પેક્સ સિલિકા: ટેકનોલોજીની દુનિયામાં ભારતનો ઉદય અને ચીનનો પરાજય
૧૨ જાન્યુઆરી ૨૦૨૬ની એ સવાર ભારતીય શેરબજાર માટે કપરી સાબિત થઈ રહી હતી. સેન્સેક્સ સતત નીચે જઈ રહ્યો હતો અને રોકાણકારોના જીવ અધ્ધર હતા. પરંતુ બપોરના ૧ વાગતા જ જાણે માર્કેટમાં કોઈએ જાદુઈ સ્વિચ દબાવી હોય તેમ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો. આ જાદુ પાછળનું કારણ હતું અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગૉરનું એક નિવેદન. તેમણે પદભાર સંભાળતાની સાથે જ એલાન કર્યું કે, અમેરિકા ભારતને તેના સૌથી શક્તિશાળી અને મહત્વકાંક્ષી ટેકનોલોજી ગ્રુપ ‘પેક્સ સિલિકા’માં સામેલ કરવા જઈ રહ્યું છે.
આ સમાચાર માત્ર શેરબજાર માટે જ નહીં, પરંતુ ૨૧મી સદીની વૈશ્વિક ટેકનોલોજી પોલિટિક્સ માટે 'ગેમ ચેન્જર' માનવામાં આવે છે. આવો સમજીએ કે શું છે આ પેક્સ સિલિકા અને કેમ તેનાથી ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
શું છે પેક્સ સિલિકા?
‘પેક્સ સિલિકા’ એ અમેરિકાની આગેવાની હેઠળનું એક નવું આંતરરાષ્ટ્રીય ગઠબંધન છે, જેની શરૂઆત ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં અત્યાર સુધી જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, નેધરલેન્ડ, બ્રિટન, યુએઈ, ઇઝરાયેલ અને ઓસ્ટ્રેલિયા જેવા ટેકનોલોજીકલી સમૃદ્ધ દેશો સામેલ છે.
સરળ ભાષામાં કહીએ તો, આ એક એવું સંગઠન છે જેનો હેતુ વિશ્વમાં સેમીકન્ડક્ટર (ચિપ્સ), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્રિટિકલ મિનરલ્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગની સપ્લાય ચેઈનને સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવાનો છે.
કેમ જરૂરી છે પેક્સ સિલિકા?
આજના સમયમાં 5G, ડેટા સેન્ટર, રોબોટિક્સ અને એઆઈ જેવી ટેકનોલોજી સિલિકોન ચિપ્સ અને અમુક ખાસ ખનિજો પર ટકી છે. હાલમાં આ સંસાધનો પર ચીનનું પ્રભુત્વ છે. ચીને ભૂતકાળમાં અનેકવાર આ ખનિજોની સપ્લાય રોકીને દુનિયાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો છે. પેક્સ સિલિકાનો મુખ્ય હેતુ ચીન પરની આ નિર્ભરતા ઘટાડવાનો છે. આ ગઠબંધન દ્વારા એવા દેશોનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જે એકબીજા પર વિશ્વાસ કરી શકે અને મુશ્કેલ સમયમાં પણ ટેકનોલોજી અને કાચા માલની સપ્લાય અટકે નહીં.
આ નામ ‘પેક્સ સિલિકા’ જ કેમ?
આ નામ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે:
પેક્સ : આ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે ‘શાંતિ’. ઇતિહાસમાં ‘પેક્સ રોમાના’ (રોમન શાંતિ) જેવો શબ્દ વપરાતો હતો. અહીં તેનો અર્થ આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ દ્વારા સ્થિરતા અને શાંતિ લાવવાનો છે.
સિલિકા (Silica): સિલિકા એટલે કે સિલિકોન, જે આધુનિક ચિપ્સ અને સેમીકન્ડક્ટરનો આધાર છે.
આમ, પેક્સ સિલિકા એટલે કે ‘ટેકનોલોજી અને આર્થિક સહયોગ દ્વારા સ્થાપિત થનારી શાંતિ’.
ભારત માટે કેમ ખાસ છે?
અમેરિકાના રાજદૂત સર્જિયો ગૉરે સ્પષ્ટ કર્યું છે કે ભારત આવતા મહિનાથી આ ગ્રુપનું ‘પૂર્ણ સભ્ય’ બનશે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કારણ કે:....
સેમીકન્ડક્ટર મિશન: ભારત અત્યારે સેમીકન્ડક્ટર ઉત્પાદનનું વૈશ્વિક હબ બનવા માંગે છે. પેક્સ સિલિકામાં જોડાવાથી ભારતને અમેરિકા અને જાપાન જેવા દેશોની ટેકનોલોજી અને રોકાણ સરળતાથી મળશે.
વૈશ્વિક ભૂમિકા: હવે ભારત માત્ર ટેકનોલોજીનો ગ્રાહક નહીં, પરંતુ તેને બનાવનાર અને તેના નિયમો નક્કી કરનાર દેશ બનશે.
રોજગાર: હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગના કારણે ભારતમાં લાખો નવી નોકરીઓનું સર્જન થશે.
સપ્લાય ચેઈન અને વ્યૂહાત્મક અસરો
આ કોઈ સામાન્ય લશ્કરી ગઠબંધન નથી, પરંતુ આ એક ‘ટેકનોલોજીકલ ગઠબંધન’ છે. અમેરિકા સમજી ચૂક્યું છે કે ભવિષ્યમાં યુદ્ધ મેદાનમાં નહીં પણ જેની પાસે ચિપ્સ અને એઆઈ પર કંટ્રોલ હશે તે જીતશે. આ રણનીતિ દ્વારા ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થવ્યવસ્થાને એક સાથે જોડવામાં આવી છે. પેક્સ સિલિકા દ્વારા એક એવું ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે જેમાં ભારત, અમેરિકા અને અન્ય સભ્ય દેશો સંયુક્ત રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કરશે.
ચીનની અકળામણ
પેક્સ સિલિકાનો સીધો અર્થ છે ચીનનો એકાધિકાર તોડવો. અત્યાર સુધી ચીન જે રીતે હાઈ-ટેક માર્કેટમાં દાદાગીરી કરતું હતું, તેના પર હવે લગામ લાગશે. એઆઈ અને હાઈ-ટેક પર ચીનની પકડ નબળી પડશે. જ્યારે ભારત જેવા લોકશાહી દેશો આ સપ્લાય ચેઈનનો મુખ્ય ભાગ બનશે, ત્યારે ચીન માટે અન્ય દેશોને ડરાવવું કે ધમકાવવું મુશ્કેલ બની જશે. ચીન આ ગઠબંધનને પોતાના ટેકનોલોજીકલ એકાધિકારના જવાબ તરીકે જોઈ રહ્યું છે, તેથી તેની અકળામણ વધવી સ્વાભાવિક છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા હવે ચિપ્સ અને એઆઈની દુનિયામાં મોટા પરિવર્તનો લાવી રહી છે. ભારત હવે વૈશ્વિક સ્તરે માત્ર પ્રેક્ષક નથી, પણ એક મુખ્ય ખેલાડી બની ગયું છે. પેક્સ સિલિકા સાથેની આ ભાગીદારી ભારતને ટેકનોલોજી, રોજગાર અને વ્યૂહાત્મક શક્તિના ક્ષેત્રમાં નવી ઊંચાઈએ લઈ જશે.