૧. શાસન વિરોધી લહેર (Anti-Incumbency):
ટીએમસીના સતત ૧૫ વર્ષના શાસન બાદ વ્યાપક સ્તરે સત્તા વિરોધી લહેર જોવા મળી રહી છે. શાસક પક્ષના અનેક નેતાઓ સામે શિક્ષક ભરતી કૌભાંડ, રાશન કૌભાંડ અને ગાયની દાણચોરી જેવા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો છે.
૨. ભ્રષ્ટાચાર - "ભાઇપો ટેક્સ"
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા સરકાર સામે ભ્રષ્ટાચારના જે ગંભીર આક્ષેપો છે, તેમાં "ભાઇપો ટેક્સ" (Bhaipo Tax) સૌથી વધુ ચર્ચિત મુદ્દો રહ્યો છે. આ શબ્દ રાજ્યમાં વ્યાપક સ્તરે ચાલતી ગેરકાયદેસર વસૂલાત અથવા "કટમની" ને દર્શાવે છે. બંગાળમાં સામાન્ય ઈંટ, સિમેન્ટ કે બલ્બ જેવી પ્રાથમિક વસ્તુઓની ખરીદી પર પણ સ્થાનિક સિન્ડિકેટ કે સત્તાધારી પક્ષના નેતાઓને જે ગેરકાયદેસર કમિશન ચૂકવવું પડે છે, જેને 'ભાઇપો ટેક્સ' કહેવામાં આવે છે. આ ભ્રષ્ટાચાર, આ ટેક્સ સીધો પક્ષના ઉચ્ચ નેતૃત્વ અને ખાસ કરીને 'ભત્રીજા' (ભાઇપો) સાથે જોડીને જોવામાં આવે છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ છે. આ 'તોડબાજી' અને સિન્ડિકેટ રાજને કારણે રાજ્યમાં ઉદ્યોગો અને વિકાસ રૂંધાયો હોવાનો ગંભીર આરોપ છે, જે વર્તમાન ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરનું મુખ્ય કારણ બન્યું છે.
૩. મતદાર યાદીનું શુદ્ધિકરણ :
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં કરવામાં આવેલ સુધારામાં અંદાજે ૯૦ લાખ જેટલા 'શંકાસ્પદ' અથવા 'બોગસ' નામો દૂર કરવામાં આવ્યા છે. આ નકલી મતદારો અને ગેરકાયદેસર ઘૂસણખોરો હતા, જેઓ વર્ષોથી ટીએમસી માટે સુરક્ષિત વોટબેંક તરીકે કામ કરતા હતા. આ શુદ્ધિકરણથી ટીએમસીના મતોમાં મોટું ગાબડું પડ્યું છે.
૪. મહિલા મતદારો અને સુરક્ષાનો પ્રશ્ન:
પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારો હંમેશા નિર્ણાયક રહ્યા છે. ટીએમસીની 'લક્ષ્મી ભંડાર' જેવી યોજનાઓની સામે ભાજપે તેના મેનિફેસ્ટોમાં 'સોનાર બાંગ્લા શક્તિ' યોજના હેઠળ દર મહિને ₹૩,૦૦૦ની આર્થિક સહાયનું વચન આપીને મહિલાઓને આકર્ષી છે, જે વર્તમાન સહાય કરતા ઘણી વધારે છે. જોકે, આર્થિક મદદ કરતા પણ વધુ ઊંડો રોષ 'અભયા' કાંડ એટલે કે આર.જી. કર મેડિકલ કોલેજની ઘટનાથી જોવા મળ્યો છે. ફરજ પરની મહિલા ડૉક્ટર પર થયેલા ક્રૂર બળાત્કાર અને હત્યાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે. આ ઘટના બાદ વહીવટીતંત્રની સંવેદનહીનતા અને પુરાવા નષ્ટ કરવાના કથિત પ્રયાસોએ બંગાળની નારીશક્તિમાં પ્રચંડ આક્રોશ જન્માવ્યો છે. મહિલા સુરક્ષાના મુદ્દે મમતા સરકાર પર જે મોટો પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે, તેણે મહિલાઓના મનમાં સરકાર પ્રત્યે તીવ્ર અવિશ્વાસ ઊભો કર્યો છે. સુરક્ષા અને સન્માનના આ મુદ્દા પર મહિલાઓનો જે રોષ ફાટી નીકળ્યો છે, તેનો સીધો અને મોટો રાજકીય લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે.
૫. સંદેશેખાલીની ઘટના અને મહિલાઓની સુરક્ષા:
સંદેશખાલીમાં સ્થાનિક ટીએમસી નેતાઓ દ્વારા મહિલાઓ પર થયેલા અત્યાચારના અહેવાલોએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ ઘટનાએ ટીએમસીની 'મહિલા સુરક્ષા'ની છબીને જોરદાર નુકસાન પહોંચાડ્યું છે અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓમાં શાસક પક્ષ પ્રત્યે ભય અને નફરત ફેલાવી છે.
૬. મમતા સરકારની લઘુમતીતરફી નીતિઓ અને હિન્દુ વોટબેંકનું એકત્રીકરણ:
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની નીતિઓ સ્પષ્ટપણે મુસ્લિમ તરફી અને હિન્દુ હિતોની અવગણના કરનારી હોવાની વ્યાપક લાગણી જન્મી છે. રાજ્યમાં હિન્દુ મધ્યમ અને ગરીબ વર્ગને સતત એવો અન્યાય અનુભવાઈ રહ્યો છે કે સરકાર માત્ર એક ચોક્કસ સમુદાયના તુષ્ટિકરણમાં જ વ્યસ્ત છે. અનેક વિસ્તારોમાં મુસ્લિમ બાહુબલીઓના કથિત ત્રાસ અને ધાર્મિક ભેદભાવની ઘટનાઓએ હિન્દુઓમાં અસુરક્ષા અને રોષનો માહોલ પેદા કર્યો છે. મમતા બેનર્જીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં લઘુમતી બજેટમાં ૧૧૦૦%નો તોતિંગ વધારો અને ૭૦થી વધુ મુસ્લિમ સમુદાયોને OBC શ્રેણીમાં સામેલ કરવા જેવા નિર્ણયો લેવાયા છે, પરંતુ તેની સામે શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં કોઈ નોંધપાત્ર ખર્ચ કે પ્રગતિ જોવા મળી નથી. સંદેશખાલી જેવી હૃદયદ્રાવક ઘટનાઓએ આ આક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પોતાની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે હિન્દુ મતદારો હવે મજબૂત રીતે ભાજપ તરફ વળ્યા છે. હિન્દુ મતોનું આ પ્રચંડ એકત્રીકરણ ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવવામાં સૌથી નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે.
૭. આર્થિક પછાતપણું અને બેરોજગારી:
બંગાળમાં ઉદ્યોગોના અભાવ અને વધતી જતી બેરોજગારીથી યુવા પેઢી ચિંતિત છે. ભાજપનું 'ડબલ એન્જિન સરકાર'નું મોડેલ અને બંગાળને ઔદ્યોગિક હબ બનાવવાનું વચન રાજ્યના આર્થિક વિકાસની નવી આશા જન્માવે છે, જે મતદારોને આકર્ષી રહ્યું છે.
૮. મટુઆ સમુદાય અને CAAની અસર:
ઉત્તર અને દક્ષિણ બંગાળના મટુઆ સમુદાય માટે CAA (નાગરિકતા સુધારો કાયદો) એક સંવેદનશીલ મુદ્દો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAAના અમલીકરણના આશ્વાસને આ મોટા વોટબેંક સમુદાયને ભાજપની છાવણીમાં વધુ મજબૂત રીતે સ્થાપિત કર્યો છે.
૯. ડાબેરી અને કોંગ્રેસનું સંપૂર્ણ પતન:
રાજ્યમાં ત્રિપાંખિયો જંગ હવે ભૂતકાળ બની ગયો છે. ડાબેરી પક્ષો અને કોંગ્રેસનું અસ્તિત્વ નહિવત થતા ચૂંટણી સંપૂર્ણપણે દ્વિધ્રુવીય બની ગઈ છે. ટીએમસી વિરોધી તમામ મતો હવે કોંગ્રેસ કે ડાબેરીઓમાં વહેંચાયા વગર સીધા ભાજપના ખાતામાં જઈ રહ્યા છે.
૧૦. ભાજપની સંગઠનાત્મક શક્તિ અને નવી વ્યૂહરચના:
ભાજપે આ વખતે ટીએમસીમાંથી આવેલા પક્ષપલટો કરનાર નેતાઓ પર નિર્ભર રહેવાને બદલે પોતાના પાયાના અને વૈચારિક કાર્યકર્તાઓ પર ભરોસો મૂક્યો છે. અમિત શાહની ઝોન-આધારિત માઇક્રો-પ્લાનિંગ રણનીતિ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાએ સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવ્યું છે.
૧૧. ઐતિહાસિક મતદાન - પરિવર્તનની લહેર:
૯૨.૯૩% જેટલું અધધ મતદાન હંમેશા સત્તાધારી પક્ષ માટે જોખમી સંકેત માનવામાં આવે છે. જ્યારે સામાન્ય લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળીને મતદાન કરે છે, ત્યારે તે પ્રવર્તમાન વ્યવસ્થા પ્રત્યેના આક્રોશ અને પરિવર્તનની મજબૂત ઈચ્છાશક્તિનું પ્રતીક હોય છે.
૧૨. સંઘ શતાબ્દીવર્ષ અને બંગાળની ચૂંટણી
વર્તમાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, જેની પૂર્વતૈયારીઓ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ પાયાના સ્તરે કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્ર પ્રત્યેની એક વિશેષ ભાવના જાગ્રત થઈ છે અને ચારેબાજુ એક ‘રાષ્ટ્રમય’ વાતાવરણ ઊભું થયું છે. આ રાષ્ટ્રમય વાતાવરણની અસર બંગાળની જનતા પર પણ સ્પષ્ટપણે જોવા મળી છે. બંગાળના મતદારોએ આ વખતે સંકુચિત પ્રાંતવાદની સીમાઓ ઓળંગીને રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી મતદાન કર્યું છે. જનતામાં આવેલું આ વૈચારિક પરિવર્તન સીધી રીતે પ્રાંતવાદને ભૂલીને રાષ્ટ્રીયતાના ભાવ સાથે રાષ્ટ્રીયતાને વરેલા Nation Firstનું સૂત્ર લઈને ચાલતા ભારતીય જનતા પક્ષની તરફેણમાં જતું દેખાઈ રહ્યું છે, જે રાજ્યમાં સત્તા પરિવર્તન માટે પાયાનું નિમિત્ત બનશે.
અને છેલ્લે…
આ ૧૨ કારણો, ૯૩ ટકા જેટલું રેકોર્ડ તોડ મતદાન અને એક્ઝિટ પોલના આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની સરકાર બની રહી છે.