ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ આજે લોકસભામાં આપેલા પ્રભાવશાળી વક્તવ્યના અંશોમાં દેશની આંતરિક સુરક્ષાના એક નવા યુગની ઝલક જોવા મળી છે. નક્સલવાદના દશકાઓ જૂના દંશ અને પીડિત પરિવારોની વેદનાને વાચા આપતા તેમણે આતંક સામેના 'વિકાસના પ્રહાર'ને ઐતિહાસિક ગણાવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારના અને ગૃહમંત્રી અમિત શાહાના દ્રઢ સંકલ્પને કારણે ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા જ ભારત નક્સલવાદના કલંકથી મુક્ત થઈ રહ્યું છે, જે એક બદલાતા ઇતિહાસની સાક્ષી પૂરે છે. વાંચો આ વક્તવ્યના કેટલાંક અંશો…
નક્સલવાદ મુક્ત ભારત: વાયદો પૂરો, ઇતિહાસ બદલાયો!
૧. ઇતિહાસ બદલાતા જોયો છે: આપણે કલમ ૩૭૦ અને ૩૫-એ નાબૂદ થતી જોઈ, મહિલા અનામત બિલ પસાર થતું જોયું અને હવે ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલા નક્સલવાદનો અંત પણ જોઈ રહ્યા છીએ.
૨. 'કાલે' નહીં, 'આજે' જ અંત: ઇતિહાસમાં 'કાલે' ક્યારેય આવતો નથી, 'આજે' જ મહત્વનો છે. ૩૧ માર્ચ ૨૦૨૬ના લક્ષ્યાંક પહેલા ૩૦ માર્ચે જ નક્સલવાદના ખાત્માની મજબૂત જાહેરાત એ જ મોદી સરકારની ઓળખ છે.
૩. પીડિતોને ન્યાય: જે પરિવારોએ નક્સલવાદમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમના અસ્થિ-વિસર્જન કે શ્રાદ્ધ પણ થઈ શક્યા નથી, તેવા લાખો પરિવારોની પીડાનો આજે સુખદ અંત આવ્યો છે.
૪. ગરીબી નહીં, 'વિચારધારા'ની લડાઈ: નક્સલવાદ એ ગરીબ-અમીર કે આદિવાસીઓની લડાઈ નથી, પણ એક વિદેશી અને હિંસક વિચારધારા સામેની લડાઈ છે, જેને આ સરકારે જડબાતોડ જવાબ આપ્યો છે.
૫. કોંગ્રેસની ઐતિહાસિક ભૂલ: ૧૯૪૯માં નેહરુજીએ નક્સલવાદના જોખમ વિશે ચેતવણી આપી હતી, છતાં સત્તા માટે કોંગ્રેસે એ જ ડાબેરી વિચારધારાના શરણે જઈ દેશને નક્સલવાદના ખપ્પરમાં હોમ્યો હતો.
૬. આદિવાસી અધિકારોનું રક્ષણ: ઇમરજન્સી વખતે છીનવી લેવાયેલા આદિવાસી અધિકારો અને ડેવલપમેન્ટ મોડલને નરેન્દ્ર મોદી સરકારે ફરી સ્થાપિત કરીને વનવાસી વિસ્તારોમાં સાચો વિકાસ પહોંચાડ્યો છે.
૭. વિદેશી ષડયંત્રનો પર્દાફાશ: ૧૯૬૭થી ચીન અને સામ્યવાદી વિચારધારા જે રીતે ભારતને અસ્થિર કરવાના પ્રયત્નો કરતી હતી, તેને રાષ્ટ્રવાદી નેતૃત્વએ ધૂળ ચાટતું કરી દીધું છે.
૮. ગોળી નહીં, વિકાસનો પ્રહાર: નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આજે એરપોર્ટ, એઈમ્સ (AIIMS), મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજો ઊભી થઈ છે, જેણે નક્સલીઓના પાયા હચમચાવી દીધા છે.
૯. ઝારખંડથી છત્તીસગઢ સુધી પરિવર્તન: ૨૪ માંથી ૧૮ જિલ્લાઓ જે નક્સલવાદની ભેટ ચઢી ગયા હતા, ત્યાં આજે શાંતિ અને સુરક્ષાનો સૂર્યોદય થયો છે.
૧૦. સંકલ્પથી સિદ્ધિ: "અમે જે કહીએ છીએ તે કરીએ છીએ" – નક્સલવાદનું શ્રાદ્ધ કરીને આ સરકારે દેશની આંતરિક સુરક્ષાના નવા યુગની શરૂઆત કરી છે.