કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, શ્રી નારાયણ ગુરુ વિશે ડાબેરીઓ જે પણ વાતો કરી રહ્યા છે તેમનું રાજકીય ષડયંત્ર છે. નારાયણ ગુરુની રગેરગમાં સનાતન ધર્મ હતો અને તેમણે આજીવન તેના માટે કામ કર્યું. તેમણે અપાર ત્યાગ કરીને સમસરતાનો દીપ પ્રગટાવ્યો હતો.
શ્રી નારાયણ ગુરુ ભારતના મહાન સમાજસુધારક હતા. તેમનો જન્મ દક્ષિણ કેરળના એક સાધારણ પરિવારમાં ૨૨મી ઓગસ્ટ, ૧૮૫૬ના રોજ થયો. પરમતત્ત્વને પામવા માટે તેમણે નાની ઉંમરમાં જ ધર્મપથ ધારણ કરી લીધો હતો. સંત બન્યા બાદ દક્ષિણ કેરળમાં નૈયર નદીના કિનારે આવેલ અવિપ્પુરમમાં તેમણે એક મંદિર બાંધ્યું હતું. આ મંદિર એ જમાનામાં ત્યાંનું એક એવું મંદિર હતું, જ્યાં કોઈ પણ પ્રકારના જાતિ-ભેદ વિના સૌને પ્રવેશ મળતો હતો. આ જોઈને ત્યાંના રૂઢિચુસ્ત સમાજમાં હડકંપ મચી ગયો. તેમણે તેનો વિરોધ કર્યો, પણ નારાયણ ગુરુ પોતાના નિર્ણય પર અફર રહ્યા અને સૌને મંદિરમાં પ્રવેશ આપવાનું ચાલુ જ રાખ્યું. આમ એ વખતે તેમણે સમરસતાનો એક વિરાટ દીપ પ્રજ્વલિત કર્યો. એટલું જ નહીં એ પછી પણ તેમણે શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં અન્ય નવાં મંદિરો સ્થાપ્યાં. ત્યાં પણ તેમણે સૌ માટે પ્રવેશ ખુલ્લો રાખ્યો.
એ જમાનામાં જાતિવાદ ખૂબ હતો. દલિત સમાજના લોકોને ખૂબ અન્યાય થતો. તેમને મંદિરમાં પ્રવેશ ના મળે, કૂવે પાણી ભરવા ના મળે, આવાં અનેક નિયંત્રણો થોપી દેવામાં આવેલાં. એ વખતે તેઓ સ્વાભિમાનથી જીવી શકે તે માટે શ્રી નારાયણ ગુરુએ અથાગ પ્રયત્નો કર્યા. માત્ર મંદિરપ્રવેશ જ નહીં પણ સમાજમાંથી પણ અપૃશ્યતા દૂર થાય તેવા પ્રયત્નો કર્યા. ૧૯૦૩માં ગુરુદેવે શ્રી પી.પલપુ સાથે મળીને અનુસૂચિત જાતિના લોકોની સ્થિતિ સુધારવા માટે એક સંગઠનની સ્થાપના કરી. એ સંગઠન પછીથી `શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્' - (એસએનડીપી)ના નામથી ઓળખાયું. સાથે સાથે શ્રી નારાયણ ગુરુએ સનાતન ધર્મ માટેના સુંદર ગ્રંથો લખ્યા અને સનાતન ધર્મ માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું.
સામાજિક અસમાનતાઓના કારણે જ્યારે સનાતન ધર્મનું અવમૂલ્યન થઈ રહ્યું હતું, ત્યારે શ્રી નારાયણ ગુરુ જ હતા કે જેઓ કેરળમાં સનાતન ધર્મના રક્ષક બનીને આગળ આવ્યા હતા, પરંતુ આજે કેરળની ડાબેરી સરકારના મુખ્યમંત્રી શ્રી વિજય પિનરાઈ તેમને `સનાતન વિરોધી' ગણાવી રહ્યા છે. ખરેખર આ બાબત બહુ ગંભીર છે અને તેમાં મોટી રાજરમત છે. આ રમતને વિગતવાર સમજીએ..
વાત એમ છે કે પિનરાઈ વિજયને શ્રી નારાયણ ગુરુ વિશે એક ભ્રામક લેખ લખ્યો હતો. જેનું શીર્ષક હતું - `શ્રી નારાયણ ગુરુ ઃ જે સનાતન ધર્મના સમર્થક નહોતા'. હકીકતમાં ૩૧ ડિસેમ્બરે શિવગિરિ તીર્થયાત્રાના ઉદઘાટન સમારંભ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલ ભાષણનો આ એક સંપાદિત અંશ હતો. તેમના ભાષણને અનેક લોકોએ વિવાદાસ્પદ અને અપમાનજનક ગણાવ્યું છે. એટલું જ નહીં શિવગિરી મઠ, જેમની સ્થાપના શ્રી નારાયણ ગુરુએ પોતે જ કરી હતી, તેના વર્તમાન પ્રમુખ સ્વામી સચ્ચિદાનંદે પણ આ ભાષણની કડક શબ્દોમાં ટીકા કરી છે.
જો કે કેરળમાં શ્રી નારાયણ ગુરુનું અપમાન થયું હોય અથવા તેમના વિરુદ્ધ જુઠ્ઠાણાં ફેલાવવામાં આવ્યાં હોય એવી આ કંઈ પ્રથમ ઘટના નથી. કમ્યુનિસ્ટો પહેલાંથી જ શ્રી નારાયણ ગુરુનું અપમાન કરતા આવ્યા છે. માકપાના પૂર્વ મહાસચિવ અને વિચારક ઇએમ શંકરન નંબૂદિરીપાદે અનેક વાર શ્રી નારાયણ ગુરુ અને તેના સનાતન ધર્મના આંદોલનને વખોડ્યું હતું. `નારાયણ ગુરુ ટુડે' શીર્ષકવાળા એક લેખમાં શંકરને ગુરુના ઉપદેશોને અપ્રસાંગિક દર્શાવીને તેને રદિયો આપ્યો હતો. તેમણે લેખમાં ટાંક્યું હતું કે, `હું માનતો નથી કે સ્વામીનો સંદેશ આજના કેરળની સમસ્યાઓનું સમાધાન આપી શકે.' ખાસ કરીને, શંકરને તેમના માટે `ગુરુ' સંબોધનથી પણ અંતર જાળવ્યું હતું અને સુઝાવ આપ્યો હતો કે, `શ્રી નારાયણ આંદોલન' માત્ર ડાબેરી આંદોલન સાથે જોડાઈને જ પોતાની પ્રાસંગિકતાને જાળવી શકશે. આમ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની પ્રોપેગેંડા મશીનરી, જે પહેલાં રાજ્યતંત્ર દ્વારા સમર્થિત હતી, તેમણે વારંવાર એવાં જૂઠ ચલાવ્યાં હતાં કે, શ્રી નારાયણ ગુરુ સનાતન ધર્મના વિરોધી હતા. હકીકતમાં સત્ય એ છે કે જ્યારે સામાજિક અસમાનતાઓ, અસ્પૃશ્યતા અને જાતિવાદના કારણે સનાતન ધર્મનું પતન થઈ રહ્યું હતું ત્યારે શ્રી નારાયણ ગુરુ કેરળમાં હિંદુ પુનર્જાગરણના માર્ગદર્શક બનીને આગળ આવ્યા. તેમની સાહિત્યિક રચનાઓમાં સનાતન ધર્મને ઊંડાણપૂર્વક વણી લેવામાં આવ્યો છે. તેમણે તેમની સાહિત્યિક રચનાઓ શ્રી ગણેશ, શ્રી કાર્તિકેય, કાલીમાતા, દુર્ગામાતા અને ભગવાન પરમેશ્વર વગેરે દેવતાઓને સમર્પિત કરી છે. નારાયણ ગુરુએ સનાતન ધર્મના સાહિત્યસર્જનમાં પણ મોટું યોગદાન આપ્યું છે. તેમણે આત્મોપદેશ શતકમ્, અદ્વૈત દીપિકા, દર્શનમાળા અને ઈશાવાસ્ય ઉપનિષદના અનુવાદો કર્યા છે. જેમાં આદ્ય શંકરાચાર્ય પ્રેરિત અદ્વૈત દર્શન અને વેદાંતની ગહન વ્યાખ્યાઓ પણ સામેલ છે.
તેમનો પ્રસિદ્ધ ગ્રંથ `શ્રી નારાયણ સ્મૃતિ' વેદોના આધાર પર રચાયો છે, જેમાં જાતિવ્યવસ્થાનું ઉન્મૂલન, વેદોનો સર્વોચ્ચ અધિકાર અને પંચ મહાયજ્ઞ જેવી પરંપરાઓને આગળ ધપાવનારા વિષયો સામેલ છે.
નારાયણ ગુરુએ આર્યસમાજના સંન્યાસીઓને પોતાના શિવગિરી મઠમાં થનારા અગ્નિહોત્ર અનુષ્ઠાનોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમનાં વ્યાખ્યાનો અને સંવાદોમાં અનેક વાર તેઓએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ૧૯૨૪માં અલુવામાં પોતાના અદ્વૈત આશ્રમમાં તેમણે એક સર્વ આસ્થા સંમેલન પણ યોજ્યું હતું.
સમાજને વિભાજિત કરવાનો એજન્ડા
હવે વિચાર કરો કે સનાતન ધર્મ માટે જીવન હોમી દેનારા, સનાતન ધર્મ માટે અવિરત કાર્ય કરનારા નારાયણ ગુરુને આ લોકો શા માટે સનાતન ધર્મના વિરોધી ગણાવી રહ્યા છે? કારણ... કારણ કે આવું કરીને તેઓ સમાજને વિભાજિત કરવા માંગે છે. સમાજને છિન્નભિન્ન કરી ભાગલા પાડવાનો આ મોટો એજન્ડા છે, એક મોટુ ષડયંત્ર છે. આવાં ખોટાં નિવેદનો કરીને શ્રી નારાયણ ગુરુને ઇવી રામાસ્વામી નાયકર જેવા વ્યક્તિત્વ સાથે જોડવાનો એક યોજનાપૂર્વકનો પ્રયાસ છે. આ એક પ્રકારની વિકૃતિ છે. ઈંડી ગઠબંધન અને તેમના સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિભાજનકારી એજન્ડાનો આ એક ભાગ છે. જેમાં સ્ટાલિન અને પિનરાઈ જેવા લોકો સૌથી આગળની હરોળમાં છે. તેઓ સમાજને ધાર્મિક અને જાતિના આધારે વિભાજિત કરવાની મહેચ્છા ધરાવે છે અને એ માટે નારાયણ ગુરુના નામે જૂઠાણાં ચલાવે છે.
શ્રી નારાયણ ગુરુને વેદો અને તેના સિદ્ધાંતોથી વિપરીત ચિત્રિત કરવા માટે સનાતન ધર્મના આલોચકો આજે તલપાપડ છે, પરંતુ તેમણે કરેલા દાવાઓની તરફેણ કરતો એકપણ પુરાવો તેઓ આપી શકતા નથી. વાસ્તવમાં, વેદો કે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ બોલનાર કે લખનારનો કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. આપણે આગળ `શ્રી નારાયણ સ્મૃતિ' ગ્રંથની વાત કરી. વિજયન દ્વારા ગુરુદેવ પર લગાડવામાં આવેલ લગભગ તમામ આરોપોનું ખંડન આ એક ગ્રંથ જ કરે છે. આ ગ્રંથ સનાતન ધર્મ અને તેનાં શાશ્વત મૂલ્યો પ્રત્યે ગુરુદેવના અતૂટ સમર્પણની ગહન પુષ્ટિ કરે છે. શ્રી નારાયણ ગુરુનો કોઈ પણ મત કે પંથ સાથે કોઈ જ સંબંધ નહોતો. આ તર્ક આપવા માટે વિજયને શ્રી નારાયણ ગુરુના પ્રસિદ્ધ સૂત્રોને ખોટી રીતે રજૂ કર્યાં છે. એ સૂત્રો છે - `એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વર.' અને `તમામ મત- પંથોનો સાર એક જ છે'. જો કે, ગુરુદેવે પોતે સ્પષ્ટ કર્યુ હતું કે, આ ઉપદેશો, આ શિક્ષા નવાં નથી પરંતુ, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી તે જ આ વાત છે.
અર્થાત્- `હે પૃથાપુત્ર! તમામ લોકો જાણે-અજાણે મારા માર્ગનું જ અનુસરણ કરે છે.' ખરેખર તો આ શ્લોક સનાતન ધર્મનો આધારસ્તંભ છે. ગુરુદેવે પલ્લાથુરુથીમાં એસએનડીપીના ૨૫મા વાર્ષિક સંમેલનમાં પોતાના પ્રવચન દરમિયાન આ અવધારણા વિશે વધુ વિસ્તારપૂર્વક વાત કરતાં જણાવ્યું હતું કે, `સનાતન ધર્મ એ ધર્મ છે, જે એક જાતિ, એક ધર્મ અને એક ઈશ્વરનું આદર્શ પ્રતીક છે.' ગુરુદેવની આ વાણી સ્પષ્ટ રૂપે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો સાથે જોડાયેલી છે. પણ વિજયન જાણી-જોઈને એની ખોટી વ્યાખ્યા કરીને, એને મારીમચેડીને સનાતન ધર્મના વિરોધ સાથે જોડે છે.
વિજયને એવો દાવો પણ કર્યો છે કે, શ્રી નારાયણ ગુરુ આશ્રમધર્મના વિરોધી હતા. એનો ઉત્તર પણ `શ્રી નારાયણ સ્મૃતિ'માં છે. તેના ચાર અધ્યાયમાં આશ્રમધર્મનું મહત્ત્વ શીખવાડવામાં આવ્યું છે. આ અધ્યાયમાંથી એક અધ્યાયમાં તેમણે પંચ મહાયજ્ઞો વિશે પણ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. હવે આને સનાતન ધર્મ નહીં તો બીજું શું કહેવાય? જો વિજયન હજી પણ માનતા હોય કે `શ્રી નારાયણ સ્મૃતિ'ના ઉપદેશો સનાતન ધર્મનાં મૂલ્યોને સમાવતા નથી, તો પછી તે પોતાના પક્ષના સભ્યોને આ ગ્રંથના ઉપદેશો મુજબ ચાલવા માટે પ્રોત્સાહિત કેમ કરતા નથી? તે કેરળની શાળાના અભ્યાસક્રમમાં આ ગ્રંંથને સમાવવાની તરફેણ કેમ કરતા નથી?
કેરળમાં `દ્રવિડિયન મૉડલ' લાગુ કરવાનો માકપાનો સુવિચારિત પ્રયાસ છે. ઉપરાંત બીજી પણ એક વાત છે. વિજયને રાજા માર્તંડ વર્મા પર તત્કાલીન ત્રાવણકોરમાં કથિત `સાંપ્રદાયિક'રાજ્યની સ્થાપના કરવાનો આરોપ પણ લગાડ્યો છે. વિજયનના આ આરોપોનો તીખો ઉત્તર પણ `શ્રી નારાયણ સ્મૃતિ'ની શરૂઆતમાં જ જોવા મળે છે. જેમાં કેરળને ધર્મરાજ્ય અને ધર્મસંસ્થાનના રૂપે મહિમામંડિત કરવામાં આવ્યું છે. અર્થાત્ તેમાં સ્પષ્ટપણે તેનું ધાર્મિક રાજ્ય તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આથી જ તેનાં વિરોધાભાસી નિવેદનો, જબરદસ્ત જૂઠાણાંઓ અને મનઘંડત દાવાઓ, બીજું કંઈ નથી પણ કેરળમાં `દ્રવિડિયન મૉડલ' લાગુ કરવાનો માકપાનો સુવિચારિત પ્રયાસ છે. જો તેઓ એવું માનતા હોય કે, તેઓ એવું કરી શકશે, તો તેઓ મૂર્ખ છે. વાસ્તવમાં, ગુરુદેવે શ્રી નારાયણ સંગઠનના તત્ત્વાવધાનમાં સનાતન ધર્મના એક વૈશ્વિક આંદોલનની કલ્પના કરી હતી. `શ્રી નારાયણ સ્મૃતિ' સહિત તેમની અનેક પ્રસિદ્ધ રચનાઓ તેમના દૃષ્ટિકોણની સાક્ષી પૂરે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, શ્રી નારાયણ ગુરુ વિશે ડાબેરીઓ જે પણ વાતો કરી રહ્યા છે તેમનું રાજકીય ષડયંત્ર છે. નારાયણ ગુરુની રગેરગમાં સનાતન ધર્મ હતો અને તેમણે આજીવન તેના માટે કામ કર્યું. તેમણે અપાર ત્યાગ કરીને સમસરતાનો દીપ પ્રગટાવ્યો હતો. માટે આ ડાબેરી જૂથો દ્વારા રજૂ કરવામાં આવતાં જૂઠાં નિવેદનોથી હિન્દુઓ દૂર રહે. સત્ય જુએ અને સમજે, કારણ કે તેઓ આવાં ભડકાઉ ભાષણોથી હિન્દુ સમાજમાં ફૂટ પાડવા માંગે છે. હિન્દુઓ વચ્ચે વિભાજન કરવા માંગે છે. માટે નારાયણ ગુરુનું સૂત્ર યાદ રાખીએ. એ સૂત્ર છે- `એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વર.' આ સૂત્ર યાદ રહે અને આજનું સૂત્ર પણ યાદ રહે કે, `એક હૈ તો સેફ હૈ...!'