નાગપુર: ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ચાલી રહેલી ચર્ચામાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રાર્થના કે ઈબાદત માત્ર લાઉડસ્પીકર અથવા ઘોંઘાટ કરતા સાધનો દ્વારા જ કરવી જોઈએ એવું કોઈ પણ ધર્મ કહેતો નથી. આ સાથે જ કોર્ટે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
આ વિવાદ મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાંથી શરૂ થયો હતો. ગોંડિયાની 'મસ્જિદ ગૌસિયા' દ્વારા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માગ કરવામાં આવી કે મસ્જિદને નમાઝ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે અથવા જે પ્રતિબંધો છે તેને હટાવવામાં આવે. મસ્જિદ પક્ષનો તર્ક હતો કે લાઉડસ્પીકરનો ઉપયોગ એ તેમના ધાર્મિક અધિકારોનો ભાગ છે. અગાઉ વહીવટીતંત્ર દ્વારા લાઉડસ્પીકરના ઉપયોગ પર મર્યાદાઓ મુકવામાં આવી હતી, જેને પડકારતા મસ્જિદ કમિટી હાઈકોર્ટ પહોંચી હતી. ૧૬ ઓક્ટોબરના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, "શું ઇસ્લામ કે કોઈ ધાર્મિક ગ્રંથમાં એવું લખ્યું છે કે લાઉડસ્પીકર વગર નમાઝ અદા ન થઈ શકે?" કોર્ટે અરજદારને આ બાબતે પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો. જોકે, અરજદાર પક્ષ કોઈ દસ્તાવેજી પ્રમાણ રજૂ કરી શક્યો નહી.
કોર્ટે ચુકાદો આપતા શું કહ્યું?
જસ્ટિસ અનિલ પંસારે અને જસ્ટિસ રાજ વકોડેની ખંડપીઠે આ મામલે અત્યંત ગંભીર અવલોકનો કર્યા: કોર્ટે કહ્યું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ધર્મનું પાલન કરવું એ કોઈનો મૌલિક અધિકાર હોઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો હવાલો આપતા બેન્ચે જણાવ્યું કે, બીજાની શાંતિ ભંગ કરીને પ્રાર્થના કરવી એવું કોઇ ધર્મ શીખવતો નથી. કોર્ટે નોંધ્યું કે અરજદાર પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે કે લાઉડસ્પીકર ધાર્મિક પરંપરા માટે ફરજિયાત છે.
ભારતમાં દરેક નાગરિકને શાંતિથી જીવવાનો Right not to listen પણ અધિકાર છે. તમે કોઈને તમારો અવાજ સાંભળવા માટે મજબૂર કરી શકો નહીં. આ ઉપરાંત કોર્ટે ધ્વનિ પ્રદૂષણને એક ગંભીર ખતરો ગણાવ્યો. હાઈકોર્ટે કહ્યું કે સતત ઘોંઘાટથી શરીરમાં 'કોર્ટિસોલ' જેવા નુકસાનકારક રસાયણો વધે છે, જેનાથી હાર્ટ અટેક, બીપી, ચીડિયાપણું અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે આ ઘોંઘાટ જોખમી છે.
કોર્ટે પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અવાજની મર્યાદા ઓળંગવી એ કાયદાકીય ગુનો છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ આ મુદ્દે સંવેદનશીલ રહેવા અને અસરકારક પગલાં લેવા સૂચના આપી હતી.
બોમ્બે હાઈકોર્ટનો આ આદેશ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ધાર્મિક આસ્થાના નામે પર્યાવરણ સાથે બાંધછોડ કરી શકાય નહીં. પ્રાર્થના એ અંતરની શ્રદ્ધાનો વિષય છે, જે શાંતિપૂર્ણ રીતે પણ કરી શકાય છે. લાઉડસ્પીકર એ આધુનિક સાધન છે, ધાર્મિક પરંપરાનો મૂળભૂત હિસ્સો નથી.