શું નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા? સરદાર પટેલ સાથેનો એ ઐતિહાસિક વિવાદ!

    ૦૮-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |




જવાહરલાલ નહેરુનો બાબર પ્રેમ આ શીર્ષક સાથે ૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દૈનિક જાગરણામાં પ્રકાશિત થયો છે. જેને લેખક અનંત વિજયએ લખ્યો છે. વરિષ્ઠ પત્રકાર અનંત વિજય તેમના આ લેખમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટાંકીને જવાહરલાલ નહેરુની 'સેક્યુલરિઝમ' (ધર્મનિરપેક્ષતા) ની વ્યાખ્યા અને મુઘલ શાસક બાબર પ્રત્યેના તેમના ઝુકાવનું તીવ્ર વિશ્લેષણ કરે છે. લેખક ઐતિહાસિક પુસ્તકો અને દસ્તાવેજોના આધારે દાવો કરે છે કે નહેરુ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરતા હતા અને બાબરને 'પુનર્જાગરણના રાજકુમાર' માનતા હતા, જ્યારે સરદાર પટેલ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ હતા જે સરકારી પૈસે ધાર્મિક સ્થળોના નિર્માણના વિરોધી હતા.


આ લેખ સંદર્ભે કેટલાંક મહત્વના મુદ્દાઓ અને તેનું વિશ્લેષણ:


૧. સરદાર પટેલ વિરુદ્ધ નહેરુનો દ્રષ્ટિકોણ:

લેખનો મુખ્ય આધાર એ ઘટના છે જ્યાં નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરવા ઈચ્છતા હતા, પરંતુ સરદાર પટેલે તેનો સખત વિરોધ કર્યો હતો. સરદાર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે જેમ સોમનાથ મંદિરનું નિર્માણ જનતાના પૈસે (ટ્રસ્ટ દ્વારા) થઈ રહ્યું છે, તેમ સરકાર કોઈ પણ ધાર્મિક સ્થળ માટે સરકારી તિજોરીનો ઉપયોગ ન કરી શકે. લેખક આને સાચી ધર્મનિરપેક્ષતા ગણાવે છે.

૨. દસ્તાવેજી પુરાવા:

રક્ષામંત્રી રાજનાથના આ નિવેદન પછી કોંગ્રેસ દ્વારા માંગવામાં આવેલા પુરાવાના જવાબમાં, લેખક મણિબેન પટેલના પુસ્તક 'ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ'નો સંદર્ભ આપે છે. ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ થયેલી બેઠકમાં નહેરુ અને પટેલ વચ્ચેના સંવાદનો ઉલ્લેખ છે, જે સાબિત કરે છે કે નહેરુ મસ્જિદ માટે સરકારી ભંડોળ વાપરવા તૈયાર હતા.

૩. નહેરુનો 'બાબર પ્રેમ':

અનંત વિજય 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તકનો સંદર્ભ આપીને જણાવે છે કે નહેરુ બાબરને આક્રમણખોર નહીં પણ કલાપ્રેમી અને પુનર્જાગરણના દૂત તરીકે જોતા હતા. લેખક કટાક્ષ કરે છે કે બાબરે ભારતમાં એવું તે કયું પુનર્જાગરણ કર્યું હતું? આ માનસિકતા ડાબેરી ઇતિહાસકારોને મુઘલોનું મહિમામંડન કરવાનું બળ પૂરું પાડતી હતી.

૪. સત્તા માટે સિદ્ધાંતો સાથે સમાધાન:

લેખમાં 'આફ્ટરમાથ ઓફ પાર્ટિશન ઇન સાઉથ એશિયા' પુસ્તકનો હવાલો આપીને ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની એક ઘટના વર્ણવી છે. નહેરુ જે પૂજા-પાઠ અને કર્મકાંડને પસંદ નહોતા કરતા, તેમણે સત્તા હસ્તાંતરણ વખતે હિન્દુ રીતિ-રિવાજ મુજબ હવનમાં ભાગ લીધો હતો કારણ કે મિત્રોએ સમજાવ્યું હતું કે સત્તા મેળવવાનો આ જ રસ્તો છે. આ દર્શાવે છે કે સત્તા માટે તેઓ પોતાના વિચારો પણ બાજુ પર મૂકી શકતા હતા.

૫. કોંગ્રેસની તુષ્ટિકરણની પરંપરા:

લેખક દલીલ કરે છે કે નહેરુએ શરૂ કરેલી તુષ્ટિકરણની નીતિ કોંગ્રેસમાં પરંપરા બની ગઈ. પ્રણવ મુખર્જીના પુસ્તક 'ધ કોલિશન યર્સ'નો ઉલ્લેખ કરી કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની ધરપકડના સમયનો બેવડો માપદંડ દર્શાવ્યો છે. પ્રણવ મુખર્જીએ ત્યારે સવાલ ઉઠાવ્યો હતો કે શું સરકારમાં કોઈ મુસ્લિમ ધર્મગુરુને ઈદના દિવસે ધરપકડ કરવાની હિંમત છે?

અને છેલ્લે…

અંતમાં લેખક વર્તમાન સમય સાથે કડી જોડતા કહે છે કે નહેરુ જે રીતે સોમનાથ મંદિરના વિરોધમાં હતા, તે જ વિચારધારાના વારસદાર તરીકે આજની કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ઠુકરાવ્યું છે.



આ રહ્યો અનંત વિજયનો આખો લેખ…વાંચો…


જવાહરલાલ નહેરુનો બાબર પ્રેમ । આ લેખ અનંત વિજયએ ૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દૈનિક જાગરણામાં પ્રકાશિત થયો છે જેનું ગુજરાતી અનુવાદ અહી શબ્દસહ રજૂ કરવામાં આવ્યું છે…


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના તાજેતરમાં આપેલા એક નિવેદન પર વિવાદ થયો છે. સંરક્ષણ મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'સરદાર વલ્લભભાઈ પટેલ ઉદાર વ્યક્તિ હતા. તેઓ સાચા અર્થમાં સેક્યુલર હતા, પંથનિરપેક્ષ હતા. તેઓ તુષ્ટિકરણમાં વિશ્વાસ નહોતા કરતા. જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બાબરી મસ્જિદના મુદ્દે સરકારી તિજોરીના પૈસાથી બાબરી મસ્જિદ બનાવવાની વાત કરી હતી, ત્યારે તેનો પણ વિરોધ જો કોઈએ કર્યો હતો તો તે ગુજરાતી માની કૂખે જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. તે સમયે તેમણે સરકારી પૈસે બાબરી મસ્જિદ ન બનવા દીધી. આના પર નહેરુજીએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સવાલ ઉઠાવ્યો તો ખૂબ જ શાંત પરંતુ દ્રઢ સ્વરમાં સરદાર પટેલે સ્પષ્ટ કર્યું કે સોમનાથ મંદિરનો મામલો અલગ છે, ત્યાં ૩૦ લાખ રૂપિયા જનતાએ દાન આપ્યા છે અને એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ કામમાં સરકારની એક કોડી પણ ખર્ચ નથી થઈ.'

રાજનાથ સિંહે આગળ કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં પણ આવું જ થયું. અયોધ્યામાં પણ જનતાના પૈસે જ શ્રીરામ મંદિરનું નિર્માણ થયું. આ જ પંથનિરપેક્ષતાની સાચી વ્યાખ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આ નિવેદન બાદ તાત્કાલિક કોંગ્રેસના નેતાઓએ તેને જૂઠ ગણાવ્યું અને કહ્યું કે આ વાતોનું કોઈ દસ્તાવેજી પ્રમાણ નથી. કોંગ્રેસના નેતા માણિકરામ ટાગોરે 'એક્સ' પર લખ્યું કે રાજનાથજીનું નિવેદન ઇતિહાસ નહીં, પરંતુ રાજનીતિ છે અને આ વર્તમાનને વહેંચવા માટે ભૂતકાળનું પુનર્લેખન છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રાજનાથ સિંહના આ નિવેદન પર કઠોર પ્રતિક્રિયા આપી. જે લોકો સંરક્ષણ મંત્રીના નિવેદનનો આધાર અને દસ્તાવેજી પુરાવા માંગી રહ્યા હતા, તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સરદાર પટેલની પુત્રી મણિબેન પટેલનું પુસ્તક વાંચવાની સલાહ આપી. આમ પણ એ સમજવું જોઈતું હતું કે રાજનાથ સિંહ સાર્વજનિક જીવનમાં કોઈ હલકી વાત કરતા નથી. આ સંપૂર્ણ પ્રસંગ મણિબેન પટેલના પુસ્તક 'ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ'માં પાના નંબર ૨૪ પર નોંધાયેલી છે. તેઓ લખે છે કે નહેરુએ બાબરી મસ્જિદનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો, પરંતુ સરદાર પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે સરકાર એક પણ પૈસો કોઈ મસ્જિદને બનાવવા પર ખર્ચ નહીં કરે. તેમણે નહેરુને સ્પષ્ટ કહ્યુ હતું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાત અલગ છે. ત્યાં એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને તે ટ્રસ્ટે જનતા પાસેથી ૩૦ લાખ રૂપિયા જમા કર્યા હતા. સરદાર પટેલે નહેરુને જણાવ્યું કે આ ટ્રસ્ટના ચેરમેન જામસાહેબ છે અને મુનશી તેના સભ્ય છે. આમાં સરકારનો કોઈ પૈસો નથી. આટલું સાંભળીને નહેરુ ચૂપ થઈ ગયા હતા.

સરદાર પટેલની પુત્રી મણિબેન પટેલના પુસ્તક અનુસાર આ સંપૂર્ણ પ્રસંગ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજનો છે. આ પ્રસંગને વાંચતા એવું જ લાગે છે કે નહેરુ અને પટેલ વચ્ચે બાબરી મસ્જિદ પુનઃનિર્માણ પર વાત થઈ હતી જેમાં નહેરુએ સોમનાથ મંદિરનો દાખલો આપ્યો હતો. જે કોંગ્રેસના નેતા કે સમર્થક રાજનાથ સિંહના નિવેદન વિશે પ્રમાણ માંગી રહ્યા છે, તેમના માટે મણિબેનનું પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પુસ્તકમાં ઉલ્લેખિત ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ છે કે નહેરુજી સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, જેને સરદાર પટેલે શક્ય બનવા ન દીધુ…

હકીકતમાં બાબરને લઈને નહેરુના મનમાં આદરનો ભાવ હંમેશાથી હતો. તેમના હિસાબે તે પુનર્જાગરણના દૂત જેવા હતા. નહેરુએ પોતાના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા (શતાબ્દી સંસ્કરણ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, નવી દિલ્હી, ૧૯૮૯) માં લખ્યું છે કે બાબર એક આકર્ષક વ્યક્તિ હતો, પુનર્જાગરણનો સાહસી અને દબંગ રાજકુમાર જેની કળા અને સાહિત્યમાં રુચિ હતી અને શાનદાર જીવન જીવવા માંગતો હતો.
અહીં પ્રશ્ન ઊભો થાય કે બાબરે ભારતમાં કઈ રીતે પુનર્જાગરણ કર્યું, જેના કારણે નહેરુને તેમનામાં પુનર્જાગરણના રાજકુમારની છબી દેખાતી હતી. આ આખા પુસ્તકમાં નહેરુએ મોટાભાગે બાબરને આદર સાથે યાદ કર્યો છે.
બાબર જ કેમ, નહેરુ મુઘલ રાજવંશના અનેક શાસકો પ્રત્યે ઉદાર જોવા મળે છે. અકબરને તો તે બાબરથી વધુ આકર્ષક અને સાહસી બતાવે છે. મુઘલોના ભારતીયકરણના ડાબેરી ઇતિહાસકારોના પ્રયાસને ગતિ આપતા પણ દેખાય છે. તેથી જો ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં બાબર પ્રત્યે નહેરુના વ્યક્ત આદરને મણિબેન પટેલના પુસ્તકમાં વર્ણિત પ્રસંગ સાથે જોડીને જોવામાં આવે તો કોઈ પ્રકારની શંકા બાકી રહેતી નથી કે બાબરના નામથી બનેલી મસ્જિદને તેઓ સરકારી પૈસે બનાવવા ઈચ્છતા હતા.

નહેરુ સત્તામાં ટકી રહેવા માટે કંઇ પણ કરવા તૈયાર રહેતા હતા. જેઓ એમ કહે છે કે નહેરુના સમયમાં સરકારના સમર્થનથી ધાર્મિક કાર્ય નહોતા કરી શકાતા, તેમણે પણ ઇતિહાસના પુસ્તકોમાં વર્ણિત અને દબાવી દેવાયેલા તથ્યોને જોવા જોઈએ. એક પુસ્તક છે 'આફ્ટરમાથ ઓફ પાર્ટિશન ઇન સાઉથ એશિયા'. તેમાં ૧૪ ઓગસ્ટ ૧૯૪૭નો એક પ્રસંગ છે જ્યારે સાંજે ડૉ. રાજેન્દ્ર પ્રસાદના દિલ્હીના ઘરે પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું. હવન માટે પુરોહિતોને બોલાવવામાં આવ્યા હતા. ભારતની નદીઓનું પવિત્ર જળ મંગાવવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પ્રસાદ અને નહેરુ હવન કુંડની સામે બેઠા હતા. ઉપસ્થિત મહિલાઓએ બંનેના માથે ચંદનનું તિલક લગાવ્યું. નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદે હવન-પૂજન કર્યું. પૂજા અને હવન પહેલા નહેરુએ કહ્યું હતું કે તેમને આ બધું પસંદ નથી. ત્યારે તેમના અનેક મિત્રોએ સમજાવ્યું કે સત્તા પ્રાપ્ત કરવાનો હિન્દુ માર્ગ આ જ છે. આ પછી તરત નહેરુ તૈયાર થઈ ગયા. નહેરુ બાદ તુષ્ટિકરણની આ નીતિ કોંગ્રેસની નીતિ બની ગઈ. દિગ્વિજયથી લઈને રાજીવ ગાંધી અને મનમોહન સિંહ સુધી બધા જ આ નીતિ પર આગળ વધ્યા. પ્રણવ મુખર્જીએ સક્રિય રાજનીતિથી અલગ થયા બાદ ત્રણ પુસ્તકો લખ્યાં જે તેમના અનુભવો પર આધારિત છે. પોતાના ત્રીજા પુસ્તક 'ધ કોલિશન યર્સ'માં તેમણે કાંચીના શંકરાચાર્યની ધરપકડના પ્રસંગ પર કેબિનેટની ચર્ચાનું વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, કેબિનેટની બેઠકમાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની ધરપકડના ટાઈમિંગ પર સવાલ કરતાં હું ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું કે આ દેશમાં ધર્મનિરપેક્ષતા માત્ર હિન્દુઓ માટે જ છે, કોઈની હિંમત છે કે તે ઈદના સમયે કોઈ મુસ્લિમ ધર્મગુરુની ધરપકડ કરી લે?

આ તે સમય હતો જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને પ્રણવ મુખર્જી તેમના કેબિનેટના સદસ્ય હતા. સરકારી પૈસે બાબરી મસ્જિદ બનાવવાની કોશિશ અને સોમનાથ મંદિરના ભવ્ય સ્વરૂપને બનાવવાને લઈને સંકોચ... જનતાના પૈસેથી સોમનાથ મંદિર જ્યારે બનીને તૈયાર થયું તો રાષ્ટ્રપતિને ત્યાં જતા રોકવાનો પ્રયાસ નહેરુએ કર્યો. નહેરુની નીતિઓ પર ચાલનારી કોંગ્રેસે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નવ્ય અને ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ એમ જ નથી ઠુકરાવ્યું.

દૈનિક જગરણમાં પ્રકાશિત લેખ....




ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...