નક્સલી આતંકનો અંત । લાલ આતંકનો અંત અને વિકાસનો સૂર્યોદય: જ્યારે બંદૂક છોડી હજારો નક્સલીઓએ પકડ્યું હળ અને સીવણ મશીન!

ઉલ્લેખનીય છે કે, લાલ આતંકના કેન્દ્રસ્થાન સમા આ વિસ્તારમાં પણ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળીયાં મજબૂત બની રહ્યા છે.

    ૨૮-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

naxalisum

જાણે પુનઃ સ્વતંત્ર થયા ! ઠેર ઠેર ત્રિરંગા લહેરાતા થયા !

 
ભારત માટે લાંબા સમયથી આતંકનો પર્યાય બની ચૂકેલા નકસલવાદને નાથવામાં જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ દેશના જનજાતિય વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાના માહોલ પુનઃ ગુંજવા લાગ્યો છે. દાયકાઓ સુધી લાલ આતંકની થપાટના દર્દથી કણસી રહેલ આ વિસ્તારોની વનરાજીમાં જાણે કે વિકાસ અને શાંતિની નવી વસંત ખીલી છે.
 
ભારતમાં નકસલવાદે લાંબા સમયથી આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર સર્જ્યો હતો. પરંતુ પાછલા એક દાયકામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું. મોટી સંખ્યામાં નકસલી આત્મસમર્પણ થયું. અને મુખ્ય ધારામાં પરત ફરી નવું જીવન શરૂ કર્યું છે. આનો શ્રેય સરકારનાં નકસલવાદ પ્રત્યે દાખવવામાં આવેલ માનવીયતાભર્યા અભિગમને આપવો પડે. ભારત સરકારે નકસલીઓ માટે વિશેષ આત્મસમર્પણ અને પુનર્વાસ નીતિ બનાવી નકસલી કાર્યકર્તાઓને હથિયાર છોડી મુખ્ય પ્રવાહમાં ભળી જવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉચ્ચશ્રેણીના વામપંથી ઉગ્રવાદી કાર્યકર્તાઓને ૫ લાખ રૂપિયા, મધ્યમ-નિમ્ન શ્રેણીના કાર્યકર્તાઓને ૨.૫ લાખ રૂપિયા અને આત્મસમર્પણ કરનારા તમામ નકસલીઓને ૩૬ મહિનાનું વ્યવસાયિક પ્રશિક્ષણ માટે ૧૦,૦૦૦ રૂપિયાની માસિક સહાય પણ આપવામાં આવી. છત્તીસગઢગઢચિરોલીનાં એસ.પી. નીલોત્પલની ‘એક ગામ-એક ગ્રંથાલય’ની પહેલ આદિવાસી યુવાનોના વિચારને આગળ વધારી રહી છે. ઉપરાંત જોબલિંકેજ કાર્યક્રમ, સ્કિલ સેન્ટર, સ્પોર્ટ્સ એકેડમી અને જંગલ પેદાશોમાં સહકારી મંડળીઓ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે, જોતજોતામાં ૧૦,૦૦૦ જેટલા નકસલીઓએ હથિયાર હેઠાં મૂકી દીધા અને આત્મસમર્પણ કરી નવું જીવન શરૂ કર્યું.
 
આ આંકડો સ્પષ્ટ કરે છે કે, સરકારની નીતિ અને વિકાસકાર્યોનો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આત્મસમર્પણ કરી ચૂકેલા નકસલીઓ જણાવે છે કે, એક સમયે સતત પોલીસ કાર્યવાહીના ડરને કારણે જેલ જેવું જીવન જીવવું પડતું. હવે તેઓ ખૂલીને જીવન જીવી શકે છે. સરકારી સહાયતા અને રોજગારીના અવસરોને કારણે તે આત્મનિર્ભર બની રહ્યા છે અને સૌથી વિશેષ લાંબા સમય બાદ તે પોતાના પરિવારો સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે. સુકમાનો એક પૂર્વ નકસલી કમાન્ડર કહે છે કે, હું ૧૦ વર્ષો સુધી નકસલી રહ્યો. બાદમાં ૨૦૧૯માં આત્મસમર્પણ કરી મુખ્ય ધારામાં પરત ફર્યો. ત્યારબાદ જાણે કે મને નવું જીવન મળ્યું છે. પહેલાં જંગલોમાં જીવન ખૂબ જ કઠિન હતું. સુરક્ષાદળો સાથેની અથડામણના સતત ડરને કારણે શ્વાસ પણ ડરી ડરીને લેવા પડતા. પરંતુ આત્મસમર્પણ બાદ મને ૩ લાખની સહાયતા મળી, એટલું જ નહિ કૌશલ્યવિકાસ અંતર્ગત કૃષિ પ્રશિક્ષણ પણ મળ્યું. આજે મારી ગણના અમારા વિસ્તારમાં ખૂબ જ સફળ ખેડૂત તરીકે થાય છે અને આજે હું મારા ગામના યુવાનોને શિક્ષા અને શાંતિનો સંદેશ આપી રહ્યો છું. ૮ વર્ષ સુધી નકસલવાદીઓ માટે લડેલી દંતેવાડાની એક મહિલા નકસલીએ ૨૦૨૦માં સરકારની પુનર્વાસ યોજનાથી પ્રેરાઈ આત્મસમર્પણ કર્યું. તે કહે છે તે ઘટના મારા જોખમી જીવન માટે નવો વળાંક સાબિત થઈ. સરકાર દ્વારા મને સીવણનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું તે સ્વયં સહાયતા સમૂહ સાથે પણ જોડાઈ છે અને કમાતી થઈ – આત્મનિર્ભર બની છે. હવે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરી રહી છે.
 
ઝારખંડનો એક યુવા તો આત્મસમર્પણ કર્યા બાદ પોલીસમાં ભર્તી થઈ સમાજની રક્ષાનું કાર્ય કરી રહ્યો છે. આવાં ઉદાહરણ દર્શાવે છે કે, યોગ્ય દિશા મળે તો વ્યક્તિ સમાજ માટે કેટલો ઉપયોગી થઈ શકે છે. આવાં ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે એક નકસલી હથિયાર છોડે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નથી બદલાતો, સમગ્ર સમાજ બદલાય છે. નકસલીઓનું આત્મસમર્પણ માત્ર એક નીતિનું પરિણામ નથી, બલકે માનવતાની જીત છે. આજે હજારો પૂર્વ નકસલીઓ, ખેડૂત, વ્યાપારી, કર્મચારી, સમાજસેવી બની નવું જીવન જીવી રહ્યા છે. આ પરિવર્તન દર્શાવે છે કે, યોગ્ય દિશા, અવસર અને સહયોગ મળે તો કોઈપણ વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. સરકારે સાબિત કર્યું છે કે નકસલવાદનું સમાધાન માત્ર બંદૂકથી નહિ, પરંતુ વિકાસ, વિશ્વાસ અને પુનર્વાસથી સંભવ છે.
 
વનોમાં ગુંજી રહ્યું છે જન ગણ મન
 
ભારતના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં લાંબાસમયથી હિંસા, ભય અને કુશાસનને કારણે બાકીના વિશ્વથી લગભગ કપાઈ રહ્યા હતા. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિસા, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓના જનજાતિય સમાજનો જાણે આત્મા જ મરી ગયો હતો, પરંતુ છેલ્લા એક દાયકાથી આ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ સામાજિક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. આ પરિવર્તનો માત્ર સુરક્ષા અભિયાનોનું જ પરિણામ નથી, બલ્કે વિકાસ, શિક્ષણ, પુનર્વાસ અને સમાજની જાગરૂકતાનો સંયુક્ત પ્રયાસોનો પ્રભાવ છે.
 
છત્તીસગઢના અબૂઝાડ સહિતના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં આ વખતે સ્વાધીનતાનાં ૭૫ વર્ષ બાદ પ્રથમ વખત ગ્રામીણો દ્વારા કોઈપણ પ્રકારના ડર વગર હોળી મનાવી હતી. મજાની વાત એ છે કે, કાંકેર અને નારાયણપુરામાં આત્મસમર્પણ કરી મુખ્યધારામાં પરત ફરેલા નકસલીઓએ પણ પણ પોતાના પરિવાર સાથે પ્રથમ વખત હોળી મનાવી હતી.
 
છત્તીસગઢના અનેક ગામડાઓમાં આ વખતે મુક્ત મને દીવાળી ઉજવાઈ હતી. એ સમયે બંદૂકના ધણધણાટ સંભળાતા. આ ગામડાઓમાં આ વખતે ફટાકડા અને આતશબાજીની રોનક હતી. મીઠાઈઓ વહેંચાતી હતી. બસ્તર અને અબુઝાડમાં તો અગાઉ નકસલવાદીઓ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાં પણ જનજાતિય સમાજના લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડી જાણે કે નકસલવાદના ભય પર વિજય ઉત્સવ મનાવ્યો હતો.
 
છત્તીસગઢના નકસલ પ્રભાવિત એવા અનેક વિસ્તારો હતા જેમાં પોલીસ પ્રશાસનની પહોંચ ન હોવાને કારણે અગાઉ લાલ આતંકનું રાજ હતું. અહીં માત્ર લાલ વાવટા જ ફરકતા હતા. અને ભારતના રાષ્ટ્રીય પ્રતિકોના પ્રદર્શન અને રાષ્ટ્રીય તહેવારો ઉજવવા પર પ્રતિબંધ હતાં. પરંતુ આ વખતે આવા ૨૯ ગામોમાં પ્રથમવાર સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો. સાથે સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જનજાતિ સમાજનાં ઘરો તિરંગાથી શોભી ઉઠ્યાં હતાં. સરકારી શાળાઓમાં પણ દેશના અન્ય વિસ્તારોની જેમ જ જોશપૂર્વક ધ્વજવંદનના કાર્યક્રમો થયા હતા.
 
સ્થાનુ અગાઉના નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં આવેલું આ પરિવર્તન દર્શાવે છે કે, યોગ્ય નિતિઓ, વિકાસ કાર્યો અને સમાજની ભાગીદારીથી કોઈપણ સમસ્યાનું સમાધાન શક્ય છે. એક સમયે લાલ આતંકથી થરથર કાંપતા જનજાતીય વિસ્તારો હિંસામાંથી બહાર નીકળી શાંતિ, વિકાસ અને પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે. શિક્ષણ, રોજગાર અને મહિલાઓની સશક્તિકરણ અને આધારભૂત સુવિધાઓમાં સુધાર આ ક્ષેત્રોના સામાજિક માળખાને મજબૂત કર્યું છે. આ પરિવર્તન માત્ર સરકારની સફળતા નથી બલ્કે સમાજની સામૂહિક ઇચ્છાશક્તિનું પરિણામ છે.
 
 
૫૯૧ નકસલીઓને આત્મસમર્પણ કરાવનાર મહિલા પોલીસ વડા બી. સુમતિ
 
તેલંગાણાની સોશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના વડા બી. સુમતિ એક ઝાંબાજ મહિલા છે. તેમણે એ સાબિત કરી બતાવ્યું છે કે, સંવાદ અને પુનર્વસન નકસલવાદીઓ માટે ગોળીઓ કરતાં વધુ ઘાતક સાબિત થઈ શકે છે. તેલંગાણામાં તાજેતરમાં ટોચના માઓવાદી દેવજીએ આત્મસમર્પણ કર્યું તેમાં સુમતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪માં ગર્ભવતી માતા તરીકે ગાઢ જંગલોમાં વાટાઘાટો કરવાથી લઈ ૨૦૨૬ ટોચના માઓવાદી નેતા દેવજીનાં આત્મસમર્પણ સુધી આ જાંબાઝ મહિલા ઓફિસરે આંધ્રપ્રદેશમાં ૫૯૧ નકસલવાદીઓનું આત્મસમર્પણ કરાવડાવ્યું હતું.
 
નકસલબાડીના લોકોને જ નકસલ શબ્દ પસંદ નથી
 
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નકસલબાડી ગામ કે જ્યાંથી નકસલવાદ જન્મ્યો અને દેશના અનેક જનજાતીય ક્ષેત્રોમાં લોહિયાળ આતંક મચાવ્યો. હવે ત્યાંના લોકો ખુદને જ નકસલી કહેવડાવવાનું પસંદ કરતા નથી. નકસલબાડીના ગ્રામીણો હવે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ૧૯૬૭ના સશસ્ત્ર આંદોલન બાદ હિંસા, અનિશ્ચતતાના દલદલમાં ફસાયેલ આ ગામના લોકો વિકાસ, શિક્ષા, સ્વાસ્થ્ય, સુવિધા અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આજે અહીંના લોકો કહી રહ્યા છે કે, નકસલવાદને કારણે ગામ પર આતંકવાદી અને અસામાજિક હોવાનો ઠપ્પો લાગી ગયો હતો અને અમારો વિકાસ રૂંધાઈ ગયો હતો. હવે પરિસ્થિતિ સુધરી છે અને આ ગામ પણ અન્ય નકસલમુક્ત વિસ્તારોની જેમ વિકાસનાં મીઠાં ફળ ચાખી રહ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે, લાલ આતંકના કેન્દ્રસ્થાન સમા આ વિસ્તારમાં પણ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળીયાં મજબૂત બની રહ્યા છે. કોમ્યુનિસ્ટ-માઓવાદના હિંસક વિચારધારાના પડકાર વચ્ચે પણ રા.સ્વ.સંઘે વૈચારિકરૂપે યુવાઓને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડી નકસલવાદના પ્રભાવને ઓછો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ખરેખર એક નવું પ્રભાત ઊગ્યું છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...