પુસ્તક સમીક્ષા: 'હમ ઔર યહ વિશ્વ' - સંઘના વિચારો અને ભારતીય દૃષ્ટિકોણને સમજાવતું પુસ્તક...

ડૉ. મનમોહનજીના પ્રકાશિત લેખોના આ સંગ્રહમાં તમામ પ્રકારના વાચકો માટે; વિચારોથી સમૃદ્ધ બનાવનારી, જીવનમાં સત્યનું યથાર્થ દર્શન કરાવનારી, સંઘનો વિચાર સ્પષ્ટ રૂપમાં મુકનારી તથા ચિંતન-મનનથી સંસ્કારપ્રદ સામગ્રી છે.

    ૨૧-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

hum-aur-yeh-vishwa-book-review-in-gujarati
 
 
પુસ્તક : હમ ઔર યહ વિશ્વ
લેખક : મનમોહન વૈદ્ય
ભાષા : હિન્દી
પ્રકાશક : સુરુચિ પ્રકાશન
કિંમત : ૨૯૯/-
પ્રાપ્તિસ્થાન : સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતી
મોબાઈલ : ૯૪૨૭૬૧૫૧૩૩
 
ક્યારેક કોઈ પુસ્તક માત્ર વાંચવા માટે નથી હોતું - તે આપણને વિચારવા, થોભીને પોતાને પૂછવા અને ફરીથી દુનિયાને નવી નજરથી જોવાની પ્રેરણા આપે છે. રા.સ્વ. સંઘના વરિષ્ઠ અધિકારી મા. શ્રી મનમોહનજી વૈદ્ય દ્વારા લિખિત - ‘હમ ઔર યહ વિશ્વ’ એવું જ એક પુસ્તક છે.
 
આ પુસ્તકમાં ૨૦૧૭થી ૨૦૨૫ દરમિયાન વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલા મનમોહનજીના લેખોનું સંકલન છે. મહત્ત્વની વાત એ છે કે રા.સ્વ. સંઘના વર્તમાન પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતે આ પુસ્તકની સુંદર પ્રસ્તાવના લખીને પુસ્તકનો સંક્ષિપ્તમાં આસ્વાદ કરાવ્યો છે.
 
જ્યારે મેં આ પુસ્તક હાથમાં લીધું ત્યારે મનમાં થોડું કુતૂહલ પણ હતું અને થોડી શંકા પણ. વિચાર આવ્યો કે કદાચ આ લેખોનો સંગ્રહ હશે, જેમાં એક જ પ્રકારના વિચારો ફરી ફરી આવતા હશે, પરંતુ જેવો મેં પહેલો લેખ - ‘સંઘ શતાબ્દી વર્ષ કેવી રીતે મનાવાશે?’ - વાંચ્યો, તો એવું લાગ્યું કે આ પુસ્તક તો વાસ્તવમાં ભારતને સમજવા માટે એક નવી દૃષ્ટિ આપે છે.
 
આ પુસ્તક વાંચતા વાંચતા વારંવાર એવું લાગ્યું કે, આપણે માત્ર ઘટનાઓમાં રાષ્ટ્રને કે વિશ્વને માત્ર નથી વાંચતા, પરંતુ તેના અંતર્નિહિત એકત્વમાં આપણે સ્વયંને પણ ઓગાળી દઈએ છીએ. પુસ્તકની ભૂમિકામાં લેખક સેમ્યુઅલ હંટિંગટનના પુસ્તક ‘Who are We?’નો સંદર્ભ ટાંકીને એક મહત્વનો પ્રશ્ન પૂછે છે - ‘આપણે કોણ છીએ?’
 
આ પ્રશ્ન માત્ર તાત્વિક નથી, પરંતુ આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે. લેખક આ ચર્ચા દરમિયાન સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ઠાકુર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા મહાન વિચારકોને યાદ કરે છે. તેઓ સમજાવે છે કે ભારતની સંસ્કૃતિનો મૂળ સ્વભાવ સર્વ સમાવેશકતા છે.
 
ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરનો એક વિચાર અહીં ખૂબ અસરકારક રીતે પ્રસ્તુત થયો છે કે, ‘અનેકતામાં એકતા જોવી એ ભારતવર્ષનો અંતર્નિહિત ધર્મ છે.’ આ વાક્ય વાંચતા જ સમજાય છે કે આ પુસ્તક માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ અનુભવના આધારે ભારતનાં આત્માને સમજવાનો પ્રયાસ છે.
 
પુસ્તકના ચાર મુખ્ય વિભાગ છે.
 
૧. સંઘ અને સમાજ
 
આ વિભાગમાં સંઘ અને સમાજ વચ્ચેના સંબંધને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘સ્વતંત્રતા આંદોલન અને સંઘ’ જેવા લેખોમાં લેખક તથ્યો સાથે બતાવે છે કે સંઘે સ્વાતંત્ર્ય સંઘર્ષમાં કેવી રીતે સહભાગ લીધો હતો.
 
‘ગાંધીજી અને સંઘ’નો લેખ ખાસ રસપ્રદ છે, કારણ કે તે બંને વચ્ચેના સંબંધોને આ લેખ એક અલગ દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
 
૨. ભારતનો આત્મા
 
આ વિભાગમાં ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારો પર ચર્ચા છે. ‘હિંદુત્વ : સત્ય, સ્વત્વ અને સત્ત્વ’ જેવા લેખોમાં હિંદુત્વને માત્ર ધાર્મિક ઓળખ નહીં પરંતુ જીવનદૃષ્ટિ તરીકે સમજાવવામાં આવ્યું છે.
 
‘રામ મંદિર - રાષ્ટ્ર મંદિર’ અને ‘શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા’ જેવા લેખોમાં રાષ્ટ્રીય ભાવના અને આધ્યાત્મિકતા વચ્ચેનો સંબંધ સુંદર રીતે રજૂ થયો છે.
 
૩. અસહિષ્ણુતાનું સત્ય
 
આ વિભાગમાં લેખક સમાજમાં ચાલતી કેટલીક ચર્ચાઓ અને આરોપોને તથ્યોના આધારે વિશ્લેષિત કરે છે. ‘લિબરલ્સની નવી અસ્પૃશ્યતા’ અને ‘વામપંથીઓનો સંઘ વિરોધ’ જેવા લેખોમાં તેઓ વિવિધ દૃષ્ટિકોણોની ચર્ચા કરે છે. અહીં લેખકનો એક સફળ પ્રયાસ એ રહ્યો છે કે - ફક્ત ભાવનાથી નહીં, તર્કપૂર્ણ વાત કરવી.
 
૪. પ્રેરણા શાશ્વત છે
 
આ વિભાગ પુસ્તકનો સૌથી ભાવનાત્મક ભાગ છે. અહીં ડૉ. હેડગેવારજી, દત્તોપંત ઠેંગડીજી જેવા મહાન વ્યક્તિત્વોની વાત આવે છે. ખાસ કરીને લેખકના પિતાજી વિશેનો લેખ પુસ્તકને અધિક પ્રાણવાન બનાવી દે.
 
***
 
આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત તેની ભાષા છે. ક્યાંય ઉગ્રતા નથી, ક્યાંય અતિશયોક્તિ નથી. લેખક તથ્યો, ઇતિહાસ અને વૈશ્વિક વિચારોના આધાર પર વાત કરી રહ્યા છે. આ પુસ્તકનું સૌથી મહત્વનું યોગદાન એ છે કે તે એક પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરે છે કે, ‘હું કોણ છું અને મારી સંસ્કૃતિ શું છે?’ આજના યુવાનો માટે, આ પુસ્તક એક માર્ગદર્શક બની શકે છે.
મારી વિનંતી એટલી જ છે, આ પુસ્તકને માત્ર વાંચો નહીં, તેને વિચાર માટેનું સહયાત્રી બનાવો. ક્યારેક કોઈ પુસ્તક આપણને દુનિયા વિશે નહીં, પણ પોતાના વિશે વધુ શીખવાડી જાય છે. ‘હમ ઔર યહ વિશ્વ’ એ જ પ્રકારનું પુસ્તક છે.
આ પુસ્તકને તમે વાંચો, તમારા પરિવાર-મિત્રો સુધી પહોંચાડો અને ખાસ કરીને આજની યુવા પેઢી સુધી પહોંચે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય આપણને મળે. કારણ કે જ્યારે આપણે આપણી ઓળખ સ્પષ્ટ રીતે સમજીશું, ત્યારે જ આપણે વિશ્વને સાચા અર્થમાં ભારતીય દૃષ્ટિ આપી શકીશું. વંદે માતરમ્...
 
લેખક વિશે થોડુંડૉ. મનમોહન વૈદ્યજી માત્ર લેખક નથી, પરંતુ વિચાર અને અનુભવથી સમૃદ્ધ વ્યક્તિ છે. તેઓ નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ છે. ૧૯૮૩થી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્યરત રહ્યા છે. ગુજરાતમાં પ્રાંત પ્રચારક તરીકે સેવા આપી, બાદમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ તરીકે મીડિયામાં સંઘનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને ૨૦૧૮થી ૨૦૨૪ સુધી સહ-સરકાર્યવાહ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. તેમની વિશેષતા એ છે કે તેમના સંપર્કમાં જે આવે તેના મનમાં તેઓ ખૂબ સહજતાથી એકાદ વિચારબીજ તો નાની મુલાકાતમાં પણ રોપી જ દે. તેમની વિશેષતા એ છે કે તેઓ ગંભીર વિષયો પણ સરળ અને સમજાય તેવી ભાષામાં રજૂ કરે છે. હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં તેમનું પ્રભુત્વ છે.
 
મા. મોહનજી ભાગવત આ પુસ્તક વિશે શું કહે છે!
 
પ્રસ્તુત પુસ્તક સંઘ તથા ભારત વિશે લખતી વખતે જાણતા-અજાણતા થયેલી ભૂલોની નોંધ લઈને, તેનો સાચો અર્થ બતાવીને ભ્રમ તથા અજ્ઞાનને દૂર કરવાનો એક પ્રયાસ છે.
 
આ પુસ્તક માત્ર સંઘ સંબંધી દુષ્પ્રચારોનું ખંડન અથવા સંઘને સમજવામાં થયેલી ત્રુટિઓનું ખંડન માત્ર નથી. સંઘના સ્વયંસેવકનું વિચારવિશ્વ જ્યારે વિશ્વવિચારોના સંપર્કમાં આવે છે, ત્યારે સંઘના દ્રષ્ટિકોણથી મનમાં આવતા પ્રતિભાવો પણ આ પુસ્તકમાં અક્ષરબદ્ધ કરવામાં આવ્યા છે. સ્વયંસેવકનો સામાન્ય રીતે એવો સ્વભાવ હોય છે કે; કોઈ પણ ઘટના કે વિચારનું સંઘ-દ્રષ્ટિથી સકારાત્મક વિશ્લેષણ કરી, તેના સારાંશથી પોતાના સ્વયંસેવકત્વને સમૃદ્ધ કરવું. પોતાના સંપર્કમાં આવનારા નાના-મોટા વ્યક્તિઓ, મિત્રો અને સંબંધીઓ વિશે; તેમના નિરીક્ષણ-પરીક્ષણ પછી પણ, સ્વયંસેવકના મનમાં આ પ્રક્રિયા ચાલતી રહે છે. આ લેખનના મૂળમાં આ બધી વાતો છે, જે વાંચતી વખતે ધ્યાનમાં આવશે.
 
તેથી જ આ પુસ્તકમાં તમે ધર્મ જેવી જટિલ સંકલ્પનાઓની ચર્ચા, સંઘ-કાર્યને લઈને કોઈ ઘટનાના નિમિત્તે સમાજ કે અન્ય માધ્યમોમાં ચાલેલી ચર્ચાનો સ્પષ્ટ પરામર્શ પણ વાંચી શકશો.
 
ડૉ. મનમોહનજીના પ્રકાશિત લેખોના આ સંગ્રહમાં તમામ પ્રકારના વાચકો માટે; વિચારોથી સમૃદ્ધ બનાવનારી, જીવનમાં સત્યનું યથાર્થ દર્શન કરાવનારી, સંઘનો વિચાર સ્પષ્ટ રૂપમાં મુકનારી તથા ચિંતન-મનનથી સંસ્કારપ્રદ સામગ્રી છે. તેના અધ્યયનથી આપણું ભાવ જગત સમૃદ્ધ અને બુદ્ધિ શુદ્ધ થઈ શકે છે. આ પુસ્તકનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને સમગ્ર સમાજને તેનો લાભ મળે, એ શુભેચ્છા સાથે લેખક તથા પ્રકાશકનું હાર્દિક અભિનંદન!
 
મહાનુભાવોના મંતવ્યો
 
વાચકો ડૉ. મનમોહન વૈદ્યનાં આ પુસ્તકમાં તેઓની વિદ્વત્તાપૂર્ણ વૈશ્વિક દૃષ્ટિથી પરિચિત થશે. આ લેખોમાં પ્રાચીન ભારતીય જ્ઞાનની સંવેદના ઝળકે છે જે તેને વધુ પ્રાસંગિક બનાવે છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં તેમના વધુ લેખન કાર્યો આપણને વાંચવા મળશે જેનાથી આપણે દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ.
- રતન શારદા (લેખક, ટીવી પેનલિસ્ટ)
 
દુનિયા હવે ભારત અને સંઘમાં ઊંડો રસ ધરાવે છે. ઐતિહાસિક રીતે, સંઘને મોટાભાગે તેના આલોચકો દ્વારા લખાયેલા સાહિત્યથી સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરિણામસ્વરૂપ, તેની સાર્વજનિક છબી વાસ્તવિકતાથી તદ્દન અલગ હોય છે. ડૉ. વૈદ્યના વિચારોમાં શાબ્દિક ગંભીરતા અને વિશ્વસનીયતા બંને છે. આ પુસ્તક તે તમામ લોકો માટે અવશ્ય વાંચવા યોગ્ય છે જેઓ સંઘ અને ભારતીય દર્શન તેમજ સંસ્કૃતિની રૂપરેખાને સમજવા માંગે છે.
- બલબીર પુંજ (લેખક અને સ્તંભકાર)
 
 
 
- હિતાંશ જૈન 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...