સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-૨૦૨૬માં ગૌતમ ઓડિટોરિયમ ખાતે ‘Role of Stars amidst Narrative wars’ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર અને ‘Organiser Weekly’ના સંપાદક શ્રી પ્રફુલ્લ કેતકર સાથે સ્ટાર્સ ક્રિએટર્સનો પ્રભાવી સંવાદ થયો હતો, જે અત્રે પ્રસ્તુત છે...
પ્રફુલ્લ કેતકર : સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે, ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા છે. રા.સ્વ.સંઘ જ્યારે ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે ત્યારે તે અંગે રા.સ્વ.સંઘને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. સંઘ વિષે ઘણા બધા વિમર્શ પણ ઘડવામાં આવ્યા છે. આપ આ વિમર્શ-યુદ્ધને કેવી રીતે જુઓ છો અને તેમાં આપ આ સ્ટાર્સની શું ભૂમિકા ઇચ્છો છો?
સુનિલજી : દેશને જાગૃત પ્રહરીની જરૂર છે. સોશિયલ મીડિયાના વિશ્વમાં આપ જેવા સ્ટાર ક્રિએટર્સ છે, જે હંમેશા એક્ટિવ, એલર્ટ રહે છે. જ્યાં સુધી કેતકરજી દ્વારા રા.સ્વ.સંઘ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હું આ વાત આપને સંક્ષિપ્તમાં સમજાવીશ.
સંઘ અંગે અનેક પ્રશ્નો ઊઠે છે. ઉદા., હિન્દુ-મુસ્લિમ અંગેનો પ્રશ્ન. ગુજરાતમાં તો આ અંગે ચર્ચા ઓછી થાય છે, પરંતુ ગુજરાતની બહાર આ અંગે વ્યાપક ચર્ચા થાય છે. કેટલાક લોકો વિચારે છે કે, સંઘ અને મુસ્લિમો વચ્ચે કોઈ સમસ્યા છે, જો આપણે આ વાતને આ એંગલથી જોઈશું તો ક્યારેય એ વાત સમજમાં નહિ આવે. આ પ્રશ્ન સંઘ અને મુસ્લિમો વચ્ચેનો નથી. આ પ્રશ્ન હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો છે. માટે એ દૃષ્ટિએ તેને સમજવો ખૂબ જરૂરી છે. સંઘનો પ્રારંભ તો ૧૯૨૫માં થયો, પરંતુ તે પહેલાંથી હિન્દુ-મુસ્લિમ પ્રશ્ન રહ્યો છે. મુઘલો આવ્યા, નાલંદા વિશ્વ વિદ્યાલય સહિતનાં મહત્વનાં સ્થાનો ધ્વંસ કર્યો. ઘણું બધું બંને વચ્ચે થઈ ગયું અને જ્યાં સુધી સંઘ પોતાની કોઈ યોજના બનાવે ત્યાં સુધી દેશનું વિભાજન પણ થઈ ગયું હતું. આમ જે સમસ્યા ઉત્પન્ન થવાની હતી તેને સંઘે ખૂબ જ પહેલાંથી જાણી લીધી હતી. તેમાં ઘણી બધી સમજણ-ગેરસમજણ, સારી યાદો-ખરાબ યાદો મોટા પ્રમાણમાં છે. હવે સંઘ તેમાંથી માર્ગ કાઢી રહ્યો છે, કારણ કે ભૂતકાળને કારણે જે સ્વયંને હિન્દુ કહે છે તેઓમાં પણ ઘણા પ્રમાણમાં ગેરસમજણ થઈ, એવી જ ગેરસમજણ મુસલમાનોમાં પણ થઈ. સંઘે પહેલું કામ એ શરૂ કર્યું કે, જે લોકો પોતાને હિન્દુ કહે છે, જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે તે સૌની સાથે સંવાદ કરવાનું નક્કી કર્યું. બાદમાં જે લોકો માને છે કે આ અમારો દેશ નથી, ૧૯૪૭માં જે લોકોએ અલગ દેશ માગ્યો હતો તેઓને પણ સમજાવીશું. આમ સંઘે પદ્ધતિસર કામ કરવાનું શરૂ કર્યું. જો સંઘને આ દૃષ્ટિએ જોવામાં આવશે તો મને લાગે છે કે, વાત એકદમ સ્પષ્ટ થઈ જશે.
હવે જાતિના વિષયની વાત. આ જાતિના વિષયનો ભારતમાં ખૂબ જૂનો સંદર્ભ છે. તેમાં પણ ઘણું બધું થઈ ચૂક્યું છે. સંઘ જે દિવસે બન્યો ત્યારથી જ સંઘ હિન્દુ-હિન્દુ એકની વાત કરી રહ્યો છે. તમામ જાતિઓ એકરૂપ થઈને કામ કરશે ત્યારે જ હિન્દુ એક થઈ શકશે. આમ સંઘની દિશા પહેલેથી જ એ તરફ જઈ રહી છે. સંઘ પોતાની શાખા, પોતાના વિચારો સમાજને સમજાવવામાં લાગી રહ્યો છે. જો સંઘ પહેલા દિવસથી જ આ પ્રકારની ચર્ચામાં પડી જાત તો કદાચ સંઘ ડિબેટ (ચર્ચા)માં જ રહી જાત. આજે જ્યાં પહોંચ્યો છે ત્યાં ન પહોંચી શકત. હવે જ્યારે અહીં સુધી પહોંચી ગયો છે ત્યારે જે પણ શંકાઓ છે, તેને દૂર કરવામાં આવશે. જો આપણે સમગ્ર વિષયોને ભારતની દૃષ્ટિએ સમજીશું તો સંઘ શું છે એ ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. હું કહું છે કે જેને ભારત સમજમાં આવી ગયું તેને સંઘ સમજાઈ ગયો. અને હિન્દુત્વ સમજાઈ ગયું. જેને હિન્દુત્વ સમજાઈ ગયું તેને ભારત અને સંઘ સમજાઈ જશે. જેને સંઘ સમજાઈ જશે તેને હિન્દુત્વ અને ભારત સમજાઈ જશે. જેને જે માર્ગે જવું છે તે માર્ગે જઈ શકે છે. આખરે આપને આ ત્રણેય વાતો સમજવાની છે, અને અમને વિશ્વાસ છે આ ત્રણેય વાતો સૌને વહેલી-મોડી સમજાઈ જશે. આપ ત્રણેય વાતોને આગળ વધારવા આપને જે ક્ષેત્રમાં યોગદાન આપવું ગમે તેમાં આપી શકો છો. આમ ભારત, હિન્દુત્વ અને સંઘને સમજાવવામાં આપ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકો છો. આપ કોમ્યુનિકેટર્સ છો એટલે કે આપ કોઈ પણ વાતને સારી રીતે સમજી શકો છો અને અન્યને સમજાવી પણ શકો છો. માટે આ વાતને સમાજ સુધી પહોંચાડવાની આપની પાસે અપેક્ષા છે.
પ્રફુલ્લ કેતકર : આપણા ઇતિહાસને લઈને કેટલાક લોકોએ આપણા મનમાં અનેક પ્રકારના ભ્રમ ઠસાવી દીધા છે. આપણા ઇતિહાસ અંગે ઘણા જ ખોટા નેરેટિવ પણ સેટ કરવામાં આવ્યા છે? તે અંગે આપનું શું કહેવું છે?
સુનિલજી : આજે આપણી પાસે કોમ્યુનિકેશનનાં ઘણાં બધાં માધ્યમો ઉપલબ્ધ છે. ગુગલ, ચેટ-જીપીટી અને હવે એઆઈ પણ આવી ગયું છે અને આગળ ઘણી બધી ટેકનોલોજી આવશે. આજે આપણી પાસે વિશ્વભરનું જ્ઞાન ઉપલબ્ધ છે. માટે એક રેશનલ (તર્કસંગત) હોવાને નાતે આપે તમામ બાબતોએ પ્રશ્ન કરી તેને ઊંડાણપૂર્વક સમજવી જોઈએ. દૃષ્ટિ-દૃષ્ટિમાં ભેદ હોય છે. કોઈના માટે હલ્દીઘાટીનું મેદાન માત્ર માટી છે. કોઈના મસ્તિષ્કમાં મહારાણા પ્રતાપ, તેમનો ઘોડો, શૌર્ય હોય છે. એ માટીને જોઈને જ તેના મનમાં અલગ પ્રકારની ભાવના જન્મે છે. ભગવાન શ્રી ગણેશની કથા ન સાંભળનાર વ્યક્તિ અને તેમના વિશે જાણનાર વ્યક્તિની તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભાવનામાં ઘણો જ ફરક હોય છે, ત્યારે તે પ્રકારની માહિતી-વાતો નવી પેઢીમાં ઉતારવાની જરૂર છે. વધારેમાં વધારે ભારતનાં ધર્મ અને સંસ્કૃતિને સાથે જોડવાની જરૂર છે. યુવાપેઢી આપણા ધર્મ, સંસ્કૃતિ, દેશ વિશે જેટલું વધારેમાં વધારે જાણશે તેટલા જ વધુ પ્રમાણમાં ધર્મ-સંસ્કૃતિ પ્રત્યેનો શ્રદ્ધાભાવ જન્મશે. આપણા ઇતિહાસને લઈ આપણા મનમાં અનેક ભ્રમ ઠસાવી દેવામાં આવ્યા છે. આપણા રાજા (શાસક)ને લઈ એવો વિમર્શ ફેલાવવામાં આવ્યો કે, આપણા રાજાઓ અત્યાચારી હતા. આપણને ઠસાવવામાં આવ્યું કે રાજા તો જૂના જમાનાની વાત છે. આધુનિક લોકશાહી વ્યવસ્થામાં તેનું કોઈ જ ઔચિત્ય નથી. પરંતુ ઇંગ્લેન્ડ અને જાપાન જેવા દેશોમાં લોકશાહી હોવા છતાં ત્યાં આજે પણ રાજા છે. જો આપણા રાજાઓ એટલા જ ખરાબ-અત્યાચારી હોત તો ૧૯૫૦ બાદ દેશમાં ચૂંટણીઓ થઈ તેમાં ચૂંટાઈ આવત ખરા? વિશ્વભરના દેશોમાં જુઓ અત્યાચારી રાજાઓના શાસનને કેવી હિંસક રીતે પલટાવવામાં આવ્યું છે, પરંતુ આપણા ભારતમાં અપવાદરૂપ પણ આવો પ્રસંગ નથી મળતો. આપણા ગુજરાતના વડોદરા રાજ્યની જ વાત લઈ લો. આજે પણ તેના રાજા પ્રત્યે લોકોમાં કેટલી શ્રદ્ધા છે. અનેક રજવાડાંઓ પ્રત્યે આજે લોકશાહીમાં પણ એટલી જ શ્રદ્ધા છે. કેમ? કારણ કે તેઓએ ખૂબ જ સારું કાર્ય કર્યું હતું. આમ આપણા ઇતિહાસ અંગે ઘણા જ ખોટા નેરેટિવ સેટ કરવામાં આવ્યા છે. ગુજરાતને લઈને પણ એવો વિમર્શ ફેલાવવામાં આવ્યો છે કે, ગુજરાત તો વેપારી રાજ્ય છે. યુદ્ધ અને શૌર્યમાં તેનું યોગદાન નથી, પરંતુ આવું કહેનારા લોકોએ ગુજરાતના ડાયરાઓ સાંભળ્યા નથી. એક એકથી ચડિયાતી શૌર્યગાથાઓ ડાયરામાં હોય છે. સોમનાથ માટે ગુજરાતનું બલિદાન ખૂબ મોટું છે. સરહદી રાજ્ય હોવાથી અનેક આક્રમણો થયાં હોવા છતાં પોતાની સંસ્કૃતિને અકબંધ રાખી અડીખમ ઊભું છે. તે જ તેના શૌર્યનું સાક્ષી છે. આ ઇતિહાસ માત્ર ગુજરાતના લોકોને જ નહીં, ગુજરાત બહારના લોકો સુધી પણ પહોંચવો જોઈએ. આપણા ઇતિહાસ અને સમાજ વચ્ચે આ ગેપ છે તેને પૂરવાની જરૂર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ જ કરી રહ્યો છે.
પ્રફુલ્લ કેતકર : ભારતની કોઈપણ સિદ્ધિને Derail (પાટા પરથી ઉતારી લેવા) કરવા, જેમકે હાલ તેલ અને ગેસને લઈને જે અફવાઓ ચલાવવામાં આવી, જેને લઈને દેશનાં અનેક રાજ્યોમાં અવ્યવસ્થા સર્જાઈ. આપ સંઘના મીડિયા રિલેશન્સવાળા કાર્ય સાથે જોડાયેલા છો ત્યારે આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ભારતને લઈને આવા બાયસ (પૂર્વગ્રહ) કેમ છે? અને આ બાયસ દૂર કરવા માટે આપણા કિએટર્સે શું કરવું જોઈએ?
સુનિલજી : જેટલો મારો અનુભવ છે તેના પરથી એક વાત સમજાઈ છે કે, જ્યારે પણ કોઈ બહારના લોકો ભારતને લઈને ભ્રામક વાતો લખે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનો સ્રોત આપણા જ દેશના કેટલાક લોકો હોય છે. તેમની દૃષ્ટિ ભારતને લઈને અલગ જ હોય છે. પછી તે ગેરસમજણપૂર્વક કરતા હોય કે પેઈડ રીતે ભારત વિરુદ્ધ ભ્રમ ફેલાવતા હોય છે. તે જ સ્રોતને કારણે વિદેશી માધ્યમોમાં ભારતને લઈ ભ્રમજનક વાતો લખવામાં આવે છે ત્યારે પ્રથમ આપણે આ માનસિકતાને આપણા દેશમાં જ ઠીક કરવાની જરૂર છે. જ્યાંથી આ પ્રકારની ખોટી માહિતી સતત આવે છે તે સ્રોત સુધી પહોંચવાની જરૂર છે. હાલમાં અમેરિકા દ્વારા રિલિજીયન્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં ભારત પર ધાર્મિક સ્વાતંત્ર્યને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. બે વર્ષ પહેલાંથી જ અમેરિકા દ્વારા આવો અહેવાલ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમની સંસદ, કમિટીના રેકર્ડને આધારે આ અહેવાલ બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં જ્યારે મહિલા પર અત્યાચાર થાય છે, તેમાંથી ૯૮ ટકા કેસો ટ્રાયલ સુધી પહોંચે છે. તેનાથી ઉલટું, અમેરિકામાં તો મોટાભાગના કેસો રફે-દફે કરી દેવામાં આવે છે. આ અમેરિકાની વાસ્તવિકતા છે. ભારત પર કરાતી દખલગીરી સામે હવે સમય માત્ર જવાબ આપવાનો નથી, પરંતુ આક્રમકતાથી આવી શક્તિઓને અરીસો બતાવવાનો પણ છે. આ નવું ભારત છે. નવા ભારતની સ્પષ્ટ નીતિ હોવી જોઈએ કે, ભારત કોઈની ટીકા નહિ કરે, પરંતુ કોઈને માથે પણ બેસાડશે નહીં. અમારી કમીને સ્વીકારીશું, પરંતુ કોઈ ભારતને લઈ ભ્રમ ફેલાવશે તો તેનો જડબાતોડ જવાબ આપીશું. આવી સ્પષ્ટ નીતિ આપણી હોવી જોઈએ. સંઘનો અભિગમ પણ એ જ છે.
ક્રિએટર્સ : ભારતમાં મતાંતરણ, લવજેહાદને રોકવા માટે ક્રિએટર્સની શી ભૂમિકા હોઈ શકે?
સુનિલજી : ક્રિએટર્સે પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં મૂકવી જોઈએ. ગોળ-ગોળ ફેરવીને વાતો કર્યા કરતાં સીધી જ અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પ્રશ્નો મૂકવા જોઈએ. દેશમાં લવજેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે તો આપણે એ ષડયંત્ર વિરુદ્ધ સ્પષ્ટરૂપે બોલવું પડશે. દેશમાં મતાંતરણ થઈ રહ્યું છે તો તેને સ્પષ્ટ શબ્દોમાં વખોડો, ઉઘાડું પાડો. આત્મસમર્પણ કરી ચૂકેલા નકસલીઓ પર નકસલીઓ દ્વારા જ અત્યાચારો થયા છે તેની સ્ટોરી લોકો સુધી પહોંચાડવી પડશે. વિશ્વમાં હાલ વોકિઝમનો વાયરો ફૂંકાયો છે. ન જાણે કેવા કેવા પ્રકારના અધિકારોની વાતો થઈ રહી છે ત્યારે મારા મતે આ અધિકારોવાળા વિષય અંગે પણ ક્રિએટર્સે સામગ્રી બનાવી સમાજમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. સમગ્ર વિશ્વ બાયનરીમાં જ કામ કરી રહ્યું છે. તેઓને લાગે છે કે, મહિલાઓના પ્રશ્ન માત્ર મહિલાઓના છે, મજદૂરોના પ્રશ્ન માત્ર મજદૂરોના છે અને ખેડૂતોના પ્રશ્ન માત્ર ખેડૂતોના છે. આ વિશ્વની પદ્ધતિ હશે, પરંતુ આપણી આ પદ્ધતિ નથી. આપણા માટે મહિલાઓનો પ્રશ્ન માત્ર મહિલાઓનો નથી પણ સમગ્ર સમાજનો છે. તેવી જ રીતે મજૂરો-ખેડૂતોના પ્રશ્નો પણ સમગ્ર સમાજના છે. આપણી પરંપરામાં સૌએ સાથે મળી સંગઠિતરૂપે આવા પ્રશ્નોનું સમાધાન કરવાની પદ્ધતિ છે. આ ભૂમિકા ક્રિએટર્સે લેવી પડશે.
ક્રિએટર્સ : એન્વાયરમેન્ટ સાથે સમગ્ર સમાજની ભાવના જોડાયેલી હોય છે. તેમાં કોઈ વિરોધને સ્થાન નથી, છતાં તેમાં પણ નેરેટિવ વિમર્શ ચાલે જ છે. કેટલાક નેરેટિવ એટલા આગળ વધી જાય છે કે, તમે જો તેની વિરુદ્ધ કંઈક કહો છો તો સૌ તમારા વિરોધી બની જાય છે. તેવા સમયે એક ક્રિએટર્સે શું કરવું જોઈએ?
સુનિલજી : આપણે ત્યાં હોળી-દિવાળી જેવા હિન્દુ તહેવારો ટાણે પણ આ પ્રકારના અલગ અલગ નેરેટિવ ચલાવવામાં આવે છે. પર્યાવરણના નામે પણ વૈશ્વિક રાજકારણ ખેલાઈ રહ્યું છે. કાર્બન ક્રેડિટ, નોન ટ્રેડ ટેરિફ જેવા શબ્દો સતત સંભળાતા રહે છે. ક્યારેક બાળમજૂરોના બહાને તો ક્યારેક એન્વાયરમેન્ટના નામે ટેરિફ લગાવવાની વાતો થાય છે. ક્યારે ભારતમાં નિર્મિત માલ-સામાન ન ખરીદવાનો વિમર્શ પણ ચલાવવામાં આવે છે. આની પાછળ ખૂબ મોટું વૈશ્વિક રાજકારણ ભાગ ભજવે છે. તેને સમજવાની જરૂર છે. જ્યારે એન્વાયરમેન્ટનો કોઈ પ્રશ્ન જ નહોતો ત્યારથી ભારતમાં એન્વાયરમેન્ટ સાથે સહઅસ્તિત્વ કેળવી જીવવાની વાત થતી આવી છે. પર્યાવરણ અંગેની ભારતની અલગ દૃષ્ટિ રહી છે, પરંતુ વિશ્વભરમાં પહેલાં આપણે પૃથ્વીના માલિક છીએ માટે આપણે પૃથ્વી સાથે જે કરવું હોય તે કરી શકીએ તેવી નીતિ ચાલી. પરંતુ જ્યારે તે નીતિને કારણે સમસ્યાઓ ઊભી થવા લાગી ત્યારે લોકોની આંખો ખૂલી. અને હાલ જે સમસ્યા ઊભી થઈ છે તે જો થોડી ઠીક થઈ જાય તો ફરી શેષ વિશ્વ પોતાની એજ જૂની નીતિ પર ચાલવા લાગશે, કારણ કે તેમની આ ભાવના સૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમને કારણે નથી, પરંતુ પોતાને જે તકલીફ થઈ રહી છે તેને કારણે છે. ત્યારે આપણી આ જે વાતો છે તેને આપણી દૃષ્ટિએ લોકોને સમજાવવી ખૂબ જરૂરી છે. બીજી વાત કે પર્યાવરણને લઈ ભારતમાં જે જુઠ્ઠો નેરેટિવ ફેલાવવામાં આવે છે. ક્રિએટર્સે એ કરવાનું છે કે જે રિપોર્ટ એ લોકો ક્વોટ કરે છે તેનો સ્રોત ચેક કરો. તે રિપોર્ટ બનાવનાર સંસ્થાનું કામ અને તેણે બનાવેલા અન્ય ચાર રિપોર્ટ જોતાં તમને સમજાઈ જશે કે, આની પાછળ કયો એજન્ડા કામ કરી રહ્યો છે. તે એજન્ડાને જો આપ ઉઘાડો પાડશો તો તે જુઠ્ઠો વિમર્શ આપોઆપ ઉઘાડો પડી જશે. ક્લાઈમેટ ચેન્જ અંગે પાછલી જે ત્રણ કોન્ફરન્સ યોજાઈ તે એક જ ઈવી કંપની દ્વારા સ્પોન્સર થઈ છે. તમામમાં એક જ નિષ્કર્ષ નીકળ્યો કે બાયોફ્યુઅલ પર નિર્ભરતામાં ઘટાડો થવો જોઈએ અને ઈવીની નિર્ભરતા વધારવી જોઈએ. આ તમામ કોન્ફરન્સોને સ્પોન્સર કરનારી પણ એ જ ઈવી કંપની છે (તેમાં એલન મસ્કના પૈસા લાગેલા છે.) આ કોન્ફિલ્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી? આવી બારીકીઓને શોધી આપણે ક્રિએશનમાં લાવવી પડશે.
ક્રિએટર્સ : વિદેશી બ્લોગરો, ક્રિએટર્સ દ્વારા ભારતમાં આવીને ભારતની માત્ર નકારાત્મક બાબતો બનાવવામાં આવે છે. ભારત વિરુદ્ધ ચાલતા આ નેરેટિવનો જવાબ કેવી રીતે આપવો?
પ્રફુલ્લ કેતકર : આ બાયસ પાછળ એક કારણ જવાબદાર છે. આપ એક ફન્ડામેન્ટલ બાબત સમજો. ૧૭૮૪માં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપનાથી લઈ ૧૮૩૫ એટલે કે ભારતમાં મેકોલોની શિક્ષણપદ્ધતિ આવી ત્યાં સુધી તેણે ભારતનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ભારતનાં મૂલ્યો, દેવી-દેવતા, ભાષાઓ પર અભ્યાસ કરી ભારત અંગે વિમર્શ ઊભો કર્યો કે, અંગ્રેજોના આગમન પહેલાં ભારત એક દેશ નહોતો. ભાઈ! જો ભારત એક દેશ નહોતો તો અંગ્રેજોએ પોતાની કંપનીનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ રાખ્યું હતું. અંગ્રેજો તો સુરત આવ્યા હતા. તો તેઓએ સુરત કંપની રાખવું જોઈએ કારણ કે, તેઓ સુરત આવ્યા હતા. મતલબ એમને ખબર હતી કે, ભારત એક દેશ હતો, છતાં તેમણે જુઠ્ઠો વિમર્શ ચલાવ્યો કે અંગ્રેજોના આગમન પહેલાં ભારત એક દેશ ન હતો. ભારતનો કોઈ ઇતિહાસ નથી, લોકો આવતા ગયા અને ભારત વસતું ગયું. ભારત એટલે જ્ઞાતિયુક્ત સમાજ, બ્રાહ્મણવાદી સમાજ અને રાજાશાહીનો દેશ. આ વિમર્શનું લોજિકલ એક્સ્ટેન્શન અમેરિકામાં થયું અને વિમર્શ ઘડવામાં આવ્યો કે ભારત એટલે મદારીઓનો દેશ. આ ગ્રાન્ડ નેરેટિવને પુષ્ટ કરવા માટે સ્ટોરી, કન્ટેન્ટ ક્રિએટ કરવામાં આવે છે. ભારતને સદીઓ જૂના એ નેરેટિવમાંથી બહાર નીકળતું રોકવા, ભારતને ફોલ્ટ લાઇનમાં ફસાવી રાખવા ચોક્કસ રણનીતિપૂર્વક કાર્ય થઈ રહ્યું છે. ત્યારે તેમાં ભારતના ક્રિએટર્સની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે.
જોકે ભારત વિરોધી ચલાવાતા આ જુઠ્ઠા વિમર્શને લઈ એટલા નિરાશ થવાની પણ જરૂર નથી, કારણ કે તેઓ ૩૦૦-૪૦૦ વર્ષોથી જે ઉદ્દેશ્ય સાથે ભારત વિરોધી વિમર્શ ચલાવી રહ્યા છે, તેમાં સંપૂર્ણ સફળ થઈ શક્યા નથી અને તેમની મીટિંગોમાં જ આક્રોશ ઠલવાય છે કે, આટલા કરોડો-કરોડો રૂપિયા ખર્ચી જે ભારતને પાડી દેવાના પ્રયાસો કર્યા તે ભારત તો ઉપર આવી રહ્યું છે. ભારતનો યોગ હાલ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં લાખો વિદેશીઓ આવે છે તેઓ પણ ભારતને લઈ સારા સારા વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે, એટલે વિદેશી તાકાતોના લાખ પ્રયત્નો છતાં ભારત આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા એક સમુદ્ર છે, તે સમુદ્રમાં ભારતવિરોધી પ્રવાહ છે તો ભારતના સમર્થનમાં પણ વાતો છે. એ જ ભારતની ઉપલબ્ધિ છે કે, આપણે તેમના આટલા પ્રભાવી પ્રવાહને થોડો ખંડિત કરી આપણી પોતાની ધારાને તેમાં વાળી છે. ભારતની આ સિદ્ધિ છે અને તેના પર આપણે અભિમાન કરવું જોઈએ. જો કે આપણે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. ઘણા બધા લોકો સુધી આપણે પહોંચી શક્યા નથી. અને ઘણી બધી શક્તિઓના જોરે, કોઈ હથિયારોના જોરે તો કોઈ પૈસા, ધન, પેટન્ટ, કંપનીઓ શિક્ષણસંસ્થાનોના જોરે ભારત વિરુદ્ધ ષડયંત્રો ચાલી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે આપણા માટે રાહત એટલી છે કે, આપણી પાસે પણ તેને પડકારવા માટે આપણું પોતાનું કંઈક છે. આપણે આપણી હકારાત્મકતાના મહત્ત્વને સમજીને કન્ટેન્ટ ક્રિએટ કરવાની જરૂર છે.
એક સમય હતો જ્યારે વિદેશી માધ્યમોમાં આપણા કુંભ-મેળાનું રિપોર્ટીંગ ૧૦૦ ટકા નકારાત્મક રીતે કરાતું હતું. કુંભ એટલે ખોવાઈ જવું, કુંભ એટલે ગંદકી, પરંતુ ગત વર્ષે જે કુંભ યોજાયો તેને લઈ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ૭૮% સામગ્રી હકારાત્મક પ્રકાશિત થઈ હતી. ૨૩ જેટલી વિદેશની વિશ્વ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ કુંભના અભ્યાસ અર્થે પહોંચ્યા હતા. આ બદલતું ભારત છે.
ક્રિએટર્સ : આપણે એક તરફ હિન્દુત્વની વાત કરીએ છીએ ત્યારે બીજી તરફ આજે પણ દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ચાલે છે, તેને દૂર કરવા માટે આપ ક્રિએટર્સને શું માર્ગદર્શન આપશો?
સુનિલજી : સંઘ દ્વારા શતાબ્દી સમારોહ પર એક આહ્વાન કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતાને માત્ર રાજનૈતિક સ્તરે કે સરકાર દ્વારા લાવી શકાશે નહિ. આ માટે સમાજે પણ પ્રયત્નો કરવા પડશે, જેમ આપણા ફ્રેન્ડલીસ્ટમાં તમામ સમાજના લોકો છે કે? આપણા ઘરમાં જ્યારે મિત્રો મળે છે ત્યારે તેમાં તમામ લોકો આવે છે કે, ઘરના કોઈ પ્રસંગમાં આપણે સૌને બોલાવીએ છીએ કે? આપણે આપણી જ્ઞાતિના નેતાઓને આ અંગે વાતચીત કરવી જોઈએ કે, આપણે અન્ય જ્ઞાતિઓને પણ સમાજ સાથે કેવી રીતે જોડી શકીએ? આ પ્રકારનાં કામો કરવાથી આપોઆપ પરિવર્તન આવવા લાગશે. વ્યક્તિગત સ્તરે અને સામાજિક સ્તરે આપણે કામ કરવું પડશે.
સંઘના શતાબ્દી વર્ષમાં પ્રત્યેક જિલ્લા સ્તરે તમામ જ્ઞાતિના નેતાઓ સાથે આ પ્રકારની બેઠકો યોજાઈ રહી છે. સામાજિક ઝગડાઓ, સામાજિક ભેદભાવો કેવી રીતે ખતમ કરી શકાય તે અંગે ચર્ચા ચાલી રહી છે. તેનો ખૂબ જ સારો પ્રતિભાવ પણ સાંપડી રહ્યો છે. રાજકીય કારણોસર જે ચિત્ર બતાવવામાં આવે છે. તેના પ્રમાણમાં આજે પણ તમામ સમાજમાં ખૂબ જ સારા અને સમજદાર લોકો છે જ. પહેલાં વિભાજનની લહેર જ ચાલતી હતી, પરંતુ હવે હિન્દુત્વની પણ લહેર ચાલે છે. શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન આપણે એ લહેરને અનુભવી ચૂક્યા છીએ. ક્રિએટર્સની જવાબદારી એ લહેરને વધુ ને વધુ મજબૂત બનાવવાની છે.