‘તત્ત્વમસિ’: સંઘના પ્રચારકોના સમર્પિત જીવનની એક ઝલક
આપણે સૌ જાણીએ છીએ કે શ્રીધર પરાડકરજી વર્ષોથી સામાજિક ક્ષેત્રે કાર્યરત છે. એક લેખક, ચિંતક અને કુશળ સંગઠક તરીકે તેમની દેશભરમાં ખ્યાતિ છે. જ્યારે તેમના જેવી અનુભવી વ્યક્તિ કલમ ઉઠાવે, ત્યારે સ્વાભાવિક છે કે તે લખાણ સમાજના અનેક પાયાના પ્રશ્નોના ઉત્તર લઈને જ આવે.
આજના બદલાતા સામાજિક અને રાજકીય માહોલમાં સામાન્ય લોકોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રત્યેની જિજ્ઞાસા વધી છે. સંઘ હવે તેની શતાબ્દી યાત્રા (100 વર્ષ) પૂર્ણ કરી રહ્યો છે, ત્યારે લોકો સુધી પહોંચવાના તેમના પ્રયાસો પણ વધ્યા છે. આવા જ એક સમયે, સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રીધર પરાડકરની નવલકથા ‘તત્ત્વમસિ’ ખૂબ જ સરળ શૈલીમાં સંઘના કાર્યને લોકો સામે મૂકે છે. જોકે આ એક નવલકથા છે, પણ તેમાં લેખકના પોતાના અનુભવો વણાયેલા હોવાથી તે આત્મકથા જેવી જીવંત લાગે છે. એક પ્રચારકનું જીવન કેવું હોય અને સંઘ કેવી રીતે કામ કરે છે, તે સમજવામાં આ પુસ્તક પૂરેપૂરું સફળ રહ્યું છે.
વાર્તારૂપે વિચારોની રજૂઆત…
કહેવાય છે કે માત્ર વિચારો કે સિદ્ધાંતો સમજવા અઘરા હોય છે, પણ જો તેને વાર્તાનું રૂપ આપવામાં આવે તો તે સીધા હૃદય સુધી પહોંચે છે. પૂજ્ય સરસંઘચાલક ડો. મોહન ભાગવત હંમેશા કહે છે કે, “સંઘને સંઘની અંદર આવીને જ સમજી શકાય છે.” સંઘ તેની સ્થાપનાથી જ વિવાદો અને ટીકાઓનો સામનો કરતો આવ્યો છે. લેખક શ્રીધર પરાડકરે પોતે જે સંઘર્ષો અને અનુભવો જોયા છે, તેને આ પુસ્તકમાં એવી રીતે વણી લીધા છે કે વાંચતી વખતે એ બધું જ આપણી નજર સામે જીવંત થાય છે.
આ નવલકથાની સૌથી મોટી ખાસિયત તેની રોચકતા છે. સંગઠન અને વિચારધારા જેવા ગંભીર વિષયો હોવા છતાં, પરાડકરજીની લખવાની શૈલી એટલી પ્રવાહી છે કે વાંચક તેમાં ખોવાઈ જાય છે. આ પુસ્તક માત્ર સંઘની કાર્યપદ્ધતિ જ નહીં, પણ વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ પરિવર્તનનો તેમનો વિચાર પણ સ્પષ્ટ કરે છે.
ભગવા કપડાં પહેર્યા વગર એક સાધુ જેવું જ પવિત્ર જીવન
પુસ્તકના મુખ્ય પાત્ર છે ‘પરિતોષ બાબુ’, જે સંઘના પ્રચારક છે. સામાન્ય રીતે લોકો પ્રચારકો વિશે બહુ ઓછું જાણે છે. આ પુસ્તક સમજાવે છે કે ‘પ્રચારક પરંપરા’ એટલે એવા લોકો, જેઓ ભગવા કપડાં પહેર્યા વગર પણ એક સાધુ જેવું જ પવિત્ર અને ત્યાગમય જીવન જીવે છે. તેઓ સમાજની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોના ઉકેલ શોધે છે. પત્રકાર અનંત વિજયે બરાબર જ નોંધ્યું છે કે, હિન્દી સાહિત્યમાં કોઈ સંગઠનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ એક અનોખી નવલકથા છે.
સંવાદ થકી સંગઠન
નવલકથાની શરૂઆતમાં જ પરિતોષ બાબુની ટ્રેન મુસાફરી દ્વારા તેમના વિચારો અને સ્વભાવનો પરિચય થાય છે. લેખકે બતાવ્યું છે કે કેવી રીતે એક પ્રચારક લોકો સાથે વ્યક્તિગત સંપર્ક વધારમાં જ માને છે. જ્યારે મુસ્લિમ યુવાન અફરોઝને મળવાની વાત આવે છે, ત્યારે પરિતોષ બાબુ કહે છે કે, "તેને બોલાવશો નહીં, આપણે સામેથી તેના ઘરે જઈશું." આ વાક્ય સંઘની સાચી કાર્યપદ્ધતિ દર્શાવે છે, જ્યાં પ્રેમ અને પોતાનાપણા દ્વારા પરિવારો સાથે સંબંધ જોડવામાં આવે છે.
અનેક ભ્રમ તોડનારી છે આ પુસ્તક
આ પુસ્તક આજના સમયના અઘરા સવાલોના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. નોરા, સદાનંદ, અફરોઝ અને સ્નેહલ જેવા અલગ-અલગ પાત્રો દ્વારા લેખકે સમાજના વડીલોની ભૂમિકા અને યુવાનોના મનમાં રહેલી શંકાઓનું સુંદર નિરૂપણ કર્યું છે. જે લોકોએ દેશ માટે પોતાનો પરિવાર છોડી દીધો, તેમની માનસિકતા કેવી હોય છે તે આ પુસ્તક શીખવે છે. સંઘ વિશે ફેલાયેલા અનેક ભ્રમો અને ખોટા પ્રચારોનો આ પુસ્તક વળતો જવાબ આપે છે.
આ એક અલગ પ્રકારનું સાહિત્ય છે. તત્ત્વમસિમાં અનુભવને શબ્દોનુરૂપ આપવામાં આવ્યું છે. આ નવલકથા માત્ર એક સંગઠનની વાત નથી કરતી, પણ નવા ભારતના નિર્માણમાં લાગેલા રાષ્ટ્રપ્રેમીઓની ઓળખ કરાવે છે. 1925માં ડૉ. હેડગેવાર દ્વારા રોપાયેલું આ બીજ આજે વટવૃક્ષ બન્યું છે. સંઘને પક્ષપાત વગરની નજરે જોવાનો આ એક પ્રામાણિક અને સાર્થક પ્રયાસ છે.
લેખક: પ્રો. સંજય દ્વિવેદી