શું ચંદ્ર બનશે માનવજાતનું બીજું સરનામું? એલન મસ્કે સમય જાહેર કરી દીધો છે

આ સમગ્ર હિલચાલ સૂચવે છે કે માનવજાત હવે ખરેખર "મલ્ટિ-પ્લેનેટરી" બનવાની દિશામાં પ્રથમ મક્કમ ડગલું માંડી રહી છે.

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

chandramishan
 
 
અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે એક રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. વિશ્વની બે સૌથી શક્તિશાળી ખાનગી સ્પેસ કંપનીઓ, એલોન મસ્કની 'સ્પેસએક્સ' અને જેફ બેઝોસની 'બ્લુ ઓરિજિન' એ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. વર્ષો સુધી મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોયા અને બતાવ્યા પછી, હવે આ બંને દિગ્ગજોએ પોતાનું પૂરું ધ્યાન અને સંસાધનો 'ચંદ્ર' તરફ વાળી દીધા છે. એલોન મસ્કે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેઓ માર્ચ 2027 સુધીમાં ચંદ્ર પર માનવરહિત લેન્ડિંગ અને આગામી એક દાયકામાં ત્યાં 'સેલ્ફ-ગ્રોઈંગ' (સ્વ-વિકસિત) શહેર વસાવવા માંગે છે. આ ફેરફાર પાછળ માત્ર ઉત્સાહ નથી, પરંતુ અનેક સમીકરણો જવાબદાર છે.
 
આ પરિવર્તનનું સૌથી મોટું કારણ ટેકનોલોજી પણ છે. સ્પેસએક્સ તેના 'સ્ટારશિપ' જેવા મહાકાય રોકેટને મંગળ સુધી મોકલતા પહેલા ચંદ્ર પર ચકાસવા માંગે છે. લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ પણ ચંદ્ર ઘણો અનુકૂળ છે; તે પૃથ્વીથી માત્ર ત્રણ દિવસના અંતરે છે, જે મંગળની સરખામણીએ સંદેશાવ્યવહાર અને મુસાફરી માટે અત્યંત સરળ છે. જ્યાં મંગળ પર જવા માટે દર ૨૬ મહિને એક જ તક મળે છે, ત્યાં ચંદ્ર માટે દર મહિને ત્રણ વાર લોન્ચ વિન્ડો ઉપલબ્ધ હોય છે. આથી, પ્રયત્ન કરતા નિષ્ફળતા પણ મળે તો ભૂલો સુધારીને ફરી પ્રયાસ કરવાની ઝડપ અહીં અનેકગણી વધી જાય છે.
 
બીજી તરફ, જેફ બેઝોસની 'બ્લુ ઓરિજિન' પણ આ સ્પર્ધામાં ઉતરી છે. તેમણે તેમના સ્પેસ ટુરિઝમ પ્રોગ્રામને હાલ પૂરતો અટકાવીને તમામ શક્તિ નાસાના 'આર્ટિમિસ' પ્રોગ્રામ માટે લુનર લેન્ડર વિકસાવવા પાછળ લગાવી દીધી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્ર પર ફરીથી વર્ચસ્વ જમાવવાની જે 'સ્પેસ રેસ' શરૂ થઈ છે, તેમાં નાસા માટે આ ખાનગી કંપનીઓ કરોડરજ્જુ સમાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્ર પર પહોંચવું એ હવે માત્ર વિજ્ઞાન નહીં, પણ જીઓપોલિટિકલ નેતૃત્વનું પ્રતીક બની ગયું છે. મસ્ક માટે આર્થિક પાસું પણ મહત્વનું છે, કારણ કે સ્પેસએક્સના આઈપીઓ પહેલા રોકાણકારોને મંગળના દૂરના સપના કરતા ચંદ્રના ચોક્કસ અને ટૂંકા ગાળાના લક્ષ્યો વધુ આકર્ષક લાગે છે.
 
'મલ્ટિ-પ્લેનેટરી'
 
આ સમગ્ર હિલચાલ સૂચવે છે કે માનવજાત હવે ખરેખર 'મલ્ટિ-પ્લેનેટરી' બનવાની દિશામાં પ્રથમ મક્કમ ડગલું માંડી રહી છે. ચંદ્ર પર વસનારું શહેર મંગળ અને તેનાથી આગળના આંતરગ્રહીય પ્રવાસો માટે એક 'રીફ્યુઅલિંગ સ્ટેશન' અને 'લોન્ચિંગ પેડ' તરીકે કાર્ય કરશે. મસ્કની xAI કંપનીના માધ્યમથી આ મિશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ વ્યાપક ઉપયોગ થશે, જે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં નવી ગતિ આપશે.
 
ટૂંકમાં, મંગળ પહેલા ચંદ્ર તરફ આગળનો આ અભિગમ એ મંગળ પર જવાના મિશનથી પીછેહઠ નથી, પણ ત્યાં સુધી સુરક્ષિત રીતે પહોંચવા માટેની એક તૈયારી છે. એક રોડમેપ છે. ચંદ્ર પર મસ્કના કુત્રિમ ઉપગ્રહનું 2027માં જે લેન્ડિંગ થવાનું છે, તે માત્ર એક વૈજ્ઞાનિક પ્રયોગ નથી, પણ એ જોવાની કસોટી છે કે શું આપણે ખરેખર પૃથ્વીની બહાર નવી વસાહત ઊભી કરવા માટે સક્ષમ છીએ. આવનારાં દસ વર્ષો એ નક્કી કરી દેશે કે ચંદ્ર માનવજાતનું બીજું સરનામું બનશે કે નહી!

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...