૩ જાન્યુઆરી, ૨૦૨૬નો દિવસ ભારત માટે ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થયો છે. નવી દિલ્હીના રાયપિથોરા સાંસ્કૃતિક પરિસર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના પવિત્ર 'પિપરહવા અવશેષો' (Piprahwa Relics) પર આધારિત ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન - પ્રકાશ અને કમળ: જાગૃત વ્યક્તિના અવશેષો ( The Light and the Lotus: Relics of the Awakened One )નું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૨૭ વર્ષોના લાંબા અંતરાલ બાદ બ્રિટનથી પરત આવેલા આ અવશેષો ભારતની સંસ્કૃતિ અને આસ્થાના પુનરુત્થાનનું પ્રતીક છે. આવો તેના વિશે જાણીએ…
પિપરહવા અવશેષોનું મહત્વ…
પિપરહવા અવશેષો એ પવિત્ર કલાકૃતિઓ અને ભગવાન બુદ્ધના અસ્થિઓનો સંગ્રહ છે જે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા પિપરહવા સ્તૂપમાંથી મળી આવ્યા હતા. ઐતિહાસિક રીતે આ સ્થળને ભગવાન બુદ્ધની જન્મભૂમિ 'કપિલવસ્તુ' સાથે જોડવામાં આવે છે. વર્ષ ૧૮૯૮માં બ્રિટિશ એન્જિનિયર વિલિયમ ક્લેક્સટન પેપ્પેએ આ સ્થળે ઉત્ખનન કર્યું હતું. ત્યાંથી રેતીના પથ્થરનું એક સુંદર બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સ પર પ્રાચીન 'બ્રાહ્મી લિપિ'માં એક સંદેશ કોતરવામાં આવ્યો હતો. આ લિપિમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ અવશેષો ભગવાન બુદ્ધના છે અને તેમના 'શાક્ય વંશ'ના અનુયાયીઓએ તેને અહીં સ્થાપિત કર્યા છે. બોક્સની અંદર સ્ફટિકની પેટીઓ, સોનાના આભૂષણો, કિંમતી રત્નો અને અસ્થિઓના ટુકડાઓ મળી આવ્યા હતા. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી તેમના અસ્થિઓના આઠ ભાગ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ભાગ શાક્યોને મળ્યો હતો, જે તેમણે કપિલવસ્તુ (પિપરહવા) માં સાચવી રાખ્યો હતો.
આ અવશેષો બ્રિટન કેવી રીતે પહોંચ્યા અને ભારત પાછા કેવી રીતે આવ્યા?
જ્યારે ૧૮૯૮માં આ શોધ થઈ, ત્યારે ભારત પર બ્રિટિશ શાસન હતું. વિલિયમ પેપ્પે આ અવશેષોમાંથી કેટલાક ભાગો પોતાના ખાનગી સંગ્રહમાં લઈ ગયા અને બ્રિટન જઈ વસ્યા. દાયકાઓ સુધી આ પવિત્ર ધરોહર પેપ્પે પરિવાર પાસે ખાનગી મિલકત તરીકે રહી. ૨૦૨૫માં અચાનક હોંગકોંગમાં પ્રખ્યાત સોથેબી નીલામીમાં આ અવશેષો વેચાણ માટે મૂકવામાં આવ્યા. આ વાતની જાણ થતાં ભારત સરકાર તુરંત સતર્ક થઈ ગઈ. ભારતની સંસ્કૃતિ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો કારણ કે ભારતીય કાયદા મુજબ આ ‘AA’ શ્રેણીની પ્રાચીન ધરોહર છે, જેનું વેચાણ ગેરકાયદેસર છે. કૂટનીતિક અને કાયદાકીય લડત બાદ ભારત આ નીલામી રોકવામાં સફળ રહ્યું. આ પવિત્ર અવશેષો ૩૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ ૧૨૭ વર્ષ પછી ભારતની ધરતી પર પરત લાવવામાં આવ્યા.
ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી મોદીએ ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન - પ્રકાશ અને કમળ: જાગૃત વ્યક્તિના અવશેષો ( The Light and the Lotus: Relics of the Awakened One )ના ઉદ્ઘાટન પ્રસંગે આ ભારત માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુલામી માત્ર રાજકીય કે આર્થિક નથી હોતી, તે આપણા વારસાને પણ નષ્ટ કરી દે છે. સવા સો વર્ષ સુધી આ અવશેષો ભારતની બહાર રહ્યા અને જેઓ તેને લઈ ગયા હતા તેમના માટે તે માત્ર એક 'નિર્જીવ એન્ટિક પીસ' હતા. પરંતુ ભારત માટે તે આરાધ્ય દેવનો અંશ છે. તેમણે કહ્યું કે આ યુગ યુદ્ધનો નથી, પણ બુદ્ધનો છે. તેમણે થાઈલેન્ડ, વિયેતનામ અને મંગોલિયા જેવા દેશોના ઉદાહરણ આપ્યા જ્યાં બુદ્ધના અવશેષોના દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા હતા. રશિયાના કાલ્મિકિયામાં તો અડધી વસ્તી દર્શન કરવા આવી હતી. આ સાબિત કરે છે કે બુદ્ધ આખા વિશ્વને જોડે છે. તેમણે પોતાના જન્મસ્થળ વડનગરનો ઉલ્લેખ કર્યો, જે બૌદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. સાથે જ તેમની કર્મભૂમિ સારનાથ, જ્યાં બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો, તેનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ચીન, જાપાન અને શ્રીલંકાની પોતાની યાત્રાઓ અને ત્યાં આપેલી બોધિ વૃક્ષની ભેટોને યાદ કરી. સરકારે પાલી ભાષાને 'ક્લાસિકલ લેંગ્વેજ'નો દરજ્જો આપ્યો છે જેથી બુદ્ધની વાણી મૂળ સ્વરૂપમાં લોકો સુધી પહોંચે. કુશીનગર, શ્રાવસ્તી અને કપિલવસ્તુ જેવા સ્થળોએ આધુનિક સુવિધાઓ અને 'બૌદ્ધ સર્કિટ'નું નિર્માણ થઈ રહ્યું છે. પિપરહવા અવશેષોનું ભારત પરત આવવું એ માત્ર જૂની વસ્તુઓ પાછી મળવી નથી, પણ ભારતને બૌદ્ધ ધર્મના જન્મસ્થળ તરીકે વિશ્વમાં ફરી સ્થાપિત કરવાની એક મજબૂત કડી છે. ભગવાન બુદ્ધનો 'અત્ત દીપો ભવ' (પોતાનો દીવો પોતે બનો) નો સંદેશ આજે ભારતની આત્મનિર્ભરતાનું મૂળ છે. પ્રધાનમંત્રીએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શન જોવા માટે ખાસ આગ્રહ કર્યો છે, જેથી તેઓ પોતાના ભવ્ય ભૂતકાળને સમજીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ શકે.