શરીફ લંડનમાં, મુનીર ચિંતામાં : શું એક ‘સહી’ આસિમ મુનીરને બનાવશે સુપર પાવર કે પછી મળશે દેશનિકાલ?

    ૦૨-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

પાકિસ્તાનની રાજનીતિ અને સૈન્યમાં અત્યારે એક ગજબની શાંતિ અને ગજબની ગભરાટ બંને જોવા મળી રહ્યા છે. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ – આ એ તારીખ હતી જ્યારે પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ, જનરલ આસિમ મુનીરના ભવિષ્યનો ફેંસલો થવાનો હતો. કાયદેસર રીતે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો, પરંતુ અટકળો એવી હતી કે તેઓ નિવૃત્ત થવાને બદલે પાકિસ્તાનના ઈતિહાસના સૌથી શક્તિશાળી 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ' (CDF) તરીકે ઉભરી આવશે. પરંતુ, ડેડલાઇન વીતી ગયા છતાં, ઇસ્લામાબાદથી કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફ લંડનથી આવી ગયા છે પણ ઓફિસ નથી પહોંચ્યા અને ઇસ્લામાબાદમાં જનરલ મુનીરની બેચેની વધી રહી છે. શું આ માત્ર ટેકનિકલ વિલંબ છે કે પછી બંધ દરવાજા પાછળ કોઈ મોટી ખીચડી રંધાઈ રહી છે?
 
આ બધાની વચ્ચે જેલમાંથી આવતી ઈમરાન ખાનની હત્યાની અફવાઓએ આખા દેશમાં અરાજકતાનો માહોલ ઉભો કરી દીધો છે. હવે સવાલ માત્ર નોટિફિકેશનનો નથી, પણ શું પાકિસ્તાનમાં ફરી એકવાર લોકશાહીનો અંત આવીને લશ્કરી શાસન (માર્શલ લૉ) લાગશે?
ઈમરાન ખાન ફેક્ટર: અફવાઓ અને આક્રોશ
આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં સૌથી મોટો વળાંક પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવી જોરદાર અફવાઓ ચાલી રહી છે કે જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યા કરી દેવામાં આવી છે અથવા તેમની તબિયત અત્યંત નાજુક છે. જોકે, સરકાર કે સેના તરફથી કોઈ સ્પષ્ટતા નથી.
આ અફવાઓએ આસિમ મુનીર માટે મુશ્કેલી વધારી દીધી છે. જનરલ મુનીર અને ઈમરાન ખાન વચ્ચે '૩૬નો આંકડો' છે તે આખી દુનિયા જાણે છે. જનતા માને છે કે જો આસિમ મુનીર ૨૦૩૦ સુધી સુપ્રીમ પાવર બની જશે, તો ઈમરાન ખાનનું રાજકીય ભવિષ્ય અને કદાચ જીવન પણ જોખમમાં મુકાઈ જશે. પાકિસ્તાનની પ્રજા જે ઈમરાન ખાનની સમર્થક છે, તે રસ્તા પર ઉતરી શકે છે. મુનીર જાણે છે કે જો સત્તા પર પકડ મજબૂત કરવી હશે તો ઈમરાન ખાનના ફેક્ટરને કાયમ માટે દબાવી દેવું પડશે, જે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જી શકે છે.
શું પાકિસ્તાનમાં તખ્તાપલટ થશે?
વડાપ્રધાન શાહબાઝ શરીફનું  નોટિફિકેશન પર સહી ન કરવી એ સીધો સેનાને પડકાર છે. ઈતિહાસ ગવાહ છે કે જ્યારે પણ પાકિસ્તાનમાં સિવિલ સરકાર અને આર્મી ચીફ વચ્ચે ગજગ્રાહ થયો છે, ત્યારે પરિણામ 'તખ્તાપલટ'માં આવ્યું છે.
રાજકીય પંડિતો બે પ્રકારના તખ્તાપલટની શક્યતા જોઈ રહ્યા છે:
આસિમ મુનીર દ્વારા માર્શલ લૉ: જો શરીફ સહી ન કરે અને પાછા ન ફરે, તો બંધારણીય કટોકટીનું બહાનું કાઢીને આસિમ મુનીર દેશમાં માર્શલ લૉ લગાવી શકે છે અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ શકે છે.
સેનાની અંદર જ બળવો: આસિમ મુનીર જો ૨૦૩૦ સુધી ખુરશી પર ચીપકી રહે, તો તેમની નીચેના અનેક લેફ્ટનન્ટ જનરલોની બઢતી અટકી જશે. સેનાની અંદરનો આ અસંતોષ વિસ્ફોટક બની શકે છે. મુનીર વિરોધી જૂથ શરીફ સાથે મળીને મુનીરને હટાવવાનો અથવા સેનાની અંદર જ આંતરિક બળવો  કરવાનો પ્લાન બનાવી શકે છે.
 

શું છે સમગ્ર મામલો?

જનરલ આસિમ મુનીરનો COAS (ચીફ ઓફ આર્મી સ્ટાફ) તરીકેનો પ્રથમ કાર્યકાળ ૨૯ નવેમ્બર, ૨૦૨૨ થી શરૂ થયો હતો, જે ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થાય છે. જોકે, પાકિસ્તાનની સંસદે તાજેતરમાં ૨૭મો બંધારણીય સુધારો પસાર કર્યો છે. આ સુધારા મુજબ, સર્વિસ ચીફ્સનો કાર્યકાળ હવે ૩ વર્ષથી વધારીને ૫ વર્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક નવું સર્વોચ્ચ પદ 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ' (CDF) ઉભું કરવામાં આવ્યું છે.

નવા કાયદા મુજબ, આસિમ મુનીરનો COAS તરીકેનો કાર્યકાળ ૨૦૨૭ સુધી લંબાય છે, અને જો તેઓ CDF બને તો ૨૦૩૦ સુધી તેઓ પાકિસ્તાનની ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર બની રહેશે. સંરક્ષણ મંત્રાલય દાવો કરી રહ્યું છે કે આ સંદર્ભનું નોટિફિકેશન તૈયાર છે, પરંતુ તે સાર્વજનિક કેમ નથી થઈ રહ્યું? આ સવાલ જ અત્યારે પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય છે.

શાહબાઝ શરીફની લંડન યાત્રા: રણનીતિ કે મજબૂરી?

આ સમગ્ર પ્રકરણમાં સૌથી રસપ્રદ વળાંક વડાપ્રધાન શાહબાઝ શરીફની લંડન યાત્રા છે. આસિમ મુનીરને CDF તરીકે નિયુક્ત કરવા અને તેમના કાર્યકાળના વિસ્તરણના આદેશ પર વડાપ્રધાનના હસ્તાક્ષર હોવા જરૂરી છે. શરીફ ૨૮ નવેમ્બરે પાછા ફરવાના હતા, પરંતુ તેમણે પોતાની યાત્રા લંબાવી દીધી છે અને ૨૯ નવેમ્બરની ડેડલાઇન પણ નીકળી ગઈ છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શાહબાઝ શરીફનું ડેડલાઇન સુધી વિદેશમાં રોકાઈ જવું એ કોઈ સંજોગ નથી, પરંતુ એક ગણતરીપૂર્વકની ચાલ છે. નિષ્ણાતોના મતે, "શરીફ જાણીજોઈને આ દિવસે લંડનમાં રહ્યા. તેઓ સારી રીતે જાણે છે કે જો તેઓ આ નોટિફિકેશન પર સહી કરી દેશે, તો તેઓ પોતાની જ સત્તા પર એક સુપર-બોસ બેસાડી દેશે જે ૨૦૩૦ સુધી હલશે નહીં."

એવો પણ વિમર્શ ચાલી રહ્યો છે કે પાકિસ્તાની સેનાની અંદર જ મુનીર વિરોધી જૂથ સક્રિય છે. સેનાના અન્ય વરિષ્ઠ જનરલો, જેઓ આર્મી ચીફ બનવાની રેસમાં છે, તેઓ કદાચ શરીફ પર દબાણ કરી રહ્યા છે કે આ નોટિફિકેશન પર સહી ન કરવામાં આવે. શરીફ આ સમયનો ઉપયોગ બંને પક્ષોને સમજવામાં અને પોતાની રાજકીય સલામતી સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યા હોય તેવું લાગે છે.

સેનામાં અસંતોષ?

પાકિસ્તાની સેના સ્ટ્રક્ચર પર કામ કરે છે. અહીં દરેક અધિકારી પોતાની બઢતી અને ટોચ પર પહોંચવાના સપના સાથે કારકિર્દીના દાયકાઓ વિતાવે છે. પરંપરા મુજબ, દર ત્રણ વર્ષે આર્મી ચીફ નિવૃત્ત થાય છે અને નીચેના જનરલોને તક મળે છે. પરંતુ જો આસિમ મુનીર ૨૦૨૭ કે ૨૦૩૦ સુધી ખુરશી પર રહે, તો તેમની નીચેના અનેક લેફ્ટનન્ટ જનરલો નિવૃત્ત થઈ જશે અને તેમનું આર્મી ચીફ બનવાનું સપનું રોળાઈ જશે.

આ પરિસ્થિતિ સેનામાં આંતરિક અસંતોષ અને બળવો પેદા કરી શકે છે. ભૂતકાળમાં જનરલ ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફ જેવા શાસકોએ પણ લાંબા સમય સુધી સત્તા ભોગવી હતી, પરંતુ તેમનો અંત ખરાબ આવ્યો. ઝિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા અને મુશર્રફે દેશનિકાલ ભોગવવો પડ્યો. અહેવાલો અનુસાર, સેનાની અંદર એક એવો વર્ગ છે જે માને છે કે જો મુનીર CDF બની જશે તો તેઓ 'જનરલ ફોર લાઈફ ટાઇમ' જેવી સ્થિતિમાં આવી જશે. આનાથી સેનામાં નિરાશા અને વિદ્રોહનો લાવા ભભૂકી શકે છે. શું શરીફને આ અસંતોષની જાણ છે? શું એટલે જ તેઓ સહી કરવામાં વિલંબ કરી રહ્યા છે?

દેશનિકાલ કે સત્તા?

અત્યાર સુધી પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે કે નિવૃત્ત થયા બાદ આર્મી ચીફ્સ વિદેશમાં સ્થાયી થઈ જાય છે. બધા જ નિવૃત્તિ બાદ લંડન, દુબઈ કે અમેરિકા જતા રહ્યા છે. પરંતુ આસિમ મુનીર નિવૃત્ત થઈને વિદેશ જવાને બદલે પાકિસ્તાનમાં જ રહીને સુપ્રીમ પાવર ભોગવવા માંગે છે. એટલે જ તે એકપછી એક ચાલ ચાલી રહ્યા છે! જો પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સહી ન કરે, તો મુનીર પાસે બે જ રસ્તા બચે છે: કાં તો સન્માનપૂર્વક નિવૃત્તિ સ્વીકારી વિદેશમાં સ્થાઈ થવુ અથવા બળજબરીથી સત્તા ટકાવી રાખવી. બીજી તરફ, જો શરીફ સહી કરી દે છે, તો મુનીર ૨૦૩૦ સુધી પાકિસ્તાનના “અઘોષિત બાદશાહ” બની જશે. હાલમાં તેમને 'ફીલ્ડ માર્શલ' જેવો દરજ્જો આપવાની વાતો પણ વહેતી થઈ છે, જે સૂચવે છે કે તેઓ સત્તા છોડવાના મૂડમાં બિલકુલ નથી.

અને છેલ્લે…

પાકિસ્તાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાંથી તેની રાજનીતિ અને સૈન્ય વ્યવસ્થાની દિશા નક્કી થશે. આસિમ મુનીરનું આ સપનું જો પૂરું થયું, તો પાકિસ્તાનમાં લોકશાહી નામશેષ થઈ જશે અને એક વ્યક્તિની સત્તા સ્થાપિત થશે. અને જો આ નોટિફિકેશન અટકી ગયું, તો તે મુનીર માટે આ એક મોટો ઝટકો હશે અને કદાચ તેમને પણ અન્ય જનરલોની જેમ વિદેશમાં શરણ લેવી પડશે!







ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...