તમિલનાડુમાં 'કાર્તિગઈ દીપમ' વિવાદ: DMKની હિન્દુ-વિરોધી નીતિનો પર્દાફાશ: કાર્તિગઈ દીપમ ઉત્સવ પર સરકારી રોક, હાઈકોર્ટના આદેશની અવગણના

    ૦૫-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |



તમિલનાડુમાં હિન્દુઓની આસ્થા પર ફરી પ્રહાર થયો છે જેના કારણે અહીં વાતાવરણ થોડુ ગરમાયું છે. હિન્દુ સમાજ માટે પ્રકાશનું પ્રતીક એવો કાર્તિગઈ દીપમનો પવિત્ર તહેવાર આ વખતે મદુરાઈના થિરુપ્પરનકુન્દ્રમ અને ડિંડીગુલના પેરુમલ કોવિલપટ્ટીમાં પ્રસાશનિક અવ્યવસ્થાનો શિકાર બન્યો છે. મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે હિન્દુ ભક્તોને દીવા પ્રગટાવવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ DMK સરકારે કાયદો અને વ્યવસ્થાના બહાને આ આદેશોની જાહેરમાં અવગણના કરી. જસ્ટિસ જી.આર. સ્વામીનાથને તેને 'લોકશાહીના પાયા પર હુમલો' ગણાવ્યો, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આખરે કેમ એક હિન્દુ-બહુમતી ધરાવતા રાજ્યમાં હિન્દુઓના ધાર્મિક અધિકારોને કચડવામાં આવી રહ્યા છે? આ ઘટના DMKની લાંબા સમયથી ચાલી આવતી હિન્દુ વિરોધી વિચારસરણીનો પુરાવો છે, જે સાંપ્રદાયિક સદ્ભાવનાના નામે હિન્દુ પરંપરાઓને દબાવવાનો પ્રયાસ કરે છે.

કાર્તિગઈ દીપમ એક પ્રાચીન હિન્દુ તહેવાર છે જે તમિલ મહિના 'કાર્તિગઈ'ની પૂનમના દિવસે મનાવવામાં આવે છે, જેને ભગવાન મુરુગનના જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. થિરુપ્પરનકુન્દ્રમનું સુબ્રમણ્યસ્વામી મંદિર, જે મુરુગનના છ પવિત્ર મંદિરોમાંનું એક છે, તે સદીઓથી આ તહેવારનું કેન્દ્ર રહ્યું છે. એ જ રીતે, ડિંડીગુલના પેરુમલ કોવિલપટ્ટીમાં માંડુ કોવિલમાં હિન્દુ લઘુમતી સમુદાયને આ તહેવાર મનાવવાનો અધિકાર છે. પરંતુ 3 ડિસેમ્બરે જ્યારે દીપ પ્રગટાવવાનો સમય આવ્યો, ત્યારે ત્યાં દીવો પ્રગટાવવામાં ન આવ્યો. વિરોધ થતા પોલીસે પણ ભક્તો પર લાઠીચાર્જ કર્યો. ઉચ્ચ ન્યાયાલયનો આદેશ હોવા છતાં ઉત્સવ ન મનાવવા દેવાનું કારણ સ્પષ્ટ છે - DMKની કટ્ટર હિન્દુ-વિરોધી માનસિકતા…

થિરુપ્પરનકુન્દ્રમ: જ્યાં દીપની જ્યોત પર વહીવટીતંત્રે પાણી ફેરવી દીધું

તિરુપ્પરનકુન્દ્રમ તમિલનાડુ રાજ્યના મદુરાઈ શહેરથી 10 કિમી દક્ષિણમાં સ્થિત ભગવાન 'મુરુગન'ના છ નિવાસ સ્થાનોમાંથી એક છે. થિરુપ્પરનકુન્દ્રમ પહાડી પર સ્થિત સુબ્રમણ્યસ્વામી મંદિરનો ઇતિહાસ છઠ્ઠી સદી જેટલો જૂનો છે. અહીં ટોચ પર આવેલા પ્રાચીન 'દીપથૂન' સ્તંભ (પથ્થરનો દીપ સ્તંભ) પર એક સદીથી પણ વધુ સમયથી કાર્તિગઈ દીપમ પ્રગટાવવામાં આવે છે. પરંતુ બ્રિટિશ કાળથી જ કેટલીક તાકાતોએ આના પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને 17મી સદીમાં અહીં સિક્કન્દર બદૂષા દરગાહનું નિર્માણ થયું. દ્રવિડ આંદોલનની રાજનીતિએ આને સાંપ્રદાયિક મુદ્દો બનાવી દીધો, અને આજે DMK સરકારે હિન્દુ અધિકારોને દબાવવા માટે દરગાહ પ્રસાશનનો સહારો લીધો છે.

1 ડિસેમ્બર 2025ના રોજ જસ્ટિસ સ્વામીનાથને રિટ અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ આદેશ આપ્યો કે મંદિર પ્રસાશન દીપથૂન પર દીપ પ્રગટાવે. કોર્ટે કહ્યું કે આ તમિલ પરંપરાનો ભાગ છે, અને દરગાહ વ્યવસ્થાપને કોઈ નક્કર વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ DMK સરકારે તરત જ ખામીઓથી ભરેલી અપીલ દાખલ કરી દીધી. 3 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે, જ્યારે દીપ પ્રગટાવવાનો સમય હતો, ત્યારે મંદિર પ્રશાસને દીપથૂન પર નહી પણ ઊંચી પિલ્લૈયાર મંદિરમાં દીપ પ્રગટાવ્યો, જેનો ભક્તોએ વિરોધ કર્યો, તો પોલીસે બેરિકેડ્સ લગાવીને રસ્તો રોક્યો. પરિણામે અથડામણો થઈ, એક હેડ કોન્સ્ટેબલ ઘાયલ થયો અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા…

અરજદાર રામ રવિકુમારે તાત્કાલિક અવમાનના અરજી દાખલ કરી. કોર્ટે તેને સ્વીકારતા અધિકારીઓને ફટકાર લગાવી. જસ્ટિસ સ્વામીનાથને કહ્યું, “અવમાનના કરવામાં આવી છે... આદેશ તોડવામાં આવ્યો છે.” તેમણે અરજદારને 10 અન્ય ભક્તો સાથે પહાડી પર ચઢવા અને દીપથૂનના સ્થાને પ્રતીકાત્મક રીતે દીપ પ્રગટાવવાની અનુમતિ આપી. સુરક્ષા માટે CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)ની 48 સભ્યોની ટુકડી તૈનાત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો. મંદિરના કાર્યકારી અધિકારી અને મદુરાઈ પોલીસ કમિશનરને 4 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાની નોટિસ જારી થઈ. કોર્ટે સુપ્રીમ કોર્ટના મે 2025ના નિર્ણય (ટાટા મોહન રાવ વિરુદ્ધ એસ. વેંકટેશ્વરલુ) અને કેરળ હાઈકોર્ટના 2020ના નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે ન્યાયિક આદેશોની અવગણના “લોકશાહીના પાયા પર હુમલો” છે. કોઈ અધિકારી કાયદાથી ઉપર નથી.
આ ઘટનાએ DMKની હિન્દુ વિરોધી વિચારસરણીને ઉજાગર કરી દીધી. ઇતિહાસ કહે છે કે દ્રવિડ આંદોલનના મૂળ હિન્દુ-પરંપરાઓ વિરુદ્ધ રહ્યા છે. DMKએ હંમેશા લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ કરી છે, જ્યાં હિન્દુ બહુમતી હોવા છતાં તેમના અધિકારોને 'સાંપ્રદાયિક સદ્ભાવ'ના નામે કચડવામાં આવે છે. થિરુપ્પરનકુન્દ્રમમાં દીપથૂન મંદિરની સંપત્તિ છે, પરંતુ દરગાહના નામે તેને અતિક્રમણકારી બનાવવામાં આવ્યું. સરકારે અપીલ દાખલ કરીને અને પોલીસ તૈનાત કરીને હિન્દુ ભક્તોને દબાવવાનો પ્રયાસ કર્યો. આ માનસિકતા સ્પષ્ટ બતાવે છે કે DMK હિન્દુ ઉત્સવો નાબૂદ કરવા માંગે છે, કારણ કે તે તેમની વોટ બેંકની રાજનીતિની વિરુદ્ધ જાય છે. ભજનલાલ સમિતિની ભલામણોથી લઈને મંદિરો પર સરકારી નિયંત્રણ સુધી, દરેક પગલું હિન્દુ પરંપરાઓને નબળી પાડનારું છે.

પેરુમલ કોવિલપટ્ટી: હિન્દુઓના અધિકારો પર તરાપ

બીજો મામલો ડિંડીગુલ જિલ્લાના અથુર તાલુકાના પેરુમલ કોવિલપટ્ટી ગામ સાથે જોડાયેલો છે, જ્યાં ખ્રિસ્તી બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. ગામમાં માંડુ કરુપ્પસામી મંદિર પર કાર્તિગઈ દીપમ મનાવવાની માંગ પર 2 ડિસેમ્બરે જસ્ટિસ સ્વામીનાથને રિટ અરજી સ્વીકારી. કોર્ટે 3-4 ડિસેમ્બરના રોજ અમુક કલાકો માટે દીવા પ્રગટાવવાની અને ઝાડીઓ સાફ કરવાની પરવાનગી આપી, અને સ્પષ્ટ કર્યું કે કોઈ પાકું બાંધકામ થશે નહીં અને ખ્રિસ્તી સમુદાયના અધિકારો પર કોઈ અસર નહીં થાય.

પરંતુ બીજા જ દિવસે ડિંડીગુલ કલેક્ટર એ. સરવનન (IAS) એ BNSSની કલમ 163 હેઠળ આદેશ જારી કરીને ગામમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર અને બહારના લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. આનાથી કોર્ટના આદેશની સીધી અવગણના થઈ. અરજદાર વી. સિથન બલરાજે અવમાનના અરજી દાખલ કરી. કોર્ટે તેને 'અવમાનના' અને 'હિન્દુઓના મૂળભૂત અધિકારોનું ઘોર ઉલ્લંઘન' ગણાવ્યું. જસ્ટિસ સ્વામીનાથને કહ્યું, “પેરુમલ કોવિલપટ્ટીના કોઈપણ હિન્દુનો પૂજા અને ઉત્સવ મનાવવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ-25 હેઠળ મૂળભૂત અધિકાર છે. જિલ્લાધિકારીએ સામાન્ય ધાર્મિક ઉત્સવ પર પણ રોક લગાવી દીધી. આનાથી મોટું મૂળભૂત અધિકારોનું હનન બીજું શું હોઈ શકે?”




કોર્ટે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને વ્યક્તિગત રીતે હાજર થઈને સ્પષ્ટતા આપવાનો આદેશ આપ્યો. જજે ભારપૂર્વક કહ્યું, “મેં સિંગલ બેન્ચમાં આદેશ આપ્યો હતો. જ્યાં સુધી ડિવિઝન બેન્ચ કે સુપ્રીમ કોર્ટ તેને સ્થગિત કે રદ ન કરે, ત્યાં સુધી તેને અક્ષરશઃ માનવો પડશે. જિલ્લાધિકારી મારી ઉપર અપીલીય અધિકાર નથી ધરાવતા. તેઓ મારા આદેશને રદ કરતો આદેશ જારી કરવાની હિંમત કેવી રીતે કરી શકે છે?” આગળ કહ્યું, “મંદિરને મારા આદેશથી કોઈ ફરિયાદ કેવી રીતે હોઈ શકે? ફરિયાદ માત્ર દરગાહને જ હોઈ શકતી હતી. ખામીઓથી ભરેલી અપીલ દાખલ કરવી અને પછી પાછી ખેંચી લેવી એ સ્પષ્ટપણે આદેશ ન માનવાની યુક્તિ છે.”

અહીં DMKની માનસિકતા વધુ સ્પષ્ટ ઝળકે છે. એક ખ્રિસ્તી-બહુલ ગામમાં હિન્દુ લઘુમતીઓને પૂજાનો અધિકાર આપવો સરકારને ગમતો નથી! “કાયદો અને વ્યવસ્થાનું બહાનું આપીને નાગરિકોના કાયદેસરના અધિકારોને કચડવું એ વહીવટીતંત્રની લાચારીની સ્વીકૃતિ છે. પોલીસ અધિકારોની સુરક્ષા માટે છે, તેમને છીનવી લેવા માટે નહીં.” કોર્ટે આને “નિયમ કાયદાની અવહેલના” કહ્યું, જે બંધારણીય મૂલ્યો પર હુમલો છે. મંદિરોની સંપત્તિ વેચવી, બિન-હિન્દુઓને મંદિરોમાં પ્રવેશની અનુમતિ, અને હિન્દુ તહેવારો પર પ્રતિબંધ આજ DMKનો ઇતિહાસ છે. આ માનસિકતા હિન્દુ સંસ્કૃતિને 'સામંતશાહી' ગણાવીને દબાવે છે, જ્યારે વાસ્તવમાં તે લઘુમતી તુષ્ટિકરણનું હથિયાર છે.

DMKની હિન્દુ-વિરોધી માનસિકતા

DMKની સ્થાપના જ હિંદુ પરંપરાના વિરોધ પર થઈ હતી. દ્રવિડ આંદોલને હિન્દુ દેવતાઓને અપમાનિત કર્યા, રામાયણ-મહાભારતને કાલ્પનિક ગણાવ્યા. આઝાદી પછી DMKએ મંદિરોને સરકારી નિયંત્રણમાં લઈ લીધા, પરંતુ હિન્દુ અધિકારોની રક્ષા ન કરી. થિરુપ્પરનકુન્દ્રમ અને પેરુમલ કોવિલપટ્ટી જેવા કિસ્સાઓમાં ઉચ્ચ ન્યાયાલયના આદેશોની અવગણના તેનું પ્રમાણ છે. સરકારે DMK અને સહયોગીઓની બેઠકમાં ઠરાવ પસાર કરીને કોર્ટના આદેશ ન માનવાની અપીલ કરી. આ માત્ર ન્યાયિક અવમાનના જ નથી, પણ હિન્દુ ભાવનાઓનું અપમાન છે.

DMK સરકારનું આ વલણ આપણા બંધારણનું પણ અપમાન છે. તેઓ હિન્દુ માન્યતાઓથી નફરત કરે છે. થિરુપ્પરનકુન્દ્રમમાં પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો, BJP યુવા નેતા એસ.જી. સૂર્યા ઘાયલ થયા. આ ઘટના બતાવે છે કે DMK હિન્દુ ઉત્સવોને ખતમ કરીને 'ધર્મનિરપેક્ષતા'નો ઢોંગ રચી રહી છે. વોટ બેંક માટે તેઓ હિન્દુ અધિકારોને બલિ ચઢાવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જાહેર વ્યવસ્થાનું બહાનું હિન્દુ અધિકારોને દબાવવાનું સાધન બની શકે નહીં.

હિન્દુજાગો....

આ ઘટનાઓ તમિલનાડુના હિન્દુ સમાજ માટે ચેતવણી છે. ઉચ્ચ ન્યાયાલયે બંને મામલાઓમાં અવમાનના કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ સવાલ એ જ છે - શું DMK ક્યારેય હિન્દુ-વિરોધી માનસિકતા છોડશે? થિરુપ્પરનકુન્દ્રમમાં CISFની સુરક્ષામાં દીપ પ્રગટ્યો, પરંતુ તે પ્રતીકાત્મક જીત છે. પેરુમલ કોવિલપટ્ટીમાં કલેક્ટર-સુપરિન્ટેન્ડેન્ટની સ્પષ્ટતા પછી નિર્ણય થશે. હિન્દુ સંગઠનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, અને આ સંઘર્ષ ચાલુ રહેશે. બંધારણના અનુચ્છેદ 25ની રક્ષા જ સાચી ધર્મનિરપેક્ષતા છે. DMKને અરીસો બતાવવાનો સમય આવી ગયો છે - હિન્દુ અધિકારો કોઈ રાજકીય રમત નથી.

( સૌજન્ય – પાંચજન્ય ) । આ રહ્યો તે લેખ...








ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...