# રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના મા. સરકાર્યવાહ શ્રીદત્તાત્રેય હોસબલેજીના વરદ હસ્તે ‘સેવા ભારતી ભવન’નું લોકાર્પણ
# સેવા ભારતી ભવનના પ્રારંભની સાથે જ ૧૫ જેટલા સેવા પ્રકલ્પોની મહાનુભાવોના હસ્તે શરૂઆત
# ઉદ્યોગપતિ શ્રી અશોકભાઈ કથરાણી દ્વારા સેવા ભારતીના ‘સેવા ભવના’ના નિર્માણ માટે ભૂમિદાન
૧૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવાકીય સંસ્થા સેવા ભારતીના ભવ્ય ‘સેવા ભારતી ભવન’ના લોકાર્પણનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાઇ ગયો. આ ભવનનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના મા. સરકાર્યવાહ શ્રીદત્તાત્રેય હોસબલેજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવનના નિર્માણ માટે દાન આપનાર દાતાઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટના અમૂલ સર્કલ પાસે નિર્મિત આ ભવન માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અશોકભાઈ કથરાણીએ ૮૮૦૦ ચોરસ ફૂટ જમીનું દાન કર્યું છે. સંઘપ્રરિત સેવા ભારતીના સેવાકાર્યોથી પ્રેરાઈને અશોકભાઈને આ કામમાં આ સંસ્થાની થાય એટલી મદદ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેમણે મોરબીમાં સંઘના કાર્યકર્તાઓ સમક્ષ વ્યક્ત કર્યો. આ પછી તેમણે મોરબીમાં પોતાની માલિકીની ૮૮૦૦ ચોરસ ફૂટ જમીન સમાજ સેવાકાર્યના અર્થે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટને અર્પણ કરી હતી. આ જમીનની કિંમત અંદાજે ૧.૫ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ભવનના નિર્માણમાં કુલ 4200 વાર જગ્યા પર 77,000 સ્કવેર ફૂટ બાંધકામ કરવામાં આવ્યું છે. કુલ 27 કરોડના ખર્ચે ભવનનું નિર્માણ થયું છે.
લોકાર્પણના કાર્યક્રમાં મા. દત્તાત્રેય હોસબલેજીના હસ્તે શિલ્ડ તથા શાલ ઓઢાડીને અશોકભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેવા ભવનના નિર્માણ માટે અનુદાન, સમય આપનારા દાતાઓનું પણ તેમણે સમ્માન કર્યુ હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દતાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું કે, અંધકાર દૂર થશે પ્રકાશનું પર્વ આજથી શરૂ થશે. જે જગ્યાએ અંધકાર છે ત્યાં પ્રકાશ લાવવામાં આવે. મકરસંક્રાંતિ, કુંભ મેળો, સંઘનું શતાબ્દી વર્ષ આ ત્રિવેણી સંગમના દિવસે આજે સેવા ભારતી ભવનનું લોકાર્પણ થયું તે સૌભાગ્યની બાબત છે.
તેમણે કહ્યું હતું કે, જયારે સમાજ માટે કોઈ સેવા કાર્યે શરૂ થાય છે ત્યારે તેમાં નાગરિકોનો સતત સહયોગ મળતો રહે છે. આ સહયોગ કોઈ દાન આપવાના ભાવ સ્વરૂપે નહીં પણ સમાજમાં પોતાની ભૂમિકા નિભાવવાના હેતુથી લોકો કરતા હોય છે.
સેવા માટે તેમણે સંવેદના, કર્તવ્ય ભાવ તેમજ સમાજ માટે પોતાપણાનો ભાવ મહત્વના ગણાવ્યા હતા. આ સાથે સ્વામી વિવેકાનંદજીને યાદ કરતા કહ્યું હતું કે, સ્વામીજીએ સેવા અને ત્યાગને ભારતીય અધ્યાત્મના બે મહાન આદર્શો ગણાવ્યા હતા. સેવા ભારતીનો પ્રારંભથી આ જ ધ્યેય રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે સંઘના સ્વયંસેવકો કોઈ ભવન કે યુનિવર્સિટીમાં સેવાકાર્યો શીખ્યા નથી પરંતુ શાખામાં રમતા રમતા આ સમાજને પોતાનો ગણીને પ્રેમભાવથી સેવા કરતા રહે છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે બહારના ઉપકરણો કરતા અંદરનું સત્ય વધુ મહત્વનું છે. અંદરનું સત્વ જગાડીને સેવા કાર્ય શરૂ થાય, પછી તેમાં બહારના સંસાધન અને ઉપકરણો આપમેળે જોડાતા જાય છે. સમાજ માટે જયારે સેવા કરીએ ત્યારે તેનું મૂલ્યાંકન જરૂરી છે. તેનાથી ગુણવત્તમાં વધારો થાય અને સેવા કાર્ય વધુ અસરકારક રીતે થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, આપણે બધા એક રાષ્ટ્ર છીએ આ ભાવ આપણામાં આવવો જોઈએ. આપણી પાસે જે કૌશલ્ય, જ્ઞાન, શિક્ષણ, સમય વગેરે વસ્તુઓ છે તે વહેંચીને સેવા કાર્ય કરવા જોઈએ. વર્તમાન સમયમાં તેમણે સમાજ નિર્માણ માટે ચરિત્ર નિર્માણને આવશ્યક ગણાવ્યું હતું.
વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી માનવતાના સંવર્ધનનું મહા અભિયાન સંઘ દ્વારા ચાલી રહ્યું છે મહત્વનું છે કે, આજે સેવા ભારતી ભવનના પ્રારંભની સાથે જ ૧૫ જેટલા સેવા પ્રકલ્પોની મહાનુભાવોના હસ્તે શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે સેવા ભારતીના ટ્રસ્ટી અને વિભાગ સંઘચાલક ડો. સંજીવ ઓઝાએ સ્વાગત પ્રવચન સાથે સેવા ભારતીનો પરિચય આપ્યો તેમ જ સૌનો આભાર પ્રગટ કર્યો. દીપપ્રાગટ્ય બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટમાં ચાલતા સેવા કેન્દ્રમાંથી સંસ્કારીત થયેલી બાલિકાઓએ શ્લોક ગાન કર્યુ.
મહાનુભાવોની ઉપસ્થિતિ...
લોકાર્પણ પ્રસંગે રાજકોટના પ્રથમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પશ્ચિમક્ષેત્ર સંઘચાલક તથા સેવા ભારતી ગુજરાતના અધ્યક્ષ ડો. જયંતીભાઈ ભાડેશીયા, સેવા ભારતી ગુજરાતના મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ , ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ દવે અને નારણભાઈ વેલાની, ક્ષેત્રપ્રચારક ડો. ચિંતનભાઈ ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, પ્રાંત કાર્યવાહ શ્રી મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, પ્રાંત કાર્યકારીણીના મુખ્ય સદસ્યો, રાજયના મંત્રી સર્વ શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરા, પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રાંતના સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકારિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, સુશ્રી પૂનમબેન માડમ, શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઈ ટિલાળા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી દૂર્લભજીભાઈ દેથરિયા, ડો. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, રાજકોટ નૌગરિક સહકારી બેન્કના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા ભારતી ભવનમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ?
ભવનમાં 31 કક્ષ, 2 વિશાળ સભાખંડ, લાઈબ્રેરી અને વાંચનાલય, સ્માર્ટ કલાસરૂમ અને કોમ્યુનિકેશન રૂમ, સ્વાસ્થ્ય ચિકિત્સા કેન્દ્ર, સિલાઈ મશીન તાલીમ, ઇલેક્ટ્રિક વાયરીંગ ટ્રેનિંગ સેન્ટર, સૌંદર્ય પ્રસાધન ટ્રેનિંગ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ છે.