અંદામાનથી અરુણાચલ સુધી સંઘનો જયઘોષ: 88,000 શાખાઓ સાથે સંગઠન કાર્યમાં અભૂતપૂર્વ વધારો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (૧3-૧૪-૧૫ માર્ચ ૨૦૨૬)ની બેઠક સંપન્ન થઈ છે. આ બેઠક સંગઠન કાર્યમાં વિસ્તાર, રાષ્ટ્રહિતમાં સમાજની સજ્જન શક્તિની સક્રિયતા અને સામાજિક સમરસતાના સંકલ્પ સાથે પૂર્ણ કરવામાં આવી. બેઠકના છેલ્લા દિવસે સંઘના મા. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાળેજીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ...

    ૧૬-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Akhil Bharatiya Pratinidhi Sabha 2026 Panipat
 
 
સામાજિક સંદેશ:
 
"મહાપુરુષોને જાતિના વાડામાંથી મુક્ત કરો: સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાળેનો સમાજને પ્રેરક સંદેશ"
 
પરિવર્તન પર ભાર:
 
"માત્ર વિચાર નહીં, જીવનશૈલી છે હિન્દુત્વ: પંચ પરિવર્તન અને ગૌ-સંવર્ધન દ્વારા નવા ભારતના નિર્માણનો સંકલ્પ"
 
રાજકીય વિશ્લેષણ:
 
"ચૂંટણીમાં જાતિ આધારિત આકલન બંધ કરો: મીડિયાને સરકાર્યવાહજીની મહત્વની ટકોર"
 
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (૧3-૧૪-૧૫ માર્ચ ૨૦૨૬)ની બેઠક સંપન્ન થઈ છે. આ બેઠક સંગઠન કાર્યમાં વિસ્તાર, રાષ્ટ્રહિતમાં સમાજની સજ્જન શક્તિની સક્રિયતા અને સામાજિક સમરસતાના સંકલ્પ સાથે પૂર્ણ કરવામાં આવી. બેઠકના છેલ્લા દિવસે સંઘના મા. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાળેજીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં સંગઠન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સંઘની શાખાઓમાં અંદાજે 6,000નો વધારો થતા હવે કુલ સંખ્યા 88,000 થી વધુ થઈ ગઈ છે, જ્યારે કાર્યસ્થાનો પણ વધીને 55,000 થી વધારે થયા છે. આ સાથે જ સાપ્તાહિક મિલન અને મંડળીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. સંગઠનના આ વિસ્તારને એ દ્રષ્ટિએ જોવો જરૂરી છે કે અંદામાન, અરુણાચલ પ્રદેશ, લેહ અને દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં પણ હવે સંઘની શાખાઓ ચાલી રહી છે. સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમોમાં આ સાંગઠનિક મજબૂતી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
 
તેમણે કહ્યું કે, સંગઠન વધારવાની સાથે સંઘ સમાજમાં ગુણવત્તા લાવવા માટે પણ સતત કાર્યરત છે. 'પંચ પરિવર્તન'ના માધ્યમથી સમાજને સકારાત્મક બદલાવ માટે પ્રેરિત કરવા તે ખૂબ મહત્વનું પાસું છે. ભારતીયતા કે હિન્દુત્વ એ માત્ર એક વિચાર નથી પણ એક જીવનશૈલી છે અને તેના દ્વારા સમાજમાં શ્રેષ્ઠતાનો વિસ્તાર થવો જોઈએ. આ હેતુથી જ સમાજની સજ્જન શક્તિને એકઠી કરવી અને 'Power of Good' ને રાષ્ટ્રહિતના કામોમાં જોડવું અત્યંત આવશ્યક છે.
 
સરકાર્યવાહજીએ જણાવ્યું કે, સમાજમાં મહાપુરુષોના કાર્યોને આપણે જાતિ કે પંથના ભેદભાવથી પર રહીને સ્વીકારવા જોઈએ અને તેમના આદર્શો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આગળ વધવું જોઈએ. સંઘના સ્વયંસેવકોએ આ જ દિશામાં સક્રિય પ્રયાસો કરતા નવમા ગુરુ શ્રી તેગબહાદુરજીના બલિદાનના 350મા વર્ષ નિમિત્તે દેશભરમાં 2 હજારથી વધુ કાર્યક્રમો યોજ્યા, જેમાં 7 લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ જ રીતે, રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠની પણ દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. હવે આગામી વર્ષમાં સંત શિરોમણી રવિદાસજી મહારાજના 650મા પ્રાકટ્ય વર્ષ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
 
સંઘના આગામી વર્ષના નિયમિત પ્રશિક્ષણ વર્ગો વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 11 ક્ષેત્રોના વર્ગો અને નાગપુરના એક વર્ગને મળીને કુલ 96 પ્રશિક્ષણ વર્ગોનું સંચાલન કરવામાં આવશે. આ પ્રતિનિધિ સભામાં ગૌસેવા અને ગ્રામવિકાસની યોજનાઓ પર પણ ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત નાગરિકોને પ્રેરિત કરવામાં આવશે કે તેઓ પોતાના ઘરની છત પર જ શાકભાજી ઉગાડે અને તેમાં દેશી ગાયના છાણ તથા ગૌમૂત્રથી બનેલા ખાતરનો જ ઉપયોગ કરે, જેથી ગૌસંવર્ધનના કાર્યમાં સૌનો સહયોગ મળી રહે. આ જ રીતે, નાગરિકો પોતાનું ઘર 'હરિત ઘર' (Green Home) બનાવવાનો સંકલ્પ પણ લઈ શકે છે, જેનાથી ઘરમાં પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ અને જળ સંરક્ષણ જેવા સકારાત્મક પ્રયાસોને વેગ મળે.
 
સંઘના સંગઠનાત્મક માળખામાં ફેરફાર અંગેના એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, સંરચનાના વિકેન્દ્રીકરણ પર વિચાર કરવામાં આવ્યો છે. આ યોજના મુજબ પ્રાંતના સ્થાને 'સંભાગ' જેવી નાની વહીવટી ઈકાઈ બનાવવાનો પ્રસ્તાવ છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે તો વર્તમાન 46 પ્રાંતોના સ્થાને 80થી વધુ સંભાગ અસ્તિત્વમાં આવશે.
 
એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં સરકાર્યવાહજીએ કહ્યું કે, સમાજમાંથી જાતિગત ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવા માટે મીડિયાએ પણ પોતાની જવાબદારી સમજીને આગળ આવવું જોઈએ. ખાસ કરીને કોઈપણ ચૂંટણી વખતે મતદારોની સંખ્યાનું જે જાતિ આધારિત વિશ્લેષણ કરવામાં આવે છે, તે હવે બંધ થવું જોઈએ. આ સાથે જ તેમણે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં દેશની સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં કરવામાં આવી રહેલા રાજદ્વારી (Diplomatic) પ્રયાસોની ખુલ્લા મનથી પ્રશંસા કરી અને સ્પષ્ટ કર્યું કે સંઘ હંમેશા વિશ્વમાં શાંતિ અને વિકાસનો પક્ષધર રહ્યો છે.
 
અન્ય એક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે સમજાવ્યું કે, ડૉ. હેડગેવારે કોઈ સમુદાય કે પંથ-પૂજા પદ્ધતિના વિરોધ કરવા માટે સંઘની સ્થાપના નહોતી કરી. સંઘના બીજા સરસંઘચાલક શ્રીગુરુજીએ પણ આ જ વાત કહી હતી કે આપણા સૌના પૂર્વજો એક જ છે અને પૂજા-પાઠની પદ્ધતિ અલગ હોવાથી કોઈ ફેર પડતો નથી; ભલે ત્યારે તેમણે 'ડીએનએ' શબ્દનો પ્રયોગ નહોતો કર્યો, પરંતુ તેમનો ભાવાર્થ આ જ હતો. ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે પણ કહ્યું હતું કે - જે ભારતને પોતાની માતૃભૂમિ અને પોતાનું રાષ્ટ્ર માને છે તથા ભારતીયતાના મૂલ્યોને જીવે છે, તે તમામ હિન્દુ છે. સંઘમાં દરેકનું સ્વાગત છે અને જે કોઈ પણ સમાજ માટે સારું કામ કરી રહ્યું છે, તેને અમે સંઘના સ્વયંસેવક જ માનીએ છીએ.
 
અંદામાન અને અરુણાચલ સહિત સમગ્ર દેશમાં સંઘ પ્રત્યે સમાજનો અનેરો ઉત્સાહ
 
અંદામાનના મુખ્ય 9 ટાપુઓ પરથી 13 હજારથી વધુ લોકો સરસંઘચાલકજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય હિન્દુ સંમેલનમાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત હતા. તેવી જ રીતે, અરુણાચલ પ્રદેશ જેવા ભૌગોલિક રીતે વિષમ અને ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશમાં પણ જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો, જ્યાં આયોજિત 21 જેટલા 'સ્વધર્મ સંમેલનો'માં 37 હજારથી વધુ લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
 
જાતિ-પંથના ભેદભાવથી પર રહીને મહાપુરુષોનું સન્માન અને અનુસરણ થાય તે જરૂરી
 
સમાજમાં મહાપુરુષોના પ્રદાનને આપણે કોઈ પણ જાતિ કે પંથના મર્યાદિત વર્તુળમાં જોયા વગર મુક્ત મને સ્વીકારવા જોઈએ. તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લઈને જ સમાજ સકારાત્મક પરિવર્તનની દિશામાં આગળ વધી શકે છે. સંઘના સ્વયંસેવકોએ આ ઉમદા વિચારને સાકાર કરવા માટે નવમા ગુરુ શ્રી તેગબહાદુરજીના બલિદાનના 350મા વર્ષ પ્રસંગે દેશભરમાં 2 હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં 7 લાખથી વધુ લોકોએ જોડાઈને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...