પશ્ચિમ બંગાળ ચૂંટણી ૨૦૨૬: 'ખેલા' નહીં 'પરિવર્તન હોબે'? મમતા બેનર્જીનું ખોરવાતું રાજકીય ગણિત અને ભાજપની રણનીતિ

પશ્ચિમ બંગાળની આ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોને ષડયંત્રપૂર્વક ઓબીસીની યાદીમાં સમાવવાનો મુદ્દો પણ મમતાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે.

    ૨૩-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

west bengal election 2026
 
 
પશ્ચિમ બંગાળ ચૂંટણી - ૨૦૨૬ ખેલા નહિ... પરિવર્તન હોબે...
 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓની વિશેષતા એ છે કે, અહીં પ્રશ્ન માત્ર એ નથી રહેતો કે, સત્તા શાસક પક્ષના હાથમાં જ રહેશે કે પછી નવા લોકોના હાથમાં આવશે. આ રાજ્યની ચૂંટણી હંમેશા એક મોટા રાજનૈતિક, સામાજિક અંગે વૈચારિક સંઘર્ષનો મંચ બની જાય છે. આ વખતની ચૂંટણીઓમાં પણ આવું જ ચિત્ર દેખાઈ રહ્યું છે. એક તરફ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ છે જેણે પાછલા એક દાયકામાં શાસનના પ્રત્યેક ક્ષેત્રમાં પોતાના મૂળિયા મજબૂત કરી દીધા છે. તો સામે ભાજપ છે, જેણે ૨૦૧૯ બાદ રાજ્યમાં પોતાને વિપક્ષના રૂપમાં સતત મજબૂત કર્યો છે. આ ચૂંટણીમાં વિશ્લેષકો પશ્ચિમ બંગાળમાં મોટા પરિવર્તનના વર્તારા કરી રહ્યા છે. વિશ્લેષકો કહી રહ્યા છે, છેલ્લી ચૂંટણીઓ સુધી પશ્ચિમ બંગાળની રાજનીતિનું ગણિત સીધું અને સ્પષ્ટ હતું. મુસ્લિમો જે પક્ષ તરફી મતદાન કરે છે અને જે પક્ષ થોડા ઘણા પ્રમાણમાં હિન્દુઓના મતો ખેંચી લે છે, સત્તા તેને મળી જાય છે. ૨૦૧૧ બાદ આ જ ગણિત સાથે સત્તામાં આવેલા મમતા બેનર્જીએ આ જ ફોર્મ્યુલાને ખૂબ જ કુશળતાપૂર્વક લાગુ કરી બ્લોક સ્તરેથી લઈ લોકસભાની ચૂંટણીઓ જીતતા રહ્યા.
 
પરંતુ ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જે રાજનૈતિક સંકેતો મળી રહ્યા છે. તે આ પરંપરાગત ગણિતને વેર-વિખેર કરી નાખનારા છે. આ પરિવર્તન ત્રણ સ્તરો પર દેખાઈ રહ્યું છે. એક મુસ્લિમ મતોમાં વિભાજન, બીજું કોંગ્રેસ અને વામદળોve વાપસી માટેના પ્રયાસ અને ભાજપ તરફી હિન્દુ મતોનું ધ્રુવીકરણ આ ત્રણેય પરિવર્તનો મમતા બેનર્જીની ચૂંટણી રણનીતિને ખોરવી શકે છે.
 
૨૦૧૧માં તૃણમૂલ કોંગ્રેસે ૩૮.૯૩ ટકા મત મેળવી ૧૮૪ બેઠકો જીતી હતી. ૨૦૧૬માં ૪૫ ટકા મત મેળવી ૨૨૧ અને ૨૦૨૧માં ૪૮ ટકા મત મેળવી ૨૧૩ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
 
આ ત્રણેય ચૂંટણીઓમા દરમિયાન મુસ્લિમ મતો થોકબંધ મમતાના પક્ષે પડ્યા જ્યારે હિન્દુ મતો ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ અને વામદળોમાં વિભાજિત થયા. મમતા પણ આ વાત સારી રીતે જાણે છે. માટે તૃણમૂલ નીતિગત પ્રાથમિકતાથી લઈ વ્યક્તિગત આચરણ મુસ્લિમ મતબેંકને ધ્યાનમાં રાખીને જ થતું આવ્યું છે. મમતા બેનર્જી હમણાં સુધી પોતાની મુસ્લિમ મતબેંકને લઈ એટલાં આશ્વસ્ત હતાં કે તેઓ એવું માનવા લાગ્યાં હતાં કે, મુસ્લિમો માટે રાજનૈતિક રીતે તેમના સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી પરંતુ, હવે અહીંના મુસ્લિમોમાં મત આપવાની પ્રકૃતિમાં પણ પરિવર્તન દેખાઈ રહ્યું છે.
 
૨૦૨૩માં મુર્શિદાબાદ જિલ્લાની સાગરદિધી વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના સુબ્રતા સહાના નિધનને કારણે પેટા ચૂંટણી યોજાઈ. ૬૪ ટકા મુસ્લિમ મતદાતાઓવાળી આ બેઠક ૨૦૧૧માં તૃણમૂલના હાથમાં હતી પરંતુ, ૨૦૨૩માં એ બેઠક કોંગ્રેસના ઉમેદવારે મોટા અંતરથી જીતી લીધી. આ પેટાચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ સંદેશ હતો કે, મમતા એવું માનવાની ભૂલ ક્યારેય ન કરે કે મુસ્લિમો પાસે મમતાનો કોઈ વિકલ્પ નથી.
 
આ સિવાય ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પણ મમતા માટે ચિંતાજનક છે. ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસ પક્ષે મુસ્લિમ બહુમતી ધરાવતા ૧૧ વિધાનસભા ક્ષેત્રોમાં સૌથી વધુ મત મેળવ્યા હતા. આ સિવાય ૧૪ બેઠકો પર કોંગ્રેસ બીજા નંબર પર રહી હતી. સીએસડીએસ- લોકનીતિ મુજબ પ્રદેશમાં ૧૦૦થી ૧૧૦ વિધાનસભા ક્ષેત્ર એવાં છે જ્યાં મુસ્લિમ જનસંખ્યા ૩૦ ટકાથી વધુ છે. આ જ એ બિંદુ છે, જ્યાં કોંગ્રેસની ‘એકલા ચલો’ની રણનીતિને સમજવી જરૂરી બની જાય છે. ૨૦૨૬માં તમામ ૨૯૪ બેઠકો પર લડવાનો કોંગ્રેસનો નિર્ણય માત્ર તેનો સંગઠનાત્મક વિસ્તાર નથી, બલ્કે, કોંગ્રેસની રણનીતિ છે. રાજનીતિક વિશેષજ્ઞ સુધીર પનિક્કટ કહે છે કે, બહુકોણીય હરીફાઈમાં ત્રીજો પક્ષ સત્તામાં ભલે ન આવે, પરંતુ એ જરૂર નક્કી કરે છે કે કોણ હારશે. આ જ તેની અસલી તાકાત હોય છે અને જો લોકસભા અને મુર્શિદાબાદ, સાગરદિધીવાળો ટ્રેન્ડ જળવાઈ રહ્યો તો કોંગ્રેસ શક્તિ સાબિત થશે.
 
રાજનૈતિક વિશ્લેષકો માને છે કે, બંગાળમાં જો કોંગ્રેસ મુસ્લિમ મતોનો ૧૦-૨૦ ટકા ભાગ પણ ખેંચી જાય છે તો તે સીધેસીધો ભાજપને ફાયદો કરાવશે. આવું જ પરિણામ ૨૦૨૪માં મુર્શિદાબાદ લોકસભાની બેઠકનું આવ્યું હતું. જોકે આ બેઠક તૃણમૂલના અબુ તાહિરખાનને ૬.૧૮ લાખ મત મળ્યા હતા, પરંતુ કોંગ્રેસ સમર્થિત મા.ક.પા.ના ઉમેદવાર સલીમને પણ ૫.૧૮ લાખ મત મળ્યા હતા. એટલું જ નહીં અહીંના રાનીનગર જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં તો મા.ક.પા.એ સ્પષ્ટ લીડ મેળવી હતી. એટલે કે મુસ્લિમો હવે મા.ક.પા. તરફ પણ વળી રહ્યા છે.
 
ધ્રુવીકરણ સામે ધ્રુવીકરણનો ટ્રેન્ડ
 
કિંગ્સ કૉલેજ લંડનમાં ફ્રાન્સિસી મૂળના પ્રોફેસર કિસ્ટોફ-જેફર્લોટ ભારતનાં રાષ્ટ્રત્વ અને ચૂંટણી વ્યવહારમાં આવતાં પરિવર્તનો અંગેના મોટા વિશેષજ્ઞ છે. તેઓ ભારત અને તેમાં પણ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પ્રતિ-ધ્રુવીકરણની વ્યાખ્યા કરતાં પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘મોદીઝ ઇન્ડિયા - નેશનલિઝમ એન્ડ ધિ રાઈઝ ઑફ એથનિક ડેમોક્રેસી’માં લખે છે કે, જ્યારે રાજનીતિમાં એક વિશેષ ઓળખ (જાતીય કે ધાર્મિક)નું ધ્રુવીકરણ જેટલું તીવ્ર અને સ્થાયી થઈ જાય છે કે તે સત્તાની સંરચનાને નિયંત્રિત કરવા લાગે છે. ત્યારે તે અનિવાર્યપણે તે સમૂહોમાં ‘પ્રતિ-ધ્રુવીકરણ’ને જન્મ આપે છે. જે ખુદને એ ઓળખની બહાર રાખતા હોય છે. અને એક પ્રતિ-ધ્રુવીકરણ હંમેશા મૂળ ધ્રુવીકરણથી વધારે આક્રમક અને સંગઠિત હોય છે.
જેફર્લોટના આ સિદ્ધાંતને પશ્ચિમ બંગાળમાં ૨૦૧૧ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓના પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય છે. બંગાળના સરહદી જિલ્લાઓ માલદા-મુર્શિદાબાદમાં દાયકાઓથી લઘુમતીઓના મત વામ-કોંગ્રેસ અને બાદમાં તૃણમૂલ કોંગ્રેસના પક્ષમાં ધ્રુવીકૃત થતા રહ્યા છે, જ્યારે આ ધ્રુવીકરણે સ્થાયીરૂપ લીધું તો તેની પ્રતિક્રિયામાં હિન્દુ મતોનું પ્રતિ-ધ્રુવીકરણ થયું. પરિણામ એ આવ્યું કે, માલદા અને ઉત્તરી દીનાજપુર જ્યાં ૫૦ ટકાથી વધારે મુસ્લિમ જનસંખ્યા છે ત્યાં પણ ભાજપ ૪ અને ૨ બેઠકો જીતી, કારણ કે જિલ્લાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના મુસ્લિમોની સંગઠિત મત પેટર્નને જોઈ હિન્દુ બાહુલ્ય વિસ્તારોમાં લોકો પણ પ્રતિ-ધ્રુવીકરણના સિદ્ધાંત મુજબ એકતરફી મતદાન કરવા લાગ્યા.
 
મૂળ મુસલમાનો પણ મમતાથી નારાજ
 
મમતા દીદીની ઘૂસણખોરોને નાગરિક બનાવવાની કથિત રણનીતિનો નકારાત્મક પ્રભાવ સમાજ પર તો થયો જ છે સાથે સાથે અહીંના મૂળ મુસ્લિમ નિવાસી પણ આ રણનીતિથી સરકારથી નારાજ છે. સમુદાયનો એક વર્ગ માની રહ્યો છે કે, સરહદ પારથી આવનાર બાંગ્લાદેશીઓને વસાવવાની લ્હાયમાં તેમની રોજગારી, સંસાધનો પર તરાપ મરાઈ રહી છે. પ્રમુખ રાજનૈતિક વિશ્લેષક ઉદયન બંદોપાધ્યાય મુજબ ‘બંગાળના મૂળ મુસલમાનોમાં એવી ચર્ચા છે કે, સત્તાની રાજરમતે તેમને ઘૂસણખોરો બનાવી દીધા છે. જેનું નુકસાન તેઓને થઈ રહ્યું છે.’ રાજનૈતિક વિશ્લેષક દેબાશિષ નંદી કહે છે કે, મમતાએ ઘૂસણખોરોના મત મેળવવાના ચક્કરમાં હિન્દુઓના મોટા વર્ગને પોતાની વિરુદ્ધ કરી લીધો છે.
 
ભાજપની રણનીતિ
 
ભાજપે પણ મમતા બેનર્જીને પોતાની જાળમાં ભેરવી દીધા છે. ભાજપની રણનીતિ મમતાને પોતાની જ બેઠક પર ઉલઝાવી રાખવાની હતી જેના કારણે તેઓને પોતાની બેઠક પર વધારે સમય આપવો પડે અને તેમાં તે સફળ પણ છે. ભાજપે રણનીતિપૂર્વક તૃણમૂલ કોંગ્રેસ પહેલાં પોતાના પક્ષના ઉમેદવારોની યાદી બહાર પાડી દઈ વિધાસભાના વિરોધપક્ષના નેતા સુર્વેન્દુ અધિકારીને મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા. તેનાથી મમતા બેનર્જી માટે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી જ ચૂંટણી લડવાની મજબૂરી થઈ ગઈ. જો મમતા બેનર્જી આ બેઠક છોડી અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડત તો જનતામાં એવો સંદેશ જાત કે, મમતાને સુર્વેન્દુ અધિકારી સામે જીતવાનો વિશ્વાસ નથી.
શરૂઆતથી જ મમતા બેનર્જી આ વખતે બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની ચર્ચા હતી. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની ભવાનીપુર વિધાનસભા બેઠક તૃણમૂલ કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ત્યાં તૃણમૂલ કોંગ્રેસ ભાજપથી માત્ર ૮૨૬૯ મતોથી જ આગળ રહી હતી અને એ પણ ત્યારે જ્યારે આ બેઠક પર મા.ક.પા.ને ૧૪૦૦૬ મતો મળ્યા હતા. કોલકત્તાના રાજનીતિ વિશ્લેષક સંજીવ મોદી કહે છે કે, જ્યારે કોઈ શીર્ષ નેતા પોતાની બેઠક અંગે અસુરક્ષિત માને છે, તો તે સમગ્ર રાજ્યમાં આક્રમક પ્રચાર કરી શકતા નથી, પરિણામે ચૂંટણી વિમર્શ બદલાઈ જાય છે. મમતા બેનર્જી બાબતે આ વખતે આવું જ થઈ રહ્યું છે.
 
ભાજપને બઢત
 
ત્યારબાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જાદુ ચાલ્યો અને ભાજપને ૪૧ ટકા મત મળ્યા અને ૧૮ બેઠકો જીતવામાં સફળ રહી. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં પક્ષને ૪૦.૯ ટકા મત મળ્યા પરંતુ તેમની બેઠકોની સંખ્યા ઘટી ૧૨ થઈ ગઈ. ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ૩૮ ટકા મત મળ્યા અને ૭૭ બેઠકો જીતવામાં સફળ રહ્યા જ્યારે ૨૦૧ બેઠકો પર બીજા સ્થાને રહી હતી. ભાજપ ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની ૨૯૪ વિધાનસભાની બેઠકોમાંથી ૨૭૮ બેઠકો પર સીધી જ સ્પર્ધામાં રહી હતી એ ભાજપ માટે મોટી સફળતા હતી કારણ કે, માત્ર પાંચ વર્ષમાં જ ભાજપે પોતાની બેઠકો ૩ થી વધારી ૭૭ કરી દીધી હતી. આ આંકડાએ મમતા બેનર્જીના ધબકારા વધારી દીધા છે. અને એમાં પણ આ વખતનો માહોલ જોતાં રાજનૈતિક વિશ્લેષકો ખેલા હોબેના નહિ પરિવર્તન હોબેના વર્તારા કરી રહ્યા છે.
 

પશ્ચિમ બંગાળની આ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોને ષડયંત્રપૂર્વક ઓબીસીની યાદીમાં સમાવવાનો મુદ્દો પણ મમતાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. મમતા બેનર્જીના સત્તામાં આવ્યા બાદ ઓબીસીની યાદીમાં ૭૬ નવા વર્ગ જોડ્યા હતા. તેમાં ૮૬ ટકા મુસ્લિમો હતા. કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે મમતા સરકારના રાજમાં જેટલા ઓબીસી પ્રમાણપત્રો બહાર આપવામાં આવ્યા હતા. તે તમામને બંધારણ વિરોધી ગણાવી રદ કરી દીધા હતા. છતાં મમતા બેનર્જી મુસ્લિમોને અનામત આપવા મક્કમ છે. જેનાથી ઓબીસી મતબેંકમાં પણ ભારે નારાજગી છે. ઉપરથી હાલ SIRના મુદ્દે જે રીતે તુણમૂલ પક્ષ દ્વારા ચૂંટણી કર્મચારીઓને બંધક બનાવી હુમલા કરવાના કૃત્યો થઈ રહ્યા છે તે બાબતે પણ પ. બંગાળના ભદ્રવર્ગમાં મમતાને લઈ નારાજગી છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...