સમાજોદય । ધગધગતા રણની વચ્ચે મહાદેવનો ચમત્કાર: ઓમાનના આ ૧૨૫ વર્ષ જૂના શિવમંદિરમાં ક્યારેય નથી સુકાતો કૂવો!

ઓમાનની રાજધાની મસ્કતમાં પહોંચ્યા ત્યારે માધ્યમોમાં ઓમાનમાં વસતા ભારતીયોની સાથે અહીંના ઐતિહાસિક એવા મોતીશ્વર શિવમંદિરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ મંદિર ન માત્ર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે બલ્કે, અરબ જગતમાં ભારતીય વિરાસતની સદીઓ જૂની મજબૂતીનું પણ સાક્ષી છે. આ એક મુસ્લિમ મુલકમાં થયેલો હિન્દુત્વનો સમાજોદય છે.

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Motishwar Mahadev: Oman
 
 
સમાજોદય । મુસ્લિમ મુલક ઓમાનમાં મહાદેવનો મહિમા । જ્યાં ચારે બાજુ રણ છે, પરંતુ મંદિરમાં કૂવા છે અને તેમાં કાયમ પાણી હોય છે
 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થોડા સમય પહેલાં વિદેશ યાત્રા અંતર્ગત ઓમાનની રાજધાની મસ્કતમાં પહોંચ્યા ત્યારે માધ્યમોમાં ઓમાનમાં વસતા ભારતીયોની સાથે અહીંના ઐતિહાસિક એવા મોતીશ્વર શિવમંદિરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ મંદિર ન માત્ર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે બલ્કે, અરબ જગતમાં ભારતીય વિરાસતની સદીઓ જૂની મજબૂતીનું પણ સાક્ષી છે. આ એક મુસ્લિમ મુલકમાં થયેલો હિન્દુત્વનો સમાજોદય છે. અહીં ઓમાનના ઐતિહાસિક અને ચમત્કારિક શિવ મંદિરની ગાથા પ્રસ્તુત છે.
 
 
 

Motishwar Mahadev: Oman મસ્કત સ્થિત મોતીશ્વર શિવમંદિર
 
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તાજેતરમાં ખાડીના એક મુસ્લિમ દેશ ઓમાનના પ્રવાસે હતા. ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મ ઓમાનનો બીજો સૌથી મોટો ધર્મ છે. ઓમાનની કુલ જનસંખ્યામાં ૫.૫ ટકા હિન્દુ જનસંખ્યા છે. સદીઓથી ખાડીનો આ દેશ હિન્દુ વેપારીઓને આકર્ષિત કરતો રહ્યો છે. હિન્દુ ધર્મને અહીં પહોંચવાની વાત કરીએ તો, ૧૫૦૭માં ગુજરાતના કચ્છના કેટલાક વેપારીઓ અહીં પહોંચ્યા હતા, તેમની સાથે હિન્દુ ધર્મ પણ ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ ઓમાનમાં ભારતીયોનું પહોંચવાનું શરૂ થયું હતું. આજે ઓમાનમાં ભારતીયોને ખૂબ જ સન્માનની નજરે જોવામાં આવે છે. અને ઓમાનની અર્થવ્યવસ્થામાં પણ ભારતીયો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. આ જ ઓમાનમાં ખાડી દેશોનું સૌથી પ્રાચીન હિન્દુ મંદિર મોતીશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ઓમાનમાં આધિકારિકરૂપે માન્યતા પ્રાપ્ત બે હિન્દુ મંદિર છે. મસ્કતનું મોતીશ્વર મંદિર અને બીજું દરસૈત સ્થિત કૃષ્ણમંદિર. મોતીશ્વર મંદિર એક શિવમંદિર છે, જે પશ્ચિમ એશિયા (પશ્ચિમના દેશોની નજરે Midele East) ક્ષેત્રના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. અને તે ઓમાનના પ્રાચીન મસ્કતના મુત્તરાહ ક્ષેત્રમાં અલ આલમ મહેલ પાસે સ્થિત છે.
 
કોણે નિર્માણ કરાવ્યું હતું આ મંદિર
 
એવું કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ ગુજરાતના કચ્છના કેટલાક વેપારીઓ અને અવિભાજિત ભારતના સિંધ, પાકિસ્તાનમાંથી ઓમાન ગયેલા ભાટિયા સમુદાયના સહયોગથી કરવામાં આવ્યું હતું. ગલ્ફ ન્યુઝ મુજબ આ મંદિરનું નિર્માણ ૧૨૫ વર્ષ પહેલાં ગુજરાતના વેપારી સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં ૧૯૯૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
 
મોતીશ્વર મંદિર પરિસરમાં બે હિન્દુ મંદિરો આવેલાં છે. શ્રી આદિ મોતીશ્વર મંદિર અને શ્રી હનુમાનજી મંદિર. મંદિરમાં ત્રણ પૂજારી ત્રણ સહાયક કર્મચારી અને ચાર પ્રશાસનિક કર્મચારી છે. જે આ મંદિરનો કાર્યભાર સંભાળે છે. આ મંદિરનું સૌથી ચમત્કારિક સ્થળ અહીંનો કૂવો છે. ઉલ્લેખનીય છે કે, ઓમાન એક રેગિસ્તાન દેશ છે, જ્યાં વરસાદ લગભગ ન થવા બરાબર થાય છે. પરિણામે અહીં પાણીની સતત અછત રહે છે. મોતીશ્વર શિવમંદિર પરિસરમાં આવેલા કૂવા સાથે એક એવી માન્યતા જોડાયેલી છે, જેને શ્રદ્ધાળુઓ મહાદેવનો ચમત્કાર ગણે છે. મંદિર પરિસરમાં આવેલો આ પ્રાચીન કૂવો ગમે તેટલી ગરમી કે મોટા દુષ્કાળ દરમિયાન પણ સુકાતો નથી. ભયંકર રેગિસ્તાનની મધ્યે હોવા છતાં પણ આ કૂવો આખું વર્ષ પાણીથી ભરાયેલો રહે છે. કૂવાની આ ચમત્કારિક વિશેષતાને કારણે ન માત્ર હિન્દુઓ, અહીંના સ્થાનિકો પણ તેને ખૂબ જ પવિત્ર માને છે. સ્થાનિકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે, આ કૂવાની આસપાસ દૂર દૂર કોઈ જળસ્રોત, નદી વગેરે નથી, છતાં આ કૂવો ક્યારેય સુકાતો નથી. મહાશિવરાત્રિ જેવા મોટા હિન્દુ તહેવારો પર જ્યારે અહીં ૨૦ હજારથી પણ વધારે શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે ત્યારે આ કૂવો પોતાની શીતળતાથી મંદિરની જીવંતતા બનાવી રાખે છે અને આ કૂવો મંદિર અને ભગવાન શિવમંદિર પ્રત્યેની આસ્થાને વધારે દૃઢ બનાવે છે.
 
ઓમાનમાં હિન્દુ જનસંખ્યા
 
ઓમાનમાં ભારતીયોની કુલ જનસંખ્યા ૬,૭૬,૭૮૧ (૨૦૨૫ સુધી) છે. ઓમાન સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ, ઓમાનમાં ૫,૧૫,૯૧૭ ભારતીય પુરૂષ અને ૧,૬૦,૮૬૪ ભારતીય મહિલાઓ રહી રહી છે. નેશનલ સેંટર ફોર સ્ટેટિસ્ટિક એન્ડ ઇન્ફોર્મેશન (NCSI)ના ઓક્ટોબર ૨૦૨૫ના આંકડા મુજબ ઓમાનમા ૫,૧૯,૬૦૯ ભારતીયો પાસે વર્ક વિઝા છે. કેટલાંય ભારતીય પરિવારો ૨૫૦ વર્ષોથી પણ વધારે સમયથી ઓમાનમાં રહે છે.
 

Motishwar Mahadev: Omanઓમનના દરસૈતમાં આવેલું શ્રી કૃષ્ણ મંદિર 
 
 
ઓમાનમાં હજારો ભારતીય ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક, પ્રાદ્યાપક, નર્સ, મેનેજર તરીકે કામ કરી રહ્યાં છે. ઓમાનના નિર્માણ અને વિકાસમાં પણ ભારતીય પ્રવાસી સમુદાયનું મોટું યોગદાન રહેલું છે, તેનો સ્વીકાર ઓમાન સરકાર પણ કરે છે. ઓમાનમાં હાલ ૨૨ ભારતીય શાળાઓ છે, જેમાં ૪૮,૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ઓમાનમાં ભારતીય સમુદાય મોટે ભાગે મસ્કત, અલાબાદ, સોહર અને સુરમાં રહે છે. આ તમામ ભારતીયો ઇંડિયન સોશલ કલબ મારફતે એક બીજા સાથે જોડાયેલા છે.
 
ઓમાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર ઓમાનમાં ૪૧૦૦થી વધારે ભારતીય એન્ટરપ્રાઈઝ અને પ્રતિષ્ઠાન છે, જેમાં અનુમાનિત ૭૫ બિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ છે. આ સિવાય ત્યાં અનેક ભારતીય વ્યવસાયી એવા છે, જેઓએ ઓમાનમાં પોતાનો ખૂબ મોટો વ્યવસાય ઊભો કર્યો છે. આવું જ એક નામ કનકસી ખિમજી છે. આ પરિવારની ત્રીજી પેઢીના કનકસી ખિમજીને ઓમાનના સુલતાન દ્વારા શેખની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર આરબ જગતમાં હિન્દુ સમુદાયના કોઈ સદસ્યને આપેલી આ પહેલી અને એકમાત્ર ઉપાધિ છે. ઉલ્લેખનીય છે કે, ઓમાનના દરસૈતમાં પણ એક પ્રસિદ્ધ કૃષ્ણમંદિર આવેલું છે. ગુજરાતનાં ખિમજી રામદાસજી દ્વારા બંધાવાયેલા આ મંદિરનો; ત્યાં વસતા હિન્દુ સમુદાયમાં મોટો મહિમા છે. ખિમજી પરિવાર જ આ મંદિરનું સંચાલન કરે છે. ખિમજી પરિવાર ઓમાનના સુલતાન સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. કહેવાય છે કે, આટલાં વર્ષો બાદ પણ એક મુસ્લિમ દેશમાં રહેવા છતાં આ પરિવાર અક્ષુણ્ણ શાકાહારી રહ્યો છે અને શ્રીનાથજી પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે. કૃષ્ણમંદિરના પૂજારી જયંત વ્યાસ મુજબ ‘જ્યારે ભારતમાં બાબરી માળખું ધ્વસં થયું ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ ઓમાનમાં પણ રખે ને આ મંદિર પર હુમલો ન થાય તે માટે તેઓએ ખુદના અંગરક્ષકોને કોઈપણ સંજોગોમાં મંદિરનું રક્ષણ કરવાના આદેશ આપ્યા હતા. અને હિન્દુઓને આશ્ર્વાસન આપ્યું હતું કે, કોઈપણ ધમકી કે હુમલાથી ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. તમે તમારી પૂજાઅર્ચના ચાલુ રાખો.’
ઓમાન સ્થિત સેંકડો સનાતનીઓની આસ્થાના કેન્દ્રસમું આ પ્રાચીન શિવમંદિર ભારતીય પરંપરાની વૈશ્ર્વિક સ્વીકાર્યતાનું નહિ સાથે સાથે સદીઓથી પશ્ચિમ એશિયામાં થઈ રહેલા હિન્દુ સમાજોદયનું પણ પ્રતીક છે.
 
૧૨૫ વર્ષ જૂનું મંદિરશ્રી મોતીશ્વર મહાદેવ મંદિરનો પાયો ૧૨૫ વર્ષ પહેલાં ૧૯૦૦ની આસપાસ નાખવામાં આવ્યો હતો. ગલ્ફ ન્યુઝ મુજબ ગુજરાતના કચ્છના વેપારીઓ ૧૫૦૦ના દાયકામાં વેપાર અર્થે ઓમાનમાં આવી વસ્યા હતા. આ વેપારીઓએ પોતાની આસ્થાને જીવંત રાખવા આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સમય સાથે આ મંદિર માત્ર પૂજાસ્થળ જ નહિ બલ્કે, ઓમાનમાં વસતા ભારતીય સમુદાયનું સૌથી મોટું સંગમસ્થળ બની ગયું. ૧૯મી સદીમાં અહીં ગુજરાતી વેપારીઓનો પ્રભાવ એટલો તો વધી ગયો હતો કે, તેમના સુલતાનો સાથે ખૂબ જ મધુર સંબંધો બંધાઈ ગયા હતા. આ જ સોહાર્દની વિરાસતને આગળ વધારતાં ૧૯૯૯માં આ મંદિરનું ભવ્ય નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું, જે આજે સંપૂર્ણ આભા સાથે મસ્કતના અલઆલમ પેલેસ સમીપ ઊભું છે.
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...