અર્થતારણ । એક દેશ, એક ચૂંટણી: શું ખરેખર દેશના ૪.૫ લાખ કરોડ રૂપિયા બચશે? જાણો પાછળનું આર્થિક ગણિત!

શું તમને ખબર છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી જેમાં ૧.૩૫ લાખ કરોડ વપરાયા? જો દેશમાં બધી જ ચૂંટણીઓ એકસાથે થાય, તો ૪.૫ લાખ કરોડ બચી શકે છે! આટલા રૂપિયાથી દેશનું શિક્ષણ અને સ્વાસ્થ્ય બજેટ ક્યાંય પહોંચી શકે. "એક દેશ-એક ચૂંટણી" પાછળનું આર્થિક અને સામાજિક ગણિત સમજવા માટે આ લેખ જરૂર વાંચો!

    ૨૫-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

One Nation One Election gujarati
 
 
એક દેશ-એક ચૂંટણી બચાવશે કરોડો રૂપિયા
 
૨૦૧૪માં કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદથી જ દેશમાં ‘વન નેશન- વન ઇલેક્શન’ની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનું આયોજન ભારતીય જનતા પક્ષનો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ છે. તેઓ અનેક વખત એક દેશ-એક ચૂંટણીની વાત કરી ચૂક્યા છે. એક વાત તો સ્પષ્ટ છે કે, દેશમાં એક સાથે ચૂંટણીના આયોજનના લાભ-ગેરલાભનાં વિપક્ષોના ભલે પોત-પોતાનાં રાજનૈતિક ગણિત હોય, પરંતુ આમાં દેશ અને દેશની જનતાનું મોટું આર્થિક હિત સમાયેલું છે. કેવી રીતે? તે સમજવા માટે આપણે ૨૦૨૪ના લોકસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચને જોઈએ. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણીઓ સાબિત થઈ હતી. ૩૫ વર્ષથી ચૂંટણી ખર્ચ પર અહેવાલ બહાર પાડનાર સંસ્થા સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના આંકડા મુજબ લોકસભાની છેલ્લી ચૂંટણીનો ખર્ચ લગભગ ૧.૩૫ લાખ કરોડ આવ્યો હતો, જે ૨૦૧૯ કરતાં બે-ગણા કરતાં પણ વધુ હતો. અમેરિકાની છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ હિસાબે દેશ તરીકે ભારતની લોકસભાની ચૂંટણી અમેરિકાથી પણ મોંઘી પડે છે. અને આ તો માત્ર લોકસભાની ચૂંટણીઓનો આંકડો છે. તેમાં વિધાનસભા, નગરપાલિકા, પંચાયતોની ચૂંટણીમાં ખર્ચ ઉમેરી દેવામાં આવે તો આ આંકડો ક્યાં પહોંચે તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય.
 
દેશની અર્થવ્યવસ્થા પર વધી રહેલું ભારણ
 
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વધી રહેલો ખર્ચ દેશની અર્થવ્યવસ્થા પર પણ બોજ બની રહ્યો છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક અહેવાલ મુજબ સ્વતંત્રતા બાદ ૧૯૫૨ની ચૂંટણીઓમાં ૧૦.૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા ત્યારે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. ૨૦૧૯માં લોકસભા અને આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, જેમાં લગભગ ૬૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ૨૦૨૪માં માત્ર લોકસભાની ચૂંટણીનો ખર્ચ જ આ આંકડો ૧.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. જો દેશની લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીઓ એક સાથે યોજાઈ હોત તો સીધી વાત છે કે, ખર્ચમાં મોટી બચત થઈ જાય.
 
‘એક દેશ-એક ચૂંટણી’ વ્યવસ્થા પર રાજનીતિક સહમતી બનાવવા માટે ગઠિત જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (JPC)ના અધ્યક્ષ પી. પી. ચૌધરી એક જાણીતી ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહે છે કે, જો દેશભરમાં ચૂંટણીઓ એક સાથે યોજાય તો ભારતીય અર્થવ્યવસ્થાને જબરો ફાયદો થઈ શકે છે. દેશમાં વારંવાર ચૂંટણીઓ યોજાવાને કારણે દેશમાં સતત આર્થિક ઉથલ-પાથલ થતી રહે છે, જેને કારણે આર્થિક પ્રક્રિયા ધીમી પડી જાય છે. અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય છે. જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો અર્થવ્યવસ્થાનો આંકડો મોટો થઈ શકે અને સાતત્ય જળવાતું થઈ જાય. તેઓ કહે છે કે, દર વર્ષે કેન્દ્ર સરકાર લગભગ ૫ લાખ કરોડ રૂપિયા અલગ-અલગ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ મારફતે જનતાના કલ્યાણ માટે ફાળવે છે. એટલે કે પાંચ વર્ષમાં ૨૫ લાખ કરોડ રૂપિયા. પરંતુ આપણે ત્યાં દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્તરની ચૂંટણીઓને કારણે સેન્ટ્રલ સેક્ટરની આ યોજનાઓનું ક્રિયાન્વયન ધીમું પડી જાય છે, જેનાથી આર્થિક વિકાસલક્ષી યોજનાઓ યોગ્ય રીતે લાગુ પડી શકતી નથી.
 
મોંઘવારી પણ ઘટી શકે છે
 
જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવે તો પૈસાની બચત થશે એટલું જ નહિ મોંઘવારી પણ નિયંત્રણમાં રહી શકે છે, અપરાધ પણ ઓછા થાય છે, આ વાત કદાચ નવાઈ પમાડે તેવી લાગે, પરંતુ આ હકીકત છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં કામ કરી રહેલા ૧૫મા આર્થિક આયોગના અધ્યક્ષ રહી ચૂકેલા એન. કે. સિંહ અને આઈએમએફના સિસ્ટેમિક ડિવિઝન ઇશ્યુઝના પ્રમુખ પ્રાચી મિશ્રા દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવે તો કેવી આર્થિક-સામાજિક અસરો પડી શકે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તો આર્થિક વિકાસમાં વૃદ્ધિની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રમાં વધારે સારાં પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેનાથી મોંઘવારી અને અપરાધ બંને પર અંકુશ લગાવી શકાય છે. આ વિશેષ અહેવાલ દેશમાં એક સાથે અને અલગ-અલગ લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાનની વસ્તુઓનું ધ્યાનપૂર્વક અધ્યયન કરી તૈયાર કરવામાં આવ્યું છે. અહેવાલમાં ૧૯૫૧-૫૨, ૧૯૬૨ અને ૧૯૬૭માં દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. તેના આંકડા સામે ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪-૮૫ની અલગ અલગ યોજાયેલ ચૂંટણીઓના આંકડાઓનું અધ્યયન કરવામાં આવ્યું હતું. અહેવાલ તૈયાર કરવા માટે ત્રણ સ્તરના આંકડાઓનું અધ્યયન કરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાનના આંકડા, ચૂંટણીના ૨ વર્ષ બાદના આંકડા અને બે વર્ષ પહેલાંના આંકડા. આના આધારે જે નિષ્કર્ષ નીકળ્યો છે તે એક દેશ એક ચૂંટણીના સિદ્ધાંતને સાર્થક કરે તેવો છે. અહેવાલ મુજબ જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવે તો દેશના આર્થિક વિકાસમાં લગભગ ૧.૫ ટકાની વૃદ્ધિ થઈ શકે છે. ત્યારે તમામ પક્ષોએ એક દેશ એક ચૂંટણીના વિચારને માત્ર રાજનૈતિક નફા-નુકસાનને આધારે જ ન મૂલવવો જોઈએ. દરેક પક્ષોએ આમા રાષ્ટ્રહિત પણ જોવું જોઈએ.
 
 
જેનાથી દેશના જીડીપીમાં ૧.૫ ટકાનો વધારો થઈ શકે છે
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના ફાયદા ગણાવતા કહે છે કે, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓમાં લગભગ ૧.૩૫ લાખ કરોડનો ખર્ચ આવ્યો હતો. જો સાંસદ અને વિધાનસભાની ચૂંટણીઓમાં દર પાંચ વર્ષે ૭ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. ત્યારે જો દેશમાં આ તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તો દેશમાં ૪.૫ લાખ કરોડ બચાવી શકાય છે જે દેશની જીડીપીનો ૧.૫% દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય બજેટનો લગભગ અડધો અને સમગ્ર શિક્ષણ બજેટનો ૧/૩ જેટલો છે. બચેલાં આ નાણાનો ઉપયોગ દેશના વિકાસ-શિક્ષણ, સ્વાસ્થ્ય, માળખાગત વિકાસ, ઔદ્યોગિક વિકાસમાં વાપરી શકાય. જેનાથી દેશના જીડીપીમાં ૧.૫ ટકાનો વધારો થઈ શકે છે.
 
આ ક્ષેત્રોમાં પણ અસર થશે
 
જો દેશમાં એક દેશ એક ચૂંટણી સિધ્ધાંત લાગુ કરવામાં આવે તો કેવી હકારાત્મક અસરો પડે.
 
(૧) રાજકીય અસર : દેશમાં જુદા જુદા સમયે ચાલતી લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓના કારણે દેશનું રાજકીય વાતાવરણ સતત ડહોળાયેલું અને અનિર્ણાયક રહે છે. શાસક પક્ષ ઠોસ નિર્ણયો લઈ શકતો નથી. કુલ મળીને સારાં કામો લંબાતા રહે છે.
 
(૨) સામાજિક અસર : સામાન્ય રીતે જેટલી વાર ચૂંટણીઓ આવે તેટલી વાર જ્ઞાતિ-જાતિના ભેદભાવ, કટ્ટરતા તેમજ પ્રાંત-ભાષાવાદ ફૂલે ફાલે છે. તેથી દેશનું ‘સામાજિક ઐક્ય’નું માળખું ક્યાંકને ક્યાંક નબળું પડે છે. ચૂંટણીઓ ઘટશે તો આપોઆપ આવા વૈમનસ્ય ઘટશે.
 
(૩) ચૂંટણી મશીનરીનો ખર્ચ : EVM અને VVPATની ખરીદી અને જાળવણીનો ખર્ચ ખૂબ જ મોંઘો છે. અલગ-અલગ ચૂંટણીઓમાં વારંવાર ઉપયોગથી તેનો ખર્ચ વધે છે. એક સાથે ચૂંટણીઓ યોજવાથી આ મશીનરીના ઉપયોગ ખર્ચમાં ઘટાડો થશે.
 
(૪) સુરક્ષાદળોનો ખર્ચ : વર્તમાન સમયમાં પ્રત્યેક ચૂંટણીમાં સુરક્ષાદળોના લાખો જવાનોને હાજર રાખવા પડે છે. સંયુક્ત ચૂંટણી યોજાય તો આમાં લગભગ ૩૦-૪૦ ટકા કમી સંભવ છે.
 
(૫) રાજનૈતિક દળોનો ખર્ચ ઘટશે : રાજનૈતિક પક્ષોને વારંવાર પ્રચાર અભિયાન નહિ ચલાવવું પડે, જેને કારણે રેલીઓ અને જાહેરખબરોનો ખર્ચ પણ ઘટશે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...