ખાસ કરીને ભારતીય પ્રતિભા અને ઇમિગ્રેશન નીતિઓ વિશે ખુલ્લીને વાત કરી હતી. આ પોડકાસ્ટે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી રીતે જોવાનો દ્રષ્ટિકોણ આપ્યો છે.
ભારતીય પ્રતિભાની પ્રશંસા
પોડકાસ્ટમાં, નિખિલ કામથે જ્યારે સિલિકોન વેલી સહિત પશ્ચિમી દુનિયાની મોટી ટેક્નોલોજી કંપનીઓમાં ભારતીય મૂળના CEO (જેમ કે સુંદર પિચાઈ અને સત્ય નડેલા)ની વધતી સંખ્યા તરફ ધ્યાન દોર્યું, ત્યારે મસ્કે ભારતીય પ્રતિભાની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું: "મને લાગે છે કે અમેરિકાને ભારતમાંથી આવેલા પ્રતિભાશાળી લોકોથી ઘણો મોટો ફાયદો થયો છે. હા, અમેરિકા ભારતીય પ્રતિભાનું એક મોટું લાભાર્થી રહ્યું છે."
મસ્કનો આ અભિપ્રાય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામ અને ઇમિગ્રેશન નીતિઓ અંગે ચર્ચા ચાલી રહી છે. મસ્કે H-1B વિઝા પ્રોગ્રામનું મજબૂત સમર્થન કર્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે અમુક આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા આ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને આ અટકાવવું જરૂરી છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે H-1B પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરી દેવો તે અમેરિકન અર્થતંત્ર માટે "ખૂબ જ ખરાબ" સાબિત થશે.
એલન મસ્કે વિદેશી પ્રતિભા અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવી રહી છે તેવી ધારણાને પણ નકારી કાઢી હતી. મસ્કના મતે, તેમની કંપનીઓ (સ્પેસએક્સ અને ટેસ્લા)માં હંમેશાં પ્રતિભાશાળી લોકોની અછત રહે છે. તેઓએ કહ્યું કે, "મારું માનવું છે કે પ્રતિભાશાળી લોકોની હંમેશાં અછત હોય છે. મુશ્કેલ કાર્યો કરવા માટે તમને પ્રતિભાશાળી - આવડવાળા લોકોની જરૂર પડે છે."
ભારતીય ઉદ્યોગસાહસિકોને સંદેશ: સમાજને આપનાર બનો….
નિખિલ કામથે જ્યારે ભારતના યુવા ઉદ્યોગસાહસિકો માટે મસ્ક પાસેથી સલાહ માંગી, ત્યારે મસ્કે સંપત્તિના સીધા ધંધા કરવાને બદલે મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો. તેમનો મુખ્ય સંદેશ હતો: "સમાજમાં નેટ કન્ટ્રીબ્યુટર બનો. સમાજને આપનાર બનો…."
મસ્કે કહ્યું, "હું એવા દરેક વ્યક્તિનો મોટો પ્રશંસક છું જે કંઇક નવું સર્જન કરવા માંગે છે. જેઓ પોતે જે મેળવે છે તેના કરતાં વધુનું સર્જન કરે છે તેમને હું ખૂબ આદર આપુ છુ. તમે જેટલું લો છો તેના કરતાં વધુનું સર્જન કરો આ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સમાજમાં નેટ કન્ટ્રીબ્યુટર બનો."
તેમણે નાણાકીય સફળતા અને ખુશીની શોધ વચ્ચેના સમાનતા સમજાવી હતી. "જો તમારે પૈસા કમાવા છે તો પૈસાનો પીછો ન કરો. તેના બદલે સારા ઉત્પાદનો બનાવવા પર કે શ્રેષ્ઠ સેવાઓ આપવા પર ધ્યાન આપો. જો ત મે આવું કરશો તો નાણા આપો આપ મળશે. આનંદ એમને એમ નથી મળતો, આનંદ આવે એવી પ્રવૃતિ કરવાથી આનંદ મળે છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સખત મહેનત કરવા અને નિષ્ફળતાના જોખમને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા.
વ્યક્તિગત જોડાણ અને સ્ટારલિંકનું ભારતનું ભવિષ્ય
પોડકાસ્ટમાં સૌથી આશ્ચર્યજનક ખુલાસો એ હતો કે મસ્કે પોતાના વ્યક્તિગત જીવનના એક ભારતીય જોડાણ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની પાર્ટનર શિવોન ઝિલિસ "ભારતીય વંશના" છે. આ ઉપરાંત, તેમણે પોતાના એક પુત્રનું નામ 'શેખર' રાખ્યું છે, જે જાણીતા ભારતીય-અમેરિકન ખગોળ ભૌતિકશાસ્ત્રી એસ. ચંદ્રશેખરના માનમાં રાખ્યું છે.
વ્યવસાયિક સ્તરે, મસ્કે ભારતમાં સ્ટારલિંક સેવાઓ શરૂ કરવાની તેમની ઉત્સુકતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, અમને ભારતમાં કાર્યરત થવું ગમશે. અમે અત્યારે ૧૫૦ વિવિધ દેશોમાં સ્ટારલિંક સાથે કામ કરી રહ્યા છીએ. સ્ટારલિંકને ભારતમાં મંજૂરી મળી નથી. આશા રાખીએ છીએ કે મંજૂરી મળશે.
અને છેલ્લે…..
એલન મસ્ક અને નિખિલ કામથ વચ્ચેની આ વાતચીત માત્ર ટેક્નોલોજી કે પૈસા પૂરતી સીમિત નહોતી. આ એક એવો મહત્વનો સંવાદ હતો, જેમાં ભારતની વૈશ્વિક ઓળખ અને ભારતીય લોકોની ક્ષમતાઓની નોંધ લેવાઈ. મસ્કે જે રીતે ભારતીય પ્રતિભાના વખાણ કર્યા, H-1B વિઝા (જેનાથી ભારતીયો અમેરિકામાં કામ કરવા જાય છે)નું સમર્થન કર્યું અને યુવાન ઉદ્યોગસાહસિકોને મહેનતનો સંદેશ આપ્યો, તે તમામ બાબતો ભારતીય સમુદાય માટે ગર્વની વાત છે.
મસ્કની આ ટિપ્પણીઓ સ્પષ્ટ દર્શાવે છે કે, આજે ભારતીય લોકોનું યોગદાન કેટલું મહત્વનું છે. એક રીતે જોઈએ તો, તેમણે સ્વીકાર્યું છે કે ભારતીય પ્રતિભાના સહકાર વિના અમેરિકા જેવો દેશ પણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી શકશે નહીં. ભારતીય લોકોનું કૌશલ્ય અને યોગદાન વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રનું એક અનિવાર્ય અંગ બની ગયું છે, જે હવે કોઈનાથી છુપાયેલું નથી.