દક્ષિણનું 'પ્રયાગરાજ': ૨૫૯ વર્ષ પછી કેરળમાં ભક્તિનો મહાકુંભ, જાણો શું છે તિરૂનાવાયાની પૌરાણિક પરંપરા

કેરળમાં ભક્તિનો મહાકુંભ: ૨૫૯ વર્ષ બાદ પુનર્જીવિત થઈ તિરૂનાવાયાની પૌરાણિક "મહામાઘ" પરંપરા

    ૧૯-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

The Prayagraj of South India
 
 
ભારતીય સંસ્કૃતિમાં કુંભ મેળાનું સ્થાન સર્વોપરી છે. કુંભનું નામ પડે એટલે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન કે નાસિક યાદ આવે, પરંતુ હવે આમાં એક નામ બીજું ઉમેરાઈ ગયું છે. હાલ દક્ષિણ ભારતની પવિત્ર ધરતી કેરળમાં એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. કેરળના મલ્લપુરમ જિલ્લામાં આવેલું નાનકડું પણ આધ્યાત્મિક રીતે અત્યંત સમૃદ્ધ અને માત્ર ૩૭ હજારની વસ્તી ધરાવતું તિરૂનાવાયા આજે 'દક્ષિણના પ્રયાગરાજ' તરીકે ઉભરી આવ્યું છે. અહીં ૧૮ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી દક્ષિણ ભારતનો પ્રથમ કુંભ મેળો યોજાઈ રહ્યો છે, જે વાસ્તવમાં ૨૫૯ વર્ષથી બંધ પડેલી પ્રાચીન 'મહામાઘ' ઉત્સવની પરંપરાનું આધુનિક અને ભવ્ય પુનરુત્થાન છે.
 
નિલા નદીના તટે વસેલું તિરૂનાવાયા ઐતિહાસિક રીતે અત્યંત મહત્વનું છે. આ નદીને દક્ષિણની ગંગા માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ ભરતપુઝા છે. જે રીતે ઉત્તર ભારતમાં ગંગાના તટે પિતૃ તર્પણનું મહત્વ છે, તેવું જ આધ્યાત્મિક મહત્વ અહીં નિલા નદીનું છે. આ નદી તમિલનાડુથી શરૂ થઈને કેરળ સુધી પહોંચે છે. નદીની લંબાઈ આશરે ૨૦૯ કિલોમીટર છે. આ પવિત્ર નદીના કિનારે યોજાઈ રહેલા આ કુંભ મેળા પાછળ જૂના અખાડા અને કેરળની ભારતીય ધર્મ પ્રસાર સભાનો મુખ્ય ફાળો છે. સદીઓ પહેલા અહીં દર ૧૨ વર્ષે 'મામાંકમ' ઉત્સવ ઉજવાતો હતો, જે સમય જતાં વિસરાઈ ગયો હતો. હવે જ્યારે માઘ નક્ષત્ર અને પૂર્ણિમાનો દુર્લભ ખગોળીય સંયોગ સર્જાયો છે, ત્યારે આ પરંપરાને 'મહામાઘ કુંભ' તરીકે ફરી જીવંત કરવામાં આવી છે.
 
તિરૂનાવાયાનું મુખ્ય આકર્ષણ અહીંનું પ્રાચીન નવમુકુંદ ભગવાન વિષ્ણુનું મંદિર છે. આ મંદિર સ્થાપત્ય અને શ્રદ્ધાની દ્રષ્ટિએ અદભૂત છે. લોકવાયકા મુજબ, આ મંદિરનું છેલ્લીવાર જીર્ણોદ્ધાર ૧૩૦૦ વર્ષ પહેલાં થયું હતું, જે તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. રસપ્રદ વાત એ છે કે, રાજસ્થાનના પુષ્કર પછી વિશ્વમાં બ્રહ્માજીનું બીજું મહત્વનું મંદિર પણ અહીં જ સ્થિત છે, જે આ સ્થાનની પવિત્રતામાં અનેકગણો વધારો કરે છે. કુંભ મેળાના ભાગરૂપે અહીં માઘી અમાવસ્યાના દિવસે પ્રથમ શાહી સ્નાન યોજાયું હતું. ઉત્તર ભારતના કુંભની જેમ અહીં પણ ભવ્ય 'પેશવાઈ' એટલે કે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેની શરૂઆત તમિલનાડુથી થઈ હતી. આ રથયાત્રામાં સાધુ-સંતો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
 

The Prayagraj of South India 
 
આ કુંભ મેળાની સૌથી નોંધપાત્ર બાબત તેની વ્યવસ્થા છે. ઉત્તરના કુંભની જેમ અહીં કોઈ વિશાળ સરકારી ટેન્ટ સિટી કે અબજો રૂપિયાનું બજેટ નથી, પરંતુ તેના બદલે જનભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે છે. સ્થાનિક લોકોએ 'અતિથિ દેવો ભવ:'ની પરંપરાને ખરા અર્થમાં સાર્થક કરી છે. આસપાસના ૧૫૦૦ જેટલા પરિવારોએ પોતાના ઘરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દીધા છે. લોકોએ પોતાના ઘરની સજાવટ કરી છે અને મહેમાનો માટે રહેવા-જમવાની સગવડ કરી છે. હજારો સ્વયંસેવકો અન્ન પ્રસાદની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કાશીથી આવેલા ૧૨ બ્રાહ્મણો દ્વારા દરરોજ સાંજે નિલા નદીની આરતી કરવામાં આવે છે, જે દ્રશ્ય અયોધ્યા કે બનારસની ગંગા આરતીની યાદ અપાવે છે.
 
ધાર્મિક મહત્વની સાથે સાથે આ આયોજનના રાજકીય અને સામાજિક રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. કેરળમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં હિન્દુ સમાજનું એકત્રીકરણ એક મોટો સંકેત છે. શરૂઆતમાં કેરળ સરકાર આ આયોજનથી અંતર જાળવી રહી હતી, પરંતુ જનમેદની અને ભક્તિનો જુવાળ જોઈને સરકારના મંત્રીઓએ પણ આ આયોજનમાં સંરક્ષક તરીકે જોડાવું પડ્યું છે. કેરળની કુલ વસ્તીમાં ૫૫ ટકાથી વધુ હિન્દુ મતદારો છે, જે અત્યાર સુધી વિવિધ પક્ષો વચ્ચે વહેંચાયેલા હતા. પરંતુ આ આયોજનોથી હિન્દુઓની સાંસ્કૃતિક ઓળખ મજબૂત બની રહી છે, જે આગામી સમયમાં રાજ્યના રાજકીય સમીકરણોમાં ચોક્કસપણે મોટો ફેરફાર લાવી શકે છે.
 
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી મહારાજ, મા અમૃતાનંદમયી દેવી અને અન્ય દિગ્ગજ સંતોની ઉપસ્થિતિએ આ મેળામાં રહી છે. આ કુંભ માત્ર સ્નાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીં વિવિધ ધાર્મિક વિધિઓ, પિતૃ તર્પણ અને દાન-પુણ્યનો મહિમા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દુર્લભ ખગોળીય સંયોગમાં કરેલું સ્નાન અને પૂજન અતિ મહત્વનું છે.
 
કેરળનો આ પ્રથમ કુંભ મેળો દક્ષિણ ભારત માટે એક નવો સૂર્યોદય સમાન છે. તે માત્ર એક પરંપરાનું પુનરાવર્તન નથી, પણ હિન્દુ સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસને વર્તમાન પેઢી સાથે જોડતો એક મજબૂત સેતુ છે. આગામી દિવસોમાં આ મેળો કેરળની આધ્યાત્મિક ઓળખને વધુ પ્રચલિત કરશે અને 'સાઉથના પ્રયાગરાજ' તરીકે જનમાનસમાં પ્રખ્યાત થશે એવું લાગે છે!
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...