મુખપૃષ્ઠ વાર્તા । ૨ । મતાંતરિતો માટે અનામત માંગનારા જ સંવિધાન અને ડૉ. બાબાસાહેબનું અપમાન કરી રહ્યા છે

મતાંતરિતો માટે અનામતની માંગ: ડૉ. બાબાસાહેબના વિચારો અને સંવિધાનના આત્મા સાથે ઘોર વિશ્વાસઘાત

    ૧૧-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
babasaheb
 
 
૫રમ શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રખર કાયદાશાસ્ત્રી અને રાષ્ટ્રના પાયાના રક્ષક હતા. તેમની દૂરંદેશીનો પુરાવો ૧૯૫૦ના ‘પ્રેસિડેન્શિયલ ઓર્ડર’માં સ્પષ્ટ દેખાય છે, જેમાં તેમણે મતાંતરિતોને અનુસૂચિત જાતિ (SC)ના લાભોમાંથી બાકાત રાખવાની જોગવાઈને મંજૂરી આપી હતી પરંતુ આજે, બાબાસાહેબના સંવિધાનના પાયાના સિદ્ધાંતોને ઠેસ પહોંચાડાઈ રહી છે. જે લોકો ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી પણ અનામતની માંગણી કરે છે, તેઓ વાસ્તવમાં ડૉ. બાબાસાહેબની એ નૈતિકતાનું અને વિચારોનું તથા SC પ્રત્યેની તેઓએ દાખવેલી જવાબદારીનું અપમાન કરી રહ્યા છે. પણ ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ સર્વોચ્ચ અદાલતે આ બાબતે આપેલો ઐતિહાસિક ચુકાદો ડૉ. આંબેડકરની દૂરંદેશી અને સંવિધાનનો વિજય છે. આ લેખમાં ૧૯૫૦ના ઐતિહાસિક આદેશની કાનૂની બારીકીઓ, બંધારણસભામાં થયેલી એ ઐતિહાસિક ચર્ચા અને ડૉ. આંબેડકરના નામે ચાલતા આધુનિક ‘દંભ’નો પર્દાફાશ થતો જોઈ શકીશું.
 
 
ભારતીય લોકતંત્રમાં જ્યારે પણ અધિકારો અને અનામતની વાત આવે છે ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં મતાંતરણ-ધર્મ પરિવર્તન કરીને અનુસૂચિત જાતિ (SC)ના લાભો જાળવી રાખવા માટે જે કાનૂની લડાઈઓ લડવામાં આવે છે, તે વાસ્તવમાં સંવિધાનની મૂળ ભાવના અને ડૉ. બાબાસાહેબના વિચારો સાથેનો દ્રોહ છે. ખરેખર તો ૨૪ માર્ચ, ૨૦૨૬ના દિને સુપ્રીમ કોર્ટે ‘ચિંથાડા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય’ના કેસમાં આપેલ ચુકાદો જ આ વિષયનું અંતિમ સત્ય છે.
 
બંધારણસભામાં પણ ચર્ચા થઈ હતી...!
 
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૪૧ હેઠળ રાષ્ટ્રપતિને અનુસૂચિત જાતિઓની યાદી જાહેર કરવાની વિશિષ્ટ સત્તા આપવામાં આવી છે. આ સત્તાનો ઉપયોગ કરીને ૧૦ ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ ‘ધ કોન્સ્ટિટ્યુશન (શેડ્યુલ્ડ કાસ્ટ્સ) ઓર્ડર, ૧૯૫૦’ બહાર પાડવામાં આવ્યો હતો. આ કાયદાકીય દસ્તાવેજ મુજબ, ખ્રિસ્તી અથવા ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર વ્યક્તિ કાનૂની રીતે પોતાની અનુસૂચિત જાતિની ઓળખ ગુમાવે છે. આ જોગવાઈ ભારત સરકારના ગેઝેટમાં પ્રકાશિત થયેલ છે અને ‘મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ’ના સત્તાવાર રેકોર્ડમાં પણ ઉપલબ્ધ છે, જેને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદામાં પણ ટાંક્યું છે અને તેની વિગતવાર છણાવટ આપણે આગલા લેખમાં જોઈ.
 
આ બાબતે વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો જ્યારે ૧૯૫૦ના પ્રેસિડેન્શિયલ ઓર્ડરનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે બંધારણ સભામાં ‘અનુસૂચિત જાતિ’ (SC)ના વર્ગીકરણને લઈને અત્યંત ગહન અને વૈચારિક મંથન થયું હતું. તે સમયે
ડૉ. બાબાસાહેબ આંબેડકર દેશના પ્રથમ કાયદામંત્રી તરીકે આ પ્રક્રિયાના કેન્દ્રમાં હતા. ચર્ચાનો મુખ્ય સૂર એ હતો કે, અનુસૂચિત જાતિ એ માત્ર આર્થિક પછાતપણું નથી, પરંતુ તે હિન્દુ સામાજિક માળખામાં સદીઓથી પ્રવર્તતી ‘અસ્પૃશ્યતા’ના અભિશાપથી પીડિત લોકોનો વિશિષ્ટ સમૂહ છે.
 
બંધારણ સભાના સભ્યોએ એ સમયે અત્યંત સ્પષ્ટતા સાથે કહ્યુંં હતું કે, ‘જો કોઈ વ્યક્તિ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે, તો તે એવા મત-પંથનો હિસ્સો બને છે જે પોતે ‘સમાનતાવાદી’ હોવાનો અને જ્ઞાતિવાદથી મુક્ત હોવાનો દાવો કરે છે. જો આ મત-પંથોમાં અસ્પૃશ્યતા જ નથી, તો ધર્માંતરિત વ્યક્તિ કઈ રીતે એ જ અસ્પૃશ્યતાના આધારે અનામત કે અન્ય લાભોનો દાવો કરી શકે?’ આ ચર્ચામાં એવો મજબૂત તર્ક રજૂ થયો હતો કે, મતાંતરિતોને લાભ આપવા એ ખ્રિસ્તી કે ઇસ્લામ પંથના પાયાના સિદ્ધાંતોનું જ અપમાન ગણાશે, કારણ કે તેઓ સમાનતાના દાવા સાથે લોકોને પોતાનામાં ભેળવે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર આ તર્ક સાથે સંપૂર્ણ સંમત હતા. તેમણે ૧૯૫૦ના આદેશમાં કલમ ૩ (જે બિન-ઇન્ડિક ધર્મોને બાકાત રાખે છે)નો સ્વીકાર કર્યો હતો. તેમણે પોતે ૧૯૫૬માં જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, તેના વિશે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંં હતું કે, ‘હું બૌદ્ધ ધર્મ સ્વીકારું છું કારણ કે તે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આ ભૂમિ સાથે જોડાયેલો ‘ઇન્ડિક’ (Indic) ધર્મ છે.’ તેમણે અન્ય અબ્રાહમિક ધર્મોને એટલે નકાર્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેનાથી રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખનું ધોવાણ થાય છે.
 
આમ, બંધારણસભાની ચર્ચા એ બાબતની સાક્ષી પૂરે છે કે મતાંતરિતોને SC લાભોથી બાકાત રાખવા એ કોઈ અન્યાય નથી, પરંતુ તે બંધારણના ઘડવૈયા દ્વારા લેવાયેલો એક અત્યંત જાગૃત અને રાષ્ટ્રહિતનો નિર્ણય હતો.
 
મતાંતરિતોને લાભ આપવા એ બાબાસાહેબનું અપમાન છે
 
ભારતના બંધારણમાં આ બાબત બહુ સ્પષ્ટ છે અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ મહોર મારી દીધી છે. છતાં છેલ્લાં ઘણા સમયથી લોકો આ બાબતને લઈને વિવાદો ઊભા કરતા રહે છે. કોર્ટમાં દાવા કરતા રહે છે અથવા લાભ લેવા માટે છેલ્લી કક્ષાના અન્ય પ્રયત્નો પણ કરતા રહે છે. પણ ખરેખર તો આજે જે લોકો ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે આંદોલનો કરે છે અને અદાલતોનાં પગથિયાં ઘસીને મતાંતરિતો માટે અનામતની ભીખ માંગે છે, તેઓ વાસ્તવમાં બાબાસાહેબના આજીવન સંઘર્ષની ક્રૂર મજાક ઉડાવી રહ્યા છે. આ એવા લોકો છે જેઓ સવારે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવે છે અને સાંજે તેમના જ દ્વારા ઘડાયેલા સંવિધાનની મર્યાદાઓ તોડવાનું ષડયંત્ર રચે છે. ડૉ. બાબાસાહેબે ક્યારેય એવું નહોતું કહ્યુંં કે, તમે ખ્રિસ્તી કે મુસ્લિમ બનીને પણ હિન્દુ અનામતની મલાઈ ખાતા રહો. જે લોકો આજે ખ્રિસ્તી પાદરી બનીને ફરે છે અને છતાં પછાત હોવાનો દાવો કરી SC પ્રમાણપત્ર વાપરે છે, તેઓ ડૉ. બાબાસાહેબનું અને સંવિધાનનું બંનેનું અપમાન કરી રહ્યા છે.
અને બીજી ગંભીર બાબત એ પણ છે કે નાની નાની બાબતે ડૉ. બાબાસાહેબની દુહાઈઓ આપીને, તેમના અપમાન માટે રોડ પર ઊતરી આવનારા કહેવાતા બુદ્ધિજીવીઓ અત્યારે કેમ ચૂપ છે? કેમ ભેદી મૌન ધારણ કરીને બેઠા છે? આવોને રોડ પર! જ્યારે સંવિધાનની કલમ ૩ (૧૯૫૦નો આદેશ) અત્યંત સ્પષ્ટ શબ્દોમાં મતાંતરિતોને SC લાભો આપવાની સખત મનાઈ કરે છે, ત્યારે તેનો વિરોધ કરવો એ શું સંવિધાન બદલવાનો કે તેને મરોડવાનો નફ્ફટ પ્રયાસ નથી? જો છે તો પછી જે લોકો નાની-નાની વાતે સંવિધાન બચાવવાની બૂમો પાડે છે, તેઓ અત્યારે ક્યાં છુપાઈ ગયા છે?
 
ખરેખર તો આ પ્રકારના બેવડા લાભો માંગનારા અને પોતાની પરંપરાગત જાતિની પરંપરાઓ ભૂલીને વટલાઈ જનારા લોકો જ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાચા દુશ્મનો છે. તેઓ સંવિધાનની ગરિમા હણી રહ્યા છે, કારણ કે તેઓ ‘સમાનતાવાદી’ ધર્મમાં ગયા હોવાનો દાવો કરે છે અને છતાં અસ્પૃશ્યતાના નામે મળતા લાભો સેરવી લેવા કાવા-દાવા કરી રહ્યા છે. જો ખ્રિસ્તી કે ઇસ્લામ પંથ સમાનતા આપતો હોય તો પછી ત્યાં જ્ઞાતિવાદ ક્યાંથી આવ્યો? અને જો ત્યાં જ્ઞાતિવાદ છે જ, તો પછી તમે એવા ધર્મમાં ગયા જ કેમ? આ દંભી લોકો જ ડૉ. બાબાસાહેબના નામે પોતાની રોટલી શેકી રહ્યા છે. સંવિધાનના નામે ગેરમાર્ગે દોરનારાં આ તત્ત્વોએ સમજવું જોઈએ કે, બાબાસાહેબ નિયમોના પાકા હતા, અને તેમણે જ તમને આ ગેરલાભ આપવાની મનાઈ ફરમાવી છે. જે કન્વર્ટેડ (ધર્માંતરિત) લોકો, અનામત ખૂંચવી લેવા તલપાપડ છે તે સાચા અર્થમાં ‘દ્રોહી’ છે, ડૉ. બાબાસાહેબના જેઓ પોતાની મૂળ ઓળખ વેચીને પણ અનામતના ટુકડાઓ માટે તલપાપડ છે.
  
સંવિધાનની રક્ષા એ જ રાષ્ટ્ર રક્ષા અને દંભીઓનો પર્દાફાશ
 
ટૂંકમાં કહેવાનું તાપ્તર્ય એ જ છે કે, મતાંતરિત અનુસૂચિત જાતિના લોકોને અનામતના લાભો આપવાની માંગણી એ માત્ર તાર્કિક કે કાનૂની ભૂલ નથી, પણ તે એક ગંભીર નૈતિક અપરાધ અને સંવિધાનદ્રોહ સમાન છે. સમાજે હવે આવા ‘સફેદપોશ’ છેતરપિંડી કરનારાઓને ઓળખવાની જરૂર છે, જેઓ બાઇબલ હાથમાં રાખીને ફરે છે પણ ખિસ્સામાં હિન્દુ દલિતનું પ્રમાણપત્ર છુપાવીને રાખે છે. જે લોકો આજે પણ કોર્ટમાં જઈને મતાંતરિતો માટે અનામત માંગે છે, તેઓ વાસ્તવમાં સાચા અને મૂળ અનુસૂચિત જાતિના ભાઈ-બહેનોના કોળિયા છીનવવાનું પાપ કરી રહ્યા છે. આ લોકો સંવિધાન બચાવનારા નહીં, પણ સંવિધાનના આત્માને હણનારા છે. જે લોકો ખરેખર ડૉ. બાબાસાહેબનું સન્માન કરવા માંગતા હોય, તેમણે મતાંતરણના આ કાળા કારોબાર સામે અવાજ ઉઠાવવો જ પડશે. છેતરપિંડીથી લાભો લેનારા ‘ક્રિપ્ટો-ક્રિશ્ચિયન્સ’ને ખુલ્લા પાડવા એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. હવે સમય આવી ગયો છે કે, રાષ્ટ્રહિત અને સંવિધાનની મર્યાદાને સર્વોપરી માનીને, આવાં તત્ત્વોને સમાજમાંથી અલગ તારવવામાં આવે. સંવિધાનની રક્ષા એ જ સાચા અર્થમાં રાષ્ટ્રની રક્ષા છે અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી શકાય નહીં.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...