ભારતની વૈશ્વિક ભૂમિકા : કાલ, આજ અને આવતીકાલ | સંવાદની એક સ્વદેશી રીત વિકસાવીએ : જે. નંદકુમાર

છે. પૂ.ગુરુજીના વિચાર આપણી સમક્ષ ‘વિચાર નવનીત’ પુસ્તક રૂપે રજૂ થયો છે. તે પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ‘અવર મિશન એ ગ્લોબલ મિશન’ છે. જેમાં તેઓ લખે છે કે, આપણે સમગ્ર વિશ્વ સાથે સંવાદ કરવો જોઈએ.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

j nandakumar bharatiya vichar manch gujarati
 
 
 

દિ. ૧૬ ફેબ્રુઆરીના રોજ ભારતીય વિચાર મંચ દ્વારા કર્ણાવતીમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે - ‘ભારતની વૈશ્ર્વિક ભૂમિકા : કલ, આજ ઔર કલ’ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠિનું આયોજન થયું હતું. સંગોષ્ઠિના સમાપન સત્રમાં રા.સ્વ. સંઘના અ.ભા. કાર્યકારણી સદસ્ય શ્રી જે. નંદકુમારજી દ્વારા ‘સભ્યતાથી રણનીતિ સુધી ભારતીય વિચાર અને વૈચારિક શક્તિની સંરચના’ વિષય પર પ્રભાવી ઉદ્‌બોધન થયું હતું. જે અત્રે પ્રસ્તુત છે...
 
 
વિજ્ઞાન અને ટેકનોલોજી, એ પાશ્ચાત્ય દેણ છે, એવો વિમર્શ હંમેશાથી ચાલતો આવ્યો છે પરંતુ વિજ્ઞાન એ માત્ર પાશ્ચાત્ય લોકોની દેણ નથી, આધુનિક કાળમાં કેટલીક શોધો જરૂર તેઓએ વિશ્વ સમક્ષ રાખી છે, પરંતુ કેટલીક બાબતો તેઓએ ભારત પાસેથી લઈ તેને રિક્રિએટ કરી છે. માટે તે પાશ્ચાત્ય દેશોનું એકસ્લુઝિવ પ્રદાન નથી. વિજ્ઞાનનું એક પણ ક્ષેત્ર એવું નથી જેને ભારતે સ્પર્શ્યું ન હોય. ભારતના વિજ્ઞાનનું લક્ષ્ય પરમોચ્ચ મુક્તિ છે એટલે જ આપણે ત્યાં ‘सा विद्या या विमुक्तये’ કહેવાયું છે. ભારતનું વિઝન સમગ્ર વિશ્વના સમાજને સાથે લઈ ચાલવાનું છે, કોઈને દબાવવા કે કોઈને ગુલામ બનાવવા માટે નથી. જ્યારે પાશ્ચાત્ય વિજ્ઞાનના પ્રયોગો માત્ર વ્યક્તિઓને હરાવવા માટે, બીજા દેશોને પરાધીન બનાવવા માટેના એક હથિયાર તરીકે જ થયા છે. ભારતે પોતાના વિજ્ઞાનની કોઈ પેટન્ટ નથી કરી, કારણ કે, ભારતનું વિજ્ઞાન વિશ્વકલ્યાણ માટે છે. આ અમારું છે તેનો તમારે ઉપયોગ કરવો હશે તો તેની કિંમત ચૂકવવી પડશે, એવું ભારતે ક્યારેય કહ્યું નથી. વર્તમાન સમયમાં AI જેવી આધુનિક ટેક્‌નોલોજીને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. વર્તમાનમાં સામાન્ય મનુષ્યના જીવનની કોઈ જ કિંમત રહી નથી. એઆઈ ટેકનોલોજીએ માનવને કિંમત રહિત બનાવી દીધો છે. આજે આપણા નિર્ણયો પણ કેટલાંક અલ્ગોરિધમ નક્કી કરે છે, પરિણામે લોકતંત્ર માટે પણ આ ટેકનોલોજી પડકાર બની રહી છે. હાલ કોને મત આપવો અને કોના વિરુદ્ધ મત આપવો એવું પણ કેટલીક શક્તિઓ નક્કી કરી રહી છે. આમ આ ટેકનોલોજીના ફાયદા પણ છે તો સાથે સાથે ભય પણ છે. ત્યારે આ પડકારને પહોંચી વળવાનો માર્ગ ભારતીય વિજ્ઞાન પાસે છે?
 
આપણે આપણી સ્થિતિ માટે અંગ્રેજો કે મુગલકાળને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ શું આપણને ૧૯૪૭માં રાજકીય સ્વાધીનતા નથી મળી? આપણે પણ ઇચ્છત તો પશ્ચિમના જેવી જ ટેકનોલોજી ડેવલપ કરી શકત, પરંતુ એવું થઈ શક્યું નહીં ત્યારે પ્રશ્ન થાય કે, આપણને આપણી ગૌરવવંતી વૈજ્ઞાનિક પરંપરાને પુનઃવિકસિત કરતાં કોણે રોક્યા હતા? આનો ઉત્તર માત્ર વિજ્ઞાનમાં શોધવાથી નહિ મળે. આના માટે આપણે રાજનૈતિક વિજ્ઞાનમાં પણ જવું પડશે. ભારતમાં વિજ્ઞાનક્ષેત્રે જેટલી પ્રગતિ થવી જોઈએ એટલી થઈ નથી. તેની પાછળ ભારતનો એક એક વ્યક્તિ અને પરિવાર જવાબદાર છે. અને આવું હું નથી કહી રહ્યો – સી.વી. રામન, ડૉ. નંદુ શેખર, ડૉ. મેઘનાદ સહાએ સ્પષ્ટ રૂપથી જણાવ્યું હતું કે, આપણે ત્યાં વિજ્ઞાનમાં જેટલી પ્રગતિ થવી જોઈએ તેટલી થઈ શકી નથી, તેના માટે નહેરુનીતિ જવાબદાર છે. સી.વી. રામનનું માનવું હતું કે, નહેરુ વૈજ્ઞાનિક વિકાસમાં યોગ્ય લોકોને બદલે નોકરશાહીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે ભારતીય વિજ્ઞાન માટે હાનિકારક હતું.
 
નહેરુજીના હદથી વધારે પશ્ચિમી અનુકરણને કારણે ભારતીય વિજ્ઞાન પાછળ રહી ગયું હતું. સી.વી.રામન માનતા હતા કે, ભારતની યુવા વિજ્ઞાન પ્રતિભાઓને વિદેશમાં મોકલવાને બદલે ભારતમાં જ રાખવી જોઈએ અને તેના માટે તેઓએ રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ કરી હતી. તેઓએ તેના દરવાજા ઉપર લખાવી રાખ્યું હતું– Politicians not allowed. આવું તેઓએ નહેરુ સરકાર દ્વારા ભારતીય વિજ્ઞાનને નિયંત્રિત કરવાના પ્રયાસોની વિરુદ્ધમાં લખાવ્યું હતું. જગદીશચંદ્ર બોઝ, રાધાનાથ સિકંદર, હિકેદિ-યુકાવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર પ્રથમ વૈજ્ઞાનિક વિભા ચૌધરી જેવાં વૈજ્ઞાનિકોએ પશ્ચિમના વિજ્ઞાનજગત સમક્ષ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે, અમે એવો દાવો નથી કરી રહ્યા કે, અમે તમારાથી ખૂબ આગળ છીએ, પરંતુ તમારે એટલું તો માનવું પડશે કે અમે તમારી સમકક્ષ તો છીએ જ. એસ. ચંદ્રશેખરે પણ ભારતના આ જ વૈજ્ઞાનિક સ્વત્ત્વને ઉજાગર કરવાની વાત કરી હતી.
 
૧૯૯૦ વિજયાદશમી બૌદ્ધિકમાં પૂ. સરસંઘચાલકજીએ કહ્યું હતું કે, આપણે હાલ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. આપણે ત્યાં માત્ર રાજકીય સમસ્યા નથી, રાજનૈતિક સમસ્યાની સાથે સાથે આર્થિક સમસ્યા, શિક્ષણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, કૃષિ ઇન્ડસ્ટ્રીઝ, કલા જેવાં તમામ ક્ષેત્રમાં આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આમાંથી બહાર આવવાનો માર્ગ શું?
 

j nandakumar bharatiya vichar manch gujarati 
 
પૂ. સરસંઘચાલકજીએ કહ્યું હતું કે, આપણે સ્વકેન્દ્રિત એપ્રોચની જરૂર છે. આપણે આપણા આત્મગૌરવ (સેલ્ફ રિસ્પેક્ટ)ના આધારે એક ફ્રેમ વર્ક બનાવવું પડશે ત્યારે જ આપણે આગળ વધી શકીશું. આપણો સ્વતંત્રતા સંગ્રામ માત્ર રાજનૈતિક, સ્વાધીનતા માટે જ નહોતો. એના સિવાય પણ અર્થ, કલા, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રની સ્વાધીનતા માટે પણ હતો.
એક રણનીતિપૂર્વક ભારતીય વિચાર અને વૈશ્વિક સંરચના એટલે કે સભ્યતાથી આપણે કેવી રીતે ગ્લોબલ રણનીતિમાં યોગદાન આપી શકીએ? ભારતીય વિચાર અને મૂલ્યોના સમીક્ષક સુપ્રસિદ્ધ ચીની સ્કોલર – Hu-sinએ જેઓ અમેરિકામાં પણ એમ્બેસેડર રહી ચૂક્યા છે-કહ્યું હતું કે, ‘India conquered and dominated China culturally for 20 centuries without ever having to send a single soldier across her border’. એટલે કે ભારતે ૨૦ સદીઓ સુધી એક પણ સૈનિકને સરહદ પાર મોકલ્યા વગર અમારા પર આક્રમણ કર્યું. આગળ તેઓ આને વધારે સંક્ષિપ્ત કરતાં કહે છે કે, ભારતે પોતાની સભ્યતાને આધારે સૌને સાથે લઈને ચાલવાના વિચારને આધારે અમારા પર પ્રભાવ જાળવી રાખ્યો હતો. માટે જ ચીનમાં ભારત શબ્દનો જે સમાનાર્થી શબ્દ છે તેનો અર્થ ચીની ભાષામાં ગુરુ થાય છે. એટલે કે તે લોકો ભારતને ગુરુ માને છે.
 
સભ્યતાની વાત આવે ત્યારે આપણે ત્યાં પણ કેટલાક લોકો પશ્ચિમી પરંપરાગત વિમર્શમાં વહી જઈ કહે છે કે, ભારતની સભ્યતા માત્ર એક સાંસ્કૃતિક, સ્મૃતિ અને કહાની માત્ર છે, એક અંધવિશ્વાસ છે. વાસ્તવમાં ભારતીય સભ્યતા એ કોઈ સાંસ્કૃતિક સ્મૃતિ નથી, રાજનૈતિક, આર્થિક, રણનીતિક શક્તિનો સ્રોત છે. ભારતીય સભ્યતા આ તમામ બાબતોને સાથે લઈ આગળ વધવાનો મહત્વપૂર્ણ માર્ગ છે. વૈશ્વિક શક્તિસંરચનામાં અલગ અલગ સંસ્કૃતિઓનો પ્રભાવ હંમેશા રહેતો હોય છે, વેસ્ટર્નથી લઈ ચાઈનીઝ અને ઇસ્લામિક સભ્યતાએ પણ તેના પર સ્વયં પ્રભાવ પાડવા પ્રયત્નો કર્યા છે. ભારતીય સભ્યતા પણ સમગ્ર વિશ્વની શક્તિ સંરચનાની અંદર સમયે-સમયે પ્રભાવી રહી જ છે, પરંતુ ભારત સિવાયની અન્ય તમામ સંસ્કૃતિઓએ યુદ્ધ મારફતે વૈશ્વિક શક્તિ સંરચનામાં પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ભારતની સભ્યતા આનાથી તદ્દન વિરુદ્ધ છે. માટે જ ભારતીય સભ્યતા સૌથી પ્રાચીન અને નિત નવીન રહી છે. સમગ્ર વિશ્વની સંસ્કૃતિઓના ઇતિહાસનો જે નકશો બનાવવામાં આવ્યો છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય સભ્યતા સૌથી પ્રાચીન છે અને હાલ પણ જીવંત છે. આપણી સાથેની આવી એક જ સંસ્કૃતિ છે તે ચીની સંસ્કૃતિ છે. પરંતુ એ ચાઈનીઝ સભ્યતા અત્યારે શું સાચે જ જીવિત છે? વિચારકો મુજબ ચીનની અસલી સભ્યતા-સંસ્કૃતિ સસ્પેન્ડેન્ટ એનિમેશનમાં છે, કારણ કે, ત્યાં ત્યાંની મૂળભૂત સંસ્કૃતિ વિરુદ્ધની વિચારધારાવાળું શાસન આવ્યું, તેને કારણે ચીનની મૂળ સંસ્કૃતિ-સભ્યતાનો હ્રાસ થયો છે.
 
આપણી સભ્યતાને જીવિત રાખવામાં મહત્વનો ભાગ આપણા સેલ્ફહૂડ ‘સ્વગૌરવ’એ ભજવ્યો છે. પરંતુ એક સચ્ચાઈ આપણે સૌએ સ્વીકારવી રહી કે, સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધ સિદ્ધાંત, તમામ પ્રકારના સિદ્ધાંતો પર એક નજર નાખીએ તો સમજાઈ જશે કે, રાજનૈતિક દર્શન તમામ આંતરરાષ્ટ્રીય સંબંધો, જીઓ પોલિટિક્સ સુધી હાલના સમયમાં સૌથી વધુ પ્રભાવી હોય તો તે પશ્ચિમી વિચાર છે. આપણે માનીએ કે ના માનીએ આ જ સચ્ચાઈ છે. પશ્ચિમી થિયરીના આ તત્ત્વને સાબિત કરવા માટે ખૂબ જ પહેલેથી પ્રયત્નો થયા છે આમા સેમ્યુઅલ પી. હટિંગ્ટનની ક્લાસ ઑફ સિવિલાઈઝેશન્સનું યોગદાન પણ છે. કોમ્યુનિઝમ જ્યારે સમાપ્ત થયું ત્યારે હવે ‘પશ્ચિમનો સમય છે. તેવું કહેવાનું શરૂ કરી દેવામાં આવ્યું. શીતયુદ્ધ પહેલાંના સમયમાં તમામ પર કંટ્રોલ કરવાની શક્તિ અમારી પશ્ચિમી સભ્યતાની પાસે જ છે એવું પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ ભારતના વિચાર અને સભ્યતા અંગે અધ્યયન કરીએ તો આપણે ત્યાં સૌથી ઉપર રહેવાનો નહીં, સૌને સાથે લઈને ચાલવાનો વિચાર રહ્યો છે અને હકીકતમાં આ શક્તિ માત્ર ભારતીય સભ્યતામાં જ છે તે વાત સમજાઈ જાય છે. મહર્ષિ અરવિંદ, સર્વપલ્લી રાધાકૃષ્ણનન, કૃષ્ણકાંત ભટ્ટાચાર્ય જેવા ઘણા બધા વિચારકોએ આધુનિક કાળમાં તેનું કારણ સ્પષ્ટરૂપે જણાવ્યું હતું. સમાજશાસ્ત્રના મહાન વિચારક પ્રાધ્યાપક વિનય કુમાર સરકારે ‘હિન્દુ સોશિયોલોજી’ નામનું પુસ્તક લખ્યું હતું. કોઈને લાગે કે સોશિયોલોજીમાં વળી હિન્દુ-મુસ્લિમ કેવું? પરંતુ અહીં તેઓએ સોશિયોલોજીની અંદર હિન્દુ ભારતના સેલ્ફહૂડના પ્રભાવની વાત કરી છે. અન્ય એક ‘હિન્દુ વ્યૂ ઑફ ઇન્ટરનેશનલ રિલેશન’ નામનું પુસ્તક છે. ૨૦મી સદીની શરૂઆતમાં વિનયકુમાર સરકાર દ્વારા આ પુસ્તક લખાયેલું છે. તે પુસ્તકમાં લખાયું છે કે, ભારત એ રાજનૈતિક સત્તા માત્ર નથી, ભારત એક એવી વ્યવસ્થા છે, જેનો વિશિષ્ટ આધ્યાત્મિક અને બૌદ્ધિક ધ્યેય છે.
 

j nandakumar bharatiya vichar manch gujarati 
 
સભ્યતાથી રણનીતિ તરફ થનારું સંક્રમણ સમજવા માટે આપણે આ પુસ્તકોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાની જરૂર છે. ધરમપાલજી લખે છે કે, આ સંક્રમણનું મુખ્ય કારણ એ છે કે, આપણે ત્યાં એક રાજકીય એકમના આગમન પહેલાં સભ્યતા વિકસિત થઈ ગઈ હતી, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં (સ્ટેટ) રાજ્ય પહેલાં આવ્યું છે, બાદમાં રાષ્ટ્ર આવ્યું છે, જ્યારે ભારતના સંદર્ભમાં આનાથી તદ્દન ઊલટું છે. આપણે ત્યાં રાષ્ટ્ર પહેલાં આવ્યું છે બાદમાં રાજ્ય (સ્ટેટ) આવ્યું છે. પશ્ચિમે સત્તાની શક્તિને આધારે દેશને રાષ્ટ્રનું નામ આપી રાષ્ટ્ર-રાજ્ય (નેશન-સ્ટેટ)ની કલ્પના રજૂ કરી. આ જ પશ્ચિમ અને ભારતની રાષ્ટ્ર અંગેની કલ્પનાનો મૂળ ભેદ છે. ભારતમાં હંમેશાથી એક સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ ત્યાગ, સમર્પણ, ધર્મ, સત્ય, ન્યાય સંબંધિત હતી.
આચાર્ય કૌટિલ્યે તેમના અર્થશાસ્ત્રની અંદર આંતરરાષ્ટ્રીય સંબંધોનો; એક રણનૈતિક રીતે આગળ વધવાનો જે માર્ગ બતાવ્યો છે, તે આપણને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વિષય સંબંધિત અન્ય એક બીજો મોટો મુદ્દો પ્લુરારિઝમ એન્ડ મલ્ટિપ્લુરારિટીનો છે. હિન્દીમાં તેનો અનુવાદ બહુલતાવાદ અને બહુવિધતા થાય છે. પરંતુ જેટલી પણ પ્લુરારિટી, મલ્ટિપ્લુરારિટી અંગે વાતો કરીએ તે તમામમાં સૌથી મહત્ત્વપૂર્ણ વિચાર આપણી સભ્યતાની અંદર થયો છે. મલ્ટિપ્લોરારિટીનો સૌથી વધુ વૈજ્ઞાનિક અને સૌથી આધુનિક માર્ગ ભારતીય દર્શનમાંથી જ નીકળે છે. સ્વામી વિવેકાનંદજીએ જ્યારે શિકાગોમાં ભાષણ કર્યું હતું તેમાં તેઓએ બે શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો. એ બંને શ્લોક મલ્ટિપ્લુરારિટીનું દર્શન કરાવે છે. તેમાંથી એક શ્લોક ભગવદ્‌ગીતાનો છે.
 
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।।
 
આ શ્લોકનું ધ્યાનથી અધ્યયન કરીએ તો આજના શત્રુતાભરિત વિશ્વની અંદર મલ્ટીપ્લુરારિટીનું સૌથી મોટું ફ્રેમવર્ક ભગવદ્‌ગીતાના આ શ્લોકમાં છે. ભગવદ્‌ગીતાના આ દર્શન સ્વામીજીએ સંપૂર્ણ વિશ્વાસ સાથે વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેઓએ શિવ મહિમ્ન સ્તોત્રના અન્ય એક શ્ર્લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. શિવ મહિન્નમ સ્તોત્રના ૭મો શ્લોક त्रयी साङ्ख्यं योगः पशुपतिमतं वैष्णवमिति, प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च। रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां, नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव।। આ પ્રકારનું ઉચ્ચકોટિનું દર્શન ભારતની સભ્યતામાં છે. માટે જ ભારત હાલ પણ જીવિત છે, આજે પણ આગળ વધી રહ્યું છે. અને વિશ્વ સમક્ષ એક મોડલ આદર્શ તરીકે ખડું થઈ રહ્યું છે.
 
આવનાર સમયમાં જો એક ગ્લોબલ ગવર્નન્સ અંગે વિચારવું હશે તો તેના માટે સૌથી મહત્ત્વપૂર્ણ દર્શન ભારતની સભ્યતા જ આપી શકશે અને સમગ્ર વિશ્વમાં આ દર્શન આપવાનું શરૂ થઈ પણ ગયું છે. G20 નેશન્સનું જે સંમેલન થયું, તેમાં વિદેશથી આવેલ મહાનુભાવોને પણ વસુધૈવ કુટુમ્બકમ્‌નો અનુભવ થયો હતો. હાલ, સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુમ્બકમ્‌ પાછળનો ભાવ શીખવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ ફિલોસોફિકલ કન્ટેન્ટ અંગે વ્યાપક સંશોધન થવું જરૂરી છે.
 
સમાપનના રૂપે અન્ય એક વાત પણ અહીં કરવી જરૂરી છે. યુનિવર્સલ હોમોજિનિટી લાવવા કેટલાક લોકો પ્રયત્નો કી રહ્યા છે, પરંતુ જો આ પ્રયત્નોને સફળતા અપાવવી હશે તો આ વિચારને લઈને કામ કરનારા લોકોએ એટલે કે હિન્દુ સમાજે આ કામ કરવા માટે કટિબદ્ધ થઈને સામે આવવાની જરૂર છે. માત્ર ભાષણ આપીને નહીં સ્વયં પ્રયોગમાં લાવી આપણા દર્શનને વિશ્વ સમક્ષ રજૂ કરવાની જરૂર છે.
 
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે, આપણે આપણા મનથી પરાધીનતાની માનસિકતાને દૂર કરવી જોઈએ ત્યારે જ આપણે આપણી સભ્યતાને વિશ્વમાં પ્રસ્થાપિત કરી શકીશું. અને આજે એ સમય આવી ગયો છે. પૂ.ગુરુજીના વિચાર આપણી સમક્ષ ‘વિચાર નવનીત’ પુસ્તક રૂપે રજૂ થયો છે. તે પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ‘અવર મિશન એ ગ્લોબલ મિશન’ છે. જેમાં તેઓ લખે છે કે, આપણે સમગ્ર વિશ્વ સાથે સંવાદ કરવો જોઈએ. (We ought to speak with whole world) અને એના માટે સંવાદનું એક વ્યાકરણ (ગ્રામર) બનાવવાની જરૂર છે. તે વ્યાકરણના આધારે સંવાદના ધારાધોરણ બનાવવા, તે આધાર પર સંવાદ કરવો અને આ સંવાદ કોઈના પર પ્રસ્થાપિત થવા માટે નથી, સમગ્ર વિશ્વને સાથે લઈને ચાલવા માટે છે. તેના માટે આપણે ખુદ શક્તિશાળી બનવું પડશે, ઔપનૈવિશક પ્રભાવથી આપણા મનને મુક્ત કરવું પડશે અને આ માટે આપણે તમામે સંગઠિતરૂપે કામ કરવાની જરૂર છે.
 
કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્યના ભાષણનું ‘સ્વરાજ ઇન આઇડિયા’ નામે એક નાનું પુસ્તક છે. જેમાં તેઓ કહે છે, ‘ઇન્ટેલેક્ચ્યુઅલ ડીપેન્ડેન્સી’થી આપણે મુક્ત થવાની જરૂર છે. આપણી રાજનૈતિક સંપ્રભુતા જ્ઞાનયુક્ત સંપ્રભુતા વિના અપૂર્ણ જ રહેશે. એટલા માટે આપણે ઇન્ટેલેક્ચ્યુલી રીતે મુક્ત થવાની જરૂર છે, માટે આપણે સૌએ સાથે મળી કામ કરવાની જરૂર છે. એના માટે આપણા આદર્શ પુરુષોએ જે ગ્રામર-ફ્રેમવર્ક આપણી સમક્ષ રાખ્યાં છે. કૌટિલ્યથી લઈ તમામ વિચારકોએ જે દર્શન આપ્યું છે, શ્રી અરવિંદે સભ્યતાગત ચેતનાનું દર્શન આપ્યું છે, કૃષ્ણકાંત ભટ્ટાચાર્યજીએ બૌદ્ધિક સ્વરાજ, ધરમપાલજીએ સર્વપલ્લી રાધાકૃષ્ણને, વિનયકુમાર સરકારે જે દર્શન આપ્યું છે, તે ભારતીય સભ્યતાગત દૃષ્ટિને કેળવી આગળ વધારવી પડશે. ભારતીય સભ્યતાની દૃષ્ટિ ન માત્ર ભાવનાત્મક ઊંડાઈ પ્રદાન કરે છે બલ્કે એક સંતુલિત અને ન્યાયપૂર્ણ વૈશ્વિક વ્યવસ્થાના નિર્માણ હેતુ જરૂરી સામરિક લચીલાપણું પણ ઉપલબ્ધ કરાવે છે. તેનો યોગ્ય ઉપયોગ કરી સંવાદની એક સ્વદેશી રીત વિકસાવી આપણા વિચારની એક યોગ્ય રચના તૈયાર કરી આગળ વધવાની જરૂર છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...