સાવધાન । ખ્રિસ્તી મત અપનાવ્યા બાદ કોઈ દલિત કેવી રીતે?

જાતિ વ્યવસ્થાને લઈ હિન્દુઓને વગોવતા લોકો પૂલા એન્થનીને પ્રથમ દલિત બિશપ કહી રહ્યાં છે

    ૨૧-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Anthony Poola vishe mahiti
 
 
હૈદરાબાદના આર્ક બિશપ કાર્ડિનલ પૂલા એન્થનીને કૈથલિક બિશપ્સ કૉન્ફરન્સ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે વરણી બાદ કથિત બિનસાંપ્રદાયિક માધ્યમોમાં ગજબનો તમાશો ચાલ્યો હતો. પૂલા એન્થનીની અધ્યક્ષ તરીકેની પસંદગીને માધ્યમોથી એવી રીતે રજૂ કરવામાં આવી કે, એન્થની દેશના પ્રથમ એવા દલિત ઈસાઈ છે જે દેશના લગભગ ૨ કરોડ કેથોલિકોનું નેતૃત્વ કરશે ત્યારે પ્રશ્ન એ થાય કે આખરે કોઈ વ્યક્તિ દલિત અને ઈસાઈ એક સાથે કેવી રીતે હોઈ શકે? ઈસાઈ કાં તો કેથોલિક હોઈ શકે કે પછી પ્રોટેસ્ટંટ. જાતિવ્યવસ્થા તો માત્ર હિન્દુઓમાં જ હોય છે. ઉચ્ચ-પછાત, દલિત-ઓબીસી આ બધી જાતિઓ તો માત્ર હિન્દુઓમાં હોય છે. તો પછી કાર્ડિનલ એન્થની દલિત કેવી રીતે થઈ ગયા? શું તેઓએ ઘરવાપસી કરી લીધી છે? અને તે દલિત રહેતાં ઈસાઈયત પ્રત્યે સમર્પિત કેવી રીતે રહી શકશે? આમ છતાં, માધ્યમોમાં રાડો પાડી પાડી તેમને દલિત તરીકે પ્રચારિત કરાઈ રહ્યાં છે ત્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી લોકો પૂછી રહ્યાં છે કે, ભાઈ ઈસાઈઓમાં તો સૌ સમાન હોય છે, તો પછી આ દલિતનું ભૂત ખ્રિસ્તીઓમાં ક્યાંથી ઘૂસી ગયું? ઈસાઈઓના ધર્મપુસ્તક બાઈબલમાં પણ કહેવામાં આવ્યું છે કે, સૌ સમાન છે, સૌને ઈશ્વરે બનાવ્યા છે અને ભારતમાં મતાંતરણ માટે ગામડા અને વનોને ખૂંદતી ઈસાઈ મિશનરીઓ જ કહે છે કે, સનાતન છોડશો તો જ જાતિવ્યવસ્થાથી ઉપર ઊઠી શકશો. ઈસાઈ બનો અમારે ત્યાં જાતિવ્યવસ્થા નથી. જાતિ વ્યવસ્થામાંથી મુક્ત થવું હોય તો ઈસાઈ બની જાઓ તો પછી પૂલા એન્થનીને દલિત કહેવા કેટલે અંશે યોગ્ય છે?
 
આપણે ત્યાં જે એસ.ટી./એસ.સી. સમાજના લોકો ઇસાઇયત અપનાવે છે, તેમના બચાવમાં પણ એવું કહેવામાં આવે છે કે, તે જાતિવ્યવસ્થાથી ત્રાસીને ઈસાઈ બની ગયા છે. વામી અને કથિત ઉદારવાદી લોબી પણ સનાતનને હંમેશા એમ કહીને ભાંડતી રહે છે કે, સનાતનમાં જાતિવ્યવસ્થા હાવિ છે અને અહીં કથિત નીચી જાતિઓને સમાન સન્માન મળતું નથી. તેમને મંદિરોમાં પ્રવેશ, સમાન તકોની સ્વતંત્રતા નથી માટે લોકો સનાતન છોડી ઈસાઈ બની રહ્યાં છે. વગેરે વગેરે…
 
ત્યારે આ જાતિસૂચક શબ્દ ઈસાઈ બન્યા બાદ પણ પૂલા એન્થની સાથે કેમનો ચોંટી રહ્યો છે? અને જો ઈસાઈયત અપનાવ્યા બાદ પણ કોઈ દલિત, દલિત જ રહે છે તો પછી ઈસાઈયત અને મતાંતરણ માટે જે પ્રચાર કરવામાં આવે છે તે જુઠ્ઠાણું અને લોકો સાથે છેતરામણી નથી? આનો જવાબ ન તો લેફ્ટ લિબરલ જમાત પાસે છે કે, ન તો સનાતનને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે સરખાવનાર નાસ્તિક નેતાઓ પાસે.
 
દેશનું બંધારણ પણ કહે છે કે, ઈસાઈયતમાં મતાંતરિત થનાર વ્યક્તિ દલિત રહેતો નથી. તેને લઘુમતી ગણી શકાય પરંતુ SC નહિ. પૂલા એન્થની મામલે પ્રચાર કરાતો ‘દલિત’ શબ્દ સ્પષ્ટ સંદેશ આપે છે કે, ઈસાઈયતના નામે આ લોકો દલિત સમાજને ભ્રમિત કરી અને મતાંતરણ કરાવે છે. તેમની તે ઓળખ ઈસાઈયતમાં છેક બિશપ સુધીના સર્વોચ્ચ હોદ્દાએ પહોંચ્યા બાદ પણ છૂટતી નથી. કેરળ જેવાં રાજ્યોમાં તો આજે પણ ઈસાઈયતની અંદર ભયાનક જાતિવાદ છે. આજે પણ અહીંના કેટલાક ઈસાઈઓ પોતાને ઊંચી જાતિના ગણાવી દલિતમાંથી ઈસાઈ બનેલા ઈસાઈઓને હીનભાવનાથી જુએ છે. તેટલું જ નહીં તેમને ચર્ચમાં પણ એક સાથે બેસવા દેવામાં આવતા નથી. છતાં મિશનરીઓ અહીંયાં કશું જ કરી શકતા નથી.
 
ઈસાઈયતમાં સૌ સમાનનો વિમર્શ છેક ૧૮મી સદીથી ચલાવવામાં આવતો રહ્યો છે. હિન્દુ સમાજની કથિત પછાત સમુદાયોમાં એવું તો બ્રેનવોશ કરવામાં આવ્યું કે, તેઓને ઈસાઈ મત જ આ વ્યવસ્થા અને અન્યાયમાંથી મુક્તિ અપાવી શકે એવું લાગવા માંડ્યું. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરલ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ઈસાઈ મિશનરીઓની સમાનતા અને સન્માનની લોલીપોપથી ભોળવાઈ લાખો અનુસૂચિત જાતિના લોકોએ ઈસાઈ મત અપનાવ્યા. પરંતુ થયું શું? મતાંતરિત થયા બાદ પણ જાતિગત માનસિકતાએ તેમનો પીછો ન છોડ્યો. અનેક સ્થાનો પર ઉચ્ચ જાતિના ઈસાઈઓએ દલિત ઈસાઈઓથી અંતર બનાવ્યું. અનેક સંશોધનો અને સામાજિક અહેવાલોમાં એ સાબિત થયું છે કે, બહાર તો બહાર ચર્ચની અંદર પણ દલિત ઈસાઈઓને બરાબરીનું સ્થાન મળતું નથી. કેટલાક ચર્ચોમાં દલિત ઈસાઈઓ માટે અલગ બેઠક વ્યવસ્થાની ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી રહી છે. કબ્રસ્તાનમાં પણ દલિત ઈસાઈઓ માટે દફનાવવા માટે અલગ ભાગ ફાળવવામાં આવે છે. પોતાને ઉચ્ચ અને શુદ્ધ ઈસાઈઓ માનતા ઈસાઈઓ કથિત દલિત ઈસાઈને પોતાના પૂર્વજોની કબરો પાસે દફનાવવા પણ દેતા નથી. મર્યા પછી પણ અહીં આટલી અસ્પૃશ્યતા ભરી પડેલી છે. ચર્ચના નિર્ણય લેવાનાર પદો પર પણ દલિત ઈસાઈઓની સંખ્યા ખૂબ જ જૂજ હોય છે. વિવાહ, બપતિસ્મા સહિતના અન્ય સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ સામાજિક અંતરની ફરિયાદો ઉઠતી રહે છે.
 
હકીકતમાં ઈસાઈઓમાં સૌ સરખા અને સૌને સન્માનિત કરવાનો ખોટો વિમર્શ માત્ર ને માત્ર સનાતન ધર્મને નબળો પાડવા અને ભોળા લોકોને ઉશ્કેરી મતાંતરણ કરાવવાનો અને મતાંતરણને યોગ્ય ઠેરવવાનું ષડયંત્ર માત્ર છે, ત્યારે સમાજે સનાતનવિરોધી આ ષડયંત્રથી ન માત્ર સાવધાન થવાની જરૂર છે, પરંતુ આવાં ષડયંત્ર ચલાવનાર લોકો અને સંસ્થાઓને ઉઘાડા પાડવાની પણ જરૂર છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...