12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે....

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 21-23 માર્ચ 2025 દરમિયાન યોજાઈ ગઈ. વાંચો અહેવાલ...

    ૨૪-માર્ચ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Akhil Bhartiya Pratinidhi Sabha

 

 

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, બંગલુરુ | Akhil Bhartiya Pratinidhi Sabha

 
 
- ગુજરાતમાં અને અખિલ ભારતીય સ્તરે સંઘકાર્યમાં વૃદ્ધિ.
- મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા “નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું.
- સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે “એક થાળી એક થેલા અભિયાન”
- મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા રાહત કાર્ય
- બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથી સાથે ઊભા રહેવાનું આહ્વાન.
- સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સંકલ્પ "વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્દૂ સમાજનું નિર્માણ"
 

akhil bharatiya pratinidhi sabha 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 21-23 માર્ચ 2025 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1482 કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
 
બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને દિપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ સમાજજીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામ ને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં સ્વામી પ્રણવાનંદ તીર્થપાદર, પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ, ઉસ્તાદ ઝાકિર હુસૈન, શ્રી શ્યામ બેનેગલ, શ્રી પ્રિતેશ નંદી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી કામેશ્વર ચૌપાલ, પૂ. સિયારામ બાબા, પૂ. સંત સુગ્રીવાનંદજી મહારાજ સહિત બીજા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
 
સંઘકાર્ય સ્થિતિ :
 
વર્તમાનમાં સંઘની કુલ 83129 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 10,000 શાખાઓનો વધારો થયો છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 32147 છે, જેમાં ગયા વર્ષ કરતાં 4430 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 12,091 છે.
 
 
સેવાકાર્ય સ્થિતિ :
 
દેશભરમાં 89,706 સેવાકાર્યો ચાલી રહ્યા છે. જેમાથી 40,920 શિક્ષાના ક્ષેત્રમાં, 17,461 ચિકિત્સા સેવા, 10,779 સ્વાવલંબનના ક્ષેત્રમાં અને 20,546 સામાજિક જાગરણ સંબંધિત ગતિવિધિ ચાલી રહી છે.
 

akhil bharatiya pratinidhi sabhaરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક, રા.સ્વ.સંઘ) દ્વારા આપવામાં આવી. 
 
 
 
 
ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ :
 
ગુજરાતમાં વર્તમાનમાં 1747 દૈનિક શાખા, 1482 સાપ્તાહિક મિલન તથા 839 સંઘમંડળ છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે.
 
ગુજરાતમાં સેવાકાર્ય :
 
ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2568 સેવાકાર્યો ચાલી રહ્યા છે
 
12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે
 
Join RSS વેબસાઇટના માધ્યમ દ્વારા 2012 થી અત્યાર સુધી 12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
 
કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી ઇતિહાસ બનાવ્યો.
 
પ્રતિનિધિ સભામાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે મહાકુંભ હિન્દુ સમાજનું ગૌરવ વધારનાર, આત્મવિશ્વાસ જગાડવાવાળો તથા અવિસ્મરણીય રહ્યો. કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી ઇતિહાસ બનાવ્યો.
 

Akhil Bhartiya Pratinidhi Sabha 
 
મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા “નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું જેમાં 2,37,964 લોકોની આંખોની તપાસ કરવામાં આવી, 1,63,652 નિ:શુલ્ક ચશ્મા વિતરણ, 17,069 મોતિયાબિંદ ઓપરેશન કરવામાં આવ્યા. કુલ 53 દિવસના આ સેવાકાર્યમાં 300 થી વધુ નેત્ર ચિકિત્સક અને 2800 કાર્યકર્તાઓએ સેવા આપી.
 
સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા સમાજના અનેક સંગઠન અને સંસ્થાઓના સહયોગથી પ્લાસ્ટિકના વિકલ્પરૂપે “એક થાળી એક થેલા અભિયાન” ચલાવવામાં આવ્યું જે ખુબ જ સફળ રહ્યું. આ અભિયાન અંતર્ગત કુલ 2,441 સંસ્થા-સંગઠનો દ્વારા 14,17,064 થાળીઓ અને 13,46,128 થેલાઓનું વિવિધ પ્ંડાલોમાં વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ કુંભની કલ્પના સમાજ સુધી પહોચાડવા આ એક સફળ પ્રયોગ રહ્યો.
 
અહલ્યાબાઈ હોલકરની જન્મ ત્રિશતાબ્દી વર્ષમાં દેશભરમાં અનેક સામાજિક, શૈક્ષણિક સસ્થાઓ દ્વારા લોકમાતા અહલ્યાબાઈ હોલકરના પ્રેરક વ્યક્તિત્વને સમાજની સામે લાવવા માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યા.
 
મણિપુરની ગત 20 મહિનાથી અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા હિંસા પ્રભાવિત લોકો માટે રાહત કાર્ય કર્યું અને વિવિધ સમુદાયો સાથે નિરંતર સંપર્ક રાખીને પરિસ્થિતીને નિયંત્રણમાં કરવાના અને વિવિધ સમુદાયોના લોકો વચ્ચે સમજૂતી માટે પ્રયત્નો કરવામાં આવ્યા.
 
 
પ્રસ્તાવ 1 : બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથી સાથે ઊભા રહેવાનું આહ્વાન
 
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો પર ઇસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા સતત સુનિયોજીત હિંસા, અન્યાય અને ઉત્પીડન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આ સ્પષ્ટપણે માનવ અધિકારોના હનનની ગંભીર બાબત છે.
 
બાંગ્લાદેશમાં વર્તમાન સત્તા પલટા દરમિયાન, મઠ-મંદિરો, દુર્ગા પૂજાના પંડાલો અને શૈક્ષણિક સંસ્થાઓ પર હુમલાઓ, મૂર્તિઓનો અનાદર, ક્રૂર હત્યાઓ, સંપત્તિની લૂંટ, મહિલાઓના અપહરણ અને અત્યાચાર, બળજબરીથી ધર્માંતરણ જેવી ઘણી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાઓને માત્ર રાજકીય ગણાવીને તેના ધાર્મિક પાસાને નકારવું એ સત્યથી મોઢુ ફેરવી લેવા જેવું છે, કારણ કે મોટાભાગના પીડિતો હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના છે.
 
બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુ સમુદાય, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય પર ઉત્પીડન એ કોઈ નવી વાત નથી. બાંગ્લાદેશમાં હિંદુઓની સતત ઘટી રહેલી વસ્તી (1951માં 22 ટકાથી હાલમાં 7.95 ટકા) દર્શાવે છે કે તેઓ અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યા છે. વિશેષરૂપે, છેલ્લા એક વર્ષમાં હિંસા અને ઘૃણાને રાજ્ય અને સંસ્થાકીય રીતે આપવામાં આવેલ સમર્થન ગંભીર ચિંતાનો વિષય છે. સાથે સાથે બાંગ્લાદેશ તરફથી આવી રહેલા સતત ભારત વિરોધી નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધોને ઊંડું નુકસાન પહોંચાડી શકે છે.
 
કેટલીક આંતરરાષ્ટ્રીય શક્તિઓ જાણીજોઈને ભારતના પડોશી પ્રદેશોમાં અવિશ્વાસ અને સંઘર્ષનું વાતાવરણ ઊભું કરી એક દેશને બીજા દેશ વિરુદ્ધ ઉભા કરીને અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ રહી છે. પ્રતિનિધિ સભા વિચારશીલ વર્ગો અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોને ભારત વિરોધી વાતાવરણ, પાકિસ્તાન અને 'ડીપ સ્ટેટ'ની સક્રિયતા પર નજર રાખવા અને તેને ઉજાગર કરવા અનુરોધ કરે છે.
 
પ્રતિનિધિ સભાએ તથ્યને રેખાંકિત કરવા માંગે છે કે આ સમગ્ર પ્રદેશમાં એક સમાન સંસ્કૃતિ, ઇતિહાસ અને સામાજિક સંબંધો છે, જેના કારણે કોઈ એક જગ્યાએ થતી ઉથલપાથલ સમગ્ર પ્રદેશમાં તેનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. પ્રતિનિધિ સભાનું માનવું છે કે તમામ જાગૃત લોકોએ ભારત અને પડોશી દેશોના આ સમાન વારસાને દ્રઢતા આપવાની દીશામાં પ્રયત્નો કરવા જોઈએ.
 
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના હિંદુ સમાજે આ અત્યાચારોનો શાંતિપૂર્ણ, સંગઠિત અને લોકતાંત્રિક રીતે સાહસપૂર્વક વિરોધ કર્યો છે. એ પણ પ્રશંસનીય છે કે ભારત અને વિશ્વભરના હિન્દુ સમાજે તેમને નૈતિક અને ભાવનાત્મક સમર્થન આપ્યું છે. ભારત અને શેષ વિશ્વના અનેક હિંદુ સંગઠનોએ આ હિંસા વિરુદ્ધ આંદોલન અને પ્રદર્શન કર્યા છે અને બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા અને સન્માનની માંગ કરી છે. સાથે સાથે વિશ્વભરના અનેક નેતાઓએ પણ પોતાના સ્તરે આ મુદ્દો ઉઠાવ્યો છે.
 
ભારત સરકારે બાંગ્લાદેશના હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે ઊભા રહેવાની અને અને તેમની સુરક્ષાની આવશ્યકતા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે આ મુદ્દો બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે તેમજ અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઉઠાવ્યો છે. પ્રતિનિધિ સભા ભારત સરકારને બાંગ્લાદેશ સરકાર સાથે સતત સંવાદ જાળવવા અને બાંગ્લાદેશના હિંદુ સમુદાયની સલામતી, ગૌરવ અને સહજ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક સંભવ પ્રયાસ કરવા અનુરોધ કરે છે.
 
પ્રતિનિધિ સભાનો અભિપ્રાય છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વૈશ્વિક સમાજે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તનનું ગંભીરતાથી સંજ્ઞાન લેવું જોઈએ અને બાંગ્લાદેશ સરકાર પર આ હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે દબાણ કરવું જોઈએ. પ્રતિનિધિ સભા હિન્દુ સમુદાય અને અન્યાન્ય દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આહ્વાન કરે છે કે તેઓ બાંગ્લાદેશી હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના સમર્થનમાં એક થાય અને તેમનો અવાજ ઉઠાવે.
 
સંઘની શતાબ્દી ઉપલક્ષ્યમાં સંકલ્પ । વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સમરસ અને સંગઠિત હિન્દુ સમાજનું નિર્માણ
 
હિન્દુ સમાજ અનાદિ કાળથી જેનો ઉદ્દેશ્ય માનવ એકતા અને વિશ્વ કલ્યાણ છે એવી એક સુદીર્ઘ અને અવિસ્મરણીય યાત્રામાં સાધનારત છે. તેજસ્વી માતૃશક્તિની સાથે સંતો, ધર્મગુરુઓ અને મહાપુરુષોના આશીર્વાદ અને પ્રયત્નોને કારણે આપણું રાષ્ટ્ર અનેક ઉતાર-ચઢાવ આવવા છતાં સતત આગળ વધી રહ્યું છે.
 
રાષ્ટ્રીય જીવનમાં કાળક્રમે આવી ગયેલા અનેક દોષોને દૂર કરી ભારતને એક સંગઠિત, ચારિત્ર્યસંપન્ન અને સક્ષમ રાષ્ટ્ર તરીકે પરમ વૈભવ સુધી લઈ જવાના હેતુથી પરમ પૂજનીય ડૉ. કેશવ બલીરામ હેડગેવારે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યનો આરંભ કર્યો. સંઘ કાર્યનું બીજારોપણ કરતા ડૉ. હેડગેવારે દૈનિક શાખાના રૂપમાં વ્યક્તિ નિર્માણની અનોખી પદ્ધતિ વિકસાવી જે આપણી શાશ્વત પરંપરાઓ અને મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટેની નિઃસ્વાર્થ તપસ્યા બની. ડૉ. હેડગેવારના જીવનકાળ દરમિયાન સંઘકાર્ય રાષ્ટ્રવ્યાપી બન્યું. દ્વિતીય સરસંઘચાલક પૂજનીય શ્રી ગુરુજી (માધવ સદાશિવ ગોલવલકર) ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં શાશ્વત ચિંતનના પ્રકાશમાં કાળસુસંગત યુગાનુકુલ રચનાઓના નિર્માણની પ્રક્રિયાનો આરંભ થયો.
 
સો વર્ષની આ યાત્રામાં સંઘે દૈનિક શાખા દ્વારા પ્રાપ્ત કરેલા મૂલ્યો દ્વારા સમાજનો અતૂટ વિશ્વાસ અને સ્નેહ પ્રાપ્ત કર્યો છે. આ કાલખંડમાં સંઘના સ્વયંસેવકોએ પ્રેમ અને આત્મીયતાના બળ પર માન-અપમાન અને રાગ-દ્વેષથી ઉપર ઊઠીને સૌને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કર્યો. સંઘકાર્યની શતાબ્દીના અવસરે અમારું કર્તવ્ય છે કે જેમના આશીર્વાદ અને સમર્થન દરેક પરિસ્થિતિમાં અમારી શક્તિ બન્યા તે આદરણીય સંતો અને સમાજની સજ્જન શક્તિને, પોતાનું જીવન સમર્પિત કરનારા નિઃસ્વાર્થ કાર્યકરો અને મૌન સાધનામાં રત સ્વયંસેવક પરિવારોનું સ્મરણ કરીએ.
 
સૌહાર્દપૂણ વિશ્વ બનાવવા માટે ભારત પાસે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓને પરિણામે અનુભવથી પ્રાપ્ત જ્ઞાન ઉપલબ્ધ છે. આપણું ચિંતન ભેદભાવપૂર્ણ અને આત્મઘાતી પ્રવૃત્તિઓથી માનવને સુરક્ષિત રાખીને ચરાચર વિશ્વમાં એકત્વની ભાવના અને શાંતિ સુનિશ્ચિત કરે છે.
 
સંઘનું માનવું છે કે ધર્મના અધિષ્ઠાન ઉપર આત્મવિશ્વાસથી ભરપૂર સંગઠિત સામૂહિક જીવનના આધારે જ હિન્દુ સમાજ પોતાના વૈશ્વિક દાયિત્વોને પ્રભાવી રીતે નિભાવી શકશે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારના મતભેદોને નકારતા સમરસતાયુક્ત આચરણ, ર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર આધારિત મૂલ્ય-લક્ષી પરિવાર સ્વ-બોધથી ઓતપ્રોત અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સમાજનું ચિત્ર નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ. આના આધાર ઉપર આપણે સમાજના તમામ પ્રશ્નોનું સમાધાન, પડકારોને ઉત્તર આપતા ભૌતિક સમૃદ્ધિ તથા આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ સમર્થ રાષ્ટ્રીય જીવન નિર્માણ કરી શકીશું.
 
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સજ્જન શક્તિના નેતૃત્વમાં સમગ્ર સમાજને સાથે લઈને વિશ્વ સમક્ષ ઉદાહરણરૂપ સમરસ અને સંગઠિત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...