અમારી પરંપરાનું મુખ્ય ધ્યેય વૈજ્ઞાનિક પ્રણાલી અને નવાચાર વચ્ચે સંતુલન જાળવી રાખવાનું છે...

અમારી પરંપરામાં જ્ઞાન અને સમજમાં સ્પષ્ટ અંતર છે. જેને અમે જ્ઞાન કહીએ છીએ તે ચીજોની સમજ કે જાગૃકતા છે, તે જાણકારી અને શીખવાનો મેળ છે. પરંતુ જેને સહજબુદ્ધિ કે પ્રજ્ઞાન કહીએ છીએ, તેમાં ઉપલબ્ધ જ્ઞાનનો કેટલો ઉપયોગ કરવાનો છે, ક્યાં કરવાનો છે અને કયા ઉદ્દેશ્ય માટે કરવો છે, તે આવી જાય છે.

    ૨૫-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

rss dattaji
 
 
૧૭ એપ્રિલના રોજ અમેરિકા સ્થિત સિલિકોન વેલીમાં ‘ગ્લોબલ સાયન્સ ઇનોવેશન ફોરમ’ના ‘થ્રાઈવ-૨૦૨૬’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજીએ વૈજ્ઞાનિક ઉન્નતિના સંદર્ભે એક પ્રખર દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેઓએ ભારતીય જ્ઞાનપરંપરાને પુનર્સ્થાપિત કરવાની વાત કરી અને એ વાત પર ભાર મૂક્યો કે, વાસ્તવમાં ટેક્‌નોલોજી નવાચાર- ‘ઇકોનોમી’, ‘ઇકોલોજી’ અને ‘એથિક્સ’ પર આધારિત હોવાં જોઈએ. પ્રસ્તુત છે તે વાર્તાના પ્રમુખ અંશો..
 
ભારતીય પરંપરામાં વૈજ્ઞાનિક અને ટેક્‌નોલોજી શોધની મૌલિકતા અંગે શું કહેશો?
 
અમારી પરંપરામાં જ્ઞાનની મૌલિકતા સ્થૂળ અને સૂક્ષ્મ બંને સ્તરે રહી છે. જે બુદ્ધિ અને તર્ક પર આધારિત છે. તે માનવીય જ્ઞાનની સીમાઓથી પર છે. અમારી જ્ઞાનપરંપરામાં ‘આધ્યાત્મિક’ અને ‘લૌકિક’ વચ્ચે ક્યારેય કોઈ ભેદ નથી રહ્યો. અહીં જેને ‘આધ્યાત્મિક જ્ઞાન’ કહેવામાં આવે છે, તેમાં એ પણ સામેલ છે, જેને આજે વૈજ્ઞાનિક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે.
આનાં અનેક ઉદાહરણો છે. અનેક સૂત્ર (ગ્રંથ) એવા છે જેમાં માનવશરીર, વિજ્ઞાન, મસ્તિષ્ક વિજ્ઞાન, માનવીય શરીરની કાર્યપ્રણાલી, તેની કાર્યશીલતા અને નિષ્ક્રિયતા, શરીર કામ કેમ કરે છે અને કેમ નથી કરતું વગેરે અંગે વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. છતાં તેને આધ્યાત્મિક ગ્રંથ માનવામાં આવ્યો છે. વાસ્તવમાં તે વૈજ્ઞાનિક ગ્રંથ છે.
 
સુદીર્ઘ ઇતિહાસમાં સતત આક્રમણો અને વિદેશી શાસનને કારણે, આમાંની અનેક પરંપરાઓ વિખેરાઈ ગઈ કે બરબાદ કરી દેવાઈ. તે સંકટકાળ દરમિયાન ભારતના લોકોને પોતાની વૈજ્ઞાનિક વિરાસતમાંથી મોટાભાગની વિસારી દેવા માટે બાધ્ય કરવામાં આવ્યા. પરંતુ, હવે અમે એક એવા સમયમાં છીએ જ્યાં તે જ્ઞાનને જાગૃત કરવાના પુનઃ પ્રયાસ કરાઈ રહ્યા છે. નવી સરકારે એવી નીતિ અપનાવી છે, જે અંતર્ગત ભારતીય જ્ઞાનપરંપરાને પુનઃ બહાર લાવવામાં આવી રહી છે.
 
લગભગ એક હજાર વર્ષના સંઘર્ષ અને વિદેશી પ્રભાવને કારણે આ જ્ઞાનના મોટાભાગને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો. આજે અમારી સમક્ષ મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે કે, અમારા સભ્યતાગત ઇતિહાસમાં વિદ્યમાન તે વૈજ્ઞાનિક પરંપરાનું પુનર્શોધન કરી તેને પુનર્સ્થાપિત કરવામાં આવે.
 
અમારી પરંપરા બ્રહ્માંડીય અનુસંધાનથી પરિપૂર્ણ રહી છે. હંમેશાથી બ્રહ્માંડ અને અંતરિક્ષ આકર્ષણનું સ્રોત રહ્યું છે. અમારા તમામ ગ્રંથોમાં સંવાદ અને તર્ક હાજર છે. પ્રાચીન વૈજ્ઞાનિક અને ટેક્‌નોલોજી ગ્રંથોમાં ભૌતિક સંસારનારૂપમાં ‘માઇક્રોકૉસ્મ’ અને ‘મૈક્રોકૉસ્મ’ એટલે કે સૂક્ષ્મ જગત અને સંપૂર્ણ બ્રહ્માંડના સંબંધમાં સતત ચર્ચા થતી આવી છે.
 
ભારતમાં હજારો વર્ષ પહેલાં ખેતીની ખૂબ જ વિકસિત પ્રણાલી પ્રચલિત હતી. નગરયોજના ઉત્કૃષ્ટ સ્તરની હતી. તેના અંતર્ગત વિશ્વવિદ્યાલયોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ભારત અગ્રણી હતું. આ તમામ બાબતો ભૌતિક વિજ્ઞાનની ઊંડી સમજ બતાવે છે. અમારી પરંપરા ક્યારેય શોષણ કરવાવાળી નથી રહી, દોહન કરવાવાળી રહી છે. ભારતીય જ્ઞાન પરંપરામાં પ્રકૃતિને સમજવી, તેનું યોગ્ય વિશ્લેષણ કરવું, તેનો યોગ્ય ઉપયોગ કરવો અને સાથે સાથે તેને સુરક્ષિત રાખવાનો વિચાર રહ્યો છે. અમારી પરંપરાનું મુખ્ય ધ્યેય વૈજ્ઞાનિક પ્રણાલી અને નવાચાર વચ્ચે સંતુલન જાળવી રાખવાનું છે.
 
ટેક્‌નોલોજી સ્પર્ધા અને પૂંજીથી ચાલનારા જગતમાં નૈતિક્તાનું શું? શું આવા જગતમાં તે પોતાનો પ્રભાવ જમાવી શકે છે?
 
આ પ્રશ્નની બે મહત્ત્વપૂર્ણ બાજુ છે. પહેલી છે શિક્ષણની ભૂમિકા. અમારા સમાજમાં વિજ્ઞાનના ભણતરને પ્રાથમિકતા આપવામાં આવી, પરંતુ સાથે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ ભેદ નથી રહ્યો. અહીં જ્ઞાનપરંપરામાં આ બે વસ્તુ અલગ-અલગ નથી. હંમેશા વિશ્વના અનેક ભાગોમાં પંથ અને વિજ્ઞાનને એકબીજાથી અલગ કરીને જોવામાં આવ્યાં છે. પરંતુ અમારી પરંપરામાં બંનેને સાથે જોડવામાં આવ્યાં છે. અનેક લોકો અને સમૂહ વૈજ્ઞાનિક શોધ સાથે સાથે ઊંડી આધ્યાત્મિક સાધનામાં પણ લાગેલા રહ્યા છે. કાલાંતરમાં આ સભ્યતા ‘જ્ઞાન પરંપરા’નું અંગ બની ગઈ. આમ એક-મેકવાળી રીતથી એક એવો પાયો નંખાયો, જેમાં ન માત્ર નૈતિક પ્રશ્નને બલ્કે સુરક્ષા, રોજગાર અને દૈનિક જીવનની વ્યવહારિક બાજુઓને પણ જોડવામાં આવી. અમારી વૈજ્ઞાનિક શોધ અમૂર્ત ન હતી. તે સામાજિક જરૂરિયાતો સાથે જોડાયેલ હતી. ભારતને સશક્ત બનાવી રાખવા માટે આવું જ્ઞાન મહત્ત્વનું રહ્યું છે.
 
બીજી બાજુ એ છે કે, જો શિક્ષણ ટેક્‌નોલોજીની ઝડપે આગળ ન વધે, તો સમાજમાં અસમાનતા વધે છે. જ્યારે વિજ્ઞાન અને ટેક્‌નોલોજીનો વિકાસ થાય છે અને સામાજિક-શૈક્ષણિક પ્રણાલી પાછળ રહી જાય છે, ત્યારે જ અસમાનતા વધે છે. આર્થિક વિકાસ, શિક્ષણ અને જીવનની ગુણવત્તા આ તમામ પાસાં એકબીજા સાથે જોડાયેલાં છે. માટે આજે પ્રશાસનને આ સંતુલન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એક તરફ સામાજિક અસમાનતા અને ભેદભાવને દૂર કરવા પડશે, તો બીજી તરફ એ પ્રયાસ કરવો પડશે કે, વૈજ્ઞાનિક પ્રગતિ પણ ચાલુ રહે, આ બંને જરૂરી છે.
 
જોકે વર્તમાન શૈક્ષણિક પ્રણાલી સામે એક પડકાર છે. જો લોકો અમારા પારંપરિક જ્ઞાનની વૈજ્ઞાનિક બાજુને યોગ્ય રીતે રજૂ ન કરી શક્યા તો તેને અંધવિશ્વાસ કહીને નકારવામાં આવી શકે છે. આ સ્થિતિમાં એ સ્પષ્ટરૂપે સમજવું જરૂરી છે કે, શું વૈજ્ઞાનિક છે અને શું અવૈજ્ઞાનિક. આ એક ખૂબ મોટી જવાબદારી છે. અમારા સમાજ સમક્ષ એ જ્ઞાનપરંપરાને જાળવી રાખવાનો પણ પડકાર છે.
 
સામાન્ય લોકોએ ટેક્‌નોલોજી અને તેના યોગ્ય ઉપયોગ અંગે કેવી રીતે વિચાર કરવો જોઈએ?
 
જ્યાં સુધી માનવીયતા અને તેની તરફ જોવાનો પ્રશ્ન છે, અમારી પરંપરાનો એક મૂળ વિચાર એ છે કે, સૌની ઊર્જાનો એક જ સ્રોત છે. જ્યાં સુધી આ સમજ લોકોના મનમાં ઊંડાણ સુધી નહિ ઊતરી જાય, ત્યાં સુધી એકબીજાથી આગળ નીકળવાના પ્રયત્નો કે વિચારોનો પ્રભાવ જોવા મળે છે. આવી વિચારધારા એકાત્મતાની ભાવનાને જન્મવા દેતી નથી.
 
જો પ્રકૃતિને માનવીય જરૂરિયાતો અને ઇચ્છાપૂર્તિનું માધ્યમ સમજવામાં આવે, ત્યારે તેનું શોષણ શરૂ થઈ જાય છે, આપણે પ્રકૃતિને દાસી સમજવા લાગીએ છીએ, જે માત્ર આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે છે એવું ગણીને આપણે પ્રકૃતિને અસંતુલિત કરી દઈએ છીએ. પરંતુ આપણે જો સમજી લઈએ કે, ઊર્જાનો માત્ર એક જ સ્રોત છે, તે આપણા સૌમાં પ્રત્યેક મનુષ્ય, પશુ, છોડ, સમગ્ર પ્રકૃતિમાં વિદ્યમાન છે, ત્યારે એક અલગ દૃષ્ટિ સામે આવે છે.
 
હિન્દુ પરંપરામાં, આ વિચાર સૌથી વિશિષ્ટ છે. અમારા ત્યાં કહેવામાં આવ્યું છે, પ્રત્યેક જીવનું સન્માન કરો. કારણ કે જે શક્તિ મારામાં છે, તે જ તમામ જીવોમાં છે. આ વિચાર માત્ર મનુષ્યો વચ્ચે જ નહિ, પરંતુ સમગ્ર પર્યાવરણ પ્રત્યે સન્માન, વિનમ્રતા અને મેળ-મિલાપને પ્રોત્સાહન આપે છે. આપણે પ્રકૃતિથી અલગ નથી. આપણે તેના અંશ જ છીએ આ સમજથી આપણે કામ કરવું જોઈએ. જેમાં આપણે ટેક્‌નોલોજીને કેવી રીતે વિકસિત કરી રહ્યા છીએ અને તેનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છીએ, તે બાબતો પણ આવી જાય છે.
 
ટેક્‌નોલોજી લાભદાયક છે કે હાનિકારક, તે કેવી રીતે પારખી શકાય?
 
ટેક્‌નોલોજીને અન્ય કોઈપણ ઉપકરણની જેમ ધ્યાનથી તપાસવી-પારખવી જોઈએ. પ્રથમ ઇકોનોમી એટલે કે આર્થિક કસોટી. શું ટેક્‌નોલોજી સંતુલિતતામાં મદદ કરે છે કે તે સમાજમાં અસમાનતા સર્જે છે? ટેક્‌નોલોજીને પારખવાની બીજી કસોટી ઇકોલોજી એટલે કે પર્યાવરણ છે. શું ટેક્‌નોલોજી પ્રકૃતિનું સન્માન કરે છે કે પ્રકૃતિનું શોષણ અને અસંતુલન વધારે છે? ત્રીજી કસોટી છે એથિક્સ એટલે કે નૈતિક પક્ષ. શું ટેક્‌નોલોજી નૈતિક રૂપથી યોગ્ય છે? શું એ તે માનવીય હિતનાં મૂલ્યોને કાયમ રાખવામાં સહાયક છે?
 
જો કોઈ ટેક્‌નોલોજી અસમાનતા જન્માવી અર્થવ્યવસ્થાને બગાડે છે કે તે પ્રકૃતિનું શોષણ કરી પર્યાવરણ સંતુલનને નુકસાન પહોંચાડે છે કે તેનામાં નૈતિક આધારની ઊણપ છે તો તે સમજી લેવું જોઈએ કે, તે સમસ્યા બની રહી છે. માટે કોઈ પણ ટેક્‌નોલોજીને ઉક્ત ત્રણ કસોટીઓ પર પારખવી જોઈએ. ટેક્‌નોલોજીનો ઉદ્દેશ્ય હંમેશાં માનવીય હિત હોવો જોઈએ. ટેક્‌નોલોજીથી સમાજ કે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર આપણું જીવન સારું બનવું જોઈએ, આવી જ ટેક્‌નોલોજી જ શ્રેયસ્કર છે.
 
આપની પરંપરામાં જ્ઞાન અને સમજમાં શો ભેદ છે?
 
અમારી પરંપરામાં જ્ઞાન અને સમજમાં સ્પષ્ટ અંતર છે. જેને અમે જ્ઞાન કહીએ છીએ તે ચીજોની સમજ કે જાગૃકતા છે, તે જાણકારી અને શીખવાનો મેળ છે. પરંતુ જેને સહજબુદ્ધિ કે પ્રજ્ઞાન કહીએ છીએ, તેમાં ઉપલબ્ધ જ્ઞાનનો કેટલો ઉપયોગ કરવાનો છે, ક્યાં કરવાનો છે અને કયા ઉદ્દેશ્ય માટે કરવો છે, તે આવી જાય છે.
 
માત્ર જ્ઞાન પૂરતું નથી. ‘જ્ઞાન’ કે ‘બુદ્ધિ’ને જો વિવેકપૂર્ણ દિશા મળતી નથી તો તે દંભ અને અહંકાર તરફ દોરી જાય છે, તેવામાં જ્ઞાનનો ખોટો ઉપયોગ થઈ શકે છે. અમારી પરંપરામાં ખૂબ બધા ગ્રંથો છે, જે આ અંતરને સમજવા માટે વિવેક પ્રદાન કરે છે. જ્ઞાન સાથે હોય ત્યારે તે ઉદ્દેશ્યપૂર્ણ અને લાભપ્રદ સાબિત થાય છે. જ્યારે જ્ઞાન વિજ્ઞાન પ્રેરિત હોય છે ત્યારે તે ન માત્ર વ્યક્તિ વિશેષ માટે, પરંતુ સમાજ અને સમગ્ર માનવતા માટે સુખદ હોય છે.
 
જ્ઞાનનું લોકતંત્રીકરણ કે જન-જન સુધી પહોંચવું કેટલું જરૂરી?
 
જ્ઞાનનું લોકતંત્રીકરણ ખૂબ જ જરૂરી છે. આજે જ્ઞાનનો ભંડાર તો છે, પરંતુ તે હંમેશા સરળતાથી પ્રવાહિત નથી થતો. માટે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની જરૂર છે જ્યાં જ્ઞાન, સર્વ વર્ગ વિશેષ, સમાજ, દેશ અને સભ્યતાઓમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. તે સૌના માટે ઉપલબ્ધ થવું જોઈએ. જેથી તમામને સમાન અવસર મળે. સાથે જ જ્ઞાન પર એકાધિકારને લઈને પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે ત્યાં તેની પહોંચ સીમિત થઈ જાય છે. કેટલીક પરંપરાઓ અંધવિશ્વાસથી ભરેલી છે તેને અસલી જ્ઞાનથી અલગ કરવી પડશે. જ્ઞાન પર કોઈ એક સમૂહનો અધિકાર ન હોવો જોઈએ. તે તમામ માટે ઉપલબ્ધ હોવું જોઈએ. જો જ્ઞાનનું લોકતંત્રીકરણ થશે તો લોકો મજબૂત બનશે, સમાજ મજબૂત બનશે, સમાજ વધારે સંતુલિત અને સમાન સ્તરે આગળ વધશે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...