ગ્રામવિકાસ : સૌનો સાથ ગામનો વિકાસ ભારતનાં ગામડાંમાં આવેલી આર્થિક ક્રાંતિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે આદર્શ ગામની વાત કરે છે ત્યારે તેમાં આર્થિક સ્વાવલંબનની સાથે સાથે “सर्वे भवन्तु सुखिनः”નો વિચાર પણ રહે છે. સૌનું કલ્યાણ થાય, કોઈની સાથે ભેદભાવ ન થાય, જ્ઞાતિભેદ, વ્યસનમુક્તિ હોય, ગામડાં વિવાદમુક્ત બને – જે ગામોમાં શિક્ષા, સંસ્કાર, સમરસતા, સ્વાવલંબન, પર્યાવરણ સંરક્ષણ, આવા વિષયો પર કામ થઈ રહ્યું હોય તે આદર્શ ગામ છે. સંઘ સ્વયંસેવકો અને સંઘવિચારપ્રેરિત સંસ્થાઓના અનેકાનેક કાર્યકર્તાઓ દેશભરનાં હજારો ગામડાંઓમાં પ્રયત્નપૂર્વક આ પ્રકારની આર્થિક-સામાજિક ક્રાંતિની ગાથા લખી રહ્યાં છે.
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સુંદરેલ નામનું એક ગામ આવેલું છે. આ ગામનાં નિવાસીઓ દ્વારા સામૂહિક રીતે જે આર્થિક ક્રાંતિ થઈ છે, જેની પ્રશંસા સૌ કોઈ કરી રહ્યું છે. માત્ર ૧૫ વર્ષમાં જ આ ગામમાં આર્થિક ખુશહાલી આવી ગઈ છે. તેની પાછળ છે અહીંની ગ્રામવિકાસ બેંક. ભલે આ બેંક નોંધાયેલી ન હોય, છતાં તે એક સામાન્ય બેંકની જેમ જ કામ કરી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચાર સ્વયંસેવકો દ્વારા માત્ર ૪૦૦ રૂપિયાની પુંજી સાથે શરૂ થયેલી આ બેંક થકી હાલ સેંકડો લોકોને સહારો મળી રહ્યો છે. હાલ તેના ૭૦૦થી પણ વધારે સદસ્યો છે. જેઓ દર મહિને ૧૦૦ રૂપિયા સદસ્યવેરો જમા કરાવે છે. અને તેના બદલે તેમને માત્ર ૧ રૂપિયાના વ્યાજ પર લોન મળે છે. ગ્રામવિકાસ, માલવા પ્રાંતના સહસંયોજક મહેન્દ્ર પાટીદાર જણાવે છે કે, આ બેંક દર મહિને ૫૦ લાખ રૂપિયાનું કર્જ આપે છે. બેંકમાં સદસ્ય વેરો જમા કરાવવા માટે ગટ પદ્ધતિ અપનાવાઈ રહી છે. ૫૦ સદસ્યો વચ્ચે એક ગટનાયક નીમવામાં આવ્યો છે. તે તમામ લોકો પાસેથી પૈસા એકત્ર કરી બેંકમાં જમા કરાવે છે.
દર મહિને ૧થી ૧૦ તારીખ વચ્ચે આ સદસ્યતા શુલ્ક (વેરો) જમા થઈ જાય છે. ત્યારબાદ બેંક સંચાલન સમિતિના સદસ્યોની એક બેઠક થાય છે. જે સદસ્યોને લોન લેવી હોય તેઓને એક તારીખ પહેલાં અરજી આપવી પડે છે. બેઠકમાં તમામ અરજીઓ પર વિચાર કરવામાં આવે છે. ત્યારબાદ અરજકર્તાઓને ઋણ (કર્જ) મળી જાય છે. ગ્રામીણો ખેતી, વિવાહ, ધંધા-વ્યવસાય, ઘર બનાવવા માટે લોન લે છે. નામ માત્રના વ્યાજ પર મળતી આ લોને સમગ્ર ગામનો કાયાકલ્પ કરી એક પ્રકારે ગામમાં આર્થિક ક્રાંતિ લાવી દીધી છે. એક-મેક સાથેના આર્થિક વ્યવહારને કારણે ગ્રામીણો વચ્ચે સામાજિક સમરસતાનું પણ નિર્માણ થયું છે. ગામના પ્રત્યેક મહિનાની પૂર્ણિમાની આસપાસના રવિવારે સામૂહિક કન્યાપૂજન થાય છે. જેમાં ગામની તમામ જ્ઞાતિની દીકરીઓનું પૂજન થાય છે. આમ ગામની નવી પેઢીમાં આપોઆપ સામાજિક સમરસતાનો સંદેશ વહે છે.
જૈવિક ખેતી થકી વર્ષે ૧૫-૨૦ લાખની આવક
ઝારખંડના ગિરડીહ જિલ્લામાં આવેલા પરમાડીહ ગામે જે કરી બતાવ્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર જ નહિ. દેશનાં બધાં જ ગામો માટે આ અનુકરણીય છે. લગભગ ૧૦૦ પરિવારોનું આ ગામ ત્રણેય તરફથી નદીઓથી ઘેરાયેલું છે. અને એક નાની પહાડી વિસ્તાર પર વસેલું છે, પરંતુ આ ગામનો એક પણ યુવક રોજગારીની શોધમાં બહાર જતો નથી. ગામના લોકોએ પોતાની મહેનત અને પરંપરાઓ પર વિશ્વાસ રાખી પોતાની જિંદગી બદલી નાંખી છે. લગભગ ૧૦-૧૨ વર્ષ પહેલાં આ ગામ પણ એક સાધારણ અને પછાત ગામ ગણાતું. આજે આ ગામની ગણના લખપતિઓના ગામ તરીકે થાય છે. આ પરિવર્તનની શરૂઆત ત્યારે થઈ જ્યારે એકલ અભિયાન દ્વારા સંચાલિત ગિરડીહ સ્થિત એકલ ગ્રામોત્થાન સંસાધન કેન્દ્રના કેટલાક કાર્યકર્તાઓ અને અધિકારીઓનું ગામમાં આવવા-જવાનું શરૂ થયું. તેઓએ અહીંના ખેડૂતોને જૈવિક ખેતીનું પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે લોકો રાસાયણિક ખાતર છોડી ગોબર, ગોમૂત્ર અને પારંપરિક રીતોથી ખેતી કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં આની અસર સમગ્ર ગામમાં વર્તાવા લાગી. આજે આ ગામ સંપૂર્ણ રીતે જૈવિક ખેતી કરતું ગામ બની ગયું છે. અહીં ચોખા, ઘઉં, દાળ અને શાકભાજી જૈવિક રીતે ઉગાડવામાં આવે છે.
સૌથી મોટું પરિવર્તન શાકભાજી ઉત્પાદન ક્ષેત્રે આવ્યું છે. ગામના ખેડૂતો જૈવિક રીતે ઉગાડેલી શાકભાજી આજુબાજુના જિલ્લાનાં બજારોમાં વેચે છે. હવે પરમાડીહ ગામની શાકભાજીએ પોતાની શાકભાજી અને ગુણવત્તા અને સ્વાદને કારણે આગવી ઓળખ ઊભી કરી દીધી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, આજે ગામનું પ્રત્યેક પરિવાર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. અનેક પરિવારોની આવક તો ૧૫-૨૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આર્થિક પ્રગતિ અહીં પણ સામાજિક પરિવર્તન તાણી લાવી છે. સમગ્ર ગામમાં નશાબંધી લાગુ થઈ ગઈ છે. ગામની દીકરીઓ માટે સીવણ પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થવાથી અનેક દીકરીઓ આત્મનિર્ભર થઈ છે. વાંસ, શિલ્પ અને લુહાર જેવાં પારંપરિક કામો પણ ફરી ધમધમવા લાગ્યાં છે, જેનાથી અનેક પરિવારોને વધારાની રોજગારી મળી રહી છે.
જળસંરક્ષણ બન્યું આર્થિક ક્રાંતિનો સ્રોત
કોઈપણ ગ્રામના વિકાસનો માર્ગ પ્રકૃતિના સંરક્ષણમાંથી જ નીકળે છે. જો પ્રત્યેક ગ્રામના લોકો પોતાનાં જળસ્રોતો, ગોચર અને વનસ્પતિઓની રક્ષા કરે તો પાણી, ચારા અને રોજગાર સંબંધિત સમસ્યાઓ આપોઆપ શમી જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજસ્થાનનાં જયપુર જિલ્લાનું લાપોડિયા ગામ છે. એક સમયે પશુ, પાણી અને ચારાની અછતને કારણે રાજસ્થાનના સૂકાંભઠ્ઠ ગામોમાંનું એક ગણાતા આ ગામે જનભાગીદારીથી પોતાનું ભાગ્ય બદલી નાંખ્યું છે. ગામના લક્ષ્મણસિંહ નામના એક યુવાનની પહેલથી ગામનાં તળાવો અને પરંપરાગત જળસ્રોતોનું સમારકામ શરૂ થયું. પરિણામે વર્ષાઋતુમાં ગામના કૂવાઓ છલકાયા ત્યારબાદ ગ્રામીણોમાં જબરજસ્ત આત્મવિશ્વાસ આવ્યો છે. આજે લાપોડિયામાં પશુપાલન ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ આધાર બની ગયો છે. ગામમાં વિશેષરૂપથી દેશી નસ્લની ગાયોના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આના માટે ગીર નસ્લના નંદીને લાવીને ગાયોનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે, જેને પરિણામે ગામનું દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. જેને પરિણામે ગ્રામીણોની આવકમાં પણ વધારો થયો છે. આમ પશુધન આધારિત મજબૂત અર્થવ્યવસ્થાનો પાયો અહીં નખાઈ ગયો છે.
સંઘની ગ્રામવિકાસની યોજના થકી ગામડાંઓમાં આર્થિક ક્રાંતિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત ગ્રામવિકાસ યોજનાથી આર્થિક ક્રાંતિનાં એન્જિન બનેલાં ગામોમાંથી આ તો કેટલાંક ઉદાહરણ માત્ર છે. સંઘ સ્વયંસેવકો પોતાની આગવી કોઠાસૂઝ થકી હજારો ગામડાંઓમાં આર્થિક-સામાજિક ક્રાંતિ લાવી રહ્યા છે. અત્યાર સુધી આવાં લગભગ ૭૦૦૦થી વધુ ગામોમાં ગ્રામવિકાસના કાર્યો ચાલી રહ્યાં છે. આ ગામોમાં થયેલાં કાર્યોને જોતાં તેને અનેક શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે ગામો સંપૂર્ણ નશામુક્ત બન્યા છે, જ્યાં આભડછેટ નથી, ભેદભાવ નથી, કોઈ વિવાદ નથી એવા ગામોને ‘પ્રભાત ગામ’ કહેવામાં આવે છે. આવાં ગામોની સંખ્યા ૩૭૦ છે. બીજી શ્રેણીને ‘ઉદય ગામ’ કહેવાય છે. આ ગામોમાં સ્વાવલંબન, સ્વદેશી, જૈવિક ખેતી, રોજગાર સહિતના તમામ વિષયો જીવંત કર્યા છે. આવાં ગામોની સંખ્યા લગભગ ૨૦૦૦ છે. અને જ્યાં જોવાલાયક કાર્ય થયાં છે તેને ‘કિરણ ગામ’ કહેવામાં આવે છે. આવાં લગભગ ૫૦૦૦ ગામ છે.
વિશેષ વાત એ છે કે આ તમામ ગામોમાં ગો-આધારિત ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. કુરુક્ષેત્રમાં આચાર્ય દેવવ્રતજીના ગુરુકૂળની સેંકડો એકર ભૂમિ હાલ ગો-આધારિત ખેતીથી ધમધમી રહી છે. રાસાયણિક ખાતર અને કીટનાશકોના પ્રયોગથી પહેલાં જે જમીન ઉજ્જડ બની ગઈ હતી, તે ગોઆધારિત ખેતીથી ફરી ઉપજાઉ અને ફળદ્રુપ બની રહી છે. જમીનની ફળદ્રુપતા વધારવી, ભારતીય બીજનો જ ઉપયોગ કરવો, ખેતીમાં મનુષ્ય અને પશુ સંચાલિત યંત્રોના ઉપયોગને પ્રોત્સાહન આપવું, જેવાં કામો થઈ રહ્યાં છે. જૈવિક ઉત્પાદનોનું ચલણ પણ વધી રહ્યું છે. ચંદીગઢ અને ઇન્દોર સહિતનાં બજારોમાં તો હવે જૈવિક ઉત્પાદનોનાં નિયમિત સાપ્તાહિક બજારો પણ લાગવા લાગ્યાં છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા સંચાલિત ‘ગ્રામવિકાસ યોજના’ના પાલક અધિકારી સંઘના વરિષ્ઠ પ્રચારક ડૉ. દિનેશજી કહે છે કે, ગ્રામીણ ક્ષેત્રોમાં જૈવિક ખેતી પર કામ થઈ રહ્યું છે. તેમાં કેટલીક સંસ્થાઓ કામ કરી રહી છે, જે મોટા ભાગે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં જૈવિક ખેતી કરી રહી છે. આ સંસ્થાઓમાં કેટલીક એવી સંસ્થાઓ પણ છે, જે સંઘના સ્વયંસેવકો દ્વારા સંચાલિત થઈ રહી છે. આ સંસ્થાઓ ૫-૭ ગામોથી લઈ ૨૦-૨૫ ગામો વચ્ચે કામ કરે છે. આવી જ રીતે કેટલાંક ધાર્મિક સંગઠનો પણ આ પ્રકારનું કાર્ય કરી રહ્યાં છે. ઉદા. કોલ્હાપુર મહારાષ્ટ્રનો કનેરી મઠ, બેલગામ અને કોલ્હાપુર બે જિલ્લાઓમાં પ્રાકૃતિક ઉત્પાદનોનાં સંરક્ષણ, સંવર્ધન તેમને યોગ્ય મૂલ્ય મળે, બજાર મળે તે અંગે કાર્ય કરે છે. મધ્યપ્રદેશના બનખેડીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. એવું જ તેલંગાણામાં પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. આ કેન્દ્રો જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યાં છે.
આમ ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિ એક સકારાત્મક સંકેત છે. આજે ગામડાં કૃષિ અને પરંપરાગત વ્યવસાયો થકી વિકાસનાં નવાં કેન્દ્રો બની રહ્યાં છે. આ બધાંમાં સરકારી યોજનાઓ, ટેકનોલોજી, શિક્ષણ અને ગ્રામીણ ઉદ્યમિતા તો છે જ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહેલા ગ્રામવિકાસના વિવિધ પ્રકલ્પો પણ ભારતના ગ્રામ્યજગતમાં આર્થિક ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
સ્વયંસેવકોના પ્રયાસોથી આત્મનિર્ભર બની રહ્યાં છે ગામડાં : ડૉ. દિનેશજી
ગ્રામીણ વિસ્તારોને લઈ હમણાં સુધી એવું પરિદૃશ્ય હતું કે, રોજગારી ન હોવાને કારણે ગ્રામીણ યુવા શહેરો તરફ ભાગી રહ્યો છે. ગામના લોકો શહેરોમાં રિક્ષા ચલાવવાનું પસંદ કરે છે, પરંતુ તેમને ખેતી કરવી નથી. પરંતુ આપણે આ મુદ્દે ઊંડાણમાં જઈને જોઈએ તો કંઈક અલગ જ વાતાવરણ છે. ગામોમાં પણ રોજગારનાં સાધનો વધ્યાં છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાનું સુદરેલ ગામ શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ છે. પરંતુ અપવાદ માટે પણ અહીંનો યુવા શહેરમાં જતો નથી. ગામમાં દેશી બિયારણ પર કામ થાય છે, જૈવિક ખેતી થાય છે. ગામમાં પશુઓનું એક સાપ્તાહિક બજાર પણ લાગે છે. ગ્રામીણો ગામમાં જ રોજગારી ઊભી કરી રહ્યાં છે. આવું જ ઉત્તરપ્રદેશનું સિરસખેડા ગામ છે. અહીંના ૨૫૦ લોકો પાછલા ચાર-પાંચ વર્ષથી પોતાના પરંપરાગત વ્યવસાયમાં વળ્યા છે. અને સારું કમાઈ પણ રહ્યા છે. આવું જ બિહારનું વૈશાલી જિલ્લાનું મનુઆ નામનું ગામ છે. બે દાયકામાં આ ગામને સંઘ સ્વયંસેવકોએ એટલું સક્ષમ બનાવી દીધું છે કે, ત્યાંના લગભગ ૧૦૦થી વધારે યુવક રેલવે, સેનામાં નોકરી કરી રહ્યા છે. કર્ણાટકના ગુડીબંડે જિલ્લાનાં લગભગ ૬૦ ગામો સ્વાવલંબન, શિક્ષા, રોજગાર વગેરે માટે સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. આ કારણે આ જિલ્લામાં પલાયન ન થવા બરાબર છે.
(પાલક અધિકારી, ગ્રામવિકાસ યોજના)