ભારતના શ્રીરામમંદિરો…શ્રી રામ સાથે જોડાયેલા મંદિર… । દેશના કણ-કણમાં, પ્રત્યેક ધબકારમાં પ્રત્યેક ગામમાં શ્રીરામ વસેલા છે. શ્રીરામ વિશ્વરૂપમ છે, અત્ર,તત્ર,સર્વત્ર છે. ભારતમાં અયોધ્યા સહિત પ્રભુ શ્રીરામનાં મંદિર ઘણાં છે.
(૧) રઘુનાથજી મંદિર (જમ્મુ) :
ભારતના જમ્મુ અને કાશ્મીરમાં આવેલું રઘુનાથજીનું આ મંદિર શ્રેષ્ઠ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. ૧૮૩૫માં પ્રથમ ડોગરા શાસક મહારાજા ગુલાબસિંહના સમયમાં શિલાન્યાસ અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહારાજા રણજીત સિંહજીના સમયમાં થઈ. આ મંદિરના પટાંગણમાં સાત જેટલા રામાયણ કાળના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં રામમંદિર મુખ્ય છે. અહીં પ્રભુ શ્રીરામને રઘુનાથજી તરીકે ઓળખવામાં આવે છે.
(૨) ત્રિપ્રાયર શ્રી રામ સ્વામી મંદિર (કેરળ) :
કેરળ રાજ્યના ત્રિશુટ જિલ્લામાં આવેલા ત્રિપ્રાયર શ્રીરામસ્વામી મંદિરના મુખ્ય દેવતા શ્રીરામ છે. આ સ્થાનને દક્ષિણ અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે. વિષ્ણુના સાતમા અવતાર એવા ભગવાન શ્રીરામની પ્રતિમાની ચાર ભૂજાઓમાં શંખ, ચક્ર, ધનુષ અને માળી છે. દક્ષિણની સરયૂ નદી તરીકે ઓળકાતી કરુવન્નુર નદીના કાંઠે આ મંદિર સ્થાપિત છે. મંદિરમાં સ્થપાયેલી પ્રતિમા સ્થાનિકોને સમુદ્ર તટેથી મળી હતી. આ પ્રતિમામાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશના તત્વ છે એવી કિવદંતી છે. એટલે અહીં પૂજા ત્રિમૂર્તિ રૂપે થાય છે. મંદિર પરિસરમાં ગર્ભગૃહ, નમસ્કાર મંડપમ્ ઉપરાંત રામાયણ કાળના પ્રાચીન ભીતચિત્રો ઉપરાંત નવગ્રહોને દર્શાવતી લાકડા પર કોતરણી જોવા મળે છે.
(૩) શ્રી સીતારામચંદ્રસ્વામી મંદિર (આંધ્રપ્રદેશમ્) :
આંધ્રપ્રદેશના ખમ્મણ જિલ્લામાં ગોદાવરી નદીના તટ ઉપર આવેલા ભદ્રાચલમ શહેરમાં આ મંદિર આવેલું છે. ભગવાન શ્રીરામ સીતામાતાની શોધમાં દક્ષિણ તરફ જતા હતા ત્યારે ગોદાવરી નદી પાર કરીને આ સ્થળે રોકાયા હતા તેવી લોકોમાં શ્રદ્ધા છે. મધ્યકાળમાં કંચલી ગોપન્ના નામના એક રામભક્ત મામલતદારે વાંસથી બનેલા પ્રાચીન મંદિરની જગ્યાએ પથ્થરોથી ભવ્ય મંદિર બનાવ્યું હતું. મંદિર બનાવવાને કારણે કંચલી ગોપન્નાને લોકો રામદાસ કહેતા હતા. સંત કબીરે તેમને રામાનંદી સંપ્રદાયની દીક્ષા આપી હતી.
(૪) શ્રી તિરુનારાયણ સ્વામી મંદિર (કર્ણાટક) :
કર્ણાટકના માંડ્યા જિલ્લાના પાંડવપુરા તાલુકાનું એક નાનકડું ઉપનમર મેલકોટ, કાવેરી નદીને કાંઠે વસેલા આ નગરને તિરુનારાયણપુરમ્ તરીકે પણ લોકો ઓળખે છે. અહીંયા એક પહાડ ઉપર બે મંદિરો આવેલા છે. યદુગિરિ નામે ઓળખાતા આ પહાડ ઉપર ભગવાન નરસિંહ અને એલુવી નારાયણ મંદિર એમ બે મંદિરો આવેલા છે. આ સ્થાન મૈસુરથી ૫૧ કિ.મી. અને બેંગલોરથી ૧૩૩ કિ.મી. દૂર આવેલું છે.
(૫) હરિહરનાથ મંદિર (બિહાર) :
રાજ્યની સારણી અને વૈશાલી જિલ્લાની સીમા ઉપર ગંગા અને મંડક નદીના સંગમ સ્થાન ઉપર આવેલ સોનપુર ખાતે ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત હરિહરનાથ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીરામે ત્રેતાયુગમાં કરાવ્યું હતું. ગુરુ વિશ્ર્વામિત્ર સાથે. શ્રીરામ સ્વયંવર માટે જનકપુર (નેપાળ) જઈ રહ્યા હતા ત્યારે શ્રીરામે આ મંદિર બનાવડાયું હતું. હરિહરનાથ મંદિર વિશ્ર્વનું એકમાત્ર એવું વિશાલય છે જ્યાં અડધા ભાગમાં વિષ્ણુ (હરિ) ની આકૃતિ છે. સમયાંતરે રાજા માનસિંહે તથા તત્કાલીન રાજા રામનારાયયણે આ મંદિરનો જિર્ણોદ્વાર કરાવ્યો હતો.
(૬) થિરુવંગડ શ્રી રામાસ્વામી મંદિર (કેરળ) :
લાસ્સરી કેરળના ઉગરી ભાગમાં આવેલો એક નાનકડો પણ અતિસુંદર કણ્ણુટ જિલ્લામાં થાલારસેરી ગામે પ્રસિદ્ધ રામમંદિર આવેલું છે. ભગવાન શ્રીરામ અને હનુમાનજીને સમર્પિત આ મંદિરનું નિર્માણ ૨૦૦૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આની પહેલાં આ જ સ્થાન પાસે ભગવાન પરશુરામે એક વિષ્ણુ મંદિર બનાવ્યું હતું. આ સ્થાન અગસ્ત્ય ઋષિ સાથે જોડાયેલું છે. આ મંદિરની છત ઉપર તાંબાની ચાદર બિછાવવામાં આવી છે.
(૭) ચિત્રકૂટ રામમંદિર (ઉત્તર પ્રદેશ) :
પવિત્ર તીર્થસ્થાન, ગંગા-યમુના સંગમ સ્થળ પ્રયાન નજીક આવેલી યમુના નદીને પાર કરીને આવેલા મંદાકિની નદીને કહે ચિત્રકૂટ ખાતે રામંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ-સીતા-લક્ષ્મણ વનવાસના ચૌદ વર્ષમાંથી અગિયાર વર્ષ ચિત્રકૂટમાં રહ્યા હતા. ભગવાન શ્રીરામની અનેક સ્મૃતિઓ સાથે જોડાયેલા ચિત્રકૂટ ધામમાં વાલ્મીકિ આશ્રમ, માંડવ્ય આશ્રમ, ભરતકૂપ આવેલા છે. ચિત્રકૂટમાં આવેલા અનુસૂયા આશ્રમમાં ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણ ઘણા મહિના સુધી ત્યાં રહ્યા હતા. આ સ્થળે રામઘાટ, જાનકી કુંડ, હનુમાન ધાર અને ગુપ્ત ગોદાવરી જેવાં દર્શનીય સ્થાન આવેલાં છે.
(૮) રામવન (મધ્યપ્રદશ)
અત્રિ આશ્રમથી ભગવાન શ્રીરામ મધ્યપ્રદેશના સતના પહોંચે છે. ત્યાં રામવન આવેલું છે. ભગવાન રામે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ક્ષેત્રમાં આવેલી નર્મદા અને મહાનદીના કિનારે આવેલા દંડકારણ્ય ક્ષેત્રમાં તથા વિરાધ, સરભાંગ અને સુતીક્ષણ મુનિના આશ્રમમાં ગયા હતા. આ જ ક્ષેત્રમાં અમરકંટક, શહુડોલ, પન્ના, રાયપુર, બસ્તર, જગદ્લપુરમાં માંડલ્ય આશ્રમ, શ્રુંગી આશ્રમ, રામ-લક્ષ્મણ મંદિર જેવાં અનેક સ્મારકો વિદ્યમાન છે. અહીંયાં લક્ષ્મણ બોંગરા અને સીતા બોંગરા નામની બે ગુફાઓ પણ આવેલી છે.
(૯) પંચવટીમાં રામ :
દંડકારણ્ય વિસ્તારના અનેક મુનિઓના આશ્રમોમાં વિચરણ કર્યા બાદ ભગવાન શ્રીરામ અનેક નદીઓ, તળાવો, પર્વતો ને જંગલોમાંથી પસાર થઈને નાસિકના પંચવટીમાં આવેલા અગત્સ્ય મુનિના આશ્રમમાં ગયા અને ત્રેતાયુગમાં તેમણે લક્ષ્મણ અને સીતાજી સાથે થોડો સમય અહીંયા વિતાવ્યો હતો.
(૧૦) કોડંદરામા મંદિર (આંધ્રપ્રદેશ)
આંધ્રપ્રદેશના કડ્ડપા જિલ્લાના વોટિમિટ્ટા ગામમાં કોડંદરામા મંદિર આવેલું છે. પ્રાચીન મંદિર હોવાની આંધ્રનું 32 સ્તંભનું આ મંદિર ભગવાન શ્રી રામને સમર્પિત છે. ૧૬મી સદીના આ મંદિરને આ વિસ્તારનું સૌથી મોટુ મંદિર ગણવામાં આવે છે. આ મંદિર કોડપ્પાથી ૨૫ કિમીના અંતરે આવેલું છે. મંદિર અને તેના આસપાસની ઈમારતો રાષ્ટ્રીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામને કોદરમમ્મા સ્વામીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિરના નિર્માણમાં લૂંટારુ ભાઈઓનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરને જોતા જ ખ્યાલ આવે છે કે સ્થાપત્યશૈલી વિજ્યનગર શૈલીમાં છે. આ સ્થળ સાથે મહાન વિદ્વાનો અને ભક્તોના નામ સંકળાયેલા છે. આ મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં વિજયનગર અને ચૌલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ મંદિરમાં ત્રણ ગોપુરમ (પ્રવેશદ્વાર) બનેલા છે. પૂર્વ દિશામાં આવેલ મધ્ય ગોપુરમ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. અન્ય બે મિનારા ઉત્તર અને દક્ષણિ દિશામાં આવેલા છે. મધ્યમાં સ્થિત ગોપુરમ કે ટાવર પાંચ સ્તરમાં બનેલું છે. તેમાં ટાવરના એપ્રોચ ગેટ સુધી પહોંચવા માટે સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના ખૂણાઓ પર પ્રાણીઓની આકૃતિઓવાળી કોતરણી જોઈ શકાય છે.
(૧૧) રંગનાથસ્વામી મંદિર (તમિલનાડુ)
દ.ભારતના તમિલનાડુ રાજયમાં શ્રીરંગમમાં આવેલ જગવિખ્યાત શ્રી રંગનાથસ્વામી મંદિર આવું જ એક પ્રાચીન મંદિર છે. આ મંદિર તિરુચિરાપલ્લીના શ્રીરંગમ નામના દ્વીપ પર વસેલું છે.જેની કલા અનુપમ અને અદ્વીતીય સૌંદર્યનું ઉદાહરણ છે. તેની અદભૂત સૌદર્યના લીધે તેને ભૂલોક વૈકુઠ પણ કહેવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને દક્ષિણમાં રંગનાથ સ્વામીના નામે ઓળખવામાં આવે છે. શ્રીરંગનવાથસ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષનાગની શૈય્યા પર શયન કરી રહેલ હોય તેવી વિશાળ મૂર્તિ છે. શ્રી રંગનાથસ્વામી મંદિર દેશનું સૌથી વિશાળ મંદિરોમાંથી એક છે. તેનું ક્ષેત્રફળ અંદાજે 156 એકર એટલે કે 6,31,000 વર્ગમીટર છે. મંદિરનું પરિસર 7 પ્રકારો અને 21 ગોપરુમ(દ્વાર) મળીને બનેલું છે. મંદિરના મુખ્ય ગોપુરામને રાજગોપુરામ તરીકે ઓળખવામાં આવે છે. તે દ્વાર 236 ફૂટ એટલે કે અંદાજે 72 મીટર ઉંચો છે. જો મંદિરના વાસ્તુ શિલ્પની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર છે. તેનું નિર્માણ તમિલ શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિર 1000 સ્તંભોથી બનેલું છે. પરંતુ આજની સ્થિતિમાં તેમાં 953 સ્તંભ જ જોઈ શકાય છે. વિજયનગરકાળમાં (1336- 1565) ગ્રેનાઈટ પથ્થરોથી નિર્માણ કરવામાં આવ્યુ હતુ. સ્તભોમાં જંગલી ઘોડા અને વાઘ જેવા પ્રાણીઓની મૂર્તિ ઓ છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન રામે લાંબા સમય સુધી પૂજા કરી હતી. ભગવાન રામે રાવણ પર વિજય મેળવી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે આ સ્થળ વિભીષણને સોંપ્યુ હતુ. જ્યારે વિભીષણ લંકા જવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુ રસ્તામાં તેમની સમક્ષ પ્રગટ થયા અને તે સ્થળે રહેવાની ઈચ્છા વ્યકત કરી.ત્યાર પછી વિભીષણે આ મંદિરમાં ભગવાન વિષ્ણુને શ્રીરંગનાથસ્વામીના રૂપમાં સ્થાપિત કર્યા. કહેવાય છે કે ત્યારથી ભગવાની વિષ્ણુ અહીં વાસ કરે છે. તેથી તેને વૈકું ઠ ધામ પણ કહેવામાં આવે છે.