
૨૧મી સદીના ત્રીજા દાયકામાં વૈશ્વિક સમુદાય એક અભૂતપૂર્વ અને અત્યંત જટિલ પડકારનો સામનો કરી રહ્યો છે. તેના કારણે આપણી સામે વૈશ્વિક ઊર્જાસંકટ આવીને ઊભું છે. બદલાતા ભૌગોલિક-રાજકીય તણાવ, સરહદી યુદ્ધો અને કુદરતી સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે આજે સમગ્ર વિશ્વમાં પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ અને કોલસાના ભાવો આસમાને આંબી રહ્યા છે. ભારત દેશ પોતાની જરૂરિયાતનું લગભગ ૮૦થી ૮૫ ટકા જેટલું ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે. અને આપણા જેવા વિશાળ અને ઝડપથી વિકાસ પામતા દેશ માટે આ સંકટ માત્ર આર્થિક બોજ પૂરતું સીમિત નથી પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતા સાથે સીધો જોડાયેલો વિષય છે. વિશ્વમાં તો યુદ્ધ શરૂ થવા સાથે જ ભાવવધારો અને કટોકટી સર્જાયાં હતાં, પણ આપણે ત્યાં તો સંઘર્ષ શરૂ થયાના લગભગ ત્રણ મહિના પછી અને એ પણ સાવ સામાન્ય ભાવવધારો થયો છે. છતાં ચિંતા તો કરવી જ રહી કારણ કે વધતા ભાવો દેશના સમગ્ર અર્થતંત્ર, સામાન્ય મોંઘવારી અને નાગરિકોના રોજિંદા બજેટ પર સીધી અસર કરે છે. આવા સમયે વિદેશી ધરતી પરના પરાવલંબનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવીને ઊર્જાક્ષેત્રે ‘સ્વનિર્ભર’ બનવું એ વર્તમાન સમયની સૌથી મોટી અને અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે.
સંઘના પંચ પરિવર્તનને આધારે ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા
આ સંદર્ભમાં વિશેષ વિચાર કરીએ તો દેશના વિરાટ સેવાભાવી સંગઠન - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિતે, સમાજ પરિવર્તન અને રાષ્ટ્ર ઉત્થાનના હેતુથી રજૂ કરાયેલું ‘પંચ પરિવર્તન’ મોડેલ યાદ આવે છે. પંચ પરિવર્તનના મુદ્દાઓ દેશ માટે એક મહત્ત્વપૂર્ણ દિશાચિહ્ન સાબિત થઈ શકે તેમ છે. પંચ પરિવર્તનના પાંચ પ્રમુખ આયામોમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય અને ‘સ્વ’નું પ્રગટીકરણ સામેલ છે. તેમાંથી ‘સ્વ’ અને ‘પર્યાવરણ’નો મુદ્દો ઊર્જા ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની અસલી ચાવી ધરાવે છે. જ્યાં સુધી આપણે ઊર્જાના વપરાશ અને તેના ઉત્પાદનમાં પશ્ચિમી મોડેલના આંધળા અનુકરણને તિલાંજલિ નહીં આપીએ અને આપણાં પોતાનાં સંસાધનો, આપણી પરંપરાગત જીવનશૈલી એટલે કે આપણા મૂળભૂત ‘સ્વ’ તરફ પાછા નહીં વળીએ, ત્યાં સુધી સાચી ઊર્જા સ્વતંત્રતા માત્ર એક કલ્પના જ બની રહેશે.
આજે આપણી નજર સામે આયાતી ઈંધણ પર નિર્ભર રહેનારી મોટી મોટી અર્થવ્યવસ્થાઓ પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઈ રહી છે. મધ્ય-પૂર્વના દેશોમાં ચાલતી અસ્થિરતા હોય, રશિયા-યુક્રેન સંઘર્ષ હોય કે પછી હોર્મુઝની સામુદ્રધુની જેવા સંવેદનશીલ દરિયાઈ વ્યાપારી માર્ગો પર સર્જાતો તણાવ હોય - આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોને તે પળભરમાં અનિયંત્રિત કરી મૂકે છે. ભારત દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની આકરી કમાણી માત્ર કાચું તેલ ખરીદવામાં જ હોમી દે છે, જે આપણી રાજકોષીય ખાધ વધારે છે અને ભારતીય રૂપિયાને નબળો પાડે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો માત્ર વાહનચાલકોને જ નથી નડતા, પણ તેનાથી પરિવહન ખર્ચ વધતાં અનાજ અને શાકભાજીથી લઈને તમામ જીવનજરૂરી ચીજો મોંઘીદાટ બને છે. આ એક એવો ચક્રવ્યૂહ છે, જેમાંથી બહાર નીકળવા માટે ભારતે ઊર્જા સુરક્ષાના જૂના પરાવલંબી ઢાંચાને બદલીને અસલી ‘સ્વદેશી ઊર્જા મોડેલ’ ત્વરિત ગતિએ અપનાવવું જ પડશે.
‘સ્વ’ના વિચારનો અર્થ કોઈ સંકુચિતતા કે અહંકાર નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ, પોતાની આંતરિક ક્ષમતા અને દેશની ભૌગોલિક પ્રકૃતિને અનુરૂપ વ્યવસ્થાઓ ઊભી કરવી તે છે. ગુલામીના લાંબા કાળખંડ અને સ્વાધીનતા પછી પણ દાયકાઓ સુધી આપણે પશ્ચિમના વિકાસના માપદંડોને જ સાચા માનીને ભૂલો કરતા રહ્યા છીએ. પશ્ચિમી મોડેલ અનિયંત્રિત ભોગવાદ અને પ્રકૃતિના શોષણ પર આધારિત છે, જ્યારે ભારતનું ‘સ્વ’ આધારિત મોડેલ પ્રકૃતિના દોહન અને સંતોષની સંસ્કૃતિ પર ટકેલું છે. ઊર્જાના ક્ષેત્રમાં ‘સ્વ’ના પ્રગટીકરણનો સીધો અર્થ એ થાય કે આપણે આપણી ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ ઊર્જા સ્રોતોનો વિકાસ કરીએ, વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડીએ અને સામૂહિક તેમજ વ્યક્તિગત સ્તરે ઊર્જાની બચતને એક સંસ્કાર અને નાગરિક કર્તવ્ય બનાવીએ. જ્યારે કોઈ રાષ્ટ્ર ઊર્જા ક્ષેત્રે પરાધીન હોય ત્યારે તે પોતાની વિદેશ નીતિ કે આર્થિક નીતિઓ મુક્તપણે ઘડી શકતું નથી, તેથી જ સાચી સ્વાધીનતા માટે ઊર્જામાં ‘સ્વ’નો પરચો દેખાય તે પ્રગટીકરણ અનિવાર્ય છે.
આ ‘સ્વ’નું પ્રગટીકરણ વ્યવહારમાં કેવી રીતે લાવી શકાય તેનો શ્રેષ્ઠ માર્ગ સૂર્ય ઉપાસના એટલે કે સૌરઊર્જા છે. ભારત એક એવો ભાગ્યશાળી દેશ છે જ્યાં વર્ષના ૩૦૦થી વધુ દિવસો સુધી કુદરતી અને ભરપૂર સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં સૂર્યને ઊર્જાના અખૂટ સ્રોત અને સાક્ષાત્ દેવ માનવામાં આવ્યા છે. આ જ વૈચારિક બળ સાથે ભારતે વૈશ્વિક સ્તરે ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’નું નેતૃત્વ લીધું છે અને જગતને ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ’નો મંત્ર આપ્યો છે. હવે આ વિચારને ઘરગથ્થુ સ્તરે લઈ જઈને દરેક ઘરની છત પર સોલાર રૂફટોપ પેનલ લગાવીને નાના પાવર હાઉસ ઊભાં કરવાં પડશે. જો સામાન્ય નાગરિક પોતાની છત પર સોલાર અપનાવે, તો તે માત્ર પોતાના વીજળીના બિલમાંથી જ મુક્ત નથી થતો, પણ રાષ્ટ્રીય ગ્રીડ પરનું ભારણ ઘટાડીને દેશહિતનું મોટું કામ કરે છે. સૌથી આનંદ પમાડે તેવી ઉપલબ્ધિ એ છે કે, ૨૦૧૪ પહેલાં માત્ર ૨.૬૩ ગીગાવૉટની સોલાર એનર્જી ઉત્પન્ન થતી હતી. તે આજે ૯૩.૭ ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે.
સૌર ઊર્જાની સાથે આપણો કૃષિપ્રધાન દેશ બાયો-એનર્જી અને બાયોફ્યુઅલના ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી શકે તેમ છે. આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પશુધન અને કૃષિકચરો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. શેરડીના કૂચા, બગાસ અને નકામા અનાજમાંથી ઇથેનોલ બનાવીને તેને પેટ્રોલમાં ભેળવવાની વર્તમાન નીતિ દેશ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આનાથી ખેડૂતોના ઘરમાં સમૃદ્ધિ આવે છે અને વિદેશ વહી જતું હૂંડિયામણ બચે છે, જે સાચા અર્થમાં ‘સ્વદેશી’ આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે. ગ્રામીણ વિસ્તારોમાં ગોબરધન યોજના અને બાયો-સીએનજી જેવા પ્રકલ્પો દ્વારા જો પ્રત્યેક ગામ પોતાની ઊર્જા જાતે પેદા કરતું થઈ જાય, તો આપણા ‘ગ્રામ સ્વરાજ’ અને ‘સ્વ’ના સપનાને જમીન પર સાકાર થતાં વાર નહીં લાગે. આ ઉપરાંત, ભવિષ્યની અદ્યતન ઊર્જા ગણાતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ભારત જે રીતે વૈશ્વિક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તે આપણને આવનારા દિવસોમાં ઊર્જાના વૈશ્વિક લીડર બનાવશે.
ઊર્જાની સ્વનિર્ભરતા માત્ર નવા સ્રોતો શોધવાથી જ નહીં, પણ ઊર્જાના વિવેકપૂર્ણ વપરાશ અને સંયમથી આવશે. પશ્ચિમી જગતનો એવો ભ્રમ રહ્યો છે કે ઊર્જાનો અંધાધૂંધ વપરાશ એ જ વિકાસની નિશાની છે, પરંતુ ભારતની વૈદિક વિચારધારા આપણને ત્યાગપૂર્વક ભોગવવાનો સંદેશ આપે છે. રોજિંદા જીવનમાં બિનજરૂરી વીજળીનો વપરાશ ટાળવો, અંગત વાહનોના સ્થાને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું એ પર્યાવરણ અને દેશ બંનેના હિતમાં છે.
વૈશ્વિક ઊર્જા સંકટ આપણી સામે એક મોટો પડકાર જરૂર છે, પરંતુ તેની બીજી બાજુ એ છે કે તે આપણી સુષુપ્ત ક્ષમતાઓને ઓળખવાની અને ઊર્જાક્ષેત્રે કાયમી આત્મનિર્ભર બનવાની એક સુવર્ણતક પણ છે. પંચ પરિવર્તનનો આ મંત્ર આપણને સતત એ જ યાદ અપાવે છે કે, આપણી તમામ સમસ્યાઓનું સમાધાન બહારની દુનિયામાં કે પશ્ચિમી અંધાનુકરણમાં નથી, પરંતુ આપણા પોતાના ‘સ્વ’ના જાગરણમાં જ છુપાયેલું છે. જ્યારે ભારત દેશ પોતાના અખૂટ સૌર સંસાધનો, સમૃદ્ધ કૃષિ આધારિત બાયો-ઊર્જા, ગ્રીન ટેકનોલોજી અને નાગરિકોના સંયમિત જીવનવ્યવહારને એક તાંતણે બાંધીને આત્મવિશ્વાસથી બેઠો થશે, ત્યારે જ સાચા અર્થમાં ‘ઊર્જા સ્વાતંત્ર્ય’નો ઉદય થશે. પેટ્રોલ-ડીઝલની વિદેશી નિર્ભરતાની બેડીઓ તોડીને ‘સ્વ’ના તેજથી ઊર્જાવાન બનેલું ભારત જ ૨૧મી સદીમાં વિશ્વને સાચી દિશા બતાવવા સક્ષમ બનશે.
સ્વદેશી ઊર્જા વિકલ્પો : દેશના અર્થતંત્રનાં ગેમ-ચેન્જર
ઊર્જા ક્ષેત્રે ‘સ્વદેશી’ વિકલ્પો જેવા કે સૌરઊર્જા, બાયોયુઅલ (ઇથેનોલ) અને ગ્રીન હાઇડ્રોજન અપનાવવાથી ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવા તરફ મોટી છલાંગ લગાવી શકે છે. આપણી રોજિંદી આદતોમાં પરિવર્તન લાવીને જ્યારે આપણે વિદેશી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડીએ છીએ, ત્યારે દેશના અર્થતંત્રમાં નીચે મુજબના ક્રાંતિકારી સુધારા જોવા મળી શકે છેઃ
વિદેશી હૂંડિયામણની અભૂતપૂર્વ બચત : ભારત હાલમાં તેની જરૂરિયાતનું ૮૫%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જેના માટે આપણે દરરોજ અંદાજે ૪,૬૦૦ કરોડ રૂપિયા વિદેશોમાં મોકલીએ છીએ. જો આપણે માત્ર ૨૦% પણ સ્વદેશી વિકલ્પો (જેમ કે ઇલેક્ટ્રિક વાહનો અને ઇથેનોલ બ્લેન્ડિંગ) તરફ વળીએ, તો વાર્ષિક લાખો કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ દેશમાં જ બચાવી શકાય.
જીડીપીમાં ધરખમ વધારો : ઊર્જાક્ષેત્રે સ્વનિર્ભરતા આવવાથી દેશની રાજકોષીય ખાધ (Fiscal Deficit) નહિવત્ થઈ જશે. જ્યારે સ્થાનિક સ્તરે ઊર્જાનું ઉત્પાદન વધે છે, ત્યારે ઉત્પાદન ખર્ચ ઘટે છે. અર્થશાશાસ્ત્રીઓના મતે, ઊર્જા આત્મનિર્ભરતાથી ભારતના જીડીપીના વિકાસદરમાં સીધો ૧.૫%થી ૨%નો વધારો થઈ શકે છે.
રોજગારીની નવી તકોનું સર્જન : સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ્સ અને ગ્રામીણ વિસ્તારોમાં ગોબરધન યોજના કે બાયો-સીએનજી પ્લાન્ટ્સ શરૂ થવાથી સ્થાનિક સ્તરે લાખો નવી ગ્રીન જોબ્સ ઊભી થશે. ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને યુવાનોને પોતાના ગામમાં જ રોજગારી મળશે.
મજબૂત અને સ્થિર અર્થતંત્ર : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો વધવાને કારણે દેશમાં જે મોંઘવારીનો ઝટકો લાગે છે, તે કાયમ માટે બંધ થઈ જશે. સ્થાનિક ઊર્જા આપણને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ સામે સુરક્ષા કવચ આપશે, જેનાથી ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ રાષ્ટ્ર બનશે.