મહારાષ્ટ્ર । ઠાકરેના ‘ગઢ’માં ગાબડું અને કેસરિયા લહેર પાછળના 10 નિર્ણાયક પરિબળો
મહારાષ્ટ્રની રાજનીતિમાં 16 જાન્યુઆરી, 2026નો દિવસ એક યુગના અંત અને નવા યુગના આરંભનો સાક્ષી બન્યો છે. નવ વર્ષના લાંબા ગાળા બાદ યોજાયેલી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે મહારાષ્ટ્રના શહેરી મતદારોની પ્રથમ પસંદગી 'કમળ' અને 'ધનુષ-બાણ' (શિંદે જૂથ)ની જોડી છે. ખાસ કરીને મુંબઈ (BMC)માં જે રીતે ભાજપ-મહાયુતિએ 118 (આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં) બેઠકો સાથે સરસાઈ મેળવી છે, તેણે ઠાકરે પરિવારના દાયકાઓ જૂના વર્ચસ્વને મોટો પડકાર ફેંક્યો છે. આ જીત માત્ર કોઈ અકસ્માત નથી. તેની પાછળ ભાજપની સચોટ રણનીતિ, જમીની સ્તરે કાર્યકર્તાઓનું નેટવર્ક અને બદલાતી જનસંખ્યાકીય ગણિત જવાબદાર છે. ચાલો વિશ્લેષણ કરીએ એ 10 મજબૂત કારણોનું, જેણે ભાજપને મહારાષ્ટ્રની સત્તાના શિખરે પહોંચાડ્યું…
1. વિકાસ અને હિન્દુત્વ
ભાજપે આ ચૂંટણીમાં 'વિકાસ' અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા'નું એવું મિશ્રણ તૈયાર કર્યું જેની સામે વિપક્ષનો 'સ્થાનિક વિરુદ્ધ બાહ્ય'નો મુદ્દો ફિક્કો પડી ગયો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી આ પ્રથમ મોટી મ્યુનિસિપલ ચૂંટણી હતી, જેણે મરાઠી અને બિન-મરાઠી હિન્દુ વોટબેંકને એકજૂથ કરી દીધી.
2. ડબલ નહીં… ‘ટ્રિપલ એન્જિન’ સરકાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી, રાજ્યમાં ફડણવીસ-શિંદે અને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપની સરકાર…આ 'ટ્રિપલ એન્જિન'ની વાત મતદારોના ગળે ઉતરી ગઈ. શહેરી મતદાર જાણે છે કે જો કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ હશે, તો જ કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનું ભંડોળ ઝડપથી મળી શકશે.
3. ફડણવીસ અને શિંદેની જોડીનું ‘મેજિક’
દેવેન્દ્ર ફડણવીસની વહીવટી કુશળતા અને એકનાથ શિંદેની લોકપ્રિય નેતાની છબીએ જાદુ કર્યો છે. શિંદેએ પોતાને 'સામાન્ય માણસના મુખ્યમંત્રી' તરીકે પ્રસ્થાપિત કર્યા છે, જ્યારે ફડણવીસે રણનીતિકાર તરીકે ભાજપના વોટને ટ્રાન્સફર કરાવવામાં સફળતા મેળવી. શિંદેએ કરેલી 54 રેલીઓ અને રોડ-શોએ છેવાડાના મતદારોને જોડવાનું કામ કર્યું.
4. મહિલા-કેન્દ્રિત યોજનાઓ: ગેમચેન્જર
ભાજપની જીતમાં મહિલા મતદારોનો મોટો હાથ રહ્યો છે. રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ, ખાસ કરીને આર્થિક સહાય અને સુરક્ષાના મુદ્દાઓએ 'સાયલન્ટ વોટર્સ'ને ભાજપ તરફ વાળ્યા. જ્યારે વિપક્ષી નેતાઓ ભાષણો કરવામાં અને પ્રભાવ પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપે ગૃહિણીઓના ખિસ્સા અને રસોડા સુધી પહોંચવાનું કામ કર્યું.
5. વિપક્ષી ગઠબંધન (MVA) માં વિખવાદ અને નેતૃત્વનો અભાવ
મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવાર જૂથ વચ્ચે બેઠકોની વહેંચણી અને નેતૃત્વને લઈને સ્પષ્ટતાનો અભાવ હતો. મુંબઈ જેવા મોટા શહેરમાં કોંગ્રેસની ગેરહાજરીએ ભાજપ માટે મેદાન મોકળું કરી દીધું. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત સભાઓ પણ મતદારોને પ્રભાવિત કરી શકી નહીં.
6. મુંબઈની બદલાતી વોટબેંક…
મુંબઈ હવે માત્ર 'મરાઠી માનૂસ' પૂરતું મર્યાદિત નથી રહ્યું. ઉત્તર ભારતીય, ગુજરાતી અને મારવાડી મતદારો હવે મુંબઈની અનેક બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં છે. આ હિન્દીભાષી અને વ્યવસાયી વર્ગે ભાજપના પક્ષમાં એકતરફી મતદાન કર્યું, જે ઠાકરે બ્રાન્ડ માટે જોખમી સાબિત થયું.
7. ઠાકરે પરિવારનું નબળું પડતું ‘સ્થાનિક’ કાર્ડ
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સતત 'પ્રાદેશિકતા' અને 'સ્થાનિક અસ્મિતા'નો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ આજના યુવા મતદારને નોકરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં રસ છે. યુવા પેઢીએ સંકુચિત રાજનીતિને નકારીને વિકાસલક્ષી રાજનીતિને મત આપ્યો છે.
8. સોશિયલ એન્જિનિયરિંગ અને પવાર કાર્ડનું પતન
પુણે અને નાગપુર જેવા શહેરોમાં પવાર પરિવારનો પ્રભાવ ઓસરી રહ્યો છે. અજીત પવારના મહાયુતિમાં જોડાવાથી પશ્ચિમ મહારાષ્ટ્રની મજબૂત વોટબેંક ભાજપ તરફ સરકી ગઈ. 'પવાર વિરુદ્ધ પવાર'ની જંગમાં જનતાએ સ્થિરતાને વધુ મહત્વ આપ્યું.
9. માઈક્રો-મેનેજમેન્ટ અને ડિજિટલ પ્રચાર
ભાજપની ચૂંટણી લડવાની પદ્ધતિ કોર્પોરેટ જેવી છે. બૂથ સ્તરના કાર્યકર્તાઓથી લઈને સોશિયલ મીડિયા વોરિયર્સ સુધીની તેમની તૈયારી વિપક્ષ કરતા અનેકગણી વધુ હતી. દરેક મતદાર સુધી પક્ષનો સંદેશ પહોંચાડવામાં ભાજપનું માઈક્રો-મેનેજમેન્ટ સફળ રહ્યું.
10. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો પ્રભાવ
મુંબઈ મેટ્રોના નવા રૂટ્સ, કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને ટ્રાન્સ-હાર્બર લિંક જેવા મોટા પ્રોજેક્ટ્સે લોકોની નજરમાં 'ડબલ એન્જિન' સરકારની વિશ્વસનીયતા વધારી છે. મતદારોએ અનુભવ્યું કે ભાજપના શાસનમાં અટકેલા પ્રોજેક્ટ્સ ગતિશીલ બન્યા છે.
અને છેલ્લે…
મહારાષ્ટ્રની આ ચૂંટણીના પરિણામો માત્ર સ્થાનિક જીત છે કે આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટેનું 'લિટમસ ટેસ્ટ' છે? ઠાકરે બ્રાન્ડ માટે આ આત્મમંથનનો સમય છે, જ્યારે ભાજપ માટે આ તેના 'વર્ચસ્વ'ની મહોર છે. મુંબઈના કિનારે ઉઠેલી આ કેસરિયા લહેર હવે સમગ્ર મહારાષ્ટ્રમાં ક્યાં સુધી ફેલાય છે, તે જોવું રસપ્રદ રહેશે.