કર્ણાટક સરકારની મઝહબ જોઈ મહેરબાની મારા-તમારા પૈસે મુસ્લિમોને જ વ્યાજ માફી
આપણને બાળપણથી જ શાળામાં ભણાવવામાં આવે છે કે, ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે, અને તેને જ આદર્શ માને છે. આ લોકકલ્યાણકારી શાસન એટલે દેશના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કામ કરતું શાસન. આપણા સંવિધાન (બંધારણ)ના ઘડવૈયાઓએ સ્વાધીન ભારતના સમગ્ર શાસનની કલ્પના જ આ લોકકલ્યાણકારી શાસનના પાયા પર કરી હતી. પરંતુ, આપણા દેશના રાજનેતાઓની તુષ્ટિકરણની રાજનીતિએ આ લોકકલ્યાણકારી શાસનની કલ્પનાના કેવા લીરે-લીરા ઉડાવ્યા છે તેનો આખો ઇતહાસ રહ્યો છે. તુષ્ટિકરણ અને મુસ્લિમ મતબેંકની રાજનીતિમાં અંગ બની સેક્યુલરવાદી રાજનીતિ કેવી ચાલાકીપૂર્વક જનકલ્યાણના નામે ભાવના સાથે રાજરમત રમે છે તેનું તાજું જ ઉદાહરણ કર્ણાટકની કોંગ્રેસ સરકારની એક યોજના છે. જેને લઈને હાલ ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે.
કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારે એક યોજનાને મંજૂરી આપી છે. જે મુજબ ૨૦૧૩-૨૦૧૪થી લઈ ૨૦૧૮-૨૦૧૯ સુધી લીધેલા દેવાની માફીનું એલાન કર્યું છે. યોજના મુજબ લોનની મૂળ રકમ એક સાથે ભરી દેવા પર લોનધારકનું તમામ વ્યાજ માફ કરી દેવામાં આવશે. કર્ણાટક સરકાર કહે છે કે, આ યોજનાનો હેતુ સરકારના જે નાણાં ફસાયેલાં છે તેને વસૂલ કરવાનો છે. અને આ યોજના થકી સરકારના ફસાયેલા ૭૧૮ કરોડ રૂપિયાની વસૂલીના થશે. ઉલ્લેખનીય છે કે, આ લોન તેની મૂળ રકમ અને વ્યાજ સાથે ૯૮૧ કરોડ રૂપિયા થાય છે. પ્રથમ નજરમાં કર્ણાટક સરકારનો ઉદ્દેશ્ય ખૂબ જ સારો લાગે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે કર્ણાટક સરકારે જે શરત મૂકી છે તે કોઈપણનું માથું ભમાવી શકે છે. કર્ણાટક સરકાર મુજબ આ વ્યાજ માફી માટે મુસ્લિમ હોવું જરૂરી છે.
સિધ્ધારમૈયાના મનમાં માત્ર રહીમ જ કેમ વસે છે?
ત્યારે સિદ્ધારમૈયા સરકાર કહે છે કે, તે રાજ્યના નાગરિકોને રાહત આપવા માટે આ યોજના લાવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, શું આ વ્યાજમાફીનો આધાર મઝહબી હોવો જોઈએ. કર્ણાટક સરકારને ખરેખર પોતાના રાજ્યના નાગરિકોને રાહત આપવી જ હોત તો, વ્યાજમાફીની આ યોજનાનો આધાર કોઈ સમુદાય વિશેષ નહીં, પરંતુ આર્થિક હોત. કર્ણાટકના દેવા અંગેના આંકડા જોઈએ તો, કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦માંથી ૩૫ લોકોએ સરકાર પાસેથી લોન લીધી છે એટલે કે, ગ્રામીણ વિસ્તારોમાં રહેનારો પ્રત્યેક ત્રીજો વ્યક્તિ સરકારી દેવાદાર છે. શહેરી વિસ્તારોમાં રહેતાં ૧૦૦માંથી ૨૩ લોકો સરકારી દેવાદાર છે. એટલું જ નહિં, કર્ણાટકમાં લોન લેનારા ૧૦% લોકો લોન ડિફોલ્ટ કરે છે. એટલે કે દેવુંના પૈસા પરત કરી શકતા નથી. ત્યારે જે રાજ્યની ૧/૩ જનસંખ્યા દેવામાં ફસાયેલી છે અને આર્થિકરૂપે પરેશાન છે ત્યારે સિધ્ધારમૈયાના મનમાં માત્ર રહીમ જ કેમ વસે છે? તેમનું હૃદય રામ માટે કેમ ચિંતા કરતું નથી?
રાજ્ય દ્વારા કોઈપણ સમૂહ સાથે ભેદભાવ સમગ્ર સમાજને ખતરામાં નાંખે છે...
આચાર્ય ચાણકયએ કહ્યું છે કે, શાસનનો ધર્મ તમામ નાગરિકોને સમાન સુરક્ષા અને ન્યાય આપવાનો છે. જે શાસન કોઈ વર્ગ કે સમૂહનો પક્ષ લે છે કે ભેદભાવ કરે છે, તે અન્યાયી મનાય છે. પ્રસિદ્ધ અમેરિકન માનવાધિકાર કાર્યકર્તા માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરનું કથન છે કે, રાજ્ય દ્વારા કોઈપણ સમૂહ સાથે ભેદભાવ સમગ્ર સમાજને ખતરામાં નાંખે છે. અને કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર માત્ર ને માત્ર મુસ્લિમોને જ ખુશ કરવા માટે એક વિશાળ સમાજ સાથે ભેદભાવ કરી રહી છે. અને આ ભેદભાવ માત્ર સામાજિક મતભેદની દીવાલ જ નથી ઊભી કરી રહ્યો, પરંતુ આર્થિક આધારે પણ સમાજનું મોટું નુકસાન કરી રહ્યો છે. કેવી રીતે? તે સમજીએ.
૧૦૦માંથી માત્ર ૪૨ રૂપિયા જ વિકાસના કામો માટે બચે છે...
કર્ણાટક સરકાર પોતાની કુલ આવકમાંથી ૯૧ હજાર કરોડ રૂપિયા વધારે ખર્ચ કરે છે એટલે કે કર્ણાટક સરકારને વર્ષભર રાજ્યનો ખર્ચ ચલાવવા માટે દેવું કરવું પડે છે અને એ દેવુંનું વ્યાજ તેને ચૂકવવું પડે છે. સિદ્ધારમૈયા સરકાર જો ૧૦૦ રૂપિયા કમાય તો તેમાંથી ૧૬ રૂપિયા (૧૬%) લોન અને તેનું વ્યાજ ચૂકવવામાં જતા રહે છે. ૩૦ રૂપિયા પોતાના કર્મચારીઓના વેતન પર ખર્ચ કરે છે. ૧૨ રૂપિયા પેન્શન પર ખર્ચ કરે છે એટલે કે ૧૦૦ રૂપિયામાંથી ૫૮ રૂપિયા કર્ણાટક સરકાર દેવું ચૂકવવા, વેતન અને પેન્શન પર ખર્ચ કરી દે છે. તેવામાં ૧૦૦માંથી માત્ર ૪૨ રૂપિયા જ વિકાસના કામો માટે બચે છે. વિચાર કરો કે એક એવું રાજ્ય જ્યાં કરદાતાના અડધાથી પણ વધારે પૈસા વિકાસને બદલે દેવા અને વેતનમાં વપરાઈ જાય છે તેવા રાજ્યમાં સરકારી કોષમાં જમા થનારા એક એક રૂપિયાની કેટલી કિંમત હોવી જોઈએ? માટે જ આગળ કહ્યું તેમ સિદ્ધારમૈયા સરકારનો આ નિર્ણય કર્ણાટકના સમગ્ર સમાજ પર ગંભીર આર્થિક પ્રહાર છે. સરકારને થતી આવકનો મોટો ભાગ જ્યારે સામાન્ય કરદાતાઓના ખિસ્સાઓમાંથી આવે છે ત્યારે યોગ્ય એ છે કે, તેનો ઉપયોગ સૌના હિતમાં અને વિકાસમાં થાય. કરદાતા પોતાના પરસેવાની કમાણી કરરૂપે સારા રસ્તાઓ, પુલો, ખેડૂતોને સિંચાઈ સુવિધા, સારી સરકારી શાળા, હૉસ્પિટલો બનાવવા માટે આપે છે નહિ કે, કોઈ પંથ વિશેષને લ્હાણી કરવા માટે. ત્યારે કર્ણાટક સરકાર સમાજની પરસેવાની આ કમાણીને સમાજના એક નાના વર્ગને ખુશ કરવા વેડફી રહી છે.
બેંગ્લુરુમાં ટ્રાફિક વ્યવસ્થા બદથીય બદતર છે, છતાં...
હવે કર્ણાટક સરકારની આ યોજનાનું નુકસાન આમ આદમીને કેટલું થઈ રહ્યું છે તેની પર પણ એક નજર કરીએ... કર્ણાટક સરકારે શિક્ષણનું બજેટ ૨ ટકાથી ઘટાડી દીધું છે. (રાજ્ય સરકાર પાસે ફંડ નથી) ફંડની અછતનું બહાનુ બતાવી રાજ્ય સરકારે સ્વાસ્થ્ય બજેટ પણ વધાર્યું નથી. એટલું જ નથી નવી હૉસ્પિટલો અને ઇલાજની સુવિધાઓમાં પણ કાપ મૂક્યો છે. ભંડોળની અછતને કારણે રાજ્યના અપર કૃષ્ણા પ્રોજેક્ટનું કામ પણ અટકાવી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જો પૂરો થઈ જાય તો રાજ્યની ૧૨ લાખ એકર ભૂમિ સિંચાઈની કાયમ માટે રાહત થઈ જાય અને તેનાથી ૫ લાખથી વધારે ખેડૂતોને લાભ મળી શકે તેમ છે. અપરભદ્રા પ્રોજેક્ટને પણ ભંડોળની અછતને કારણે અટકાવી દેવામાં આવ્યો છે. દેશના આઈટીહબ બેંગ્લુરુમાં ટ્રાફિક વ્યવસ્થા બદથીય બદતર છે, છતાં ત્યાં પણ ટનલ રોડ, મેટ્રોના પ્રોજેક્ટ જરૂરી ધનની અછતને કારણે અટકેલા છે. આ પ્રોજેક્ટો કર્ણાટકના વિકાસ અને રાજ્યના સામાન્ય નાગરિકો માટે ખૂબ જ જરૂરી છે.
રાજ્યમાં મોટા મોટા પ્રોજેક્ટ અટકાવવા પડ્યા છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના બજેટમાં કાપ મુકવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિક પ્રાથમિક સુવિધાઓ માટે પણ ટળવળી રહ્યો છે, કારણ કે કર્ણાટક સરકારના નિર્ણયો તર્કસંગત નથી. કોઈ પણ સરકારે એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે, રાજકોષમાં જે ધન આવે છે તે કરદાતાઓના પરસેવાની કમાણીની હોય છે તેના પર સર્વસમાજનો હક્ક હોય છે. કોઈપણ સરકાર મન માફક કે ચોક્કસ સમુદાયને ખુશ કરવા તૃષ્ટિકરણ કરીને લ્હાણીરૂપે તે ધનને વાપરી શકે નહિ.
સાંભળો આ લેખને......
અનુસૂચિત જાતિ (SC)ને કેમ રાહત નહિ?
કર્ણાટકના બીજેપી એમ.એલ.સી. સી.ટી. રવિએ કર્ણાટક સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતાં પૂછ્યું હતું કે, સરકારનો આ હેતુ આ પ્રકારની યોજનાઓથી વધારેમાં વધારે લોકોને લાભ પહોંચાડવાનો હોવો જોઈએ પરંતુ સિદ્ધારમૈયા સરકારે મઝહબના આધારે વ્યાજ માફ કરવાની યોજનાની જાહેરાત કરી છે, ત્યારે તેની સામે પ્રશ્ન થવા વ્યાજબી છે. આંબેડકર અભિવૃદ્ધિ નિગમ, આંબેડકર વિકાસ નિગમ, વાલ્મીકિ નિગમ અને અન્ય પછાત વર્ગના નિગમોને આ પ્રકારની રાહત કેમ આપવામાં આવી નથી. શું માત્ર મુસ્લિમોને ખુશ કરવા એ જ આપની ધર્મનિરપેક્ષતા છે?
મુસ્લિમોને ૪૭૦૦ કરોડની લ્હાણી
કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યના બજેટ ૨૦૨૫-૨૬માં મુસ્લિમોને જે હદે લ્હાણી કરવામાં આવી છે, તે જોતાં જ સ્પષ્ટ થઈ જાય છે કે, આ સરકાર કેટલી હદે મુસ્લિમ તુષ્ટિકરણમાં ખૂંપેલી છે.
# કર્ણાટક સરકારે ૨ કરોડ રૂપિયાથી ઓછા સરકારી (સિવિલ) ઠેકામાં મુસ્લિમ સમુદાય માટે ૪ ટકા અનામતની જોગવાઈ કરી છે.
# લઘુમતી આવાસ યોજનાઓમાં મુસ્લિમો માટે પહેલેથી જ ૧૦% અનામત હતી તેને વધારી ૧૫ ટકા કરી દેવામાં આવી છે. અને એ પણ ત્યારે કર્ણાટકમાં મુસ્લિમ સમુદાય સૌથી મોટો લઘુમતી સમુદાય છે. હકીકતમાં આ અનામતની જરૂર ઈસાઈ સહિતના અન્ય સમુદાયને હતી. છતાં સરકારે મુસ્લિમોને ખૂશ કરવા તેમની અનામતમાં વધારો કરી દીધો છે.
# મસ્જિદોનાં ઇમામો અને મુઆઝિનોના મહિનાના વેતન ૫,૦૦૦થી વધારી ૬,૦૦૦ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બહુમતી હિન્દુ પૂજારીઓને એક કાણો રૂપિયો પણ વેતનરૂપે આપવામાં આવતો નથી. અને જે મંદિરોમાં ટ્રસ્ટ બનાવી સકાર પગાર ચૂકે છે તેના દાનની તમામ રકમ સરકાર ઉઝેડી જાય છે.
# ખાસ મુસ્લિમ છોકરીઓ માટે ૧૫ નવી આવાસીય કૉલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
# મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકાની ફીની સહાય અને કોઈ મુસ્લિમ વિદ્યાર્થીને વિદેશ ભણવા જવું હોય તો શિષ્યવૃત્તિ ૨૦ લાખથી વધારી ૩૦ લાખની કરી દેવામાં આવી છે.
# મદરેસાના આધુનિકીકરણના નામે સહાય, આર્થિકરૂપે કમજોર મુસ્લિમ મહિલાઓ માટે શાદી ભાગ્ય યોજના, વકફ સંપત્તિઓ અને કબ્રસ્તાનના માળખાના સંરક્ષણ માટે ૧૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
# કર્ણાટક સરકારના બજેટમાં મુસ્લિમોને આટલી હદે લ્હાણી બાદ લોકોએ તેને ઔરંગઝેબના બજેટ, મુસ્લિમ લીગના બજેટ સાથે સરખાવ્યું હતું. એટલુંજ નહિ, સોશીયલ મીડિયા પર આ બજેટને કોંગ્રેસનું હલાલ બજેટ ગણાવી ખૂબ જ ટીકા થઈ છે.